ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા

Revision as of 08:47, 16 September 2021 by KhyatiJoshi (talk | contribs)
૧. ઊર્મિકવિતા

ઉમાશંકરનો વાગ્વૈભવ

ઉમાશંકરે પોતાને કવિ તરીકે, શબ્દના ઉપાસક તરીકે ઓળખાવવાનું વિશેષ પસંદ કર્યું છે. કવિને તેઓ વ્યક્તિ તથા સમષ્ટિના આંતરજીવનના ઘડવૈયા તરીકે ખૂબ મહત્ત્વ આપે છે. કવિ ક્રાન્તદર્શી છે, મનીષી છે એ ઉપનિષદ-કથી વાતના તેઓ પુરસ્કર્તા જ નહિ, પ્રચારક પણ છે. એમનો કવિધર્મ વ્યક્તિ-સમષ્ટિના શ્રેયનો વિરોધક નહિ, બલકે સમર્થક-સંવર્ધક છે. એ કવિધર્મ રસાત્મક વાક્-સંદર્ભના સર્જનને અનુલક્ષતો હોઈ, શબ્દને અનુષંગે અર્થનો – અર્થસંકેતિત સંસ્કાર–સંસ્કૃતિના, જીવન-જગતના બૃહત ક્ષેત્રનો વિચાર અનિવાર્ય થઈ પડે છે. ‘હૈયાના હીણા રાગ’ (‘બલિ’) દાબી દીધા સિવાય, સંઘર્ષોનો અણનમ રીતે પ્રતિકાર કર્યા સિવાય, જીવનની અનિવાર્ય યંત્રણાઓમાંથી પસાર થતાં જે સહન કરવાનું હોય તેને હસતે મુખે વધાવી લીધા સિવાય, પોતાની અપૂર્ણતાઓ સામે સતત ઝૂઝ્યા સિવાય, શિવોર્મિઓને પોતાના કાર્ય દ્વારા અભિવ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યા સિવાય, વિસંવાદિતાઓને ગાળી નાખ્યા સિવાય ખરા અર્થમાં ‘સારસ્વતધર્મ’ – કવિધર્મ અદા કરી શકાતો નથી. ઉમાશંકર બરોબર જાણે છે કે કવિનો શબ્દ જીવન તથા જગત પ્રત્યેની જે કંઈ જવાબદારીઓ છે તેની સાથે સીધી રીતે સંડોવાયેલો હોય છે. એક કલાકાર તરીકે, કવિ તરીકે તો ઉમાશંકરને પોતાનો શબ્દ કલાદૃષ્ટિએ સુંદર હોય એ ખાસ તો અપેક્ષિત હોય; પરંતુ ઉમાશંકરની શ્રદ્ધા છે કે કલાદૃષ્ટિએ સુંદર શબ્દ જીવનદૃષ્ટિએ મંગલ હોય છે જ.૧-૨ ‘વિશ્વશાંતિ’ના આરંભે ‘મંગલ શબ્દ’ સાંભળતાં જ, આજ દિન સુધી ઉમાશંકરનો માંગલ્યલક્ષી ભાવનારસ અને ઉન્નત ભાવરસ જે સ્ફુરતો રહ્યો છે તે તુરત ખ્યાલમાં આવે છે. શબ્દના ઉપાસક ઉમાશંકરે શબ્દોપાસના નિમિત્તે હૃદયના ઉદાત્તીકરણની આવશ્યકતા પ્રતીત કરી છે. રમણીક અરાલવાળાના કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ના પુરોવચન લેખમાં તેમણે કહ્યું છે : “વર્ણનની શક્તિ કેળવવી હાથમાં છે, દર્શનની શક્તિ કેળવવી સહેલી નથી. એ તો... હૃદયપલટ માગી લે છે.” (‘પ્રતીક્ષા’, ૧૯૬૦, પૃ. ૨૨) શબ્દસાધનાનો ઉપક્રમ તત્ત્વત: કવિની આત્મસાધનાનો ઉપક્રમ બની રહે છે.૩ ઉમાશંકર કવિકર્મને ‘કવિની સાધના’ના રૂપમાં જુએ છે એ મહત્ત્વનું છે. સર્જક તેમ જ ભાવકને કાવ્ય દ્વારા થોડીક વાર માટે પણ સચ્ચિદાનંદનો અનુભૂતિ-સ્પર્શ થાય છે એમ તેમનું માનવું છે.૪ સર્જન અને વિવેચનમાં કવિકર્મ આચરતાં – એ વિશે વિચારતાં કવિધર્મ બજાવ્યાની યત્કિંચિત્ કૃતાર્થતા તેમણે અનુભવી છે. ઉમાશંકરને મન કાવ્યો માનવીના થવાપણાની પ્રક્રિયામાં પ્રગટ થતા એના હોવાપણાના લઘુદ્વીપો સમાં છે. એમને મન કાવ્ય એ એક ચરિતાર્થતા છે.૫

