મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૨)
Revision as of 05:59, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
પદ (૩૨)
મીરાં
મારી દસ આંગળીઓ થઈ છે લાલ, હું તો સપનામાં પરણી શ્રી ગોવિંદને.
કાશી ગામના રૂડા જોશી તેડાવું, હું તો રૂડા જોશ જોવડાવું. હું તો
વાંસ મંગાવું હરિયા બાગના, હું તેના રૂડા મંડપ રચાવું. હું તો
ગંગાજમુનાની રૂડી ગોરમટી મંગાવું, હું તો તેની રૂડી ચોરીઓ ચીતરાવું. હું તો
અટપટી પાઘ કેસરિયા વાઘા, રેશમી સુરવાલી સીવરાવું. હું તો
કેસરી તિલક કરું ભાલ, મારા વા’લા! હાથે બાજુબંધ પે’રાવું. હું તો
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમલ ચિત્ત લાવું. હું તો