મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /સુદામાચરિત્ર કડવું ૧૩

Revision as of 07:52, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧૩

પ્રેમાનંદ

રાગ રામગ્રી
શુકજી ભાખે હરિગુણગ્રામ જી, ગોઠવણ કરતાં આવ્યું ગામ જી;
દીઠાં મંદિર કંચનધામ જી, ઋષિ વિચારે: ‘શું ભૂલ્યો ઠામ જી? ૧
ઢાળ
ઠામ ભૂલ્યો પણ ગામ નિશ્ચે, ધામ કો ધનવંતનાં;
એ ભવનમાં વસતો હશે, જેણે સેવ્યાં ચરણ ભગવંતનાં.’          ૨

એવું વિચારીને વિપ્ર વળિયો, નગરી અવલોકન કરી;
એંધાણી સહુ જોતો જોતો આવ્યો મંદિર તે ફરી.          ૩

પછે સુદામો સાંસે પડિયા, વિચાર કીધો વેગળે જઈ:
‘આ ભવન ભારે કોણે કીધાં? કુટિર મારી ક્યાં ગઈ?          ૪


સંકલ્પ-વિકલ્પ કોટિ કરતો, આવાગમન-હીંડોળે ચડ્યો;
બારીએ બેઠાં પંથ જોતાં કંથ સ્રીની દૃષ્ટે પડ્યો.          ૧૨

સાહેલી એક સહસ્ર સાથે સતી જતી પતિને તેડવા;
જલ-ઝારી ભરીને નારી જાયે, જ્યમ હસ્તિની કળશ ઢોળવા.          ૧૩

હંસગામિની હર્ષપૂરણ, અભિલાષ થયા મન-ઇચ્છિયા;
ઝમક ઝાંઝર, ઠમક ઘૂઘર, વાજે અણવટ-વીંછિયા.          ૧૪

સાહેલી સર્વ વીંટી વળી, પછે પદ્મિની લાગી પાય;
પૂજા કરી પાલવ ગ્રહ્યો, તવ ઋષિજી નાઠા જાય.          ૧૫
દિશ ન સૂઝે, વપુ ધ્રૂજે, છૂટી જટા, ઉઘાડું શીશ;
હસ્તે ગ્રહવા જાય સ્રી તવ ઋષિજી પાડે ચીસ.          ૧૬

‘હું સહેજે જોઉં છું ઘર નવાં, મુને નથી કપટ-વિચાર;
હું વૃદ્ધ ને તમો યુવા નારી, છે કઠણ લોકાચાર.          ૧૭

ભોગાસક્ત હું નથી આવ્યો, મુને પરમેશ્વરની આણ;
જાવા દ્યો મુને શોભા સાથે, તમને હજો કલ્યાણ.          ૧૮

આ નગરમાં કો નરપતિ નથી, દીસે છે સ્રીનું રાજ;
પાપણીઓ! ઈશ્વર પૂછશે, મુને કાં આણો છો વાજ?’          ૧૯

ઋષિપત્ની કહે: ‘સ્વામી મારા! રખે દેતા શાપ!
દુ:ખદારિદ્ર ગયાં, ને ઘર થયાં, શ્રીકૃષ્ણચરણ-પ્રતાપ.’          ૨૦

એવું કહી કર ગ્રહી ચાલી, સાંભળ પરીક્ષિત ભૂપ!
સુદામો પેઠા પોળ માંહે, થયું કૃષ્ણના સરખું રૂપ.          ૨૧
વલણ
રૂપ બીજા કૃષ્ણનું, ગઈ જરા, જોબન થયું;
બેલડીએ વળગ્યાં દંપતી, રતિકામ-જોડું લજાવિયું.          ૨૨