ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા

Revision as of 08:21, 16 September 2021 by KhyatiJoshi (talk | contribs)
૧. ઊર્મિકવિતા

ઉમાશંકરનો વાગ્વૈભવ

ઉમાશંકરે પોતાને કવિ તરીકે, શબ્દના ઉપાસક તરીકે ઓળખાવવાનું વિશેષ પસંદ કર્યું છે. કવિને તેઓ વ્યક્તિ તથા સમષ્ટિના આંતરજીવનના ઘડવૈયા તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. કવિ ક્રાન્તદર્શી છે, મનીષી છે એ ઉપનિષદ-કથી વાતના તેઓ પુરસ્કર્તા જ નહિ, પ્રચારક પણ છે. એમનો કવિધર્મ વ્યક્તિ-સમષ્ટિના શ્રેયનો વિરોધક નહિ, બલકે સમર્થક-સંવર્ધક છે. એ કવિધર્મ રસાત્મક વાક્-સંદર્ભના સર્જનને અનુલક્ષતો હોઈ, શબ્દને અનુષંગે અર્થનો – અર્થસંકેતિત સંસ્કાર–સંસ્કૃતિના, જીવન-જગતના બૃહત ક્ષેત્રનો વિચાર અનિવાર્ય થઈ પડે છે. ‘હૈયાના હીણા રાગ’ (‘બલિ’) દાબી દીધા સિવાય, સંઘર્ષોનો અણનમ રીતે પ્રતિકાર કર્યા સિવાય, જીવનની અનિવાર્ય યંત્રણાઓમાંથી પસાર થતાં જે સહન કરવાનું હોય તેને હસતે મુખે વધાવી લીધા સિવાય, પોતાની અપૂર્ણતાઓ સામે સતત ઝૂઝ્યા સિવાય, શિવોર્મિઓને પોતાના કાર્ય દ્વારા અભિવ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યા સિવાય, વિસંવાદિતાઓને ગાળી નાખ્યા સિવાય ખરા અર્થમાં ‘સારસ્વતધર્મ’ – કવિધર્મ અદા કરી શકાતો નથી. ઉમાશંકર બરોબર જાણે છે કે કવિનો શબ્દ જીવન તથા જગત પ્રત્યેની જે કંઈ જવાબદારીઓ છે તેની સાથે સીધી રીતે સંડોવાયેલો હોય છે. એક કલાકાર તરીકે, કવિ તરીકે તો ઉમાશંકરને પોતાનો શબ્દ કલાદૃષ્ટિએ સુંદર હોય એ ખાસ તો અપેક્ષિત હોય; પરંતુ ઉમાશંકરની શ્રદ્ધા છે કે કલાદૃષ્ટિએ સુંદર શબ્દ જીવનદૃષ્ટિએ મંગલ હોય છે જ.૧-૨ ‘વિશ્વશાંતિ’ના આરંભે ‘મંગલ શબ્દ’ સાંભળતાં જ, આજ દિન સુધી ઉમાશંકરનો માંગલ્યલક્ષી ભાવનારસ અને ઉન્નત ભાવરસ જે સ્ફુરતો રહ્યો છે તે તુરત ખ્યાલમાં આવે છે. શબ્દના ઉપાસક ઉમાશંકરે શબ્દોપાસના નિમિત્તે હૃદયના ઉદાત્તીકરણની આવશ્યકતા પ્રતીત કરી છે. રમણીક અરાલવાળાના કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ના પુરોવચન લેખમાં તેમણે કહ્યું છે : “વર્ણનની શક્તિ કેળવવી હાથમાં છે, દર્શનની શક્તિ કેળવવી સહેલી નથી. એ તો... હૃદયપલટ માગી લે છે.” (‘પ્રતીક્ષા’, ૧૯૬૦, પૃ. ૨૨) શબ્દસાધનાનો ઉપક્રમ તત્ત્વત: કવિની આત્મસાધનાનો ઉપક્રમ બની રહે છે.૩ ઉમાશંકર કવિકર્મને ‘કવિની સાધના’ના રૂપમાં જુએ છે એ મહત્ત્વનું છે. સર્જક તેમ જ ભાવકને કાવ્ય દ્વારા થોડીક વાર માટે પણ સચ્ચિદાનંદનો અનુભૂતિ-સ્પર્શ થાય છે એમ તેમનું માનવું છે.૪ સર્જન અને વિવેચનમાં કવિકર્મ આચરતાં – એ વિશે વિચારતાં કવિધર્મ બજાવ્યાની યત્કિંચિત્ કૃતાર્થતા તેમણે અનુભવી છે. ઉમાશંકરને મન કાવ્યો માનવીના થવાપણાની પ્રક્રિયામાં પ્રગટ થતા એના હોવાપણાના લઘુદ્વીપો સમાં છે. એમને મન કાવ્ય એ એક ચરિતાર્થતા છે.૫