ન્હાનાલાલે કવિને પ્રભુનો પયગંબર માનેલ.૬ ‘Poets are the un-acknowledged ligislators of the world’ કહેનાર૭ શૅલીની જેમ તેમનો પણ કવિ વિશે ખૂબ ઊંચો ખ્યાલ હતો. એમ હોવાનું કારણ શબ્દની કલા – શબ્દની શક્તિ વિશેનો એમનો ખ્યાલ ઊંચો છે તે છે. કવિતા શબ્દની લીલા છે, પણ તે જીવનનિરપેક્ષ શબ્દની નહીં. ઉમાશંકર તો ‘જીવનમૃત્યુના વંટોળિયાની આરપાર જે સળંગ સ્થાયી સંવાદિત્વ તે જ કવિતા’૮ એવું માનવા સુધી પહોંચી જાય છે ! કવિ અને કવિતા વિશેના ઉદ્ગારોમાં કેટલીક વાર તેઓ રોમૅન્ટિક વલણ અખત્યાર કરે છે. એમના એવા રોમૅન્ટિક ઉદ્ગારો સાંભળવાનું – એના કેફમાં ખોવાઈ જવાનું ગમી જાય કદાચ, પરંતુ એવા રોમૅન્ટિક ઉદ્ગારોમાંથી કવિતાની વાસ્તવિક સમજ સવિવેક તારવવાની રહે; દા. ત., નીચેની પંક્તિઓ જુઓ :

‘સ્વપ્નો શીળાં સર્જનહારનાં તે
થીજી જતાં ભૂતલના કવિ બન્યા,’

(‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૨)

અહીંયાં કવિનું જે ચિત્ર ઉઠાવ પામે છે તે રમણીય લાગે છે, કવિસર્જકની સ્વપ્નદર્શિતા – કાવ્યસર્જનની સ્વપ્નલક્ષિતા વગેરેનો વિલક્ષણ ભાવાર્થ પણ ભાવકચિત્તમાં સંક્રાન્ત થાય, પણ તે સાથે આવા ઉદ્ગારોમાં ઘૂસી જતી કવિતાઈ અતિશયતા – રંગીનતા વગેરે સ્વીકારી – સહી લેવાની રહે ! ‘કવિનું મૃત્યુ’માં કવિના હૃદયને સદય પંખીભર્યા આકાશનું, શિશુના હાસનું, શરદનાં કાશપુષ્પોના ધવલ ઉલ્લાસનું રૂપક અપાયું છે. “કવિનું હૃદય તે તો ધવલ ઊર્મિતેજ, સરલ નિર્વ્યાજ નિર્મળ હેજ,” – એ રીતે તેને વર્ણવવામાં આવ્યું છે. તેમાં સપ્તરંગી કમાનો ડોકિયાં કરતી હોય, અપ્તરંગી ભાવનાપરીઓ એમાં સુભગ તરતી હોય – એવી કલ્પના પણ કરવામાં આવી છે ! આ કલ્પના રમ્ય છે, પણ તે સાથે તે એક રોમૅન્ટિક ખ્યાલના આવિષ્કારરૂપ નથી ? ‘મૌનનું લયવાહી સાર્થ ઉચ્ચારણ એ કાવ્ય.’ (‘ગંગોત્રી’, પૃ. ૧૨૭) – આ અર્થને અભિવ્યક્ત કરતી “તું તો શબ્દ સનાતન સુંદર મૌનનો”S જેવી પંક્તિઓમાં શાસ્ત્રીય ઉપક્રમથી કવિતાનું રહસ્ય જોવા-સમજવા-પકડવા જતાં કદાચ કોઈને જોખમ પણ લાગે. ઉમાશંકરનું કવિ અને કવિતાનું દર્શન આપણી કાવ્યપરંપરાને અનુસરતું સ્વ-સ્થ ભૂમિકાનું દર્શન છે. એ દર્શન તર્કદૃષ્ટિએ સ્વીકાર્ય છતાં સહૃદયને તે તર્ક કરતાં આત્મપ્રતીતિથી વધુ પ્રભાવિત કરનારું છે. કવિધર્મ વિશેની ઉમાશંકરની નિષ્ઠા અને ગંભીરતા કવિ-કવિતા-વિષયક કાવ્યો વાંચતાં સહેજેય પ્રતીત થાય છે.

