મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૨)

Revision as of 10:19, 20 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૨)|}} <poem> દેવનાં દીધેલાં ::: તમે મારાં દેવનાં દીધેલ છો, ::: તમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૧૨)

દેવનાં દીધેલાં
તમે મારાં દેવનાં દીધેલ છો,
તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ.
તમે મારું નગદ નાણું છો,
તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઈને રો’!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર;
પારવતી પરસન થિયા ત્યારે આવ્યા હૈયાના હાર
– તમે મારું નગદ

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ;
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર
– તમે મારું નગદ
તમે મારાં દેવનાં દીધેલ છો,
તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઈને રો’!
*
ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફઈ;
પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રહી.
– તમે મારાં

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુળાની ફઈ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા-ટોપીમાંથી ગઈ.
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રઈ! – તમે મારાં