દૃશ્યાવલી/કોપાઈ : એક સંસારી નદી

Revision as of 12:29, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોપાઈ : એક સંસારી નદી}} {{Poem2Open}} આજે કોપાઈનું સ્મરણ કેમ થયા કરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કોપાઈ : એક સંસારી નદી

આજે કોપાઈનું સ્મરણ કેમ થયા કરે છે? હજી ગઈ કાલે સવારે જ વરસાદભીના મથુરાના ઘાટ પરથી ઉત્તાલ તરંગોથી પ્રચંડ વેગમાં વહેતી જમનાને જોઈ છે, પણ આજ આ મેઘલા દિવસે સવારથી કોપાઈ મન પર કબજો જમાવીને બેઠી છે.

કોપાઈ એક નાની નદી, જે શાંતિનિકેતનની ઉત્તરે ગોવાલપાડા ગામ પાસે થઈને વહી જાય છે. મોટા ભાગના લોકો માટે નદી, વ્યાકરણની ભાષામાં કહીએ તો જાતિવાચક નામમાત્ર છે. નદી એટલે નદી ગંગા, જમના કે સરસ્વતી. પરંતુ ખરેખર તો દરેક વ્યક્તિનું જેમ આગવું વ્યક્તિત્વ એમ દરેક નદીનું એક આગવું નદીત્વ હોય છે. પછી એ મોટી નદી હોય કે નાની નદી હોય, ધાર્મિક દૃષ્ટિએ પૂજનીય હોય કે ન હોય.

મોટી નદીઓને તો સૌ કોઈ જાણે, પણ નાની નદીઓની વાત ભૂલી જવાતી હોય છે. રવિ ઠાકુર કહી ગયા છે કે ખરેખર તો મોટી નદીઓ આસપાસની વસ્તીને તુચ્છ કરી વહેતી હોય છે, જ્યારે નાની નદીઓ તો ‘છેલેદેર માછ ઘરબાર ઓ મેયેદેર સ્નાન કરબાર નદી’—છોકરાઓને માછલી પકડવા માટેની અને સ્ત્રીઓને સ્નાન કરવાની નદી. નાની નદી એટલે ‘સંસારી નદી’. કાકાસાહેબ પણ દેશની નદીઓનું સ્મરણ કરવા બેસે તો તેમને સૌથી પહેલી યાદ આવી વતન બળગુંદીની નાનકડી માર્કંડી. એને એ કહે છે: સખી માર્કંડી.

મારા ગામ પાસેથી તો કોઈ નદી વહેતી નથી, એટલે મને નદીમાત્ર પ્રિય લાગે છે. અનેક નદીઓ ચેતનાપાત્રમાં વહ્યા કરે છે. પણ આજે તો કોપાઈ યાદ આવે છે. આ નાની નદી આમ તો માત્ર પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાની ભૂમિ પર વહે છે. એમાં પાણી બારેમાસ હોય છે.

રવિ ઠાકુરે ‘સહજ પાઠ’ નામે જે બાળપોથી લખી, તેમાં આ નદી વિષે એક બાલકાવ્ય આપ્યું. આખા બંગાળમાં આજે તમે કોપાઈનું નામ બોલો એટલે નીચેની ચાર લીટીઓ તો બચ્ચાં-બૂઢાં દરેકના કંઠમાંથી નીકળી પડેઃ

આમાદેર છોટો નદી
ચલે બાઁકે બાઁકે
વૈશાખ માસે તાર
હાંટુ જલ થાકે.

