કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ)

Revision as of 10:24, 21 August 2021 by KhyatiJoshi (talk | contribs)
કોડિયાં-1957 (કૃતિ)

આઠમું દિલ્હી


દિલ્હી દૂર નથી. કો શૂર તણીય જરૂર નથી, મગદૂર નથી દિલ્હી ચઢવાને. જીતનારના મ્હેલ વસે જેને જીત્યા’તા. કર લેનારા કબરો નીચે; કર દેનારા રાજ્ય કરે, ને વીંચે આંખ ક્ષમાની; ભૂલી જે વર્ષો વીત્યાં’તાં. દિલ્હી દૂર હતું, હા, દૂર હતું એક’દા. દિલ્હી નૂર હતું કો ક્રૂર તણું ને, હા, ચણાવનારના નામ થકી મશહૂર હતું. પણ આ વૃંદ-વાંસળી વાગી આજે જમનાજીને તીર ચણનારા હાથો પર સંગીત રચી સુધીર. સંગેમરમર જાળી જોતાં જાગી ઊઠે સ્પંદ, ઊભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ. જો, ફાટ્યું ત્યાં ગુંબજ શિવ! છટક્યો ઈંડામાંથી જીવ! સાચું! ભવ્ય હશે ખંડેરો કો’દી આ જ જતન કરી ચણીએ સાચવવા અદકું પ્રાપ્ત સ્વરાજ. ભવિષ્યની કોદાળી જ્યારે નમશે —- નવી પેઢીઓ રટશે કે અવગણશે —- એક ચરુનો નકી થશે ટંકાર. રૂપિયા, પૈસા નયા નીકળશે; ભાતભાતના સિક્કા મળશે; નહિ જડશે તાજની છાપ; કોસી નાથવા કાજે મૂકી મોટે પેટે કાપ.


થર પર થર ખડકાયા. સાત વંશ તો સાત પ્રકરણે છે સપડાયા. મહાગ્રંથ ઇતિહાસ તણો ને કોરા છે અધ્યાય. સાત સલ્તનતો લથડી, નવને ભવિષ્ય ના દેખાય. લૂ-ધક્કેલ્યાં પડ્યાં હાડકાં, મસ્તકહીન મિનાર. મ્હેલાતોમાં મ્હેક માત્ર જ્યાં સૂતાં નર ને નાર. અહીં પડ્યા ઇતિહાસ, અને ઇતિહાસી બન્ધન વિદારવાના યત્ન. અહીં છે થનગન અશ્વ હજાર તણાં ડગલાં જે સૂતાં ધરણી-મન. ડુંગરનાં ધણ દોડી, ઊભરી કદમ અહીં અટકાવે. ધરણી પડી સપાટ અહીં જ્યાં યવનો આવે. દેશ રક્ષવા કાજ મોરચા પ્રથમ રચાતા અહીં. ચાંદનીચોકે જાતાં. સ્વર્ણ, સુંદરી મદિરા તરસ્યાં સો સો લશ્કર. લોહીનાં પુષ્કર. અહીં થઈ લડાઈ પુત્ર, પરદેશી વચ્ચે. અસત્યને પણ આ સ્થળમાં ઊથલાવ્યું સચ્ચે.


કુરુક્ષેત્ર છે અહીં, પાણીપત પણ છે પાસે. અહીંથી ભાગ્યા કૃષ્ણ ગોપી ગોપી કંકાસે. સ્વર્ગ અહીં છે! એમ કવિવર ધૂણતા ત્રણ ત્રણ વાર. કળશ અહીં ભારતને ચડિયો; અહીં થયું હિન્દ ખુવાર. અહીં મર્યા ગાંધી કે જેનાથી જીવે ભારતવર્ષ. મુક્તિ મળી તો આગળ ધપવું એશિયાઈ ઉત્કર્ષ. ગઈ કાલ તણી ધૂળ ઊડે, જામે. ખાત હાડનું ખાઈ ખડ શક્તિ પામે. નીલ ગાલીચો ન્હાનો રણમાં! ભારત-દર્શન એક જ કણમાં! ભૂત-ખભા પર ચડી ભાવિ ડોકિયાં કરતું. મૂવું હતું તે કુતૂબ કૂદી બે વારા મરતું.


ગંગાએ કાશીને આપ્યું એક અનુપ મહત્ત્વ. દિલ્હીએ જમનામાં વેર્યાં ગંગાનાં સૌ તત્ત્વ. જાત્રાનું સ્થળ સર્વશ્રેષ્ઠ આ, આવે વીર ચતુર; વેપારીનાં આવે ઘોડા-પૂર; અને કાશ્મીરી નૂર; મીર દેશના દૂર. સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ; જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ; પદવી છે, પહેરામણ છે, છે બિલ્લાં એક અનેક; રાજ્યસભા છે, લોકસભા છે, ને જાવું જો છેક, રચજો કવિતા, લખજો નાટક, કરજો રાજ્યપ્રચાર! નવ દિલ્હીના આકાર! ભવિષ્યની કોદાળી જ્યારે નમશે —- નવી પેઢીઓ રટશે કે અવગણશે જો ત્યાં સુધીમાં વિશ્વ નહિ શૂનકાર —- એક ચરુનો નકી થશે ટંકાર. રૂપિયા, પૈસા નયા નીકળશે; ભાતભાતની મ્હોરો મળશે; નહિ જડશે તાજની છાપ. જડશે ચંદ્રક એક અનેક;

નહિ જડશે શુદ્ધ વિવેક!