ઉમાશંકરને તો સર્જક-અંતર ૧૪ રત્નોવાળા રત્નાકર સરખું સમૃદ્ધ જણાયું છે. તેઓ ‘અસ્તિત્વના છલોછલ અમૃતકુંભ’-રૂપે પણ સર્જક-અંતરને ઓળખાવે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૨) તેઓ પાબ્લો નેરૂદાના મૃત્યુની વાત કરતાં કવિતાને ‘કવિના રુધિરની નિર્મિતિ’ રૂપ હોવાનું દર્શાવે છે. (ધારાવસ્ત્ર, પૃ. ૪૬) ઉમાશંકરે કવિ-શબ્દ-ધબકથી ઈશ્વર પણ અદકેરા ઈશ્વર તરીકે અનુભવાતો હોવાનું વર્ડ્ઝવર્થના ગ્રાસમિયરની વાત કરતાં જણાવ્યું છે. (ધારાવસ્ત્ર, ૯૩) ઉમાશંકરને મન તો કવિતાનો એક એક શબ્દ એક એક ‘સંકુલ’રૂપ હોય છે. (સમગ્ર કવિતા, ૮૨૦) કવિ શબ્દને કેવળ કાનથી જ નહીં ચક્ષુ આદિ દ્વારાયે પામી શકે છે. ક્યારેક શબ્દનો દ્યુતિમંત ચહેરો ભૂંસી, ક્યારેક તેને મહોરુંયે પહેરાવી દઈ પોતાનો ચહેરો એમાં ઉપસાવવાનો એનો પ્રયત્ન હોય છે. કવિચેતનાથી જ શબ્દચેતનાનો ઉત્કર્ષ તો હોય જ છે, સાથે સાથે શબ્દચેતનાથી કવિની આત્મચેતનાને પૃથ્વીના ભીતરી મૌન સાથે પરમાત્મચેતનાનો ‘ભાસ્વત ઉત્સવ’ માણવાની તક પણ સાંપડે છે. (સમગ્ર કવિતા, પૃ. ૮૧૯, ૮૨૧) કવિ શબ્દે કરીને પોતાને પામતાં પામતાં મૌનની મહાશક્તિમાં પોતાનું અભૂતપૂર્વ રૂપાંતર સિદ્ધ કરીને રહે છે. માતાની ભાષાથી આરંભાયેલી કાવ્યયાત્રા આત્માની માતૃભાષારૂપે વિકસતાં મૌનના મહોદધિમાં પોતાનો પરમ ઉત્કર્ષ સાધીને રહે છે. ત્યારે કવિને સાંભળવાનો હોય છે છેલ્લો શબ્દ, જે મૌનનો હોય છે. ઉમાશંકરનો ‘કવિ હું’નો ખ્યાલ તીવ્ર છે અને તે અનેક વાર કવિતામાં પ્રગટ થાય છે, આ ‘કવિ હું’ના ખ્યાલ સાથે

‘...જીવતાં મથ્યો પૂંઠે
પરબો માંડી જવા સુધા તણી’

_________________________________________

આમ તો શબ્દાતીતનું શબ્દ દ્વારા વ્યંજન સ્પષ્ટ છે. શબ્દની શક્તિનું રહસ્ય પણ ‘મૌનનો શબ્દ’ બનવામાં રહેલું છે.