આ અમારી નાની નદી વાંકીચૂંકી ચાલે છે અને વૈશાખમાં તેમાં ઘૂંટણ સમું પાણી રહે છે. મેં પહેલવહેલી એને વૈશાખમાં તો નહિ, ફાગણમાં જોઈ હતી. છેક પાસે પહોંચો ત્યાં સુધી તો ખબર પણ ન પડે કે નદી આવી રહી છે. નદીમાં સ્વચ્છ પાણી વહી જાય. વાંકા કાંઠેથી ઝાડ તેમાં ઝૂક્યાં હતાં. કોપાઈનો આ વળાંક જ મોહિત કરી જાય. તારાશંકરે ‘હાંસુલી બાંકેર ઉપકથા’ નામે નવલકથા લખી છે, તે આવા કોપાઈના ગળાની હાંસડી જેવા રમ્ય વળાંક પર વસેલા કહારોના જીવન વિષે છે. પાણીમાં તરતી માછલીઓ અને નીચેના કાંકરા ગણી શકાય એટલાં નીતરેલાં પાણી હતાં. ક્યાંક ઘૂંટણ સમાં, ક્યાંક ઢીંચણ સમાં. સામે કાંઠે ગામ. ગામમાંથી લોકો પાણી ભરવા આવે. ઢોરને પાણી પિવડાવવા આવે. ગાડું પણ પાણીના પ્રવાહમાંથી પસાર થાય અને સાઇકલ પણ. તે દિવસની કોપાઈ ગમી ગઈ. પછી બીજી વાર ગયો ત્યારે પોષ મહિનો હતો. શાંતિનિકેતનમાં પૌષમેળો ભરાયો હતો. પણ આ વખતે મારી સાથે શાંતિનિકેતનના જૂના ગુજરાતી છાત્રોની મંડળી હતી. નગીનદાસ પારેખ, જયંતીલાલ આચાર્ય, મોહનદાસ પટેલ, મણિલાલ અલગારી. આ નદી પાસે આવ્યા એટલે એ બધા છ, સાત, આઠ દાયકાઓ વટાવી ચૂકેલા છાત્રો પોતાની કિશોરાવસ્થા કે તરુણાવસ્થામાં પહોંચી ગયા. મોહનદાસ, આપણી મા. જે. લાઇબ્રેરીના નિવૃત્ત ગ્રંથપાલ, તો પાણી ઉછાળવાના તોફાને ચઢી ગયા. નગીનદાસ બોલ્યા : અમે અહીં વનભોજન માટે આવતા. ત્યારે તો કિનારે કેટલાં ઝાડ હતાં! સાઠ વર્ષ પહેલાંની – ૧૯રપની કોપાઈ એ યાદ કરવા મથી રહ્યા.
*

પછી એ ડૉ. અનિલા દલાલ અને સાથે નજીકના ગામ વલ્લભપુરના એકાન્ત કદંબની છાયામાં બેસીને જોઈ હતી.

શાંતિનિકેતનના હજારો વિદ્યાર્થીઓની સ્મૃતિમાં કોપાઈનું નામ જડાઈ ગયું હશે. રવીન્દ્રનાથે તો તેના પર બહુ ઉત્તમ કવિતા લખી છે. પેલા જોડકણા ઉપરાંત કોપાઈની વાત કરતાં કરતાં કવિ પોતાની યુવાનીમાં જે નદીને કાંઠે બોટમાં દિવસો વિતાવ્યા હતા, તે પદ્માનદીનું સ્મરણ કરે છે. ક્યાં પૂર્વ બંગાળને આપ્લાવિત કરતી પદ્મા અને ક્યાં આ ક્ષીણધારા કોપાઈ? પદ્મા તો ગંગામંદાકિનીનું પ્રાચીન પવિત્ર ગૌરવ ધરાવે છે, જ્યારે કોપાઈ તો એનું નામ પણ અનાર્ય. પછી એનું સંસ્કૃત નામ ભલે કોપવતી કરી દીધું! આ નદીને ગામ સાથે ભાઈબંધી છે. સાચા અર્થમાં ‘સંસારી’ નદી છે. જળ-સ્થળનો કોઈ વિરોધ નથી. એની ભાષા પણ ગામડાગામના ઘરની ભાષા. પાતળી એની કાયા છે. ક્યાંક તીરઝૂક્યાં ઝાડની છાયામાં, તો ક્યાંક તડકામાં વક્ર ગતિએ વહે છે અને હાથતાળી આપતી નાચતી જાય છે. પરંતુ ચોમાસામાં તો કોપાઈ મહૂડી ચઢી હોય એવી સાંતાલ નારીની જેમ ઝૂમી ઊઠે છે. એના અંગેઅંગે નશો ચઢી જાય છે. એ ઝૂમતી બે કાંઠાને ધક્કા મારતી ઊંચેથી હસતી દોડી જાય છે.

બે વરસ પહેલાંના એક ચોમાસામાં તેનું આ રૂપ જોવા મળ્યું હતું. એ દિવસ હતો જન્માષ્ટમીનો. સુનીલ, નીલાદ્રિભૂષણ અને કૈલાસ એ ત્રણ શાંતિનિકેતનના મિત્રો સાથે સાઇકલ પર કોપાઈ પાસે પહોંચી ગયા.