એડન


જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: નવેનવ દ્વીપે હતી અરબ-ઘોષણા ગાજતી: કુરાન-કલમા પઢી, હય પરે ચઢી, કૂચતા અસંખ્ય નરવીર, ધર્મવીર હાલકે ઝૂઝતા:

અને ચરણ આ પડ્યા વરદ, દિવ્ય, પૈગમ્બરી! મશાલ ધરી આંખમાં, ઉચરતા ખુદાની તુરી; ઝનૂની જનલોકના હૃદયપ્હાણમાં સંસ્કૃતિ તણું ઝરણ પ્રેરતા! — અહીં રમે બધે આ કૃતિ!

અહીં પુરવ-સંહિદ્વાર! શતલોક રાખી જમા મથે વિફર નાથવા પુરવ-કેશરી, કારમા રચી છલન, દાવપેચ! પણ આવશે કો’ સમા જદિ સકળ જાગશું! ગરજશુંય આ દ્વારમાં.

અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા!

કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા!

અરબી રણ


ક્ષિતિજ પણ રેતની! ઢગ પરે ઢગો વિસ્તર્યા; કરાલતમ ભૂખરા ખડક તો કરે દાંતિયાં! દિશા સકળ ભેદતી ગરમ લૂય ખાવા ધસે; કશેય નવ ઝાંખરું—તનખલું ન લીલું લસે! વિરાટ સૃજી વિશ્વની નીલમ વાડી, થાકી જરા, પ્રજાપતિ મુખેથી એક ધગતો નિસાસો સર્યો. અને અહીં હજાર ગાઉ તક ઝાળતો એ ઝર્યો; ક્યહીં રચત રેતીના ઢગ, ક્યહીં સૂકા ડુંગરા! બધે નજર વિસ્તરે! અતૂટ ચક્રવાલો ચહુ નથી નજર ભાંગવા કશું વિવિધ કે કૈં નવું! વિરાટ નભટોપને સકળ કોરમાં આવરી સપાટ પૃથિવી પડી સુકલ છાતી ખુલ્લી કરી! ત્યહીં જનમ ‘એક માત્ર વિભુ!’ કલ્પનાનો થતો!

—- ‘કરાલ નિજ લોચને સકલ લોકને નાથતો!’

માલ્ટા ટાપુ


તને ઝડપવા ઝૂકેલ સહુ બાઝ શા દેશ, ને તને જકડવા રચેલ સહુ પાશવી વેશ; ને વહેલ નદીઓ રુધિર તણી, દંગ થાતાં ખડાં ધડો, વિકલ મસ્તકો શરીરનાં; — તને નાથવા!

સુવર્ણ-ઇતિહાસના ઊગમથી તને લક્ષ લૈ સહસ્ર-શઢ કાફલા ઊતરતા, વળી ભાગતા; કદીક તુરકો, કદી જરમનો અને ફ્રેન્ચ કૈં! અને સકળ પાછળે બ્રિટનનાંય થાણાં થતાં!

ભૂમધ્ય જલસાગરે શરીર આપીને આ રૂડું લખેલ વિધિએ કપાળ તવ ભાગ્ય ઊંધું — કૂડું! સહુ જલધિબાલરાષ્ટ્ર તણી કૂંચી તું! — હાથમાં લઈ જગત લૂંટવા, ડળક ડોળ સૌ રાષ્ટ્રના!

રુધિર થકી મેળવ્યું, રુધિરથી પડે રક્ષવું!

હજાર મનવાર આ અહીં ખડી રટે, ભક્ષવું!

ગીઝાના પિરામિડો 0

પૃથ્વી તણી પથ્થર-કાય તોડી મહાનદો સ્નિગ્ધ કરે વસુંધરા. રુધિરના રાગ-વિષાદ છોડી બની રહે પ્રાણ તણી પયોધરા.


તીરેતીરે આથડતા પ્રવાસી આવી, વસી, ઠામ કરી ઠરંતા. શરીરની ભૂખ જતાં વિકાસી ઊંડું ઊંડાં અંતરમાં તરંતા.


અને અહીં સંભવ સંસ્કૃતિના વિકાસ તો માનસ-વ્યાપૃતિના, વિરાટ કો આરસની કૃતિના, પ્રકંપ ત્યાં થાય શ્રુતિ-સ્મૃતિના!


