કોડિયાં/જ્વાલા અને જ્યોત

Revision as of 12:39, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્વાલા અને જ્યોત| }} <poem> પ્રાણ પુરાતા નિષ્પ્રાણોમાં, અંધારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જ્વાલા અને જ્યોત


પ્રાણ પુરાતા નિષ્પ્રાણોમાં,
અંધારામાં થાય ઉજાસ!
નવજુવાન જ્વાલા ચેતાવે,
પાપ બળીને થાય પ્રકાશ!
          ‘સળગાવો!’ની હાક પડે!
          ઉરઉરમાં ઉદ્રેક ચડે!
સમાજનું મહાવૃક્ષ સુકાયું,
          દર-કોતરમાં કીડા સડે!
રૂઢિ તણું ઠૂંઠું ઊભું છે,
          પોલું થડ તેનું ખખડે!
          સડતું ઠૂંઠું સળગાવો!
          નૂતન વૃક્ષ ત્યહીં વાવો!
ખંડન કરશું, મંડન કરવા,
          જ્વાલા જ્યોતનું રુદ્ર સ્વરૂપ!
સુંદરતાના મ્હેલ ચણીશું
          ભસ્મ કરીને સર્વ કુરૂપ!
          જ્યોત તણિ જ્વાલા પ્રગટી!
          તાંડવ નાચે નાશ નટી!
સળગાવો ખંડેર પુરાણાં
          રાખ તણું ખાતર થાશે;
મુક્ત બને માતા ત્યારે તો
          નૂતન સર્જન મંડાશે!
          જુવાન જાગો હાક પડી!
          જુગજૂની ડાકણ ફફડી!

24-7-’29