શાલભંજિકા/ઝર ઝર ઝર વારિ ઝરે છે

Revision as of 10:25, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઝર ઝર ઝર વારિ ઝરે છે

અવિરામ વૃષ્ટિ થયે જાય છે. આખા ભારતવર્ષમાં અત્યારે એક જ ઋતુ છે અને તે વર્ષા. ગઈ કાલે ભારતવર્ષમાં પૂર્વ છેડે હતો, ત્યાં કલકત્તાના આકાશમાં વાદળ હટવાનું નામ લેતાં નહોતાં. કવિ જગન્નાથ ચક્રવર્તી સાથે વાર્તાલાપ ચાલતો હતો અને વરસાદ પડતો હતો. એ પૂર્વ છેડેથી પશ્ચિમ છેડે આવતાં આકાશમાર્ગે માત્ર વાદળનું સામ્રાજ્ય પથરાયેલું હતું. ક્યાંક ઘટ્ટ જામેલાં શ્વેત વાદળ – જાણે શ્વેત ઘેટાંનું ટોળું જામી પડ્યું છે. ક્યાંક દોડતાં હવાનું રૂપ ધારણ કરતાં શશસાવક જેવાં વાદળ. ક્યાંક લાગે વાદળનો મહાસાગર થીજી ગયો છે, ક્યાંક લાગે વાદળોના દુર્ગમ વનને ચીરતું વિમાન ચાલ્યું જાય છે. આટલા લાંબા પંથમાં તડકાનો એક ટુકડો પણ જોવા મળે તો ને!

ક્યાંક વાદળોએ નીચે જોવાની થોડી જગ્યા કરી હોય તો દેખાય છલછલ થતી ભીની ધરતી અને મટમેલાં વરસાદના પાણીથી ભરાયેલા નદીપ્રવાહો, ભીનાં ગ્રામનગર હજી જોઉં—ન જોઉં ત્યાં વળી પાછો અભ્રલોક.

ઘેર આવીને જોઉં છું એ જ વર્ષા. ‘વારિ ઝરે ઝરઝર ભરા બાદરે’ ભર્યાં ભર્યાં વાદળોમાંથી વારિ ઝર ઝર ઝર્યે જાય છે. રવિ ઠાકુરની આ પંક્તિમાં અત્યારે પડી રહેલી વૃષ્ટિધારાનો ધ્વનિ સંભળાય છે. વૃષ્ટિધારાના અવાજથી આ પંક્તિ જાણે રચાઈ છે — આજ બારિ ઝરે ઝર ઝર ભરા બાદરે — આ પંક્તિમાં ‘ઝ’ અને ‘૨’ એટલે જ વારિનો સ્પર્શ.

મેં બારી ખોલી નાખી છે. વરસાદની ફરફર આ લખવાના કાગળ ઉપર પહોંચી જાય છે. મારે ગાલે, કપાળે પણ એ ફરફરનો શીતલ પવન સ્પર્શ કરાવી જાય છે. બારી બહાર જોઉં છું. આકાશથી અવિરામ ધારા ઝીંકાતી જાય છે. ચાર દીવાલોમાં દેહ બંદી બની ગયો છે, પણ મન એમાંથી બહાર નીકળી સ્મરણોના નિભૃત લોકમાં ખોવાઈ જાય છે, વરસાદના આ એકધારા ધારારવથી તંદ્રાલસ થતું જાય છે. તંદ્રાલસ ચેતનામાં ખોવાવાની રમત ચાલ્યા કરે છે. માત્ર હું જ નહિ, આ ભીની ઇમારતો અને નતશિર વૃક્ષો પણ તંદ્રાલસ લાગે છે.

