અષ્ટમોઅધ્યાય/ટૂંકી વાર્તા વિશે થોડું
સુરેશ જોષી
આજે ટૂંકી વાર્તા વિશે વિચાર કરતાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. હવે પ્રયોગશીલતાનો જુવાળ ઓસરી જવા આવ્યો છે? રૂપરચના વિશેનો આગ્રહ હવે શિથિલ પડતો જાય છે? વાર્તામાં હવે વાર્તા કહેવાના મુદ્દા પર વધારે ભાર મૂકવામાં આવે છે? હવે વાર્તાકાર ફરીથી વાચકાભિમુખ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે? ટૂંકમાં કહેવું હોય તો કેટલાકને મતે હવે પ્રયોગને કારણે આવેલી વિક્ષુબ્ધતા, ડહોળાયેલો મૂલ્યબોધ, રચનારીતિની કરામતો – આ બધું શમી ગયું છે. હવે ફરી વાર્તાકાર સમકાલીન જીવનની ઓળખ એ પોતાના વાચકને કરાવવા ઇચ્છે છે.
આ પ્રશ્નો વિશે થોડું વિચારીએ. એ વાત સાચી કે કોઈ પણ સાહિત્યસ્વરૂપના વિકાસમાં એકધારું ઉત્કર્ષનું સાતત્ય જળવાઈ શકતું નથી. મોટી ફાળ ભર્યા પછી મન્દ ગતિનો, સ્થગિતતાનો, ગાળો આવે છે. એનાં બે કારણો હોઈ શકે; એક તો એ કે કોઈ પણ એક તબક્કામાં એક સાથે ઘણી સાહિત્યિક પ્રતિભા કાર્યશીલ બનતી હોય એવું ભાગ્યે જ બને છે. આથી થોડા શક્તિશાળી સર્જક નવું પ્રસ્થાન કરે છે ત્યારે સમકાલીન વિવેચન એને સાશંક દૃષ્ટિએ જ જુએ છે. એમાં પરદેશી સાહિત્યની અસરો બતાવવામાં આવે છે. આપણી તળભૂમિનું જીવન જ આપણા માટે તો અભીષ્ટ છે એવો આગ્રહ રાખવામાં આવે છે. નવીનતાનો મોહ એ કેવું અનિષ્ટ છે તે પણ વડીલ ભાવે સમજાવવામાં આવે છે. આ બધાંનો સામનો કરીને, સામે પ્રવાહે તરીને, થોડાક સર્જકો ઉત્તમ વાર્તાસાહિત્યના અનુશીલનથી તથા કેળવાયેલી સૂઝથી રચનાનો નવો અભિગમ સ્વીકારીને આગળ વધે છે. આ પછી આ નવું આન્દોલન, એણે ઉપજાવેલી થોડીક ઉત્તમ કૃતિઓને કારણે થોડી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. એને પરિણામે ઓછી શક્તિવાળા પણ નવા પ્રવાહમાં ટકી રહેવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનારા સર્જકો પ્રયોગશીલતા તરફ વળે છે. આને કારણે કહેવાતી નવીન રચનારીતિનાં અમુક લક્ષણોનું તારણ કાઢી લેવામાં આવે છે. પછી એ લક્ષણોને અનુસરીને રચના કરનારો વર્ગ ઊભો થાય છે, આમ સફળ કૃતિની રચનારીતિનાં અનુકરણો થવા માંડે છે. આથી ધીમે ધીમે નિષ્પ્રાણ, સૂક્ષ્મ રસવૃત્તિ વિનાની, રચનાઓ ઊભરાતી જાય છે.
આપણે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છીએ. હવે એની પ્રતિક્રિયા શરૂ થઈ છે. વાચક આ બધા રચનારીતિના પ્રયોગોનાં ગતકડાંને કારણે હેબતાઈ ગયો હતો અને વિવેચન પણ કાંઈ ખાસ સહાનુભૂતિ બતાવતું નહોતું. આથી સાહિત્યકારોના એક વર્ગે ફરી ટૂંકી વાર્તાને વાચકાભિમુખ કરવાની વાત શરૂ કરી. આ વર્ગના વિવેચકો સાહિત્યિક ગુણવત્તાની ઊંચી માત્રાનો કે સૂક્ષ્મતાનો ઝાઝો આગ્રહ રાખતા નથી. એઓ તો સમકાલીન જીવન વિશેની અનુભવજન્ય અભિજ્ઞતા પર ઝાઝો ભાર મૂકે છે. એના રૂપાન્તરની પ્રક્રિયા જ એને સાહિત્ય બનાવે છે એ માનવાનું પણ એનું વલણ નથી.
આમ છતાં ટૂંકી વાર્તામાં નવી રચનારીતિનો પ્રયોગ કરવો એ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જરૂરી ગણાય છે. નવીનતાને માટેનો આગ્રહ પણ રહ્યો છે. ઓછી સર્જનશક્તિવાળા જે પ્રયોગો થઈ ચૂક્યા છે તેને અનુસરે છે ત્યારે એ પ્રયોગ કરવા પાછળ રહેલાં કેટલાંક ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેનાં ગૃહીતોને જાણ્યેઅજાણ્યે સ્વીકારી લેતા હોય છે. આથી પરિસ્થિતિ એવી ઉદ્ભવી છે કે ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેની ચર્ચામાં ખાસ નવો ઝોક દેખાતો નથી. પણ વાચકોનું નામ લઈને, જીવનાભિમુખતાનો પુરસ્કાર કરીને, સરળ કથનશૈલીને ટૂંકી વાર્તા પરત્વેના નવા અભિગમને નામે સ્વીકારી લેવામાં આવી હોય એવું લાગે છે.
જીવનનાં જુદાં જુદાં પાસાંને ટૂંકી વાર્તામાં સ્થાન મળે, અનુભવનું વૈવિધ્ય જળવાય, લોકોને સાહિત્યમાં પોતાના અનુભવોનું પ્રતિબિમ્બ જોવા મળે એવો આગ્રહ રાખવામાં આવે તેથી ટૂંકી વાર્તા આપોઆપ જ કળાદૃષ્ટિએ ઊણી થઈ જાય એવું નથી પણ અહીં મુખ્ય પ્રશ્ન આ છે: આ અનુભવનું સત્ય રસકીય સામગ્રી બનીને આવે છે ખરું? જો એ બારીકાઈથી કરેલા નિરીક્ષણની વીગતો જ આપી છૂટતું હોય, જો એ અનુભવની પાછળ રહેલી સંદિગ્ધતાને સૂચવવાની એમાં ગુંજાયશ નહિ રહી હોય તો આપણને રસાનુભવ કરાવશે? કથાસાહિત્યને આમેય તે શુદ્ધ સાહિત્યપ્રકાર ગણવાનું ઝાઝું વલણ નથી. આથી જીવાતા જીવનનાં બને તેટલાં પાસાંને તાદૃશ કરી આપે એટલું કામ જો ટૂંકી વાર્તા કરી શકે તો એમાંથી આ સન્તોષ પામી જનારો વિવેચકનો વર્ગ ઊભો થતો જાય છે.
એક બાજુથી પ્રયોગશીલતાને કારણે ટૂંકી વાર્તાના એક સાહિત્યસ્વરૂપ તરીકેનાં લક્ષણોની સીમામાં જ બંધાઈ ન રહેલી એની નવી શક્યતાઓને પ્રકટ કરતી, રૂઢ ખ્યાલથી ઊફરી જતી વાર્તાઓ લખાતી ગઈ. રૂઢ શૈલીની કથનરીતિનો ઉપયોગ કરીને એ દ્વારા પણ રસકીય પ્રયોજનની સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયત્નો પણ થયા, ટૂંકી વાર્તામાં કાવ્યતત્ત્વને પણ ઠીકઠીક અવકાશ મળતો લાગ્યો. ઘણી વાર રૂઢ શૈલીની સામે છેડે હોય એવી જ વાર્તા લખવાનો ઝનૂની પ્રયત્ન પણ થયો. હવે આની પ્રતિક્રિયા શરૂ થઈ છે. હવે ટૂંકી વાર્તામાં ભાષાકર્મ કવિતામાં જે સ્તરે થતું હોય છે તે સ્તરે રહીને કરવાનો ઝાઝો આગ્રહ રાખવામાં આવતો નથી. ટૂંકી વાર્તામાં વસ્તુનો વિકાસ સીધી રેખાએ થતો જોવામાં આવે છે. અનેક કેન્દ્રીય સમયની અનુભૂતિ કરવા માટે પદવિન્યાસ જોડે કશી તોડફોડ કરવામાં આવતી નથી. વાર્તામાં કાવ્યત્વનો પ્રવેશ એટલે અલંકારની બહુલતા એવા ખ્યાલને સ્વીકારવાને કારણે ટૂંકી વાર્તાનું વિભાવન કાવ્યના સ્તરે રહીને થાય એ સમ્ભાવનાને જ બાદ કરી નાંખવામાં આવી છે.
ટૂંકી વાર્તાના વિકાસનું એક મહત્ત્વનું સ્થિત્યન્તર આ રીતે શું સિદ્ધ કરી ગયું, એની કઈ શક્યતાઓ સિદ્ધ થયા વગરની રહી ગઈ એ વિશેની ચર્ચાઓ ઝાઝી થાય તે પહેલાં જ જાણે વિવેચને એ પાનું ફેરવી દીધું લાગે છે. ભાષાકર્મ જો રસકીય સભાનતાથી નહીં થાય તો એ કળાકૃતિ તરીકે ટૂંકી વાર્તાને ખમવું પડે એ ખ્યાલ હવે ઝાઝા મહત્ત્વનો રહ્યો નથી.
એક પ્રશ્ન આ બધાંના કેન્દ્રમાં રહ્યો છે. શા માટે આપણે વારે વારે સાહિત્યની રસાનુભવ કરાવવાની શક્તિ અને એને સિદ્ધ કરી આપતી રચનારીતિ તરફથી વળી જઈને એની સામગ્રીને જ વધારે મહત્તા આપતા થઈ જઈએ છીએ, શા માટે આપણે ટૂંકી વાર્તાના વિકાસમાં નિરૂપણની સૂક્ષ્મતાનો આગ્રહ રાખવાનું છોડી દઈએ છીએ? લોકોથી વિમુખ થવાના દૃઢ સંકલ્પ સાથે કોઈ ઊંચી રસવત્તા સિદ્ધ કરવાના પ્રયોગો કરે છે એવું નથી, કવિતાના આસ્વાદની જેમ સમજપૂર્વક, પૂર્વગ્રહરહિત દૃષ્ટિએ જો ટૂંકી વાર્તાનો પણ આસ્વાદ કરાવવામાં આવે તો ઊંચી કોટિની રસવત્તા ધરાવનારી વાર્તાને કેમ માણવી તે સાહિત્યરસિક વાચકોને સમજાય. આવા પ્રયત્નો કરવાને બદલે ટૂંકી વાર્તાના સ્તરને નીચું લાવવાનો પ્રયત્ન ઇષ્ટ નથી. વિવેચન જો આ પરત્વે ખોટું વલણ ધારણ કરશે તો એ સાહિત્યના વિકાસને ઉપકારક નહીં નીવડે