મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા કડવું ૩

Revision as of 06:53, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૩

અખાજી

અણછતો આતમા તે શું ઊચરે,
આપનુંં વર્ણવ તે આપે કરે;
જીવતણું પદ તે જોતાં નહિ શરે,
સાંખ્યયોગ જોતાં જે હરિ ઊગરે.          ૧

ઊથલો:
  ઊગરે જે વિચાર કરતાં બ્રહ્માદિક જે ગ્રહી રહ્યા;
તમો તે હરિને ઓળખો, જે આદ્ય પુરુષે અજને કહ્યા.          ૨

જે પદ શિવના તંન પ્રત્યે દત્તે કહ્યું વિશદ કરી,
આકશવત્ કેરી કથા, ભાઈ, ષડાનને ઉરમાં ધરી.          ૩

વિધે વશિષ્ઠે કહી કથા રઘુનંદનને જેહ,
અર્ણવ બ્રહ્મવિદ્યા તણો, ભાઈ, દેખાડ્યો છે તેહ.          ૪

અનંત પ્રકારે અચ્યુતે ભારતને કહ્યું જ્ઞાન,
ગીતા ગાઈ ગોવિંદે કર્મયોગ નિદાન.          ૫

સમઝાવ્યા સાને કરી જનકે જે શુકદેવ,
મહામુક્ત થઈ સંચર્યા જ્યારે પ્રીછ્યો અંતરનો ભેવ.          ૬

ભીષ્મે ભગવાન સાંનિધ્યે પાંડવ પ્રત્યે જે કહ્યું,
શાંતિ પર્વે શાંતિ કીધા, હત્યાનું હારદ ગયું.          ૭

વેદવ્યાસે વેદ વહેંચ્યા, કર્મધર્મ પોષ્યા જીવને;
પણ દાઝે લાગ્યા દાઝવા, ભાઈ, જો જાણ્યો નહિ શિવને.          ૮

પછે નારદે નારાયણ કેરું નિજ જ્ઞાન કહ્યું મહાદ્વિજને;
ત્યારે દ્વીપાયનની દાઝ ભાગી, જ્યારે ક્રિયા કીધી સંતજને.          ૯

શિવે કહ્યું જે શિવા પ્રત્યે, નિરાલંબ નિજ ધામ;
અમર કીધો આતમા અદ્યાપિ સહસ્ર નામ.          ૧૦

કહે અખો: વસ્તુ જ્ઞાન વિના કુશલ ન હોયે જંતને;
નિજ ધામ હીંડો જાણવા તો સેવો હરિ-ગુરુ-સંતને.          ૧૧