સાચે જ કોપવતી બે કાંઠે વહી જતી હતી. પણ એનો કોપ અમને દૂર હડસેલવાને બદલે નજીક આવવા જાણે કે નિમંત્રણ આપતો હતો. સ્ત્રીઓની પ્રથમ પ્રણયઉક્તિની કાલિદાસે કહેલી વાત – ‘સ્ત્રીણામાદ્યં પ્રણયવચનં વિભ્રમો હિ પ્રિયેષુ’નો મર્મ – મેઘ ન હોવા છતાં – કૈંક હું પામતો હતો. જોકે ઉપર મેઘ ઝળૂંબીને રહેલો તો હતો.

સ્નાનની તૈયારી સાથે આવ્યા હતા. જળ માથે ચઢાવી અમે વેગથી વહેતી કોપવતીના વહેણમાં નાહવા પડ્યા. વેગ હતો એટલું જ. વધારેમાં વધારે પાણી છાતી સમાણું. વળી, વચ્ચે વચ્ચે રેતીના બેટ ઊપસી આવ્યા હતા. વરસાદ નહોતો. એટલે ગામના લોકોની અવરજવર ચાલુ હતી. જળસ્થળનો વિરોધ રચાયો નહોતો. ગોવાળિયા સામે તીરે ઢોર ચરાવતા હતા. કિનારા લીલાછમ હતા. નદીને ડાબે કાંઠે વડનું મોટું ઝાડ હતું. સામે જ્યાંથી ગામના લોકો નદી પાર કરવા પાણીમાં ઊતરતા ત્યાં, અર્જુન વૃક્ષ નદીમાં જરા તડકો નીકળે એટલે પડછાયો પાડતું હતું.

આપણામાં થોડીક નાગરિક વૃત્તિ. એટલે વચ્ચે નદીના બેટ પર બેસી પાણીના પ્રવાહમાં પગ રાખી ઘેરથી થર્મોસમાં લાવેલી ગરમ કૉફી પીવાનું કૃત્ય કર્યું. કોપાઈ એથી વધારે કોપવતી થઈ હશે. એણે એના પ્રિય મેઘનું આવાહન કર્યું અને જોતજોતામાં મોટાં મોટાં ફોરાં પડવા લાગ્યાં. પણ તેથી તો કોપાઈની જળસપાટી વધારે રમણીય થઈ ઊઠી. નાચતાં નાચતાં અમે ઉન્મત્ત થવામાં થોડાક જ બાકી રહ્યા. રોજના શરમાળ સંકોચી નીલાદ્રિ તો જન્માષ્ટમીનું સ્મરણ કરીને તાલી પાડી પાડીને ગાવા લાગ્યા. સુનીલ અને કૈલાસ એને સાથ આપવા લાગ્યા. આ ક્ષણો જીવનમાં કાલોત્તીર્ણ બની ગઈ.

વરસાદ જોરથી પડવા લાગ્યો. અમારા નદીસ્નાનનો આનંદ બમણો થઈ ગયો. ટૉવેલ પહેરીને નહાતા નીલાદ્રિ હવે મહાપ્રભુ ચૈતન્યની મહાભાવની મુદ્રામાં બે હાથ ઊંચા કરી નાચતા હતા. ત્યાં એકાએક કેડેથી ટુવાલ સરકી ગયો અને પાણીમાં નીચા નમતાં ટુવાલ ખેંચી જતા વેગવંત પ્રવાહમાં ‘મારો ટૉવેલ — મારો ટૉવેલ’ કરતાં બેબાકળા એ ધસ્યા. આગળ રહેલા મિત્રે હસતાં હસતાં એ ટૉવેલ પકડી લઈ એમના હાથમાં આપ્યો. અમે નીલાદ્રિને કહેતા હતા : ‘કોપાઈનો કોપ જોયો?’ સામે પછી વડ નીચે સાંતાલ કિશોરો અને કન્યાઓ ભેગાં થયાં હતાં. નદી પાર કરી અમે ત્યાં પહોંચ્યા. પછી તો વરસાદ થંભ્યો અને ઉઘાડ નીકળ્યો. કોપાઈને ભીને કાંઠે બેસી ત્યાંથી જતી એક ધાણીવાળી પાસેથી ધાણી લઈને ખાધી. કોપાઈ પાછી એનાં અસલ રૂપમાં વહેતી હતી.