– એવી સભાનતા પણ અવારનવાર ડોકાય છે. કવિધર્મ તેમ જ સમષ્ટિધર્મ વિશેની ઉમાશંકરની સંપ્રજ્ઞતા એમના કવિકર્મને વિક્ષેપકર નહિ તો એકંદરે કંઈક ભારરૂપ તો નીવડી છે. કવિ, શબ્દ દ્વારા સૌન્દર્ય-કલાનો સાહજિક રીતે જ સાધક, એણે વળી ‘સૌન્દર્યો પી’ એમ બોધ આપવો પડે ? એ પોતાને ઉદ્બોધવા-પ્રબોધવાની ભૂમિકા જ એમના કવિ તરીકેના આંતરવ્યક્તિત્વની નિર્દેશક છે. એમની શબ્દ સાથેની આત્મીયતા કેટલીક વાર સૂક્ષ્મ રીતે વિક્ષિપ્ત થયાં કરતી હોય છે ને તેથી કવિતામાં ‘વિગલિતવેદ્યાન્તર’ એવી એકાગ્રતાને કારણે કવિચેતનાનો જેટલો ઉછાળ આવવો જોઈએ તેટલો આવતો નથી. ‘કવિજીવન અરેરે શું ઉપજીવન ?’૧૦ – એ પ્રશ્ન એમને પાછળથી થયો; કેમ થયો ? ઉમાશંકરની શબ્દોપાસના સાચી છે, પણ અનન્ય છે ? એમના ચિત્તે સ્વાતંત્ર્ય સમયે પ્રણયાનુભવવેળાએ, સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રનિર્માણના સમયે કવિધર્મ અને જીવનધર્મ વચ્ચે ભાવદ્વિધા (‘એમ્બિવેલન્સ’) અનુભવી છે તે આ સંદર્ભે સૂચક છે. તેઓ સાગર શેરીઓમાંથી ગીતો વીણીને મનુમંડપોમાં વેરવાની વૃત્તિ સેવે છે;૧૧ તો ‘સુખી ન સમજે દુ:ખી સુણે ના, તો બહેતર નહિ ગાવું’૧૨ એવી લાગણી પણ પ્રસંગોપાત્ત, અનુભવે છે. એક બાજુ તેઓ કીર્તિ, પૈસો, સત્તા, ઠાઠ વગેરેને ચિત્તક્ષિતિજ પર સરતી અપ્સરાઓ રૂપે વર્ણવે છે,૧૩ પ્રણય, કીર્તિ, વિક્રમ, વિધાત્રીની કૃપા – આ સર્વને આળપંપાળ લેખી તેને ફગાવી દેવાની અને ‘મને જગત એક લાધ્યું, હૃદયે વફાદાર હું | રહીશ બસ એહને, ફટ કરે ભલે સૌ !...૧૪ – એમ આવેશપૂર્વક કહે છે, પરંતુ બીજી બાજુ આવતી પેઢીઓની ચિંતા તેઓ કરે છે.૧૫ ‘ગીત મારાં કોણ ગાશે ?’૧૬નો પ્રશ્ન તેઓ ઉઠાવે છે, (અલબત્ત, જે નિખાલસતાથી આ પ્રશ્ન ઉઠાવે છે તે આકર્ષક છે.) દિલ દિલને કંઈ પાવાની અભીપ્સા પણ તેઓ અભિવ્યક્ત કરે છે.૧૭ સ્વાતંત્ર્યના ‘મહાજનવિમર્દ’માં કવિશબ્દ વસંતરસ-યૌવનપ્રસર જેમ સંજીવનીરૂપ બની રહેશે એમ તેઓ કહે છે.૧૮ ‘અગનવચમાંયે કવિપણાં ?’ એવો ભાવદ્વિધા-પ્રેરિત પ્રશ્ન જો કવિચિત્તમાં જન્મ્યો ન હોત તો “સુભાગ્યો કે છેડે અગનવચમાંયે કવિપણાં ?’૧૯ – એમ કહેવાનું ઉમાશંકરને રહેત ? પ્રણયાનુભવ-વેળાએ પણ એમનામાંના કવિ અને પ્રણયી વચ્ચે જે ખેંચતાણ ચાલે છે, જે રીતે તેઓ સખીની ક્ષમાયાચના સુધી પહોંચે છે તે કેમ જાણે કવિતા અને પ્રણય વચ્ચે કોઈક ભૂમિકાએ હિતવિરોધ હોય એવો આભાસ પેદા કરે છે, જે વસ્તુત: નિરાધાર છે. (દા. ત., ‘નિશીથ’, પૃ. ૪૦, ૪૧) ઊર્મિલતાની ક્ષણોમાં વરતાતો વિરોધ ક્ષણજીવી હોય છે અને છેવટે તો એક સાચા કલાકારની સ્વસ્થતાની નિર્દેશક એવી સમાધાન-સમન્વયની ભૂમિકા એમના એવા વિરોધમાંથી મળી રહે છે : ‘નિહાળી કવિતા તુંમાં, વળી તનેય કવિતા મહીં.’૧૯-અ એ ભૂમિકા સુધી એમનો હૃદયભાવ પહોંચે છે. ઉમાશંકરની આ પ્રકારની ભાવદ્વિધાના મૂળમાં એમની કવિધર્મ-કલાધર્મ-મનુષ્યધર્મ પ્રત્યેની જાગરૂકતા ને નિષ્ઠા છે. એક ‘કવિ માનવ’ (જો માનવનો એવો એક પ્રકાર પાડી શકાતો હોય તો !) પોતાની આસપાસની વિષમ પરિસ્થિતિમાં આંખ આડા કાન કરીને મૂંગે મોંએ બેસી રહેવા જેટલી જડતા – પામરતા તો ન જ રાખી શકે. સ્વતંત્રતા મળ્યા પછીના એક કાવ્યમાં કવિ પોતાને જ ‘રિમાન્ડ’ પર લે છે – ‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું ?’૨૦ સ્વતંત્રતા તો કવિને મન વંદનીય – પ્રાર્થનીય છે. તે વરદાયિની છે ને કવિ તેની પાસે ‘થઈને કવિ’ આ જ માગી શકે છે :

