મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૧૮

Revision as of 11:30, 16 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧૮| ગંગાસતી}} <poem> મરજીવા થઈને અસળ વચન કોઈ દી સળે નહીં રે :::...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧૮

ગંગાસતી

મરજીવા થઈને
અસળ વચન કોઈ દી સળે નહીં રે
તે તો અહોકાળ ગાળે ભલે વનમાં,
સતગુરુ સાનમાં પરિપૂરણ સમજ્યા,
તેને અહંભાવ આવે નહીં મનમાં –

ભાઈ રે! શરીર પડે વચન ચૂકે નહીં
ગુરુજીના વેચ્યા તે તો વેચાય;
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા
પણ બીજો બોધ નો ઠેરાય.          – અસલ૦

ભાઈ રે! મરજીવા થૈને કાયમ રમવું, પાનબાઈ!
વચન પાળવું સાંગોપાંગ,
ત્રિવિધના તાપમાં જગત બળે છે
તેનો નૈ લાગે તમને ડાગ.          – અસલ૦

ભાઈ રે! જીવનમુક્તની દશા પ્રગટશે,
હાણ ને લાભ મટી જોને જાય,
આશા ને તૃષ્ણા એકે નહીં ઉરમાં
પરમ ભક્ત તે કહેવાય.          – અસલ૦

ભાઈ રે! દૃઢતા રાખો તો તમે એવી રીતે રાખજો
જેથી રીઝે નકળંક રાય,
ગંગાસતી એમ બોલિયાં
તેને નહીં માયા કેરી છાંય.          – અસલ૦