ફરી એને શ્યામ સાંતાલ કન્યાઓ સાથે પાર કરી. કાંઠે એક બળદગાડી ઊભી રહી ગઈ હતી. સામે કાંઠેનો વડ અને જરા દૂરનું સાંતાલગામ. કાંઠે ઊભેલ અર્જુન વૃક્ષ અને વેગથી વહેતી કોપાઈ ને આ કાંઠે ઊભેલી બળદગાડી અને સાંતાલ કન્યાઓ. – એક નદીચિત્રણા!

એ સાંજે કેતકી કુશારી ડાયસનને આજના અમારા કોપાઈ સ્નાનની જે ઉચ્છ્‌વાસ આવેગથી અમે વાત કરી તે સાંભળી એ કહે : મને કહ્યું હોત તો હુંય ન આવત?

મને થયું કે એ જરૂર આવત, અને અંગ્રેજી કે બંગાળીમાં એક કવિતા પણ અવશ્ય મળી હોત.

*

વચ્ચે વરસો વીતી ગયાં. ફરી એક વાર શાંતિનિકેતનના દોલ પૂર્ણિમાના ઉત્સવ વખતે ત્યાં પહોંચી ગયો. આ વખતે સુનીલ નહોતો. પરંતુ કૈલાસ અને એમના બે સાથી-અધ્યાયકો સાથે કોપાઈને તટે ગયા. એકદમ ક્ષીણજલા હતી, પણ એક વળાંક આગળ ઊંડાણમાં નહાવાય એટલું પાણી હતું. કિનારે કેસૂડાં અપરંપાર ખીલ્યાં હતાં. અમે નહાવાની તૈયારી કરતા હતા, ત્યાં ગ્રામનારીઓએ કહ્યું: તમે જરા દૂર જાઓ, અમારે અહીં નહાવું છે. અમે ઠીક ઠીક ચાલી ઉપરવાસ ભણી ફરી પાછો સ્નાનક્ષમ જલપ્રવાહ શોધી કાઢ્યો અને નિરાંતે નાહ્યા.

*

પછી છેક હમણાં ૧૯૯૫માં કલકત્તામાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતે શાંતિનિકેતન ગયા ત્યારે સાતઈ પોષના મેળાનો ખ્યાલ રાખી થોડાક દિવસ વહેલા શાંતિનિકેતન ગયેલા. રૂપા, અનિલા દલાલ અને પ્રકાશ શાહ તથા એમનાં પત્ની નયનાબહેન અને પુત્રી ઋતા પણ સાથે હતાં.

એ વખતે સવારે મેળાના પુસ્તક-પ્રદર્શનમાંથી રવીન્દ્રનાથની ‘પુનશ્ચ’ ખરીદી, જેમાં એમની કોપાઈ વિષયી કવિતા છે. અમે રિક્ષાઓ કરી કોપાઈને તીરે ગયાં – આ વખતે તો ડામરની સડક છેક કોપાઈ સુધી થઈ ગઈ હતી અને સામે કાંઠે જવા કોપાઈ પર પુલ પણ બંધાઈ ગયો હતો! પેલું અર્જુનનું વૃક્ષ હવે નહોતું. કોપાઈ હવે તો ન ઓળખાય એવી બની ગઈ હતી.

અમે કોપાઈના ઠંડા જળમાં ઊતર્યાં. સામે એક પથરા પર બેસી બે મિત્રો કાલે ગવાયેલાં ઉત્સવનાં ગીતો ગાતા હતા. અમે જળના પ્રવાહ વચ્ચે ઊભા રહી, ‘પુનશ્ચ’ ઉઘાડી અને કોપાઈને ગુરુદેવે એને વિષે લખેલી કવિતા સંભળાવવા મોટેથી પાઠ કર્યો અને એની સનદ રાખવા બધાએ કોપાઈની સાક્ષીએ પુસ્તકમાં સહીઓ કરી :

ભોળાભાઈ પટેલ

રૂપા શેઠ

અનિલા દલાલ

ઋતા
ઋતાએ નીચે લખ્યું : ‘કોપાઈ માઝે’ ૨૧-૧૨-’૯૫

[૧૯૮૫-૧૯૯૮]