સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દુષ્યન્ત પંડ્યા/કોને રોઉં?
ઠાકુર[રામકૃષ્ણ પરમહંસ]નું એક દૃષ્ટાંત છે: એક દંપતીનો એકનો એક દીકરો જુવાન વયે અવસાન પામ્યો. માતા કલ્પાંત કરવા લાગી. ખૂબ રુદન કર્યું. પણ જુવાનનો બાપ શાંત બેઠેલો, એની આંખમાં આંસુનું ટીપું નહીં. પત્ની કહે: “હાય હાય! આપણો જુવાન દીકરો ફાટી પડ્યો ને તમને રોવું નથી આવતું? તમે તે કેવા બાપ?” પુરુષે જવાબ આપ્યો: “તારી વાત સાચી છે; મને રોવું નથી આવતું. પણ કારણ શું તે તું જાણે છે?” “તમે મોઢેથી કાંઈ બોલો તો ખબર પડે ને!” “સાંભળ,” પતિએ કહ્યું. “મને રાતે સ્વપ્નું આવ્યું. તેમાં હું એક મોટો રાજા હતો ને તું રાણી હતી. રહેવા મોટો મહેલ હતો. ખૂબ વૈભવ હતો. અને આપણને છ રાજકુંવર હતા. જાગ્યો ત્યાં સ્વપ્ન ઊડી ગયું. હવે હું એ છ રાજકુંવરને રોઉં, કે આપણા આ એક દીકરાને રોઉં?” [‘ભક્તિપદારથ’ પુસ્તક: ૨૦૦૪]