અત્યારે વાદળની પીઠ પર બેસાય એવું નથી, વાદળો ઓગળી રહ્યાં છે, ધારા રૂપે. એ આકાશમાંથી પડતી અણથંભ ધારા જોતાં એક ફ્રેન્ચ કવિ બૉદલેરને તો એ જાણે જેલના ત્રાસદાયક સળિયા હોય એવી ઉપમા સૂઝી હતી. લગાતાર પડતી ધારાને જેલના સળિયા રૂપે જોતું એનું મન આધુનિક ફ્રેેન્ચ કવિનું મન છે. વાદળથી ભારે થઈ નીચે ઝૂકી આવેલું આકાશ દિનના અજવાળા માટે ઝંખતા એ કવિના મનને સીસા જેવું ભારે ભારે અનુભવાય છે. એટલું જ નહિ, એ કવિને આ ધરતી અંધારકોટડી જેવી લાગે છે અને એમાં એની આશાઓ અંધ ચામાચીડિયાની જેમ પાંખો ફફડાવતી દીવાલને ને છતને અફળાય છે.

આપણા ભારતીય કવિ ટાગોરનું મન તો આ વૃષ્ટિમાં ઘરની બહાર ભાગે છે, વરસાદની આંધીમાં આળોટે છે. ભીતર કોઈ પાગલ જાગી જાય છે. એને લાગે છે કે ઘરમાં અને બહાર કોઈ મસ્ત થઈ ગયું છે. શાંતિનિકેતનમાં પણ વરસાદ થોડો આવો હોય છે. ટાગોરને જે વૃષ્ટિધારા બોલાવી જાય છે, તે શાંતિનિકેતનની છે, કલકત્તાનગરની નથી. દૂર-સુદૂર સુધી સપાટ ધરતી, વચ્ચે વચ્ચે માત્ર છત્ર ધરાવતાં ક્યાંક એકલદોકલ, ક્યાંક હારબદ્ધ તાલ અને એની ઉપર ઝૂકી આવતો મેઘ અને વૃષ્ટિ. પછી માત્ર ખેતરોમાં ધાન(ડાંગર)ની ફસલ ઊગતી નથી. વર્ષાનાં ગીતોની એક નવી ફસલ ટાગોરની કવિચેતનામાં ઊગી આવતી. દરેક વર્ષે વર્ષાનાં નવાં ગીત. ટાગોરચિત્ત એવી ધરતી હતી જે કદીય ઊષર ન થાય.

અવિરામ વૃષ્ટિ થયે જાય છે અને ટાગોરનું કોઈ વર્ષાગીત હેમંત મુખરજી કે કનિકા બેનરજીને કંઠે સાંભળવાનું મન થાય છે. મને શાંતિનિકેતનમાં એક આખી વર્ષાઋતુના દિવસો યાદ આવે છે. એ દિવસોમાં બાંગ્લાદેશનાં પ્રસિદ્ધ ગાયિકા સંજીદા ખાતુન મારી જેમ ત્યાં વિઝિટિંગ ફેલો તરીકે આવેલાં. એ આવ્યાં ત્યારથી એમની સાથે મૈત્રી થયેલી. આવી ઋતુ હોય, બધાં બેઠાં હોય અને કહીએ – સંજીદાદી, કંઈક ગાઓ ને!

કોઈ હા-ના નહિ, સંકોચ નહિ. એકદમ સંજીદ્દા ખાતુન કંઠ છોડી દે. એક વખત આ ગીત ગાયું – આજિ બારિ ઝરે ઝરઝર. હા, તો આકાશેથી ઝર ઝર વારિ ઝરે છે, અત્યારે મારી ચેતનામાં સ્મૃતિઓનાં વારિ ઝરે છે.

ઋતુઓની બાબતમાં (અને હા, પ્રેમની બાબતમાં પણ) ટાગોર કવિ કાલિદાસના સીધા વારસ છે. ટાગોરે જ્યારે યુવાન વયે ભાનુસિંહ ઠાકુર(ભાનુનો અર્થ રવિ પણ)ને છદ્મ નામે વૈષ્ણવગીતો રચેલાં એમાં પેલું વર્ષાની — શ્રાવણની રાત્રે અભિસાર કરતી રાધાનું ગીત છે. શ્રાવણના ગગનમાં ઘનઘોર ઘટા જામી છે, અબલા કામિની આ નિશીથવેળાએ કુંજપથે એકલી કેવી રીતે જશે? પણ જવું તો પડશે – આવા કસમયે કુંજમાં નિષ્ઠુર કૃષ્ણ વાંસળીમાં રાધા નામ બજાવી રહ્યો છે જે!

