મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૪)
દયારામ
વાંકું મા જોશો વરણાગિયા! જોતાં કાળજડામાં કાંઈકાંઈ થાય છે! હો જી રે!
અણિયાળી આંખે વ્હાલમ! પ્રાણ મારા પ્રોયા છે;
મોહન મુખડું જોઈ મન મારું મોહાય છે, હો જી રે!
મંદમીઠી હસણી તે તો મોહનીનો ફંદ છે;
તેમાં પડ્યા પછી કેણે નીકળાય છે? હો જી રે!
નખશિખ રૂપ રસિક, મધુર, મનોહર;
જ્યાં જોઉં ત્યાં આંખ ઠરી જાય છે! હો જી રે!
નાસિકાનું મોતી ઝૂમી રહ્યું છે અધર પર;
તેમ મન મારું હાં રે ઝોલા ખાય છે! હો જી રે!
અબળાજન મોહાય તેમાં કૌતક કહેવાય નહીં;
મોટા કામ જેવા ફૂટડા વ્હેવાય છે! હો જી રે!
આતુરતા આગે અંતર દોષ દર્દ છે,
તે પર આધીન થકી સહેવાય છે, હો જી રે!
નટવર નાગર રસિક મુગટમણિટ;
જગમોહન રૂપ શાસ્ર ગાય છે, હો જી રે!
દયાના પ્રીતમની મીઠી મોરલી સૂણી જેણે
તે તો વણમૂલે સર્વ વેચાય છે! હો જી રે!