કોડિયાં/મુક્તિગાન

Revision as of 12:28, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુક્તિગાન|}} <poem> આવો ગુલામો, આવો પીડિતો, {{Space}} તેત્રીસ ક્રોડ મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મુક્તિગાન


આવો ગુલામો, આવો પીડિતો,
          તેત્રીસ ક્રોડ મળો સંતાન!
સર્વ દિશાના કાન વિદારી
          ગજાવો માતનું મુક્તિગાન!

સંહિના નાદે ત્રાડો મળી સૌ,
          સ્વામી, ગુલામ ન-સર્વ સમાન!
જાપ જપો મુક્તિના હૈયામાં,
          સ્હાય વીરોને છે ભગવાન!

          [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરાણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!

મુક્તિ વિનાનું જીવવું શાનું?
          મુક્તિ વિના શાં બીજાં ગાન?
મુક્તિને કારણ સર્વ સહીશું,
          સ્વાતંત્ર્યથી શું સૌખ્ય મહાન?
મુક્તિ હશે જો કાળને ડાચે,
          પામશું, છો અમ જાયે પ્રાણ!
પામવા એ અમ પ્રાણપ્રતિમા,
          જીવિત પ્રાણ બધું બલિદાન
                   [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!

ભૂખ્યાં અમે સૌ ભેગાં મળીને,
          માગીએ રોટી, પીવા જલપાન,
લૂગડાં ઢાંકવાં લાજ અમારી,
          જીવવું જેમ જીવે ઇન્સાન.
પ્રાણ હણાયો, ધર્મ લૂંટાયો,
          રક્ત ચુસાયું, દુભાયું માન:
વિશ્વવિજેતા ધર્મવીરોનાં
          સંતાન આજે જન્મગુલામ!

          [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!
માડી કહી તને કેમ સંબોધું?
          જન્મભૂમિ ઓ વીશેનાં ધાવ!
તેત્રીશ કોટિની વાંઝણી માનાં
          જીવતાં પુત્ર થયાં અપમાન.
મુક્તિ થશે સૌ બંધન જાશે,
          પામશે પેટ ભરી સૌ ધાન:
ઓ માડી! ઓ માતા! ત્યારે વદીશું
          તારાં અમે સઘળાં સંતાન!

          [વૃંદ]
          સાગર ગાજે, ઘોર અવાજે,
          ગાજે બાળક, વૃદ્ધ જવાન:
          આકાશ કંપે, ધરણી ધ્રૂજે,
          ભારત ગજવે મુક્તિગાન!
15-2-’30