મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૭)

Revision as of 05:11, 23 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૭) |}} <poem> કોઈ દેખાડો! મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૧૭)

કોઈ દેખાડો!
મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.

હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ,
ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ.

હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ,
ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ.

સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ,
જઈને અમરાપરમાં છોડિયા રે લોલ.
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ,
મેં તો જાણ્યું કે હરિ આંહીં વસે રે લોલ.

મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ,
ત્રાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ.

હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ,
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ.

મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ,
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ.

હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ,
ચારેય દૃશ્યે નજર ફેરતી રે લોલ.

એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ,
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ.

મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ,
ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ.

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ,
મોતડિયાં નથી આવતાં રે લોલ.

મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ,
નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ.

મારી માતા તે મૂરખ માવડી રે લોલ,
ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ.