યુરોપ-અનુભવ/વેનિસ! વેનિસ!
‘વેનિસ’ બોલતાં જ એક મોહક સૌંદર્યની આભા એ નામની આસપાસ રચાઈ જાય છે, જેમાંથી ધીરે ધીરે પ્રકટ થાય છે એક જળનગરી. અપ્સરા—અપ્, એટલે પાણી અને એમાં સરનાર એવો અર્થ થતો હોય તો વેનિસ એક અપ્સરા છે, જેને બોત્તીચેલીના પેલા પ્રસિદ્ધ ચિત્ર ‘વિનસનો જન્મ’ની પૂર્ણ સ્ફુટિતા વિનસ સાથે સરખાવી શકાય. તે ચિત્રમાં વિનસ સાગરમાંથી ઉદ્ભવી નિરાગસ નગ્નતાથી સાગરના જળ પર ઊભી છે. વેનિસનગરી એ રીતે એડ્રિયાટિક સાગરમાંથી બહાર આવીને જાણે ઊભી ન હોય! કવિ બાયરને કંઈક આવું જ વર્ણન વેનિસનું કરેલું છે.
વેનિસનું નામ પહેલાં સાંભળ્યું હતું, કાકાસાહેબના શ્રીનગર વિષેના એક નિબંધમાં. એ નિબંધની શરૂઆતમાં જ એમણે લખ્યું હતું કે, ‘ઇટલીનું વેનિસ શહેર મેં કંઈ જોયું નથી…’ પછી જળમાર્ગોવાળા શ્રીનગરનું જે વર્ણન એમણે કરેલું તે ઉપરથી વેનિસની કૈંક કલ્પનાઓ કરેલી. એમાં રંગ પૂર્યા શેક્સ્પિયરે. અમારામાંથી ચાર તો મારા શિકે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થીઓ પણ. અનિલાબહેન, રૂપા તો શેક્સ્પિયર ભણાવે. શેક્સ્પિયરના ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ – વેનિસનગરનો વેપારી – નાટકની ઘટનાભૂમિ તે આ વેનિસ. અમે ઍન્ટોનિયો, બેસાનિયો અને પેલી ચતુર ચબરાક પોર્શિયાનાં ચરિત્રો યાદ કરવા લાગેલાં. રિયાલ્ટોના ચૉકમાં ઍન્ટોનિયો-શાયલોકની મુલાકાતનું દૃશ્ય છે. વેનિસમાં હજુ છે એ રિયાલ્ટો ચૉક. અમને યાદ આવી શેક્સ્પિયરની બીજી એક નમણી નિર્દોષ નારી ડેસ્ડિમોના. ‘ઑથેલો – ધ મૂર ઑફ વેનિસ’ની એ કરુણસ્ય મૂર્તિ નાયિકા.
પહેલી વાર કલકત્તા જવાનું થયેલું ત્યારે એના માર્ગોમાં શરદબાબુ કે રવીન્દ્રનાથની નારીઓ શોધવાની ઇચ્છા થયેલી. વેનિસમાં પોર્શિયા કે ડેસ્ડિમોના મળે? જેના પર હસી શકાય એવી આ નરી મુગ્ધતા હતી. પેલો પ્રસિદ્ધ પ્રવાસી માર્કો પોલો પણ આ વેનિસનો ને? છેક તેરમી સદીમાં એ પૂર્વના દેશોની યાત્રાએ નીકળી પડેલો, તે ચોવીસ વર્ષે ફરી ઘર જોવા પામેલો. અમે એ મહાન મુસાફરની નગરી વેનિસમાં બીજાં અનેક પ્રવાસીઓની જેમ એક સવારે ઊતરી પડ્યાં.
