એકાંકી નાટકો/વીજળી

Revision as of 12:41, 20 August 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વીજળી|}} {{Poem2Open}} (અગિયારસના અજવાળાને અમાસના કાજળમાં ફેરવીને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વીજળી

(અગિયારસના અજવાળાને અમાસના કાજળમાં ફેરવીને વાદળાંઓએ આકાશને ઘટાટોપ છાવરી દીધું છે. વારેવારે મેઘાડંબર ગાજે છે, અને વીજળીના ચમકારાઓમાં પરિણમી રડવાને અશક્ત એવાં હૃદયોની જેમ શૂનમૂન થઈ જાય છે. બેટ આસપાસનો દરિયો તોફાને ચડ્યો છે. વ્યથિત હૃદયે પોતાના હાથ ભેખડો સાથે પછાડી સાગર શ્વેત શોણિત વહેવડાવે છે. કાંઠો સૂમસામ છે, અને નજરે પણ ન ચડે એવાં સમદરવેલનાં પાંદડાંઓ સિવાય કોઈ ફરકતું પણ નથી. ભેખડની કોતરોમાં અટવાઈને સમીર ભૈરવની તાલી લે છે. દીવાદાંડી નીચે એક હોડી છે. અડધી પાણીમાં અને અડધી જમીનમાં. એક પગ હોડી ઉપર ઠેરવી, અને બીજો પગ રેતીમાં ભરાવીને વીજળી ઊભી છે. પવને એની શઢ જેવી ઊડતી ઓઢણી અને કાળા ભમ્મર વાળ સાથે ક્રીડા આદરી છે. આંખોમાં આકાશની ગંભીરતા છે. એની સામે, થોડે દૂર, હલેસાને કાખ નીચે ઠેરવી મેઘલો ઉત્સુક ઊભો છે. માથાના ફેંટિયા નીચેથી એના વાંકડિયા વાળ ડોકિયાં કરે છે. અને ઉપર દીવાદાંડી એની અમર આંસુડે ઝળકતી લાલ આંખ પટપટાવે છે.)

વીજળી : અને પહાડ-પહાડ જેવડાં મોજાં ઊછળશે!.... મેઘલો : મને ખબર છે. વીજળી : સાતફેણીઆ શેષનાગ જેવો પવન ફૂંફાડા મારી આપણી હોડી ઊંધી વાળવા મથશે. મેઘલો : હું જાણું છું. વીજળી વીજળી : અને મેઘલા વરસાદ તરમઝુટ ત્રાટકશે. સલામત પાર પહોંચવાની આશા નથી. મેઘલો : હું ખારવાનો દીકરો છું, ખારવણ મને એ બધું કહેવાનું ન હોય. વીજળી : પણ પછીનું નહિ જાણતો હો. બંદરે પહોંચ્યા પછી ત્યાં કોઈ કંકુચોખા લઈને નહિ ઊભું હોય. ડાંગના ઘા ઝીલવા પડશે, ઘા! મેઘલો : વીજળી, હવે હદ થાય છે. તેને હજાર વાર કહ્યું કે મેઘલો અને વીજળી માટે વીજળીના વરસાદ વચ્ચે ઝૂઝવા તૈયાર છે. નકામાં વેણ શું કામ વેરી નખાવે છે? વીજળી : તો ચાલો, મારી મૂકીએ. પણ હજી તને કહું છું પાછો જા. હું તને ઓળખું છું. મારા મેઘલાને ઓળખું છું. ત્યાં તારું કામ નહિ. તું તો રૂખડાની ડાળે બેસીને બહુબહુ તો બંસી બજાવ. ખૂબ શરાતનં આવે ત્યારે ક્યારેક મધરાતે ઘર બહર નીકળી મારી ઝૂંપડી સામે ઊભાઊભા એકતારો બજાવ. હું તેને બરાબર ઓળખું છું. મારા કવિડા! તારું ત્યાં કામ નહિ. હઠ મેલી દે અને કહું છું ને કે હેમખીમ પાછી આવી તો તને જ પરણીશ. મને તારા કવિવેડાની જ લગની લાગી છે. પણ... પ... મેઘલો : પણ શું? કેમ અટકી ગઈ, વીજળી? વીજળી : પણ એમ કે જો તું રણે ચઢ્યા પછી પાછો ફર્યો તો કાં હું નહિ અને કાં તું નહિ. બાંધી મૂઠી સવા લાખની. હોડેહોડે જુદ્ધે નવ ચડીએ; ચડીએ તો પાછાં નવ પડીએ. મેઘલો : એમાં તે શું કહી નાખ્યું? ગાંડી રે ગાંડી! જોને, આકાશના મેઘલાએ થોડીક વીજળીઓ માટે ઓગળી ઓગળીને પાણી થઈ પડવાનું મન