ગૃહપ્રવેશ/ત્રણ લંગડાની વાર્તા

Revision as of 08:27, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્રણ લંગડાની વાર્તા

સુરેશ જોષી

કાન્તિલાલને લાગ્યું કે એણે હસવું જોઈએ. ઘણા દિવસથી એ હસી શક્યો નહોતો. સાહેબ ઠપકો આપે ત્યારે મૂક ક્ષમાયાચના રૂપે જ સ્મિત એના મુખ ઉપર આપમેળે ફરકી જતું તે સિવાય હાસ્યનો બીજો કોઈ પ્રકાર હવે એને સિદ્ધ નહોતો. આથી કાન્તિલાલને થયું કે એણે કોઈ ને કોઈ નિમિત્તે હસવું જોઈએ.

એણે એની ચારે બાજુ નજર કરી: સામેની ભીંત ઉપરની લક્ષ્મીજીની છબીની પાછળ ગરોળી કોઈ શિકાર મળી જાય એ આશાએ તરાપ મારવા બેઠી હતી. ગરોળીની આંખમાંનો અકથ્ય વિષાદ જોઈને કાન્તિલાલનું હૃદય દ્રવી ગયું. જમણી બાજુની દીવાલ પરની ઘડિયાળની નીચેથી કીડીઓની લાંબી હાર મરી ગયેલા વંદાઓને ચુપચાપ ક્યાંક લઈ જઈ રહી હતી. એ કીડીઓની મૂક પ્રવૃત્તિથી, કોણ જાણે કેમ, એ અકળાયો. કીડીઓ અવાજ નથી કરી શકતી એ જાણવા છતાં કોણ જાણે શાથી એને એમ થતું હતું કે મજૂરો મજૂરી કરતાં ગીત ઉપાડે છે તેમ કીડીઓ પણ જો ગાતી ગાતી આ કામ કરતી હોત તો એ દૃશ્ય સહ્ય બન્યું હોત. ને એણે નજર ફેરવી. ડાબી દીવાલના અંધારા ખૂણામાં એની પંદર વરસ પહેલાંની ઝાંખી પડી ગયેલી છબિ એણે જોઈ.

એને એકાએક લાગ્યું કે એ માણસને એ ઓળખતો નથી. પાસેના આયનામાં દેખાતું પોતાનું પ્રતિબિમ્બ ને પંદર વરસ પહેલાંની પેલી છબિ – એ બે જણ વાતે ચડ્યાં: ‘કેમ મહેરબાન, ઓળખો છો કે?’

‘ક્યાંક તમને જોયા હોય એમ યાદ આવે છે!’

એ સમ્બન્ધની કડી ફરી સંધાઈ જાય તેની એને બીક લાગી. એણે નજર ફેરવી લીધી. પોલિયોને કારણે કંતાઈ ગયેલા પગવાળો એનો સાત વરસનો દીકરો ભગીરથ લાકડીને ટેકે એની પાસે આવી રહ્યો હતો. એના હાથમાં કેલેન્ડરમાંથી ફાડેલી થોડી છબિઓ હતી, એ છબિમાં હિમાચ્છાદિત ગિરિશૃંગોની ભવ્યતા સાકાર થઈ ઊઠી હતી. ભગીરથ મુગ્ધ બનીને એ ગિરિશૃંગ જોઈ રહ્યો હતો. ભગીરથે એમાંનું એક ગિરિશૃંગ બતાવીને પૂછ્યું: ‘પપ્પા, તેનસિંગ આના પર ચઢી શકે ખરો?’

એણે વાત ટાળવા જવાબ આપી દીધો: ‘હા.’ એટલે ભગીરથે કહ્યું: ‘ના, આમાં તો તેનસિંગનુંય કામ નહીં. જુઓને, આ બાજુની ધાર કેવી સીધી છે!’

કાન્તિલાલ ચિઢાયો: ‘તેનસિંગ નહીં ચઢે તો શું તું ચઢવાનો હતો?’

ભગીરથ રડમસ ચહેરે, લાકડીને ટેકે, કશું બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. કાન્તિલાલની આંખમાં એક આંસુ ઝમ્યું. એ ગભરાયો. એને લાગ્યું કે હવે તો હસવું જ જોઈએ.

એણે ભગીરથને પાસે બોલાવ્યો: ‘ભગીરથ, આમ આવ જોઉં.’