ઑસ્ટ્રિયામાંથી અમે ઇટલીમાં પ્રવેશતાં હતાં. વહેલી સવારે ગાડીની બારી બહાર જોયું, તો પર્વતીય પ્રદેશ! બંને બાજુ પર્વતમાળા આછા ધુમ્મસથી ઢંકાયેલી હતી. એક નાનકડું ગામ પસાર થયું – ઇટલીનું. ગામના ટાવરમાં સવારના ૫.૪૫ થયા હતા છતાં અજવાળું તો થઈ ગયું હતું. ગામ પસાર થઈ ગયું. એક બાજુ ઝરણું વહેતું જોઈ બીજી તરફ જોયું, તો ત્યાં પણ ઝરણું વહી જતું હતું. પર્વતની ધારે સડક જતી હતી. ખડકાળ પર્વતો છે, ઝાડી નથી. તળેટીઓમાં ઉદ્યોગો સ્થપાયા છે. અમે છેક ઉત્તર ઇટલીમાં છીએ. ઇટલીનો ભૂમધ્યમાં પેસતો લાંબો નકશો નજર સામે લાવી દરિયાકિનારે કે પછી દરિયામાં ઊભેલા વેનિસનું બિન્દુ શોધું છું. – ‘વેનિસ! વેનિસ!’ મમળાવતાં ગાડીમાંથી ઊતર્યાં. ક્લૉકરૂમમાં સામાન મૂકી, જેવાં સ્ટેશનની બહાર આવ્યાં તો સામે વહી જતી જળની સડક – ગ્રાન્ડ કેનાલ. એમાં મોટી લૉન્ચ અને ગૉન્ડોલા ફરતાં હતાં. ઊતર્યાં તેવો જ વરસાદ. પણ થોડો વરસીને એ બંધ થઈ ગયો. અમે વિચાર્યું કે, પગે ચાલીને જ નગરને જોઈએ. પગે ચાલવું હોય તો ગ્રાન્ડ કેનાલ પરનો પુલ પાર કરી જઈ શકાય. આ ગ્રાન્ડ કેનાલથી નાનીમોટી નહેરો – જળમાર્ગો દ્વારા પણ નગરનાં જુદાં જુદાં સ્થળોએ જવાની સુવિધા છે. આ સિવાય આખા નગરમાં મોટર કે એવું કોઈ વાહન નથી. સ્થળમાર્ગો પર પણ લોકો પગે ચાલતા જ દેખાય. એથી એવું લાગે કે અહીં કોઈ ઉતાવળ નથી! થાય છે, જવાય છે, સામે કોઈ મળે તો ઊભું રહી વાતો કરાય છે. યુરોપનાં શહેરોમાં માત્ર એક વેનિસમાં જ રસ્તે ઊભા રહી વાતો કરતાં લોકો જોયાં.
જેટલા સ્થળમાર્ગો એટલા જળમાર્ગો. કદાચ વધારે હશે. એ માર્ગો ઉપર ઠેર ઠેર પુલ, પગથિયાં. નહેરને કાંઠે ઊતરી સડક પર આવી જવાય. નહેરમાં તો શણગારેલી કલાત્મક ગૉન્ડોલાઓ પણ ફરતી હોય. એમાં મોટેભાગે તો શોખીન પ્રવાસીઓ, ક્યાંક નવવરવધૂ જેવાં યુગલો. શ્રીનગરના ડાલ સરોવર કે જેલમમાં ફરતી નાની હોડીઓનું દૃશ્ય યાદ આવે. પણ, વેનિસનગરી શ્રીનગરથી જુદી છે. મધ્યકાળમાં વેનિસની બોલબાલા હતી. વેપારવણજનું એ કેન્દ્ર, એક વખતે એક મોટા સામ્રાજ્યની રાજધાની પણ. ‘વેનિસનગરનો વેપારી’માં ઍન્ટોનિયોનાં જહાજોની વાત આવે છે. અનેક જહાજો અહીં નાંગરતાં