કોડિયાં/યુવાનને

Revision as of 12:03, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુવાનને|}} <poem> યુવાન! જગની કદી ન ધરતો હૃદે બીક તું, ભલે પતિત પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
યુવાનને


યુવાન! જગની કદી ન ધરતો હૃદે બીક તું,
ભલે પતિત પાતકી કહીકહી તને શાસતું.

કદાચ સઘળાં હઠી અલગ, એકલો રાખતાં,
રહી અડગ, આચરે હૃદયનો ધ્વનિ પારખી.

ભલે જગત આજ દૂર જઈ તુજથી બેસતું,
ભલે જ અવમાનથી જગત તુજને દેખતું;

મહાન પુરુષાર્થથી અવનિઆભ ભેગાં કરી
સદૈવ રટજે અવાજ ઊઠતો ઊંડા આત્મનો.

કદીક જકડે જુવાની અપરાધના પાશમાં,
કદીક મનમાં ઊઠે હૃદય ભેદતાં મન્થનો;
કદીક ઉછળાટ દાહ સઘળા મચે મારના,
કદી વિવિધ વૃત્તિનાં તુમુલ યુદ્ધ હો જામતાં.

પરંતુ પડકારથી ઝઘડજે મહાવેગથી,
નહિ ડરી ધ્રૂજી કદી શરણ આપતો મારને;
ઉરે અડગ બાળજે અનલ આત્મશ્રદ્ધા તણો,
બલિ સમજી મારને સહજ તે મહીં હોમજે.

કદીક લથડી પડે ગહન માર્ગની ખાઈમાં,
તથાપિ ન કહે ડરી: ‘અરર, હા! હવે શું થશે?’
ઊઠી અમર હામથી, યુવક તું કરે ગર્જના,
સદૈવ પુરુષાર્થથી ડગ ભરી ધપ્યે જા ધપ્યે!

પ્રભાત તણી સ્નિગ્ધતા નહિ ટકે કદી એકલી,
બળે ખૂબ બળે, સહે અગર તાપ મધ્યાહ્નનો;
પ્રભા ભરી પછી ઊગે સકળ વિશ્વ સંધ્યાસતી,
જુવાની બળતા બપોર સમ જીવને આવતી.

જુવાન રહી જંદિગી સકળ આમ તું ગાળજે!
કદી ન બનતો થકિત, ડગતો, મર્યો ડોસલો!

19-2-’28