ભગીરથ ગભરાયો. ધ્રૂજતો ધ્રૂજતો એ લાકડીને ટેકે એની પાસે આવીને ઊભો રહ્યો. કાન્તિલાલે કહ્યું: ‘આટલો બધો ગભરાય છે કેમ? મેં શું તને માર્યો?’

ભગીરથ કશું બોલ્યો નહીં. જેમ બને તેમ જલદી કાન્તિલાલની નજર સામેથી ખસી જવાની એની ઇચ્છા હતી. કાન્તિલાલ પણ એ કળી ગયો ને તેથી વધુ ધૂંધવાયો.

‘અહીં બેસી જા જોઉં.’

ભગીરથ બેસી પડ્યો.

કાન્તિલાલે કહ્યું: ‘જો હું તને એક મજાની વાત કહું.’

ભગીરથને આશ્ચર્ય થયું. એણે અત્યાર સુધી નીચે નમેલી નજરને ઊંચી કરવાની હિંમત કરી પણ કશું બોલ્યો નહીં. કાન્તિલાલે વાત કહેવા માંડી: ‘એક હતી ગોકળગાય. તે બહુ જ ધીમે ચાલે એટલે બધા જ એને ખીજવે. કીડી કહે: ગોકળગાય ધીમી. મંકોડો કહે: ગોકળગાય ધીમી. એક દિવસ ગોકળગાયને બહુ લાગી આવ્યું. એ દુ:ખી થતી થતી એક ઝાડ નીચે બેઠી હતી. એને મનમાં થયું: હું સસલું થઈને ખૂબ દોડું તો! હવે ભગવાનનું કરવું તે એ જે ઝાડ નીચે બેઠી હતી તે ઝાડ કલ્પવૃક્ષ હતું…’

ભગીરથે વચ્ચેથી અટકાવીને પૂછ્યું: ‘પપ્પા, એટલે શું?’

કાન્તિલાલે કહ્યું: ‘એ ઝાડ નીચે આપણે બેસીએ ને મનમાં જે કાંઈ ઇચ્છા હોય તે મોઢેથી બોલીએ તો આપણી ઇચ્છા ફળે.’

ભગીરથની આશ્ચર્યથી વિસ્ફારિત આંખો કાન્તિલાલ જોઈ રહ્યો. ભગીરથના મનમાં કલ્પનાએ પાંખ પ્રસારી. એ બોલી પડ્યો: ‘તો તો પપ્પા, હું ત્યાં જાઉં ને કહું કે મને….’ કાન્તિલાલે એને વચ્ચેથી અટકાવીને કહ્યું: ‘પણ એ ઝાડ તો બહુ દૂર હોય!’

ભગીરથે પૂછ્યું: ‘કેટલે દૂર? દીવો બળે એટલે દૂર?’ અન્તર માપવાનું એક જ માપ ભગીરથને જાણીતું હતું.

કાન્તિલાલે કહ્યું: ‘ના, ત્યાં જતાં પહેલાં તો મોટા મોટા સાત પહાડ ને સાત સાગર ઓળંગવા પડે!’

ભગીરથે પૂછયું: ‘તો ગોકળગાય ત્યાં શી રીતે પહોંચી?’

કાન્તિલાલ કચવાયો: ‘એનું તારે શું કામ છે? તું તારે વાર્તા સાંભળ ને!’

ભગીરથે નજર નીચે ઢાળી દીધી. એની કલ્પનાની પાંખ કપાઈ ગઈ. એ બેઠો હતો છતાં એના બંને હાથ બાજુમાં પડેલી લાકડીને વળગી પડ્યા.