હશે! નગરની ઊંચી ઊંચી ઇમારતો એની એક વખતની સમૃદ્ધિની શાખ પૂરે છે. વેનિસની ઇમારતો અવશ્ય ઊંચી છે, પણ ગલીઓ ઘણી સાંકડી, માણેકચૉકની સાંકડી શેરી તો કદાચ પહોળી છે. પરંતુ આ સાંકડી શેરીઓ સ્વચ્છ. એમાં ચાલતાં હાથ પહોળા કરો તો બંને બાજુ અડકી શકાય. પણ ગલીઓમાં અવરજવર એટલી ઓછી કે કશી ભીડ ન લાગે. અમદાવાદની પોળની અંદરની પોળ જેવી રચનાઓ કે ચકલાં પણ હોય. એક ગલીમાંથી બીજીમાં અને બીજીમાંથી ત્રીજીમાં કે ચોથીમાં પેસતાં જ જઈએ. આપણને થાય કે, અંધગલી હશે, પણ ના, વળાંકે બીજી ગલી શરૂ થઈ જતી હોય. આ ગલીઓ તમને વારંવાર ઊભા રાખે, કેમ કે જાતજાતની દુકાનો, એમાં ભાતભાતની ચીજો. ભાવતાલ કરવાનો પણ આનંદ. નિરુપમા તો એમાં નિપુણ. એ બધાંને ગમી ગયેલી માળાઓ ખરીદવામાં ઓછા કરતાં કરતાં ભાવ એટલો ખેંચ્યો કે પછી દુકાનદારબહેને ના પાડી. આ લોકો ચાલવા માંડ્યાં. એમને એમ કે પેલી પાછી બોલાવશે. પણ એણે કંઈ બોલાવ્યાં નહીં. પછી તો આખી યાત્રામાં એ સુંદર મણકાની માળાઓ ન ખરીદવાનો વસવસો કર્યો. વેનિસની પિત્તળની સુંદર નાની ડબ્બીઓ પણ બધાંને ગમી ગઈ.
ગલીઓ મોટા માર્ગ સાથે જોડાયેલી હોય. ત્યાં જાઓ એટલે પાણીના માર્ગ દેખાય. ગૉન્ડોલાઓ વહી જતી હોય. વચ્ચે વચ્ચે પુલ અને ચૉક આવે. પેલો શેક્સ્પિયરપ્રસિદ્ધ રિયાલ્ટો ચૉક પણ. આજે ત્યાં મોટું શોપિંગ સેન્ટર છે. એમાં દેશવિદેશના પ્રવાસીઓ જોવા મળે.
આ ગલીઓમાં ફરતાં ફરતાં આ નગર જાણે ગમવા લાગ્યું. કોટવિસ્તારના અમદાવાદ જેવું જૂનું નગર. એની ઊંચી ઇમારતોની ઈટો પણ ક્યાંક તો બહાર દેખાય. ગલીઓમાં આટલો બધો વેપાર ચાલે પણ ઘરગથ્થુ શહેર લાગે. રસ્તે ચાલતાં એક વેનિસિયન પ્રૌઢા રૂપાની લાંબા ચોટલામાં ગૂંથેલી વેણીઓ હાથમાં લઈ પ્રસન્નતા વ્યક્ત કરી ગઈ. ત્યાં તરબૂજ-ટેટી જોતાં તો હિન્દુસ્તાન યાદ આવ્યું. સમ્રાટ બાબરને હિન્દુસ્તાનમાં તરબૂજ જોતાં એનું મધ્ય એશિયાનું વતન યાદ આવેલું ને! અને આ કબૂતરો! કાગડા ઓછે સ્થળે, પણ કબૂતરો તો બધે જ જોયાં. અને યુરોપના નગરનાં ખુલ્લા ચૉકમાંનાં કબૂતરો તો આપણા હાથમાંથી દાણા ચૂગે અને આપણે ખભે – માથે વિશ્રંભથી બેસે. એ રીતે ફોટો પડાવનારા અનેક યાત્રીઓ પણ ખરા.
