પદ્મિની/લેખક-પરિચય

Revision as of 06:03, 16 August 2021 by KhyatiJoshi (talk | contribs)
લેખક-પરિચય : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણી (1911 -1960) ભાવનગર પાસેના ઉમરાળામાં જન્મેલા, દક્ષિણામૂતિર્(ભાવનગર)માં કેળવાઈને કોલેજ-અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠમાં ગયેલા, ત્યાંથી શાંતિનિકેતન જઈને અંગ્રેજીમાં સ્નાતક થયેલા ને પછી અમેરિકા જઈને અર્થશાસ્ત્ર-સમાજશાસ્ત્ર-રાજ્યશાસ્ત્ર-પત્રકારત્વનું અધ્યયન કરી એમ.એ. પીએચ.ડી. થયેલા શ્રીધરાણી ગાંધીયુગીન તેમજ અનુ-ગાંધીયુગીન સમયગાળાના એક તેજસ્વી ગુજરાતી કવિ અને નાટ્યકાર હતા. 49ની વયે દિલ્હીમાં, હૃદયરોગથી એમનું અવસાન થયેલું. ઘણી નાની વયથી કાવ્ય-રચના કરનાર શ્રીધરાણીની, વિસ્મયની તાજપવાળી કલ્પનાશક્તિ, છંદ-લયની સુઘડતા અને પદાવલીની મધુરતાવાળી ‘પતંગિયું ને ચંબેલી’ જેવી કાવ્યરચનાઓએ આરંભકાળે જ ધ્યાન ખેંચેલું. એ જ રીતે, વિરૂપ વાસ્તવિકતાનું વ્યંગ-કટાક્ષકેન્દ્રી તિર્યક્ આલેખન, પદાવલીનું કરકરું પોત અને અરૂઢ કલ્પન-પ્રતીક-રચના ધરાવતી એમની ‘આઠમું દિલ્હી’ જેવી ઉત્તરકાલીન કવિતાએ પણ એમની આગવી મુદ્રા ઉપસાવેલી. અખૂટ વિસ્મયની સાથે કઠોર નિર્ભ્રાન્તિ, સ્વપ્નિલ ભાવનાશીલતાની સાથે નવીન યુગબળોએ જગવેલી સંપ્રજ્ઞતા એમની કવિતાની જેમ એમનાં ‘વડલો’થી લઈને ‘મોરનાં ઈંડાં’ સુધીનાં નાટકોમાં પણ નિરૂપણ પામતાં રહ્યાં. એમણે ‘ઇન્સાન મિટા દૂંગા’(ગુજરાતી) જેવી કેટલીક પ્રસંગલક્ષી વાર્તાઓ પણ લખેલી.

યુવાન વયે (1934-46) કરેલા વિદેશ-વસવાટે ઘણાં વર્ષ એમનું ગુજરાતી સાહિત્યલેખન અટકી રહેલું. પરદેશથી પાછા આવ્યા પછી સર્જક તરીકે એમની એક નવીન મુદ્રા ઊપસી. વિદેશમાં એમની એક મહત્ત્વની પ્રતિભા વિચારક-પત્રકારની રહી. એ શક્તિવિશેષ એમના કેટલાક અંગ્રેજી ગદ્યગ્રંથોમાં પ્રગટેલો છે. એમની અંગ્રેજી આત્મકથા ‘My India, My America’ વ્યક્તિ, પરિવાર, દેશ, વિશ્વ ને સંસ્કૃતિ-વિચારને વ્યાપક ફલક પર આલેખતી ધ્યાનાર્હ કૃતિ છે.

— રમણ સોની