કોડિયાં/હું જો પંખી હોત

Revision as of 11:56, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું જો પંખી હોત|}} <poem> પ્રભુપાથર્યા લીમડા શા ખેતર-વાડ મહીં વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હું જો પંખી હોત


પ્રભુપાથર્યા લીમડા શા
ખેતર-વાડ મહીં વિચરું,
ટહુકું મીઠું અનંત વ્યોમે,
પૃથિવીમાં હું આશ ભરું.
          નૂતન જ્યાંત્યાં ભરતું જોત!
          આશા! હું જો પંખી હોત!
બાલસૂર્ય શા લાલ ગુલાબે,
વાયુ ધૂલિ ભરતો તોય;
ધોવા કાજે કોણ પધારે?
જો ઝાકળ ના પડતી હોય!
          તો હું તે અશ્રુએ ધોત!
          આશા! હું જો પંખી હોત!
કિલકિલાટથી વનકુંજોને,
આભલડાને ગિરિગહ્વરને,
સાગરને, ધરણીમાતાને,
મનુષ્યના આત્માને સોત,
          ગુંજાવ્યા તું બ્હેનાં જોત!
          આશા! જો હું પંખી હોત!
ઊંચે ઊડી વ્યોમ રહેલા
તારકગણને પકડી લેત;
વીણીવીણી, સારાસારા,
માળા ગૂંથી લાવી દેત.
          દીપત કેવું તારું પોત!
          આશા! હું જો પંખી હોત!
કુમુદ તણી હં વાત સાંભળી,
ચંદ્ર ભણી હું કહેવા જાત;
ચંદ્ર તણો સંદેશો પાછો,
કુમુદિનીને ક્હેતો જાત.
          તેના દુખમાં સાથે રોત!
          આશા! હું જો પંખી હોત!
આશા! હું પંખીડું મીઠું,
બ્હેના! તું પંખિણી બ્હેન
ઊડીએ ઊંચે, ઊંચે, ઊંચે,
આપણને શાનું હો ચેન?
          બ્હેના! તો હું કદી ન રોત!
          આશા! હું જો પંખી હોત!

27-2-’27