ફરતાં ફરતાં વેનિસના એક ટાવરમાં જોયું, બાર વાગ્યા છે. લગભગ સવારના નગરમાં ભમી રહ્યાં છીએ. હજુ આકાશમાં વાદળ છે, વેનિસના નગરજનો એક હાથમાં છત્રી અને બીજા હાથમાં થેલી લઈ ખરીદી કરતાં જાય છે. વળી, કોઈ પરિચિત મળે તો વાતો કરવા ઊભાં રહે છે. ત્રીજું કોઈ આવી એમાં પાછું જોડાય. હું જાણે એ દૃશ્યોમાં હિન્દુસ્તાન સૂંઘતો હતો. એક જગ્યાએ તો પાંચછ ઘરડા ઊભેલા, દરેકના હાથમાં છત્રી, ઊભેલા તે ઊભેલા. વાતો ખૂટતી હોય એમ લાગે નહીં. મારા સાથીપ્રવાસીઓ એ વખતે મહિલાઓ માટેનાં આભૂષણોની દુકાનમાં હતાં. બધે બહેનો માટે જ દુકાનો વધારે હોય એવું લાગે. પુરુષો માટે તો બહુ ઓછી વસ્તુઓ મળે. એટલે તો કવિ રવીન્દ્રનાથે કહ્યું છે કે, નારીનું સર્જન કરનાર એકમાત્ર વિધાતા જ નથી. એના સર્જનમાં બધાંનો ફાળો છે. સમુદ્ર મોતી આપે છે, ધરતી સોનું આપે છે, વસંત ફૂલો આપે છે અને કવિઓ સોનાના ઉપમાસૂત્રે તેનાં વસ્તર વણે છે, વગેરે વગેરે.
ભમતાં ભમતાં અમે વેનિસને કવિ ઉમાશંકર જોશીના શબ્દોમાં ‘પદગત’ કરતાં રહ્યાં. વેનિસમાં કેટલાંક મ્યુઝિયમો છે, જે જોવાં જ જોઈએ. પણ, આ આખું શહેર જાણે વિશાળ મ્યુઝિયમ જ ન હોય! કોણ જાણે કેમ, પણ કોઈ મ્યુઝિયમમાં જવાનું મન ન થયું. એટલે ચાલતાં જ ચાલ્યાં.
પિઆઝા સાન માર્કો – સાન માર્કોના ચૉકમાં – પહોંચ્યાં ત્યારે બે વાગવા આવ્યા હતા. વિરાટ દેવળની છાયામાં ખુલ્લો ચૉક કબૂતરો અને મુસાફરોથી છલકાતો હતો. સામે હતો એડ્રિયાટિક સાગરનો કિનારો.
અહીં સાગરકિનારે ઊભાં રહેતાં સમજાય છે કે, વેનિસ દરિયાનાં ભૂમિમાં પ્રવેશેલાં સ્થિર જળને – બૅકવૉટર્સને કાંઠે – લગૂન પર વસેલું શહેર છે. પેલા જળમાર્ગો બધા અહીં સુધી પહોંચે છે. એના વસવાટનો લાંબો ઇતિહાસ છે. પણ એ લાંબા ઇતિહાસમાં વેનિસ પૂર્વ અને પશ્ચિમની કડીરૂપ રહ્યું છે. માત્ર વાણિજ્ય નહીં, સંસ્કૃતિઓની હેરફેરમાં પણ. તેરમી સદીમાં કૉન્સ્ટૅન્ટિનોપલના પતન પછી તો વેનિસ અત્યંત સમૃદ્ધ નગર બન્યું. પછી ઘણી આસમાનીસુલતાની આ નગરીએ જોઈ છે. યુરોપનાં ધર્મયુદ્ધોના એ દિવસો. વેનિસના પુનરુત્થાન કાળના ચિત્રકારોની કૃતિઓમાં એ વખતની કેટલીક નગરચિત્રણા