મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૨૩

Revision as of 09:31, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨૩|વિશ્વનાથ}} <poem> (દુહો) ઉદ્ધવને અબલા કેહે: તેડી આવો શામ; ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૨૩

વિશ્વનાથ

(દુહો)
ઉદ્ધવને અબલા કેહે: તેડી આવો શામ;
ગોવિંદજી! ગમતાં કરો ગોકુલ આવી કામ.          ૧

ના ન કહીયે, કાહાનજી! મનમાં રાખી માન;
મથુરામાં વસતાં વલી નહીં વ્રીજ્યવાસીને શાન.          ૨

(ગીત)
ઉદ્ધવ! આજ મથુરાં જઈ કેહેજ્યો કોહોને રે;
એમ ન કીજે નાથ! મલે મોહો મોહોને રે.          ૩

લઘુવે લાડ લડાવિયાં, કેહેજ્યો કોહોને રે,
આમ મેહેલવાં હાથ? મલે મોહો મોહોને રે.          ૪

આલ કરતો અતિ ઘણું કેહેજ્યો કોહોને રે,
 ન કહ્યાં કઠણ વચંન, મલે મોહો મોહોને રે.          ૫

મથુરાંમાં વસવું ગમ્યું, કેહેજ્યો કોહોને રે,
અમ્યો ઉતારી મંન! મલે મોહો મોહોને રે.          ૬

સાર વસ્તુ સઘલી હરી, કેહેજ્યો કોહોને રે,
લોપી કુલની લાજ, મલે મોહો મોહોને રે.          ૭

વલી વચન નવ્ય કહી સકાં, કેહેજ્યો કોહોને રે,
ને જ્ઞાન-જ્યોગ થયો આજ, મલે મોહો મોહોને રે.          ૮

શાહાને શીશ ચઢાવિયાં? કેહેજ્યો કોહોને રે,
કીધાં નાહાનાં કામ, મલે મોહો મોહોને રે.          ૯

છાવપણાંનાં છાંદુઆં, કેહેજ્યો કોહોને રે,
કાં મેહેલાવો મામ? મલે મોહો મોહોને રે.          ૧૦

કોણ કંસની કિંકરી? કેહેજ્યો કોહોને રે,
સુણતાં વાદ્યે શોક,મલે મોહો મોહોને રે.          ૧૧

ચ્યતુરપણું ચરચાવિયું, કેહેજ્યો કોહોને રે,
આમ હસાવ્યા લોક,મલે મોહો મોહોને રે.          ૧૨

મલ્યા પૂઠી મન ઉતારે, કેહેજ્યો કોહોને રે,
એ રૂડાની નહીં રીત્ય, મલે મોહો મોહોને રે.          ૧૩

એહે હૂંતી જો આવડી, કેહેજ્યો કોહોને રે,
તો શાહાને કીધી પ્રીત્ય? મલે મોહો મોહોને રે.          ૧૪

વન વિષે વનચર ભલાં, કેહેજ્યો કોહોને રે,
વેદ્યાં આપે પ્રાણ, મલે મોહો મોહોને રે.          ૧૫

ચઢ્યો રંગ ક્યમ ઊતરે, કેહેજ્યો કોહોને રે,
એમ ભાખે વેદ પુરાણ, મલે મોહો મોહોને રે.          ૧૬

મનમાં મંન ભલ્યા પછી, કેહેજ્યો કોહોને રે,
અલગું કેહી વિધ થાયે? મલે મોહો મોહોને રે.          ૧૭

પ્રાણ રેહે તો અતિ ભલું, કેહેજ્યો કોહોને રે,
દેહ તજીને જાય, મલે મોહો મોહોને રે.          ૧૮


નગરનિવાસી નહીં અમ્યો, કેહેજ્યો કોહોને રે,
મુખ બોલે મધુર વચન, મલે મોહો મોહોને રે.          ૧૯

લાલચ્યથી લબશી પડે, કેહેજ્યો કોહોને રે,
કપટી કૂડાં મંન, મલે મોહો મોહોને રે.          ૨૦

ભોલી ગત્ય ભરૂઆડની કેહેજ્યો કોહોને રે,
મેલ નહીં લવ લેશ, મલે મોહો મોહોને રે.          ૨૧

અતિ શાણાને શીખવો, કેહેજ્યો કોહોને રે,
ઉદ્ધવના ઉપદેશ, મલે મોહો મોહોને રે.          ૨૨

જો શીખામણ દેવી ઘટે, કેહેજ્યો કોહોને રે,
તો પધારોજી આમ, મલે મોહો મોહોને રે.          ૨૩

મીટ જોઈ મનમાં ધરો, કેહેજ્યો કોહોને રે,
આખું ગોકુલ ગામ, મલે મોહો મોહોને રે.          ૨૪

ઉદ્ધવ! આ ગત્ય લોકની, કેહેજ્યો કોહોને રે,
નથી, પ્રીછતું કોય, મલે મોહો મોહોને રે.          ૨૫

એહેવાંને અંગ આપિયે, કેહેજ્યો કોહોને રે,
તારે એમ જ હોયે, મલે મોહો મોહોને રે.          ૨૬

સંધેશા સઘલા સુણ્યા, કેહેજ્યો કોહોને રે,
અમ્યો ઓલખ્યો એહ, મલે મોહો મોહોને રે.          ૨૭

જ્યાની જડ શું જોડાશે? કેહેજ્યો કોહોને રે,
અનંત અમારો નેહ, મલે મોહો મોહોને રે.          ૨૮