મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૦૦.ધનો/ ધના ભગત
ધનો / ધના ભગત(૧૯મી સદી પૂર્વાર્ધ)
ધના ભગત/ધનોજી તરીકે જાણીતા આ કવિએ થોડાંક ભક્તિપદો ઉપરાંત ‘માતાજીની હમચી’ નામની એક કૃતિ પણ રચી છે. ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ એ પદથી એ વિશેષ જાણીતા થયેલા છે.
૨ પદો
૧
.રામબાણ વાગ્યાં હોય તે જાણે
રામબાણ વાગ્યાં હોય તે જાણે! પ્રભુનાં બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે? રામબાણ વાગ્યાં હોય તે જાણે.
ધ્રુવને લાગ્યાં, પ્રહ્લાદને લાગ્યાં, તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં, એ તો વેદ-વચન પ્રમાણે. રામબાણ
મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત સ્તક પર મેલ્યું, પત્ની-પુત્ર બેઈ તાણે. રામબાણ
મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને, રાણોજી ખડ્ગ જ તાણે;
વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. રામબાણ
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધનો ભગત ઉર આણે. રામબાણ
૨
હે કોઈ અલખ આરાધો, હે બોલે બાવનની બહાર;
નિગમ ‘નેતિ’ કહે છે, વાણીની પાર રે. હે કોઈ.
અજનાં ટોળાંમાંહે જ્યમ સિંહ રે બંધાય;
રાજકુંવર તો રાંકામાં રોળાય રે. હે કોઈ.
પંચ ને ધાતુ હે જ્યમ પારસ પરસાય;
લોઢું મટીને એનું કંચન થાય રે. હે કોઈ.
સરિતા ને સિંધુ હે જેમ સાગરમાં જાય;
લવણની પૂતળી ઉદકમાં ગળી જાય રે. હે કોઈ.
પાંચ, સાત, નવ દશ હે ચોવીસ ને જાણે;
પચીસમો મેલીને છવીસમાંને ભાળ રે. હે કોઈ.
અનલ જનાવર હે ઈંડાં મૂકીને જાય;
વણ રે સેવ્યાં સેવાઈ આપે ઓળખાય. રે. હે કોઈ.
ચટકેલ કીડો હે જ્યમ ભમરી રે થાય;
પૂરા મળે ત્યારે પ્રભુ ઓળખાય રે. હે કોઈ.
હરિ–ગુરુ–સંતની હે જેને કિરપાયું થાય;
દાસ ધનો કે’: હીરે હીરો વિંધાય રે. હે કોઈ.