મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૧

Revision as of 06:37, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧

અખાજી

શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
નેજા રોપ્યા નિજ ઘામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.

નૂરત સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળમળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.

વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.

માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાશે.

ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;
અખો આનન્દશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.