મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૯)
માતા અને સાસુ
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો!
માતાજી રમવા દ્યો રે રંગ ડોલરિયો!
રમી ભમી ઘેર આવિયાં રંગ ડોલરિયો!
માતાજી, જમવા દ્યો રંગ ડોલરિયો!
માતાએ પીરસી લાપશી રંગ ડોલરિયો!
મહીં પળી એક આલ્યાં ઘી રે રંગ ડોલરિયો!
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો!
સાસુજી, રમવા દ્યો રે રંગ ડોલરિયો!
રમી ભમી ઘેર આવિયાં રંગ ડોલરિયો!
સાસુજી જમવા દ્યો રે રંગ ડોલરિયો!
બાઈજીએ પીરસ્યું બાજરિયું રંગ ડોલરિયો!
મહીં ટીપું આલ્યાં તેલ રે રંગ ડોલરિયો!
બળ્યું બાઈજી, તારું બાજરિયું રંગ ડોલરિયો!
તારા તેલમાં ટાંડી મેલ રે રંગ ડોલરિયો!
માતાએ ગૂંથ્યાં માથડા રંગ ડોલરિયો!
મહીં ટસર્યું લીધી ત્રણ રે રંગ ડોલરિયો!
સાસુએ ગૂંથ્યાં માથડાં રંગ ડોલરિયો!
મહી ટોલા મેલ્યા ત્રણ રે રંગ ડોલરિયો!
માતાએ ઢાળ્યા ઢોલિયા રંગ ડોલરિયો!
ઓશીકે નાગરવેલ રે રંગ ડોલરિયો!
સાસુએ ઢાળી ખાટલી રંગ ડોલરિયો!
ઓશીકે કાળો નાગ રે રંગ ડોલરિયો!