કોડિયાં/સૂતી હતી

Revision as of 12:56, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૂતી હતી|}} <poem> સૂતી હતી બાથ મહીં સુંવાળી, હતાં કર્યાં બંધ બધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સૂતી હતી


સૂતી હતી બાથ મહીં સુંવાળી,
હતાં કર્યાં બંધ બધાંય બારણાં:
છાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,
બુઝાવીને દીપક કીકીઓ તણા:

ન દેખવું કે નવ બોલવું જરી,
ન વાંચવી અંતરની કિતાબ;
બે દેહની એક અખંડતા કરી,
છાતી કરે બેઉ અબોલ સાદ:

અંધારની અંગ ધરી પછેડી;
નિસ્તબ્ધતાના પડદા રહ્યા લળી:
ચંપા તણાં પર્ણ જરા ખસેડી
બારી થકી ચંદ્રી પડે જરા ઢળી:

જે ઓષ્ઠ મારા, મુજ એકલાના,
તે ચૂમવા ચંદ્ર કરે? નહીં! નહીં!
ચંપા તણાં પર્ણ વદેય ‘ના, ના!’
ને છાંય એની વળી ઓષ્ઠ પે પડી!

પ્રકાશને મ્હાત કર્યો તદા ફરી,
અંધાર જીત્યું સઘળું જતો હરી!