કાન્તિલાલે વાર્તા આગળ ચલાવી: ‘ગોકળગાય જેવી બોલી કે હું સસલું થાઉં તો! ને તરત જ તે સસલું થઈ ગઈ. એણે ખુશ થઈને પાસેની કીડી તરફ જોયું. એટલામાં ક્યાંકથી ત્રણ ચાર કૂતરાઓ ધસી આવ્યા ને એને જીવ લઈને ભાગવું પડ્યું. સસલું શા માટે ખૂબ દોડે છે તે હવે એને સમજાયું. માંડ બચીને ફરી કલ્પવૃક્ષ આગળ આવીને એણે કહ્યું: હું કૂતરો થાઉં તો! ને એ કૂતરો થઈ ગઈ. કૂતરો થઈને રૂઆબથી એ ટહેલતી હતી ત્યાં એક ગાડી આવી. એમાં એણે ઘણાં કૂતરાં બેઠેલાં જોયાં. બાજુમાંના એક ડાઘિયા કૂતરાએ કહ્યું: અલ્યા મૂરખ, ઊભો શું રહ્યો છે, જીવ લઇને ભાગ, નહીં તો મર્યો જ સમજજે. ને એ ભાગી. જીવ તો જેમ તેમ બચ્યો. વળી એ કલ્પવૃક્ષ નીચે ગઈ ને કહ્યું: માણસ થાઉં તો! ને એ માણસ થઈ ગઈ. પણ એક મોટી લડાઈ ફાટી નીકળી હતી એમાં એને લડવા જવું પડ્યું ને એને ગોળી વાગી. એનો પગ કાપી નાખવો પડ્યો. એને થયું: લાવ ફરી, કલ્પવૃક્ષ નીચે જાઉં ને કહું કે દેવ થાઉં તો! એણે ચાલવા માંડ્યું પણ લંગડો માણસ તે કેટલુંક ચાલે! કલ્પવૃક્ષ તો બહુ દૂર – સાત પર્વત ને સાત સાગર ઓળંગે ત્યારે પહોંચાય. ને લંગડો માણસ તો ગોકળગાયથીય ધીમે ચાલે…’

ભગીરથે પૂછ્યું: ‘હવે શું થશે? એને કલ્પવૃક્ષ જડશે? એ પહોંચશે ખરો?’ કાન્તિલાલે વિચારમાં પડી જઈને કહ્યું: ‘કોણ જાણે!’

ભગીરથ નિરાશ થયો ને ઊઠીને ચાલવા મંડ્યો. એની લાકડીના ઠકઠક અવાજે કાન્તિલાલ જાગી ઊઠ્યો. એની છાતીએ ડૂમો ભરાયો. એ એકાએક બૂમ પાડી ઊઠ્યો: ‘ભગીરથ.’

ભગીરથ ચોંક્યો. એના હાથમાંથી લાકડી સરી પડી. એણે સમતુલા ગુમાવી ને એ પડ્યો. કાન્તિલાલે એની પાસે જઈને એના ગાલમાં એક તમાચો ખેંચી કાઢ્યો ને એ બરાડી ઊઠ્યો: ‘મારાથી આટલો ગભરાય છે કેમ? શું હું રાક્ષસ છું?’

ભગીરથની આંખમાંથી આંસુ ટપક્યે ગયાં.

ઓફિસમાં સાહેબે બૂમ પાડી: ‘કાન્તિલાલ!’ કાન્તિલાલ ધ્રૂજતો ધ્રૂજતો સાહેબ આગળ જઈને ઊભો રહ્યો. સાહેબ સત્તાવાહી સ્વરે એક પછી એક ફરમાન છોડ્યે જતા હતા. પાસેની કૅબિનેટમાંથી એક ફાઇલ કાઢવા એઓ ઊભા થયા. ભગવાનનું કરવું તે એમનો પગ લપસ્યો ને એઓ પડ્યા. કાન્તિલાલ દોડી ગયો. હાથ પકડીને સાહેબને ઊભા કર્યા ને વળી એ અદબથી સામે જઈને ઊભો રહ્યો. વળી સાહેબે સત્તાવાહી સ્વરે બોલવા માંડ્યું. પણ એ અવાજ સાંભળતાં જ કાન્તિલાલને એકાએક હસવું આવ્યું. સાહેબની જગ્યાએ લાકડીને ટેકે ચાલતો લંગડો માણસ દેખાયો. એ અપંગ માણસને આવા સત્તાવાહી સ્વરે બોલતો જોઈને એ હસી પડ્યો. એનું અટ્ટહાસ્ય આખા ઓરડામાં ગાજી ઊઠ્યું. એ સાંભળીને ગોકળગાય હસી. કીડી હસી, મંકોડો હસ્યો… ચન્દ્ર હસીને બેવડ વળી ગયો, મંગળ ગાંડો થઈને નાચવા લાગ્યો. કાન્તિલાલ હસ્યે ગયો, હસ્યે જ ગયો.