પૃથ્વી તણા તપ્ત પ્રચંડ અંગે મહાનદો તો લચતાં પયોધરો. ધાવી લઈ સંસ્કૃતિ-બાળ, રંગે વિકાસતું સર્જનનાં પડો-થરો!


ફર્યો હતો સિન્ધુ તણા કિનારે, પુરાણથીએય પુરાણ સંસ્કૃતિ દ્રવિડીની, સર્જનની સવારે, ખીલી હતી; — તેની સ્મરંત વિસ્મૃતિ!


આર્યો તણી સંસ્કૃતિ-માત ભવ્ય, કાલંદીિ ને ગંગની છાતીઓ પે ચડ્યો હતો બાલક હું, સ્મૃતવ્ય સ્મરી, ભરી અંતરચક્ષુઓ બે!


જીવિતનો ધન્ય ઊગ્યો સવિતા! ત્રીજી મહાસંસ્કૃતિ-માત દર્શી! ઈજિપ્તની ઊછળતી શી ગીતા સમી દીઠી નાઈલ: ક્રાન્તદર્શી નથી; છતાં ભૂત-ભવિષ્યનાં સહુ ભેદી પડો, દર્શન અંતરે લહું!


કાંઠે જમા દંગલ રેતી કેરાં; — પરે વળી પથ્થર દંગલો ભરી, — આકાશનો ઘુમ્મટ ઘેરવા કરી! — કર્યા ઊભા ભવ્ય, મહા, વડેરા ગીઝા તણા ચાર પિરામિડો! — તૂટ્યા! આશ્ચર્ય તો પૃથ્વી તણાં ન ફૂટ્યાં!


અને નીચે શાશ્વત સોણલામાં સરી જવા, માનવ કોઈ સૂતાં; મૃત્યુ તણી જીવતી કો’ કલામાં ભળી જવા, જીવન છોડી જૂઠાં!


જાગી જશે! અંદર સોણલે પડ્યું! બ્હીને! — કર્યો મંદ ત્વરિત ઊંટિયો. ને આંખથી અશ્રુ ઊનું નીચે દડ્યું, પ્રતપ્ત રેતી મહીં એ ગયું ગળી.


આ સૂર્યનો ધોમ પ્રચંડ તાપ ભેદી શકે પથ્થર-દંગ કેમ? મસ્તીભરી નાઈલના પ્રલાપ પૂછી શકે અંદરના ન ક્ષેમ?


ત્યજી દઈ જીવન જૂઠડાં આ, મૃત્યુ તણું જીવન જીવવાને સૂતેલ જે અંદર, તે મડાં ના, — જીવી રહ્યાં જીવતદાન દાને!


સોનારૂપા ઓપી સહસ્ર ભારે રચી હતી ભવ્ય, વિરાટ શય્યા! સમૃદ્ધિ રાખી સઘળા પ્રકારે, ત્યજ્યા હતા પ્રાણ તણા બપૈયા!


સુવાસને સંઘરવા સજાનો. પ્રદીપવા ખંડ દીવી સુવર્ણની. અંગાંગને સાજવવા ખજાનો સામગ્રી ત્યાં સાથ તમામ વર્ણની.


જીવિતનો સાગર પાર પામવા સાથે લઈ હોડી અને હલેસાં સૂતેલ, તેને મૃત કેમ માનવાં? હશું નહીં આપણ સૌ મરેલાં? — ખરે મને તોય અદમ્ય શંકા! બાજી રહે છાતી મહીંય ડંકા!


નહીં! અહીં તો સઘળાં નગારાં પડ્યાં દીસે, ગૌરવગાન પીટવા મિથ્યાભિમાની નરપુંગવોનાં; — ત્રિકાલના કર્ણ વિદારવા મહા!


‘અમાપ છે શક્તિ અમારી’ એવી ચણી દીધી તો નહીં હોય ઘોષણા? હસી રહી હોય ન દૈવદેવી પછાડીને પથ્થરપ્હાણ તો ઘણા?


મહાન કો’ રાજવીનું, મહાન સામ્રાજ્યનું કોઈ વિરાટ સોણલું ઠરી ગયું; તે નહિ હોય થાન? — ભવિષ્યના વારસે મહામૂલું?


મનેય આજે બળતા બપોરે જાગી રહે ભીષણ એક એષણા: બનું કદી રાજવી દૈવ-જોરે! પિરામિડો હુંય ચણાવું સો-ગણા! — ઊંચાઊંચા આથીય અભ્રભેદી! અને રચું અંદર એક વેદી!


સ્મશાનથી સૌ પરમાણ ગોતી ભેગું કરું માતનું દેહ-મોતી! સોના તણી સાત સુવર્ણપેટી મહીં દઉં એ દવલું લપેટી! અને પછી હું બનીને પ્રતિમા રક્ષી રહું વેદીની સર્વ સીમા!


ધીમે પળું હું નમણી નિશામાં!

જ્યાં ઊંટની દોરવણી! — દિશામાં!