અપિ ચ/કપોલકલ્પિત
સુરેશ જોષી
ગામનું પાદર વટાવીને તમે થોડાક આગળ વધો એટલે વળાંક આવે. વળાંક આગળ જ ઘટાદાર લીમડો. એની નીચેથી એકદમ પસાર થઈ જવાનું તમને મન નહીં થાય. તમને સહેજ ઊભા રહેવાનું મન થાય. પવનની આછી લહર આવે, ઉપરથી એક પાંદડું ખરે. એ હવામાં સેલારા માર્યા કરે, તમે એને અચરજથી જોયા કરો, એ તમારી પાસે આવે ને પછી તમારી આજુબાજુ ચક્કર ખાવા માંડે. કોઈ કશાક અદૃશ્ય દોરને તમારી ચારે બાજુ વીંટીને બાંધી રહ્યું છે એવું તમને લાગે ને તમે સફાળા ઊભા થઈને ચાલવા માંડો, તમારી પાછળ પવનથી ઊડેલી ધૂળની ડમરી ફેરફુદરડી ફરતી દોડે, કદીક એ છેક તમને ઘેરી વળીને આંખને બંધ કરાવી દે. તમારી આંખ બંધ હોય એ દરમિયાન કોઈનો ઉષ્ણ નિ:શ્વાસ તમારા ગાલને અડી જાય, ક્યાંકથી એક ટીપું ખરીને તમારા કપાળ પર પડે. ત્યાંથી સરીને આંખની ભમરમાં ઝીલાઈ રહે, ને પછી પાંપણ પર સરતાં તમે એના શીતલ સ્પર્શે ધ્રૂજી ઊઠીને આંખો ખોલી દો ને જુઓ તો તમારી પાછળ દૂર દૂર પેલી ધૂળની ડમરી દોડી જતી દેખાય…
… એને કશા નામની અલાબલા નહોતી. કોઈ કહેતું રૂપાળી, તો કોઈ કહેતું લટકાળી; કોઈ કહેતું જાસૂદી, તો કોઈ કહેતું ચમેલી, પણ નામ એને ચોંટીને રહેતું નહીં. ઘણાં નામ નીચે દટાઈ જાય છે. ઘણાં નામનો બુરખો ઓઢીને ચાલે છે, ઘણાં નામની પાછળ રહી જાય છે. એ હંમેશાં નામને વટાવીને ક્યાંની ક્યાં આગળ પહોંચી જતી, એને પોતાનેય પોતાના નામની ખબર નહોતી.
નાનાં બાળકો એને ઘેરી વળીને પૂછે: ‘તમે ક્યાંથી આવ્યાં?’ તો એ કહે: ‘ આ ચાંદો છે ને, એ તો એક મસમોટો કરોળિયો છે. એ રૂપેરી જાળ ગૂંથે છે. એક વાર એની આંખ ઘેરાઈ ગઈ ને રૂપેરી તન્તુ સરી પડ્યો. આકાશમાં ઊડતા હંસે એને ચાંચમાં લઈ લીધો. પછી નદીને કાંઠે નેતરના વનમાં સંતાડીને એને મૂકી ગયો. એ રૂપેરી તન્તુએ તો નાસવા માંડ્યું. પણ નેતરની ઝાડી એમ તે એને કાંઈ જવા દે? એના પગ નેતરમાં ભરાઈ ગયા. એણે છૂટવાને ફાંફાં માર્યાં. એ તો આમ દોડે ને તેમ દોડે, તન્તુ ભેગો તન્તુ ગૂંથાતો જાય, એમ કરતાં જાળ વણાઈ ગઈ. એ જાળમાં ઉષાના હાસ્યનું અમૃત ટપક્યું, મધરાતે બુલબુલનું ગીત ટપક્યું, સૂરજના સોનેરી મુગટનું પીછું એમાં ખર્યું. પવનની પામરી એમાં ભેરવાઈ ગઈ, રાજકુંવરીની રાહ જોતી રૂપરૂપના અમ્બાર જેવી સોનેરી વાળવાળી કુંવરીની આંખમાંનું આંસુ એમાં ટપક્યું. આ બધાં ભેગાં થયાં ત્યાં એક સાપ આવ્યો. સાપ ભયંકર ફૂંફાડા મારે ને ઝેર ટપકે: એનું બળબળતું ઝેર એમાં પણ ટપક્યું, એની આંચે એ બધાંમાંથી મારો દેહ ઘડાયો. બળતરાથી તડફડતી હું નદીમાં પડી. એવી તો શરીરે ઠંડક વળી ગઈ કે મને એનું ઘેન ચઢ્યું, ને હું તો તણાતી ચાલી, દૂર ને દૂર. પછી એકાએક કશુંક ચારે બાજુથી મને વીંટળાઈ વળ્યું. સફાળી જાગીને જોયું તો હું માછીમારની જાળમાં ફસાઈ ગયેલી. ખેંચાઈને હું બહાર આવી. હું હસી ને ઉષાનું અમૃત ટપક્યું. હું બોલી ને બુલબુલનો સૂર ઝર્યો, મેં આંખ ઊંચી કરીને જોયું ને સૂરજના મુગટનું સોનેરી પીછું ઊડવા લાગ્યું, મેં પગલું ભર્યું ને પવનની પામરી લહેરાઈ ઊઠી, માછીમાર મને અડકવા આવ્યો ને પેલા સાપના ઝેરના બળબળતા ફૂંફાડાથી એ દાઝ્યો. પછી તો એ બીકનો માર્યો દોડવા લાગ્યો. હું એની પાછળ દોડી ને પેલી રાજકુંવરીના શીતલ આંસુથી એનો દાહ શમાવ્યો, એણે મને ખભે બેસાડી ને હું એને ઘરે પહોંચી…’
રોજ સૂરજ ઊગે ને એની આંખમાં નવી ચમક મૂકી જાય; હિમાલયની ગોદમાંથી આવતો પવન કેવડા અને પારિજાતનાં વનમાં આળોટીને એના શ્વાસમાં સુગન્ધ સીંચી જાય; રાતનો ચન્દ્ર એની આંખમાં અમૃત ટપકાવે; તો અમાસનો અન્ધકાર એની આંખમાં કારમું આંજણ આંજે; સૃષ્ટિભરનાં દુ:ખિયાંનાં આંસુ એના હૈયામાં ઘુંટાઈને મોતી બને, હસતાં શિશુઓ એના ગાલમાં ગુલાબ ખિલાવે, ને નાસતું ફરતું પાપ એનામાં રહેલા ઝેરની આડશે સંતાઈ રહેવા આવે. એને એ પેલી રાજકુવરીનાં આંસુમાં ધોઈને સૂરજના સોનેરી પીછામાં પોઢાડી દે.
એ જ્યાં જાય ત્યાં અમૃત ઝરપે ને ઝેરેય ટપકે. ગામના જુવાનો એને જુએ એટલે આંખમાં અમૃત અંજાઈ જાય, પણ તરત જ હૃદયને ઝેરી શૂળ વીંધી જાય. એની મોટી મોટી શાન્ત આંખોમાં તમે મીટ માંડો તો એમ લાગે કે કોઈ ઊંડા સાગરને તળિયે તમે નાના કાંકરાની જેમ પડ્યા છો ને ચન્દ્રનું કિરણ તમને શોધતું દોડ્યું આવે છે. એ તમારી નજીક અન્યમનસ્ક બનીને ઊભી હોય ને એનો ઉચ્છ્વાસ તમને ઓચિંતાનો સ્પર્શી જાય તો જન્મોજન્મથી થીજીને ઢબૂરાઈ ગયેલી કાંઈ કેટલીય પરીઓ તમારા હૃદયમાં જાગી ઊઠે ને રૂમઝૂમ કરતી શિરાએ શિરાએ નાચી ઊઠે. એ તમારી પાસેથી જાય ને એનો ઊડતો પાલવ તમને સહેજ સરખો અડી જાય તો એના સ્પર્શે તમારાં સાતેય આવરણ સરી પડે. નીલ આકાશનું ઢાંકણ સુધ્ધાં એને ઠેલે ખૂલી જાય ને પછી એમાંથી અગ્નિરસ છલકાઈને વહ્યે જ જાય. પણ એની આંખના પેલા કારમા કામણની તીણી અણી જો તમને અડી જાય, એના ઉત્તપ્ત નિ:શ્વાસની ઝાળ જો તમને લાગી જાય તો તમારાં બધાં ખાણ્ડવ વનમાં દવ લાગે, લાક્ષાગૃહ ઓગળવા માંડે, ને જો તમે જીવ બચાવીને નાસી નહીં છૂટો તો તમારી ભસ્મનો મૃત્યુંજયને કપાળે લેપ થઈ જાય.