ન્હાનાલાલે કવિને પ્રભુનો પયગંબર માનેલ.૬ ‘Poets are the un-acknowledged ligislators of the world’ કહેનાર૭ શૅલીની જેમ તેમનો પણ કવિ વિશે ખૂબ ઊંચો ખ્યાલ હતો. એમ હોવાનું કારણ શબ્દની કલા – શબ્દની શક્તિ વિશેનો એમનો ખ્યાલ ઊંચો છે તે છે. કવિતા શબ્દની લીલા છે, પણ તે જીવનનિરપેક્ષ શબ્દની નહીં. ઉમાશંકર તો ‘જીવનમૃત્યુના વંટોળિયાની આરપાર જે સળંગ સ્થાયી સંવાદિત્વ તે જ કવિતા’૮ એવું માનવા સુધી પહોંચી જાય છે ! કવિ અને કવિતા વિશેના ઉદ્ગારોમાં કેટલીક વાર તેઓ રોમૅન્ટિક વલણ અખત્યાર કરે છે. એમના એવા રોમૅન્ટિક ઉદ્ગારો સાંભળવાનું – એના કેફમાં ખોવાઈ જવાનું ગમી જાય કદાચ, પરંતુ એવા રોમૅન્ટિક ઉદ્ગારોમાંથી કવિતાની વાસ્તવિક સમજ સવિવેક તારવવાની રહે; દા. ત., નીચેની પંક્તિઓ જુઓ :

‘સ્વપ્નો શીળાં સર્જનહારનાં તે
થીજી જતાં ભૂતલના કવિ બન્યા,’

(‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૨)

અહીંયાં કવિનું જે ચિત્ર ઉઠાવ પામે છે તે રમણીય લાગે છે, કવિસર્જકની સ્વપ્નદર્શિતા – કાવ્યસર્જનની સ્વપ્નલક્ષિતા વગેરેનો વિલક્ષણ ભાવાર્થ પણ ભાવકચિત્તમાં સંક્રાન્ત થાય, પણ તે સાથે આવા ઉદ્ગારોમાં ઘૂસી જતી કવિતાઈ અતિશયતા – રંગીનતા વગેરે સ્વીકારી – સહી લેવાની રહે ! ‘કવિનું મૃત્યુ’માં કવિના હૃદયને સદય પંખીભર્યા આકાશનું, શિશુના હાસનું, શરદનાં કાશપુષ્પોના ધવલ ઉલ્લાસનું રૂપક અપાયું છે. “કવિનું હૃદય તે તો ધવલ ઊર્મિતેજ, સરલ નિર્વ્યાજ નિર્મળ હેજ,” – એ રીતે તેને વર્ણવવામાં આવ્યું છે. તેમાં સપ્તરંગી કમાનો ડોકિયાં કરતી હોય, અપ્તરંગી ભાવનાપરીઓ એમાં સુભગ તરતી હોય – એવી કલ્પના પણ કરવામાં આવી છે ! આ કલ્પના રમ્ય છે, પણ તે સાથે તે એક રોમૅન્ટિક ખ્યાલના આવિષ્કારરૂપ નથી ? ‘મૌનનું લયવાહી સાર્થ ઉચ્ચારણ એ કાવ્ય.’ (‘ગંગોત્રી’, પૃ. ૧૨૭) – આ અર્થને અભિવ્યક્ત કરતી “તું તો શબ્દ સનાતન સુંદર મૌનનો”S જેવી પંક્તિઓમાં શાસ્ત્રીય ઉપક્રમથી કવિતાનું રહસ્ય જોવા-સમજવા-પકડવા જતાં કદાચ કોઈને જોખમ પણ લાગે. ઉમાશંકરનું કવિ અને કવિતાનું દર્શન આપણી કાવ્યપરંપરાને અનુસરતું સ્વ-સ્થ ભૂમિકાનું દર્શન છે. એ દર્શન તર્કદૃષ્ટિએ સ્વીકાર્ય છતાં સહૃદયને તે તર્ક કરતાં આત્મપ્રતીતિથી વધુ પ્રભાવિત કરનારું છે. કવિધર્મ વિશેની ઉમાશંકરની નિષ્ઠા અને ગંભીરતા કવિ-કવિતા-વિષયક કાવ્યો વાંચતાં સહેજેય પ્રતીત થાય છે.