કાલિદાસમાં પણ વર્ષામાં અનુભવાતા પ્રાકૃતિક સૌન્દર્યની અને શૃંગારોદ્દીપનની વાત વારંવાર આવે છે. આખું મેઘદૂત વિરહ-શૃંગારનું ઉન્મત્ત ગાન છે. પણ અત્યારે એમાંથી એક ઉપમા એકદમ યાદ આવી છે અને એ પણ પેલા ફ્રેંચ કવિ બૉદલેરના સંદર્ભમાં.

માનવદેહ જેવી સૌન્દર્યની કોઈ ખાણ નથી. પ્રકૃતિ ભલે અનંતરૂપા હોય; કવિઓએ, ચિત્રકારોએ, શિલ્પીઓએ દેહોત્સવનો મહિમા એમની કલાકૃતિઓમાં અનંત રૂપે કર્યો છે. પહેલાં મને એમ હતું કે આપણા શિલ્પીઓએ અને ચિત્રકારોએ મંદિરોની દીવાલો પર, અજંતાની ગુફાઓમાં જે સૌન્દર્ય આલેખ્યું છે, એ અપ્રતિમ છે. યુરોપનાં મ્યુઝિયમોમાં જઈને જોયું તો આહ! એ કલાકારો પણ અજબ રીતે એ જ સૌન્દર્ય અંકિત કરી ગયા છે. એકલી વીનસનાં કેટલાં રૂપ જોયાં!

સંસ્કૃત કવિઓએ તો નખશિખની પ્રણાલી શરૂ કરી. નારીના અંગૂઠાના નખથી તેની શિખા પર્યંત તેઓ પ્રદક્ષિણા કરતા રહ્યા છે — જાણે કોઈ ‘તીર્થ’. મેઘદૂતમાં તો પેલો પ્રસિદ્ધ શ્લોક છે જ — યક્ષપ્રિયા વિશે — ‘તન્વીશ્યામા…’

પણ એ શ્લોકની વાત નથી કરવી. અત્યારે તો પેલી ઉપમા — જેમાં યક્ષ આમ્રકૂટ પર્વતના શિખરે આરોહણ કરતા મેઘનું વર્ણન કરે છે. યક્ષ મેઘને કહે છે. હે મેઘ! એ આમ્રકૂટ પર્વત એના ઢોળાવો પર વન્ય આમ્રવૃક્ષોથી આચ્છન્ન છે. એ વૃક્ષો પર ફળ પાકી ગયાં હશે. પછી જ્યારે તું એના શિખરે આરોહણ કરીશ ત્યારે પર્વતના વિશાળ પાંડુવર્ણ ગાત્રના કેન્દ્રસ્થળે તારી કેશપાશતુલ્ય શ્યામ કાંતિથી યુક્ત થઈશ, તે વખતે આકાશના દેવતાઓને તું ‘મધ્યે શ્યામઃ સ્તનઃ ઇવ ભવઃ શેષ વિસ્તાર પાંડુઃ’ — પૃથ્વીના સ્તન જેવો દેખાઈશ, જે દીંટડીએથી શ્યામ છે અને આસપાસનો ગોળાકાર વિસ્તાર પાંડુવર્ણ છે.

આ કાલિદાસ! એમની કવિતામાં નારીસ્તનના સૌન્દર્યને અનેક ઉપમાઓથી પ્રકટ કર્યું છે, પણ અહીં તે એક પર્વતને નારીસ્તનની–અહીં એ નારી પૃથ્વી છે—ની ઉપમા આપવામાં આવી છે. આમ્રકૂટ એ આ પૃથ્વીનો સ્તન જાણે. ગોળાકાર પર્વત પરનાં આમ્રનાં પાકેલાં ફળને લીધે પાંડુ અને મેઘને લીધે શિખરે શ્યામ. સ્તનનો આકાર અને વર્ણ દૃશ્ય જ નહિ, સ્પર્શ્ય પણ બની જાય એવી કવિલીલા છે.