સચવાઈ છે, જેમાં આ પિઆઝા સાન માર્કો, રિયાલ્ટો બ્રિજ, નહેરો અને નહેરમાં ફરતી ગૉન્ડાલા અને નહેર ઉપરના પુલ વગેરે છે. સાન માર્કો એ વેનિસની સમૃદ્ધિ અને કલાસૃષ્ટિનું પરિચાયક છે. આ ઉપરાંત ડુકાલ પૅલેસ અને બીજી ઇમારતો પણ. વિવિધ કલાશૈલીઓનો એ સંગમકાળ પણ હતો. બાઇઝેન્ટાઇન એટલે કે પૂર્વના કૉન્સ્ટૅન્ટિનોપલની સ્થાપત્યશૈલીનો પ્રભાવ અહીં છે. પંદરથી સોળમી સદીમાં અનેક ચિત્રકારો, સ્થપતિઓ, શિલ્પીઓ આ વેનિસ શહેરમાં હતા, જેમણે નગરને શોભાવતું કર્યું છે તેમાં ટિટિયન જેવા પ્રસિદ્ધ કલાકારો પણ છે. એણે દોરેલી વિનસનું ચિત્ર (ઉરબિનો વિનસ) તો ઘણા કલારસિકોને યાદ આવશે.
સાન માર્કોના ચૉકમાં સાન માર્કો(સંત માર્ક)નું ચર્ચ છે. આગળ ઊભેલા કાંસાના ચાર અશ્વોનું શિલ્પ સ્મરણમાં જડાઈ જાય. ખરેખર તો આ ગ્રીક શિલ્પ છે અને ઈ.સ. પૂર્વે ત્રીજી-ચોથી સદીનું ગણાય છે, જે કૉન્સ્ટેન્ટિનોપલના પતન પછી તેરમી સદીમાં અહીં લાવવામાં આવ્યું છે. સાન માર્કોનું આ દેવળ ચર્ચ ઑફ ગોલ્ડ કહેવાય છે. અનેક મોઝેઇક ચિત્રોથી તે ચમકતું દેખાય છે. ચર્ચમાં પ્રવેશતાં એની વિશાળતા પ્રભાવ પાડી રહે.
બાજુમાં ડુકાલ પૅલેસ છે. એની બંધ બારીઓ જોતાં અમે સાગરતટે જઈ ઊભાં. ત્યાં સામે પણ ઇમારતો દેખાય છે. અહીં શેરીચિત્રકારો ત્યાં ને ત્યાં તમારું પૉટ્રેઇટ તૈયાર કરી આપે. કબૂતરોની ઊડાઊડ એટલે જાણે ફડફડતાં ઇતિહાસનાં પાનાં. ખુલ્લી પીળી ખુરશીઓવાળાં કાફે કૉફી પીવા આમંત્રી રહે.
અમે પાછાં એ માર્ગે વળ્યાં. મુખ્ય નહેર અને બંને બાજુની ઇમારતોવાળા એ માર્ગને તો ઘણા ચિત્રકારોએ પોતાના ચિત્રનો વિષય બનાવ્યો છે. ફરી સાંજ વેળાએ નગરની ગલીઓમાં ફરતાં ફરતાં સ્ટેશને આવીને ઊભાં. ત્યાં બેસવાની અને બેઠાં બેઠાં લૉંચ ગૉન્ડોલાની અવરજવર જોવાની મઝા પડી. માર્કો પોલોનું વેનિસ, ડેસ્ડિમોના અને પોર્શિયાનું વેનિસ, અસંખ્ય કલાકારોનું વેનિસ! અંધારું ઊતરવામાં હતું ત્યાં એક પછી એક ત્રણચાર યાત્રીઓ ભરેલી ગોન્ડોલા પસાર થઈ, જેમાંથી છલકાતા વાદનગાયનના સૂર સ્ટેશનનાં આ પગથિયાં સુધી પહોંચી જતા હતા. ચિત્રકાર હોત તો આ ચિત્ર દોરવાની ઇચ્છા કરત.