સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ પારેખ/અનુવાદની કળા

Revision as of 07:42, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અનુવાદકનું કામ, પરભાષામાંથી કોઈ કૃતિનો જે અર્થ અને ભાવ પો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          અનુવાદકનું કામ, પરભાષામાંથી કોઈ કૃતિનો જે અર્થ અને ભાવ પોતાને સમજાયો હોય તે ચોક્સાઈપૂર્વક પોતાની ભાષામાં ઉતારવાનું છે. કોઈ પણ કૃતિ આપણે વાંચીએ છીએ ત્યારે આપણે તેનો અર્થ ગ્રહણ કરીએ છીએ અને સાથોસાથ એ અર્થ આપણા ચિત્તમાં અમુક લાગણી અથવા ભાવ જગાડે છે. એ બન્નેને—અર્થને અને ભાવને—અનુવાદકે ચોકસાઈપૂર્વક પોતાની ભાષામાં પ્રગટ કરવાના છે. આ કહેવું જેટલું સહેલું છે તેટલું કરવું સહેલું નથી. એક ભાષાની કૃતિ બીજી ભાષામાં ઉતારવામાં રહેલી મુશ્કેલીનું કારણ એ છે કે દરેક ભાષાની પ્રકૃતિ અને તેનું વ્યકિતત્વ અલગ હોય છે. આથી દરેક ભાષા દરેક વસ્તુ પોતાની આગવી રીતે કહે છે. દરેક ભાષા સૈકાઓના વપરાશથી અને તેને બોલનાર પ્રજાના સામાજિક તથા સાહિત્યિક ઇતિહાસથી એવી વિશિષ્ટ રીતે ઘડાયેલી હોય છે કે તેના કણેકણમાં સંલગ્ન સૂચનો, સંસ્કારો અને સૂક્ષ્મ અર્થની તથા ભાવની છટાઓના ભંડારો ભર્યા હોય છે. અને તે બધાને માટે બીજી ભાષામાં સમાનાર્થ શબ્દો ભાગ્યે જ મળી આવે છે. ટોલ્સ્ટોયને તો સદ્ભાગ્યે મોડ અને ગાર્નેટ જેવા કુશળ અને ખંતીલા અનુવાદકો મળ્યા હતા, તેમ છતાં તેઓ ઘણી વાર ફરિયાદ કરતા કે, મારા ગ્રંથો અનુવાદમાં ગાલીચાની અવળી બાજુ જેવા લાગે છે. આ તો ગદ્યના અનુવાદની વાત થઈ. કવિતાના અનુવાદની વાત કરીએ તો, ફ્રેંચ ભાષાના એક જાણીતા અધ્યાપકે કહ્યું છે કે, અંગ્રેજી ભાષામાં એક પણ ફ્રેંચ કવિતાનો એક પણ અનુવાદ એવો નથી, જેમાં મૂળની ચોટ અર્ધ કરતાં વધુ સચવાઈ હોય! અનુવાદકમાં બે વસ્તુ તો હોવી જ જોઈએ. એક તો જે ભાષામાંથી એ અનુવાદ કરવા માગતો હોય તેનું સારું નિર્ભરયોગ્ય જ્ઞાન અને બીજી વસ્તુ તે પરભાષામાં વાંચેલી વસ્તુ પોતાની ભાષામાં બરાબર કહેવા જેટલો સ્વભાષા ઉપર કાબૂ. આ રીતે જોઈએ તો અનુવાદકાર્યનાં બે અંગો છે. એક, પરભાષામાં કહેવાયેલી વસ્તુ પૂરેપૂરી સ્પષ્ટ રીતે સમજવી અને બીજું એ કે તેને પોતાની ભાષામાં યથાતથ પ્રગટ કરવી. અનુવાદક પોતે જ જો વસ્તુ પૂરેપૂરી સમજ્યો ન હોય, તો એના અનુવાદમાં બધો અર્થ આવી જ ન શકે. એટલે સારા અનુવાદ માટે તે અત્યંત આવશ્યક છે કે અનુવાદક મૂળ કૃતિને સમજવા બરાબર પ્રયત્ન કરે. અહીં સમજવું એટલે કૃતિમાં વપરાયેલા શબ્દો ઓળખી લેવા એટલું જ નહિ, પણ દરેકેદરેક શબ્દનો તે-તે સંદર્ભમાં જે વિશેષ અર્થ થતો હોય તે પકડવો. શબ્દોના ઘણી વાર અનેક અર્થો થતા હોય છે. એ ભિન્નભિન્ન અથવા એકસરખા લાગતા અર્થોમાંથી અહીં કયો અર્થ અભિપ્રેત છે એ પકડાય નહિ ત્યાં સુધી વાક્ય પૂરું સમજાય નહિ. મુખ્ય અર્થ નક્કી થયા પછી એ અર્થની આસપાસ સંલગ્ન ભાવો, ગભિર્ત સૂચનો અને ગૌણ અર્થોનો જે પરિવેશ હોય છે તેનો વિચાર કરવાનો પણ પ્રાપ્ત થાય છે. આમ મૂળ કૃતિ સમજવી એટલે આ બધી સંકુલ અને સૂક્ષ્મ અર્થછટાઓ અને ભાવછટાઓ અનુભવવી, સહૃદયતાપૂર્વક એનો આસ્વાદ લેવો, એમાં સમરસ થવું. તરવા-તંતરવાની પેઠે અનુવાદ પણ આપકળા છે. દરેક માણસ પોતાની રીતે અનુવાદ કરે છે. એના કોઈ નિયમો બતાવી શકાતા નથી. પણ સારા અનુવાદોનો અભ્યાસ કેટલેક અંશે મદદકર્તા થઈ પડે એમ લાગે છે. આપણે ત્યાં મહાદેવભાઈ [દેસાઈ], નરહરિભાઈ [પરીખ], સ્વામી આનંદ, ચંદ્રશંકર શુક્લ, વિશ્વનાથ ભટ્ટ, અંબાલાલ પુરાણી, સુન્દરમ્, મણિભાઈ દેસાઈ, ગોપાલદાસ પટેલ વગેરે સારા અનુવાદકોના ગ્રંથો સુલભ છે. એમાંના કેટલાક ભાગનો [મૂળ પુસ્તક પરથી] અનુવાદ પોતે કર્યા પછી એમના અનુવાદો સાથે સરખાવવો જોઈએ. આપણે અનુવાદ કરશું ત્યારે એની મુશ્કેલીઓનો આપણને ખ્યાલ આવશે, અને પછી એમના અનુવાદો જોતાં એનો ઉકેલ એમણે શી રીતે કર્યો છે તે જોવા મળશે. કેવળ અનુવાદ વાંચવાથી આ સમજાતું નથી.


[‘પરિચય અને પરીક્ષા’ પુસ્તક]