કાલિદાસના ટીકાકાર મલ્લિનાથ તો કહેશે કે સ્તનાગ્રની શ્યામતા તે ગર્ભવતીના સ્તનની છે. પૃથ્વી પણ શસ્યપ્રસવિની થશે એવો એમાં સંકેત છે.

આધુનિક યુગના ફ્રેન્ચ નગરકવિ એક કવિતામાં વય:સંધિકાળે ઊભેલી એક મોહિનીનું વર્ણન કરતાં કહે છે કે તું જ્યારે તારું વસ્ત્ર હિલ્લોળતી ચાલી જાય છે, ત્યારે મને તું શઢ ભરીને દરિયે જવા ઊપડેલી નૌકા જેવી દેખાય છે. પછી નૌકા અને નારીનાં અંગઉપાંગોની તુલના-પ્રતિતુલનામાં પવનથી ખેંચાયેલા વસ્ત્રને લીધે ઊંચે દેખાઈ આવતા rosy points uplifted સ્તનાગ્રોને ઉત્તેજિત કરતી ઢાલો સાથે સરખાવે છે.

પોતાની એક બીજી કવિતા ‘આભૂષણ’માં એ ફ્રેંચ કવિ સંસ્કૃત કવિઓની જેમ પોતાની પ્રિયતમાનું નખશિખ વર્ણન કરે છે, જેણે ઘરેણાં સિવાય અંગ પર કશું ધારણ કર્યું નથી. તેમાં સ્તનની વાત કરતાં ઉપમા આપે છે: and breasts, the grapes of my wine – ‘અને સ્તન, મારી મદિરાની દ્રાક્ષ’. હવે ઉપમાને મમરાવ્યે જાઓ. મધ્યે શ્યામ સ્તન-સ્તનાગ્રનું દ્રાક્ષ સાથે માત્ર બાહ્ય સાદૃશ્ય નથી, કવિએ ‘મારી મદિરાની દ્રાક્ષ’ કહીને એના પ્રભાવની પણ વાત કરી છે. ઉપમા આપણી ચેતનામાં અર્થવિસ્તાર કરે છે, જે ઇન્દ્રિયોથી અનુભવાય છે. દર્શનની ઇન્દ્રિય, સ્પર્શની ઇન્દ્રિય, સ્વાદની ઇન્દ્રિય.

પરંતુ ‘અસુરરમણી’ (Giantess) નામની કવિતામાં તો આ કવિ એકદમ કાલિદાસની નજીક પહોંચી જતા લાગે છે. કલ્પના કરે છે કે આ વિશાળ પ્રકૃતિ અનાવૃત થઈને અસુરરમણીની જેમ શ્રમિત થઈને પડી હોય ત્યારે જેમ કોઈ પર્વતની તળેટીમાં નાનકડું ગામ સૂતું હોય તેમ તેનાં વિરાટ સ્તનોની છાયામાં ઊંઘી જાઉં! ડી. એચ. લૉરેન્સને પ્રિયતમાના સ્તનમંડળ વચ્ચે પિતાનું ઘર મળી ગયું હતું. કહ્યું હતું :

Between her breasts is my home.

કાલિદાસની પૃથ્વીરમણી અને બૉદલેરની પ્રકૃતિરમણી (ભલે એ અસુરરમણ છે)ને આમ નજીકથી જોતાં એમની વચ્ચે સદીઓનું અંતર છે, બે વિિભન્ન સંસ્કૃતિઓનું અંતર છે; પણ જે બન્ને કવિઓ રૂપે તો સહોદર લાગે છે. એક વાત ઉમેરું કે કાલિદાસ આવી વર્ષાઋતુ સંદર્ભે ‘સ્તનઃ ઇવ ભુવઃ’ની વાત કરે છે, બૉદલેર આ કવિતામાં ગ્રીષ્મસંદર્ભે.

હજી વૃષ્ટિ તો થયે જાય છે, ઝર ઝર વારિ કરે છે, અવશ્ય એનું જોર નરમ પડ્યું છે.

૧-૮-૧૯૯૧