મરણોત્તર/૯
સુરેશ જોષી
નીચેથી કાર સ્ટાર્ટ થવાનો અવાજ થાય છે. છેલ્લું રહી ગયેલું કોઈ ધડધડ ઊતરીને દોડે છે. એના દોડી ગયા પછી ક્યાં સુધી એના પડઘા ગાજે છે. હાંડીઝુમ્મર બુઝાઈ જાય છે. મને લાગે છે કે હવે ક્યાંય કોઈ નથી. બધે શાન્તિનો શ્વાસ સંભળાય છે. ઝરૂખામાં પડતી બારીઓના કાચ ચાંદનીથી ચમકી ઊઠે છે. એનો ચમકી ઊઠવાનો ઉદ્ગાર પડઘા પાડતો વેરાઈ જાય છે. દૂર સમુદ્રના જળ નીચે સૂતેલો સૂર્ય પડખું બદલે છે. એનો અવાજ પણ અહીં સંભળાય છે. સૂના ઝરૂખાઓમાં પવન રહી રહીને લટાર મારી જાય છે. ક્યાંકથી કિચુડ કિચુડ અવાજ સંભળાય છે. જોઉં છું તો ઝરૂખામાંનો હીંચકો હાલે છે. ઘડીભર તો માની લઉં છું કે એ પવનનું જ અડપલું હશે. પણ નજર સ્થિર કરીને જોઉં છું તો એક ધોળા આકારની આછી રેખાઓ વરતાય છે. ત્યાં ઝરૂખાને સામે છેડેથી બીજો આકાર ચાલ્યો આવતો દેખાય છે. હીંચકો ઘડીભર થંભે છે. પછી વધારે વેગથી હીંચકો ઝૂલવા લાગે છે. એ ઝૂલવાના લયથી કે શાથી મારામાં રહેલું મરણ અસ્વસ્થ થઈ ઊઠે છે. એ થરથર ધ્રૂજે છે. એના ધ્રૂજવાથી હું હચમચી ઊઠું છું. પણ મારા હાલવાના અણસારથી રખેને પેલા આકારો મારી ઉપસ્થિતિ વરતી જાય એ બીકે હું થાંભલાની ઓથે સ્થિર ઊભો રહું છું. ત્યાં શાન્તિને ભેદતું હાસ્ય રણકી ઊઠે છે. સૂના ઘરના બધા ખૂણામાંથી એના પડઘા પડે છે. જાણે એ હાસ્યનો સંકેત મળતાં આ ઘરના કેટલાય અદૃશ્ય આકારો બહાર આવ્યા છે. હીંચકો ચગે છે. હાસ્ય તીવ્ર બનીને લગભગ ચીસ બની જાય છે. હું બંને કાનમાં આંગળી ખોસી દઉં છું. આંખ બંધ કરી દઉં છું. મારા શ્વાસમાં મરણ કશાક ભયથી હાંફતું સંભળાય છે. ધીમે ધીમે હસવાનો અવાજ આછો ને આછો થતો જાય છે. થોડી વાર રહીને હું હિંમત કરીને આંખો ખોલું છું. હીંચકો હવે લગભગ થંભી જવાની અણી પર છે. નીચે નજર કરું છું તો ચાંદનીમાં એ આછા આકારોની રેખા વરતાય છે. એ દૂર ને દૂર જતા જાય છે. આખરે ચાંદનીના પ્રસારમાં નહીં ઓળખાય એવાં બે બિન્દુ જ દેખાય છે, પછી દૂરના સમુદ્રના આભાસમાં એ ખોવાઈ જાય છે. હું મારા કાનમાં ખોસેલી આંગળીઓ કાઢી લઉં છું. ધીમે, છાનાછપના અવાજે કોઈ સાવ નજીકથી મને કંઈક કહી રહ્યું હોય એવો ભાસ થાય છે, હું પૂછું છું: ‘કોણ મૃણાલ?’