ઉમાશંકરને તો સર્જક-અંતર ૧૪ રત્નોવાળા રત્નાકર સરખું સમૃદ્ધ જણાયું છે. તેઓ ‘અસ્તિત્વના છલોછલ અમૃતકુંભ’-રૂપે પણ સર્જક-અંતરને ઓળખાવે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૨) તેઓ પાબ્લો નેરૂદાના મૃત્યુની વાત કરતાં કવિતાને ‘કવિના રુધિરની નિર્મિતિ’ રૂપ હોવાનું દર્શાવે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૬) ઉમાશંકરે કવિ-શબ્દ-ધબકથી ઈશ્વર પણ અદકેરા ઈશ્વર તરીકે અનુભવાતો હોવાનું વર્ડ્ઝવર્થના ગ્રાસમિયરની વાત કરતાં જણાવ્યું છે. (ધારાવસ્ત્ર, ૯૩) ઉમાશંકરને મન તો કવિતાનો એક એક શબ્દ એક એક ‘સંકુલ’રૂપ હોય છે. (સમગ્ર કવિતા, ૮૨૦) કવિ શબ્દને કેવળ કાનથી જ નહીં ચક્ષુ આદિ દ્વારાયે પામી શકે છે. ક્યારેક શબ્દનો દ્યુતિમંત ચહેરો ભૂંસી, ક્યારેક તેને મહોરુંયે પહેરાવી દઈ પોતાનો ચહેરો એમાં ઉપસાવવાનો એનો પ્રયત્ન હોય છે. કવિચેતનાથી જ શબ્દચેતનાનો ઉત્કર્ષ તો હોય જ છે, સાથે સાથે શબ્દચેતનાથી કવિની આત્મચેતનાને પૃથ્વીના ભીતરી મૌન સાથે પરમાત્મચેતનાનો ‘ભાસ્વત ઉત્સવ’ માણવાની તક પણ સાંપડે છે. (સમગ્ર કવિતા, પૃ. ૮૧૯, ૮૨૧) કવિ શબ્દે કરીને પોતાને પામતાં પામતાં મૌનની મહાશક્તિમાં પોતાનું અભૂતપૂર્વ રૂપાંતર સિદ્ધ કરીને રહે છે. માતાની ભાષાથી આરંભાયેલી કાવ્યયાત્રા આત્માની માતૃભાષારૂપે વિકસતાં મૌનના મહોદધિમાં પોતાનો પરમ ઉત્કર્ષ સાધીને રહે છે. ત્યારે કવિને સાંભળવાનો હોય છે છેલ્લો શબ્દ, જે મૌનનો હોય છે. ઉમાશંકરનો ‘કવિ હું’નો ખ્યાલ તીવ્ર છે અને તે અનેક વાર કવિતામાં પ્રગટ થાય છે, આ ‘કવિ હું’ના ખ્યાલ સાથે

‘...જીવતાં મથ્યો પૂંઠે
પરબો માંડી જવા સુધા તણી’

_________________________________________

આમ તો શબ્દાતીતનું શબ્દ દ્વારા વ્યંજન સ્પષ્ટ છે. શબ્દની શક્તિનું રહસ્ય પણ ‘મૌનનો શબ્દ’ બનવામાં રહેલું છે.

