સુદામાચરિત્ર — પ્રેમાનંદ/1. સમય

Revision as of 09:26, 27 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|1. સમય|}} {{Poem2Open}} મધ્યકાળના કવિઓએ પોતાના જીવન વિશે ભાગ્યે જ કશુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


1. સમય

મધ્યકાળના કવિઓએ પોતાના જીવન વિશે ભાગ્યે જ કશું કહ્યું હોવાથી એ કવિ ક્યારે થઈ ગયા એ નક્કી કરવાનું બહુ મુશ્કેલ — ક્યારેક તો અશક્ય — બની જાય છે. જો કે એક એવી પરંપરા હતી કે કવિ કાવ્યના અંતની કડીમાં પોતાનું નામ ગૂંથતો (એને નામાચરણની પંક્તિ કહેવાય) ને આખ્યાન-રાસ-પ્રબંધ જેવી લાંબી કૃતિઓને અંતે કાવ્ય લખ્યાનાં સ્થળ ને સમયની તેમજ ક્યારેક પોતાના પરિચયની થોડીક વિગતો પણ મુકાતી. બધી કૃતિઓને અંતે આવા નિર્દેશો ન પણ થતા. પણ આવા નિર્દેશો થયેલા હોય તે આજે કવિનો સમય નક્કી કરવામાં આપણને ખૂબ જ મદદરૂપ નીવડે છે. પ્રેમાનંદની કેટલીક કૃતિઓને અંતે રચનાવર્ષના ઉલ્લેખો છે. જેમકે ‘મદાલસા-આખ્યાન’ ઈ.1672, ‘નળાખ્યાન’ ઈ.1686, વગેરે. એની પહેલી કૃતિ ‘ઓખાહરણ’ સંભવત: 1667માં અને ‘રણયજ્ઞ’ સંભવત: 1690માં રચાયેલી કૃતિઓ છે. ‘ઓખાહરણ’ પૂર્વે 7-8 વર્ષે એનું કાવ્યસર્જન આરંભાયું હોય ને ‘રણયજ્ઞ’ પછી ‘દશમસ્કંધ’ વગેરે કૃતિઓની રચનાનાં દસેક વર્ષ ગણીએ તો પ્રેમાનંદનો કાવ્યસર્જન સમય-કવનકાળ-ઈ. 1660 થી ઈ. 1700 આસપાસનો અનુમાની શકાય. પ્રેમાનંદે વીસેક વર્ષની વયે કાવ્યસર્જન આરંભ્યું હોય એમ ગણીએ તો પ્રેમાનંદનો જીવનકાળ ઈ. 1640 થી ઈ. 1700 સુધીનો — સત્તરમી સદીના ઉત્તરાર્ધનો — ગણાવી શકાય.