કર્યું. હું તો એક જ વીજળી માટે મડું થઈશ મડું! વીજળી : તો ચાલ હંકારી મૂક. (બન્ને હોડીમાં કૂદી પડે છે. સામસામાં બેસી હલેસાં મારે છે. અંધારામાં એકબીજાની આંખની જ્યોતિ મેળવવા મથે છે. હવે પછીની વાતો દરમિયાન હોડી દૂરદૂર ચાલતી જાય છે, તોફાન વધતું જાય છે, અને ધીમેધીમે હોડી હંકારવી અશક્ય બનતી જાવ છે.) વીજળી : બેટનું નાક કાપીને ચાલતો થયો. એનું નાક કાપું ત્યારે કંપ વળે. મેઘલો : બેટના જુવાનો ખૂટી ગયા છે તે આજે વીજળીને વહારે ચડવું પડે છે. વીજળી : બેટમાં જુવાનો છે ક્યાં? હતા એટલા દારૂમાં પડ્યા. તારા જેવા 2ડ્યાખડ્યા ઊગરી ગયા તો કવિ બન્યા. અને આવતી કાલની ચિંતામાં આજને અભરાઈએ મૂકી. મેઘલો : તું મને આટઆટલો ભાંડે છે તો ચોખ્ખું કેમ કહી દેતી નથી વીજળી, કે હું તને ગમતો નથી? વીજળી : એમાં ન ગમવાનો સવાલ નથી. હું કવિ નથી છતાં મને જોઈ તને હરખ થયા વિના રહેતો નથી, તેમ તું ખારવાને ખોળે ઊછરીને પણ ખુમારીએ ખારવો ન થયો તોય તને જોઈને મને કોઠેકોઠે દીવા થાય છે. માત્ર મનમાં થયા કરે છે મારા મેઘલામાં આટલું વધારે આવે તો કેવું સારું? મેઘલો : એ આવી ગયું સમજ. આજે ને આજે. વીજળીના સ્પર્શથી અંધારુંય ઊજળું થાય તો મેઘલો થનગન નાચી ઊઠે એમાં શી નવાઈ? વીજળી : નાચી ઊઠશે પણ નાદ નહિ કરી શકે. પણ જવા દે એ બધું! આજે તો જીવ્યા-મર્યાની વાટ લીધી છે. આજનો દિવસ કવિ મટી જા, કવિડા! પણ તું નહિ મટે. જો મારી જમણી આંખ ફરકી. તું મને નિરાશ કરીશ અને વીજળીની નિરાશા એટલે ભડકો, પોતેય બળે અને બીજાનેય બાળે! મેઘલો : ફિકર કર મા, વીજળી, મારે ક્યાં શૂરાતન માટે શૂર થવું છે? જે કરવું છે, એ તો મારે તારે માટે કરવું છે. મારી વીજળી માટે કરવું છે. માટે તો હું નચંતિ છું. વીજળી : માટે તો હું નચિત નથી. ત્રીજા ટપ્પાનો ઉત્સાહ વરસાદ પડે ને ઠરી જાય. અને જો આ વરસાદ શરૂ થયો. (ઝાપટું શરૂ થાય છે.) મેઘલો : મને વધુ સતાવ નહિ મારી સાથે બોલીશ નહિ! વીજળી : બહુ સારું. વચન પાળજે. (બંને મૂંગાં મૂંગાં હલેસાં માર્યે જાય છે. તોફાન વધે છે. હોરી ઝોલે ચડે છે. વરસાદ કાન પડી વાત સાંભળવા નથી દેતો.) મેઘલો : એ.... માર્યા... વીજળી! વીજળી : કેમ બોલ્યો? વચન પાળ. મેઘલો : માથાકૂટ મેલ, વીજળી, બંદરે પહોંચાય એમ લાગતું નથી. આવું એક બીજું મોજું અને આપણે ઊંધાં! વીજળી : તેમાં શું થઈ જરો? નાક કપાવીને જીવવા કરતાં બાથ ભીડીને મરવું શું ખોટું? મેઘલો : તું મને કવિ કહીને સતાવે છે; પણ ખરું પૂછે તો તું જ કવિ છે. નહિ તો મોતની સાથે રમત હોય? મૂર્ખી! વીજળી : મારુંય એ જ કહેવું છે કે હું જ કવિ છું. પણ દુનિયાના મૂર્ખાઓ તને કવિ માને છે. પવન વાતાંવાતાં બરુમાં બંસી બજાવે અને મૂર્ખાઓ માને કે એ સંગીત તો બરુનું. મેઘલા, તારે જે ગાવું છે તે મારે જીવવું છે, અથવા ખરું તો મરવું છે. પણ હવે વધારે વાત નહિ. મૂંગો મૂંગો મારગ કાપ, નહિ તો કાંઈક...