– એવી સભાનતા પણ અવારનવાર ડોકાય છે. કવિધર્મ તેમ જ સમષ્ટિધર્મ વિશેની ઉમાશંકરની સંપ્રજ્ઞતા એમના કવિકર્મને વિક્ષેપકર નહિ તો એકંદરે કંઈક ભારરૂપ તો નીવડી છે. કવિ, શબ્દ દ્વારા સૌન્દર્ય-કલાનો સાહજિક રીતે જ સાધક, એણે વળી ‘સૌન્દર્યો પી’ એમ બોધ આપવો પડે ? એ પોતાને ઉદ્બોધવા-પ્રબોધવાની ભૂમિકા જ એમના કવિ તરીકેના આંતરવ્યક્તિત્વની નિર્દેશક છે. એમની શબ્દ સાથેની આત્મીયતા કેટલીક વાર સૂક્ષ્મ રીતે વિક્ષિપ્ત થયાં કરતી હોય છે ને તેથી કવિતામાં ‘વિગલિતવેદ્યાન્તર’ એવી એકાગ્રતાને કારણે કવિચેતનાનો જેટલો ઉછાળ આવવો જોઈએ તેટલો આવતો નથી. ‘કવિજીવન અરેરે શું ઉપજીવન ?’૧૦ – એ પ્રશ્ન એમને પાછળથી થયો; કેમ થયો ? ઉમાશંકરની શબ્દોપાસના સાચી છે, પણ અનન્ય છે ? એમના ચિત્તે સ્વાતંત્ર્ય સમયે પ્રણયાનુભવવેળાએ, સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રનિર્માણના સમયે કવિધર્મ અને જીવનધર્મ વચ્ચે ભાવદ્વિધા (‘એમ્બિવેલન્સ’) અનુભવી છે તે આ સંદર્ભે સૂચક છે. તેઓ સાગર શેરીઓમાંથી ગીતો વીણીને મનુમંડપોમાં વેરવાની વૃત્તિ સેવે છે;૧૧ તો ‘સુખી ન સમજે દુ:ખી સુણે ના, તો બહેતર નહિ ગાવું’૧૨ એવી લાગણી પણ પ્રસંગોપાત્ત, અનુભવે છે. એક બાજુ તેઓ કીર્તિ, પૈસો, સત્તા, ઠાઠ વગેરેને ચિત્તક્ષિતિજ પર સરતી અપ્સરાઓ રૂપે વર્ણવે છે,૧૩ પ્રણય, કીર્તિ, વિક્રમ, વિધાત્રીની કૃપા – આ સર્વને આળપંપાળ લેખી તેને ફગાવી દેવાની અને ‘મને જગત એક લાધ્યું, હૃદયે વફાદાર હું | રહીશ બસ એહને, ફટ કરે ભલે સૌ !...૧૪ – એમ આવેશપૂર્વક કહે છે, પરંતુ બીજી બાજુ આવતી પેઢીઓની ચિંતા તેઓ કરે છે.૧૫ ‘ગીત મારાં કોણ ગાશે ?’૧૬નો પ્રશ્ન તેઓ ઉઠાવે છે, (અલબત્ત, જે નિખાલસતાથી આ પ્રશ્ન ઉઠાવે છે તે આકર્ષક છે.) દિલ દિલને કંઈ પાવાની અભીપ્સા પણ તેઓ અભિવ્યક્ત કરે છે.૧૭ સ્વાતંત્ર્યના ‘મહાજનવિમર્દ’માં કવિશબ્દ વસંતરસ-યૌવનપ્રસર જેમ સંજીવનીરૂપ બની રહેશે એમ તેઓ કહે છે.૧૮ ‘અગનવચમાંયે કવિપણાં ?’ એવો ભાવદ્વિધા-પ્રેરિત પ્રશ્ન જો કવિચિત્તમાં જન્મ્યો ન હોત તો “સુભાગ્યો કે છેડે અગનવચમાંયે કવિપણાં ?’૧૯ – એમ કહેવાનું ઉમાશંકરને રહેત ? પ્રણયાનુભવ-વેળાએ પણ એમનામાંના કવિ અને પ્રણયી વચ્ચે જે ખેંચતાણ ચાલે છે, જે રીતે તેઓ સખીની ક્ષમાયાચના સુધી પહોંચે છે તે કેમ જાણે કવિતા અને પ્રણય વચ્ચે કોઈક ભૂમિકાએ હિતવિરોધ હોય એવો આભાસ પેદા કરે છે, જે વસ્તુત: નિરાધાર છે. (દા. ત., ‘નિશીથ’, પૃ. ૪૦, ૪૧) ઊર્મિલતાની ક્ષણોમાં વરતાતો વિરોધ ક્ષણજીવી હોય છે અને છેવટે તો એક સાચા કલાકારની સ્વસ્થતાની નિર્દેશક એવી સમાધાન-સમન્વયની ભૂમિકા એમના એવા વિરોધમાંથી મળી રહે છે : ‘નિહાળી કવિતા તુંમાં, વળી તનેય કવિતા મહીં.’૧૯-અ એ ભૂમિકા સુધી એમનો હૃદયભાવ પહોંચે છે. ઉમાશંકરની આ પ્રકારની ભાવદ્વિધાના મૂળમાં એમની કવિધર્મ-કલાધર્મ-મનુષ્યધર્મ પ્રત્યેની જાગરૂકતા ને નિષ્ઠા છે. એક ‘કવિ માનવ’ (જો માનવનો એવો એક પ્રકાર પાડી શકાતો હોય તો !) પોતાની આસપાસની વિષમ પરિસ્થિતિમાં આંખ આડા કાન કરીને મૂંગે મોંએ બેસી રહેવા જેટલી જડતા – પામરતા તો ન જ રાખી શકે. સ્વતંત્રતા મળ્યા પછીના એક કાવ્યમાં કવિ પોતાને જ ‘રિમાન્ડ’ પર લે છે – ‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું ?’૨૦ સ્વતંત્રતા તો કવિને મન વંદનીય – પ્રાર્થનીય છે. તે વરદાયિની છે ને કવિ તેની પાસે ‘થઈને કવિ’ આ જ માગી શકે છે :

