મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૪

Revision as of 07:34, 18 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|પ્રીતમ}} <poem> જીભલડી રે! જીભલડી રે! તને હરિગુણ ગાતાં, આવડુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પદ ૪

પ્રીતમ

જીભલડી રે!
જીભલડી રે! તને હરિગુણ ગાતાં, આવડું આળસ ક્યાંથી રે?
લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે.          ૧

પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે;
ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.          ૨

ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?          ૩

તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ લેવરાવો રે;
પરથમ તો મસ્તક નહિ નમતું, પછી નામ શું સંભળાવો રે?          ૪

રામનામનું દામ ન બેસે, કામ ખંડે નહિ કરવું રે;
સહેજે પાર પંથનો આવે, ભજન થકી ભવ તરવું રે.          ૫

જેનું નામ જપે જોગેશ્વર, શંકર શેષ વિરંચિ રે;
કહે પ્રીતમ પ્રભુ-નામ વિસાર્યું, તે પ્રાણી પરપંચી રે.          ૬