કાંઈક... મેઘલો : વીજળી, મારા બાવડાંમાં જોર નથી રહ્યું. મારે નથી આવવું. ચાલો પાછા ફરીએ. વીજળી : શું બોલ્યો, મેઘલા! મેઘલો : કે મારે નથી આવવું; નથી આવવું; નથી આવવું; મેં તને આવી નહોતી ધારી! વીજળી : નથી આવવું તો તને કોણે નોતર્યો હતો? મેં તને પહેલેથી કહ્યું હતું કે વીજળીનો ચમકારો મીઠો લાગે પણ અડવા જઈએ તો ખાક થઈ પડીએ...વેવલા....! મેઘલો : બસ, બસ. તારું મારે કશું સાંભળવું નથી. મેં તને આવી નહોતી ધારી. (હલેસું પછાડી ઊભી થઈ જાય છે.) વીજળી : (તાડૂકી ઊઠે છે) બેસી જા બેસી, કવિડા, કવિઓ જેને ગાય છે તેનો પરચો ઓળખતા નથી. તું મારાં ઓવારણાં લેતો પણ મને ઓળખતો નહિ એવી અંતરમાં ઊંડે ઊંડે ભે તો હતી જ. ચાલ, બેસી જા. અધવચ્ચેથી તો બન્ને કાંઠા સરખા. કાં આ પાર ને કાં પેલે પાર! ચાલ હલેસું ઉપાડ! જો સાવધાન, મોટું મોજું આવે! મને નિરાશ નહિ કરે! (મેઘલો હાથમાં હલેસું લઈ મોજું વટાવે છે, આકાશમાં વીજળીનો કડાકો થાય છે. દિશાઓ ધ્રૂજી ઊઠે છે.) મેઘલો : વીજળી, મારે નથી આવતું. હું દરિયામાં પડી આપઘાત કરીશ. (ઊભો થઈ જાય છે. બહાવરાની જેમ ચારે બાજુ જોવા લાગે છે, પણ અંધારા સિવાય બીજું કશું દેખાતું નથી.) વીજળી : પણ હું તને આપઘાત કરવા દઉં તો કે? જો તને મરવાનો જ મોહ હશે તો હું મારી નાખીશ. જંતુનું જીવન જીવ્યો, પણ જંતુની જેમ મરે એ મારાથી નહિ સંખાય. ભિખારીને એઠું અપાય, પણ દીકરો હાથ લંબાવે તો કાપી નખાય. ગમે એમ તોય તું મારો, મારો મેઘલો; મારો કવિડો. મેઘલો : વીજળી, બહુ કસોટી થઈ. મને જવા દે! વીજળી : (વેદનાથી બળી મરતી) કવિડા, અંતે તેં મને બાળી નાખવાનો નિશ્ચય કર્યો લાગે છે! તું મને ઓળખતો નહોતો, પણ હું તને ઓળખતી હતી! મારે તો બાંધ્યો ભરમ ન ફોડવાની આંખમિચામણી હતી, પણ તને ચડસ હતો; અને ચડસને આપણાં બન્નેનો અંત આણવો હતો. જે ઈશ્વરે નિર્મ્યું હતું, તે આપણાંથી કર્યા વિના ન રહેવાયું. ચાલ, તૈયાર થઈ જા. (ડોલતી હોડી ઉપર મક્કમ પગલે વીજળી આગળ વધે છે. એક હાથ વતી મેઘલાને બોચીએ ઝાલી બીજો હાથ વાંસા નીચે મૂકી એને તોળી રહે છે. પછી એના હોઠના ગુલાબને ચૂમી આંખમાં આંખ પરોવે છે.) મેઘના મોટામોટા અવાજથી આકાશની વીજળી લોભાણી; પણ ભરમ ભાંગતા બળી મરી. હવે વાદળાંઓ રડ્યા જ કરશે; પણ એનો શો અર્થ? હું તને મારી પાછળ રડવા રહેવા દેવાની નથી; તને પહેલાં જ પાઠવી દઈશ-શરમના સાગર તળે. (આંખમાં લોહી ચડે છે.) બાયલા, મરતાં તો મકોડાનેય આવડે છે, કે ચટકો ભરીને કટકા થાય. પણ તને તો એય ન આવડ્યું; અને મને નિરાશાના દાહ દીધા. (આંખમાંથી આંસુ સરે છે.) તારે તારી મર્યાદા સમજવી જોઈતી હતી. વીજળીની આરાધાના શક્ય છે પણ ઉપાસનામાં આત્મવિસર્જન જોઈએ. જા, કદી પાછા ન ફરવા માટે. પણ એક આશ્વાસન લેતો જા હું તને ચાહતી હતી; એટલે બીજા કોઈને નહિ પરણું; તને જ ઝૂરીશ.

(દરિયાના ડાચામાં મેઘલાને ફગાવી દે છે. દરિયો એને ગળી જઈ ઓડકાર ખાય છે. વીજળી બન્ને હાથમાં હલેસાં લઈ હોડી હંકારી મૂકે છે.)