ફૂલની પાંખડી ઝાકળનાં બિન્દુને રમાડે તેમ ઘડીક એ તમને રમાડે. તો ઘડીક પાણીમાં નીચે ને નીચે ઊતરતા જતા પારાની જેમ એ તમારા હૃદયમાં ઊતરીને એક પછી એક પાતાળ કોતરતી જ જાય, શૂન્યમાં શૂન્ય ઉમેરતી જ જાય. એના કટાક્ષના કાળા રેશમી દોર ભેગો એના સ્મિતનો સુવર્ણતન્તુ વણાઈને તમારા નામની ભાત કદીક ઉપસાવી દે તો કદીક એની લટના વાંકડિયા વાળને અમળાઈને તમારા જુગના જુગ રહેંસાઈ જાય. એનું હોવું એટલું સભર કે તમારે માથે ચૌદ ભવનનો ભાર ચંપાઈ જાય; એનું ન હોવું એટલું ઊંડું કે એમાં તમે નીચે ને નીચે સર્યે જ જાઓ ને આખરે કોઈ સૂર્ય દયા લાવીને તમારી બાષ્પને ઉપર ખેંચી આણે, કોઈકની પાંપણને આરે સહેજ આશ્રય મળે ને આંસુ બનીને સરી જવાનું બની શકે ત્યારે જ તમારો મોક્ષ થાય.
ગામના જુવાનો ધીંગાણે ચઢ્યા, વૃદ્ધો જીર્ણ ત્વચાની કાંચળી ઉતારી નાખવા મથવા લાગ્યા, કન્યાઓ ઈર્ષ્યાની વાટ સંકોરીને જાગરણ કરવા લાગી, ડાકણો તાજા જન્મેલા બાળકની ખોપરીના ખરલમાં ઘુવડનો નખ, સાપની મૂછનો વાળ ને થોરના કાંટાને ઘૂંટવા લાગી.
સોળમી વસન્તના પ્રભાતે દક્ષિણના પવને એના હોઠ ચૂમીને કાનમાં કહ્યું, ‘ભાગી જા.’ ફાગણની પૂનમના આથમતા ચન્દ્રે જતાં જતાં નીચા વળીને ઝૂકીને કહ્યું, ‘ભાગ અહીંથી.’ પુષ્પે પુષ્પેથી એકઠી થઈને સૌરભે કહ્યું, ‘ચાલ, ઊડી જઈએ.’ વૈશાખના વંટોળે કહ્યું, ‘ચાલ દોડ્યા જઈએ.’ ચારે બાજુથી એણે સાંભળ્યું: ‘ચાલ, ચાલ, ભાગ, ભાગ, ભાગ!’
ખરતી પાંખડીની આડશે એ ચાલી નીકળી. જતાં જતાં એ બોલી: ‘વનરા તે વનના રાજા, મારું અમૃત સાચવશો?’ તો વનનાં બધાં ઝાડ એકસાથે ધૂણીને બોલી ઊઠ્યાં. ‘ના રે ના, ના રે ના, એ અમૃતના લોભનો માર્યો દાવાનળ આવશે તો અમને બાળી નાખશે.’ એણે આકાશમાં ઊગેલા ચન્દ્રને કહ્યું: ‘ચાંદામામા. આટલું અમૃત સાચવશો?’ ચાંદા મામા કહે: ‘ના રે બેન, રાહુ ક્યાંક ટાંપીને જ બેઠો છે. હવે તો એ મને આખો ને આખો જ ગળી જશે.’ એણે નદીને કહ્યું: ‘મૈયા, તમારાં આટલાં પાણીમાં અમૃતને સંતાડી રાખશો?’ નદી કહે, ‘ ના રે બેટા, અમે તો સાગરમાં જઈએ, ને ત્યાં વડવાનળ તો તરસ્યો બેઠો જ છે!’ એ તો બિચારી ફરીફરીને થાકી, પૂછીપૂછીને થાકી, પણ કોઈએ એને હા ન પાડી. અમૃત કોઈ ન સાચવે તો ઝેર તો વળી કોણ સાચવે? જૂઠાની જીભને પૂછ્યું, કપટીના દિલને પૂછ્યું, ડાકણનાં નેણને પૂછ્યું. સૌ કહે: ‘ના, ના. એટલાક તે ઝેરમાં શું લેવું! તારે થોડું જોઈએ છે, લે, લેતી જા.’ એ તો બિચારી ભાગી. એની આંખમાં આંસુ આવ્યું. આંગળીને ટેરવે એને ઝીલીને એ બોલી: ‘આને તો કોઈ લ્યો.’ આતતાયીની આંખને પૂછ્યું, નિષ્ઠુરના હૈયાને પૂછ્યું, દિવસરાત ચૂંચવાતા યંત્રના ચક્રને પૂછ્યું. સૌ કહે: ‘ના, ના, ના. હવે આંસુને બાળવાની અમને ફુરસદ નથી. અમનેય શ્વાસ ખાવા દેવો છે કે નહીં?’ તેજનું પીછું લઈને એણે આંધળાને કહ્યું: ‘લાવ તારી આંખ, હું તને આ પીછું અડાડું. તારી આંખમાં તેજ પ્રકટશે.’ આંધળો કહે: ‘જેમાં હજાર સૂરજ ડૂબ્યા તેમાં આ ટકવાનું હતું? ભાગ અહીંથી.’ હવે રહી પવનની પામરી. અવાવરુ વાવના લીલ ઢાંક્યા જળને ઢંઢોળીને પૂછ્યું: ‘પવનની આ પામરીને તમારી નીચે સંતાડી રાખો ને!’ તો માથું ધુણાવીને એ કહે: ‘મારે તળિયે રહેતા અન્ધકારે ઓગણપચાસ વાયુને કેદમાં પૂર્યા છે. એ જો જાગશે ને તો તારી ખેર નહીં રહે. ભાગ અહીંથી.’ શહેરની અંધારી ગલીઓનાં ભોંયરા જેવા ઘરમાં જઈને ત્યાંની આંધળી દુર્ગન્ધને પૂછ્યું: ‘બહેન, આ પામરી લેશે? એની ઝાપટથી તારી અલાબલા બધી નાસી જશે.’ એણેય માથું વીંઝીને કહ્યું: ‘અલાબલા ભગાડનારી જોઈ નહીં હોય તો, ભાગ અહીંથી. મારું કફન ઓઢીને અહીં જે પોઢ્યાં છે તેની નિંદરને તારે અભડાવવી છે?’ એ તો બિચારી હેબતાઈને ભાગવા જ લાગી, વનનાં વન વીંધીને ભાગી, સાગર કુદાવીને ભાગી, એનો પડછાયો સુધ્ધાં એની સાથે રહ્યો નહીં.
એને મનમાં થાય કે કોઈ હૈયું ખોલે તો એમાં ઘડીક આશ્રય લઉં. પણ બધાં હૈયે તાળાં, ને ચાવી તો ઠેઠ સાતમા પાતાળને તળિયે! એને થયું કે કોઈ આંખ ખોલે તો કીકીમાં ઘડીક બેસું, પણ બધી આંખો તો સાવ સૂની, ખેદાનમેદાન થઈ ગયેલી યુદ્ધભૂમિના જેવી! એનો સૂનકાર તો ખાવા ધાય, બે પાંપણ સુધ્ધાં ભેગી ન થાય ત્યાં કોનો સંગાથ?
આમ, એ તો વળી ઊઠીને ભાગી. માણસના બે શ્વાસ વચ્ચે, હૃદયના બે ધબકારની વચ્ચે, એણે તસુભર જગ્યા શોધી, એ જગ્યાય ખાલી નહોતી. મરણનો પડછાયો ત્યાં ક્યારનોય સંતાઈને બેઠો હતો. હવે? અસ્થિની મજ્જામાં ડોકિયું કરીને જોયું તો ત્યાં કોઈ બેઠું બેઠું કોતરતું હતું. ત્યાંથીય એ તો ભાગી. ત્યાં એને પોતાની આગળ કોઈક દોડતું હોય એમ લાગ્યું. એણે પાછળથી પણ કોઈકના દોડવાનો અવાજ સાંભળ્યો. પૃથ્વી ભાગતી હતી, સૂરજ ભાગતો હતો, સચરાચરમાં કશાક ભયના માર્યા ભાગાભાગ થઈ રહી હતી. ગામને પાદરે આવતા રસ્તાના વળાંકે વળાંકે, નદીએ નદીએ, કાંઠાના નેતરનાં વને વને, નગરે નગરે અડાબીડ વસતિની વચ્ચેના શૂન્ય રિક્ત અવકાશમાં થઈને, નિયોન લાઇટના ઝબકારની છાલકથી બચીને, માછલીનાં ફેંકી દીધેલાં ભીંગડાને ચાવતી બિલાડીના દાંત વચ્ચે થઈને, પોતાનું નામ ચીતરતી સરમુખત્યારની કલમની ટાંકની તરડમાં થઈને, જુગજુગના ઘારણના ભારથી દબાયેલી ભગવાનની આંખની નીચેથી કોઈ હંમેશાં ભાગ્યે જાય છે, ભાગ્યે જ જાય છે. ઘડિયાળના ચંદા પર કાળ કૂંડાળું વળીને બેઠો બેઠો એને એના બે કાંટાની સાણસા-પકડ વચ્ચે ઝાલવાને ટાંપીને બેઠો છે. એની વચ્ચે થઈને એ ભાગ્યે જ જાય છે. એના ભાગવાના વેગની ઝાપટથી એ સૌ સૂતેલાને જગાડે છે. જગાડીને ભગાડે છે. એની પાછળ રહી ગયેલો એનો એકલોઅટૂલો પડછાયો ઝૂર્યા કરે છે. ઘણી વાર આપણો શ્વાસ એનાં હીબકાંથી ધ્રૂજી ઊઠે છે.