મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૧

Revision as of 05:06, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧|મુક્તાનંદ}} <poem> ઓધવજી અમને ::: (રાગ: ધોળ) ઓધવજી અમને દુ:ખ દી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧

મુક્તાનંદ

ઓધવજી અમને
(રાગ: ધોળ)
ઓધવજી અમને દુ:ખ દીધું વાલમે,
કો’કો આગળ કહિયે દુ:ખની વાત જો;
મોહનવર મથુરાં જઈ પાછા નાવિયા,
કીધી અમશું કાનકુંવરે ઘાત જો.          ઓધવજી

લાલચડી તજીયે તો મહા સુખ પામિયે,
વેશ્યા કેરાં વચન ગ્રહી ઉપદેશ જો;
પરમ નિરાશી થૈ બોલી છે પીંગળા,
એમાં ઓધવ જૂઠું નહિ લવલેશ જો.          ઓધવજી

આશામાં અતિશે દુ:ખ સર્વે જાણીએ,
તોયે ટળે નહીં કાનકુંવરની આશ જો;
કઠણ ઘણી છે આશ અમારે મેલતાં,
આશ તજ્યે જાય ગોપી ના શ્વાસ જો.          ઓધવજી
જાદુડાં જાણે છે કાન ગોવાળિયો,
એનો મારગ મૂક્યો નવ મુકાય જો.
મુક્તાનંદને નાથ લગાડી મોહની,
હવે અમે એનો શો કરિયે ઉપાય જો.          ઓધવજી