મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૨.વીનવે દેવકી હો

Revision as of 09:10, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨.વીનવે દેવકી હો|પ્રેમાનંદ}} <poem> વીનવે દેવકી હો, વીરાને વલવલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨.વીનવે દેવકી હો

પ્રેમાનંદ

વીનવે દેવકી હો, વીરાને વલવલી;
માનને માગે હો, મુખે દશ આંગળી.          ૧

માનુષી દેહ ધરી હો, વિપત્તિ શી આવડી!
કોણ મુકાવે હો, નહીં પિતા માવડી.          ૨

ભાઈ, તેં ઉછેરી હો, નમાઈ હું રાંકડી;
કેમ સહું રાતી હો, વીરાજીની આંખડી.          ૩

ક્યાં ભોગવશો હો, પાપનો પોટલો;
શિર મારું દુખે હો, તાણો મા ચોટલો.          ૪

માળા મારી ત્રૂટી હો, પડે કર મુદ્રાડી,
દેખે અંગ લોકડાં હો, ખસી મારી ચૂંદડી.          ૫

જે પરણાવે હો, તે વધ કેમ કરે?
મીંઢળ નથી છૂટ્યાં હો, નવ ગઈ સાસરે.          ૬

તંબોળ પરણ્યાનો હો, સૂક્યો નથી સાવલિયે;
મારો મા, કોડભરી હો, લાગું છું પાવલિયે.          ૭

એમ વલવલતી હો, રોતી ગજગામિની;
દેવકી રોતાં હો, રોઈ પ્રજા ગામની.          ૮

રોયા ગગને દેવતા હો, રોયા વસુદેવ પતિ;
પણ નિરદે કંસને હો, દયા નથી આવતી.          ૯