‘અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પિંજરાના
બનાવજે પોપટ – ચાટુ બોલતા.’

(‘દે વરદાન એટલું’, વસંતવર્ષા, પૃ. ૧૦૪)

ઉમાશંકરની આ પ્રાર્થનામાં માનવીય પ્રતિષ્ઠાની ઉન્નત ભાવના ને જીવનસૌન્દર્યની ઊંડી નિષ્ઠા જોઈ શકાય છે. તેઓ એક કાવ્યમાં કહે છે :

‘ન કલ્યાણોર્મિમાં હૃદય-અભિસારો શું ભળશે,
બની બંને એક દ્વિગુણગતિએ લક્ષ્ય રળશે ?
અને તો તો ત્રીજું
સુધા-ભીંજ્યું ભેળું વહન પણ સારસ્વત હશે’

(‘ત્રિવેણી’, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૪)

(‘ત્રિવેણી’, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૪)

અહીં કવિએ કલ્યાણોર્મિ ને પ્રણયોર્મિ સાથે કાવ્યોર્મિના સંબંધસમન્વયની વાત કરી છે. હૃદય-જીવનને ત્રિવેણીતીર્થ બનાવવાની અભીપ્સા પૂરી કરવા સારસ્વત વહન એમના પૂરતું તો અનિવાર્ય બન્યું છે ! કેટલીક વાર ઉમાશંકરના લખાણમાં જીવનના સૌન્દર્ય-રહસ્યના સાક્ષાત્કારની વાત શબ્દના સૌન્દર્ય-રહસ્યના સાક્ષાત્કાર-ની વાતથી પૃથગ રીતે આવે છે અને ત્યારે એમનું આંતરવલણ એક બાજુ શબ્દ અને બીજી બાજુ શબ્દ જેના આધારે ખડો છે – ક્રિયાન્વિત છે તે જીવનસંદર્ભ – સાંસ્કૃતિક સંદર્ભ – આ બંનેની વચ્ચે વહેંચાઈ જતું લાગે છે. કેટલીક વાર એક જ આંતરવલણ શબ્દથી શબ્દાર્થસંદર્ભ અને શબ્દાર્થસંદર્ભથી શબ્દ તરફ જતું અને એક અખંડ વર્તુળાકાર ગત્યનુભવમાં પરિણમતું જોઈ શકાય છે. ઉમાશંકરની કવિ અને કવિતાવિષયક – શબ્દવિષયક રચનાઓમાં એક ભૂમિકાએ શબ્દ સાધનરૂપે – ઉપાદાનરૂપે પ્રતીત થાય છે. બીજી ભૂમિકાએ શબ્દ સાધ્યરૂપે – ઉપાદેયરૂપે પ્રતીત થાય છે અને વળી ત્રીજી એક એવી ભૂમિકા પણ – અલબત્ત, વિરલ ક્ષણે – આવે છે જ્યારે “કવિજીવન અરેરે શું ઉપ-જીવન ?” (‘અભિજ્ઞા’, પૃ. ૧૭) એવો પ્રશ્ન કરાવતી શબ્દના અસ્તિત્વની, શબ્દની સાધનાની જ સાર્થકતા વિશે પ્રશ્ન પ્રેરતી સ્થિતિનું દર્શન થાય છે. કદાચ કલાજીવન – કવિજીવનની વધુમાં વધુ ઉન્નતતા અને ગહનતા દાખવતી એ ભૂમિકા છે !

‘સમગ્ર કવિતા’, પ્ર. આ., ૨૧-૭-૧૯૮૧, પૃ. ૭૩૩.