કોડિયાં/અભિલાષા
Revision as of 12:00, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભિલાષ|}} <poem> તારા! તારા! ત્હારા જેવી મીઠી, મીઠી, આંખ દે! પંખી મ...")
અભિલાષ
તારા! તારા! ત્હારા જેવી
મીઠી, મીઠી, આંખ દે!
પંખી મીઠા! ત્હારા જેવી
ચેતનવંતી પાંખ દે!
સાત સમંદર વીંધી જાઉં,
હસતી આંખે જોતો જાઉં!
મધમાખી, તું ત્હારા જેવી
મુજને મીઠી ખંત દે!
કોયલબ્હેની! ત્હારા જેવો
મીઠો મીઠો કંઠ દે!
વિશ્વ તણો મધકોશ ભરું,
ચૌદ લોક ટહુકાર કરું!
સાગર ઊંડા, ત્હારા જેવો
ધીર ઘોર ઘુઘવાટ દે!
વેગી વાયુ! ત્હારા જેવો
વેગીલો સુસવાટ દે!
વિશ્વ ધ્રૂજે, સુસવાટ કરું,
સાગર શો હું જ્યાં ગરજું!
આશા! ચાલો બાને કહીએ,
રમકડાં તું આવાં દે!
બ્હેની! બ્હેની! ત્યાર પછી તો
જગનાં રાજા આપણ બે!
બાળક ન્હાનાં હું ને બ્હેન!
તો ના કરત કશાનું વ્હેન!
24-4-’28