‘અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પિંજરાના
બનાવજે પોપટ – ચાટુ બોલતા.’

(‘દે વરદાન એટલું’, વસંતવર્ષા, પૃ. ૧૦૪)

ઉમાશંકરની આ પ્રાર્થનામાં માનવીય પ્રતિષ્ઠાની ઉન્નત ભાવના ને જીવનસૌન્દર્યની ઊંડી નિષ્ઠા જોઈ શકાય છે. તેઓ એક કાવ્યમાં કહે છે :

‘ન કલ્યાણોર્મિમાં હૃદય-અભિસારો શું ભળશે,
બની બંને એક દ્વિગુણગતિએ લક્ષ્ય રળશે ?
અને તો તો ત્રીજું
સુધા-ભીંજ્યું ભેળું વહન પણ સારસ્વત હશે’

(‘ત્રિવેણી’, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૪)

અહીં કવિએ કલ્યાણોર્મિ ને પ્રણયોર્મિ સાથે કાવ્યોર્મિના સંબંધસમન્વયની વાત કરી છે. હૃદય-જીવનને ત્રિવેણીતીર્થ બનાવવાની અભીપ્સા પૂરી કરવા સારસ્વત વહન એમના પૂરતું તો અનિવાર્ય બન્યું છે ! કેટલીક વાર ઉમાશંકરના લખાણમાં જીવનના સૌન્દર્ય-રહસ્યના સાક્ષાત્કારની વાત શબ્દના સૌન્દર્ય-રહસ્યના સાક્ષાત્કાર-ની વાતથી પૃથગ રીતે આવે છે અને ત્યારે એમનું આંતરવલણ એક બાજુ શબ્દ અને બીજી બાજુ શબ્દ જેના આધારે ખડો છે – ક્રિયાન્વિત છે તે જીવનસંદર્ભ – સાંસ્કૃતિક સંદર્ભ – આ બંનેની વચ્ચે વહેંચાઈ જતું લાગે છે. કેટલીક વાર એક જ આંતરવલણ શબ્દથી શબ્દાર્થસંદર્ભ અને શબ્દાર્થસંદર્ભથી શબ્દ તરફ જતું અને એક અખંડ વર્તુળાકાર ગત્યનુભવમાં પરિણમતું જોઈ શકાય છે. ઉમાશંકરની કવિ અને કવિતાવિષયક – શબ્દવિષયક રચનાઓમાં એક ભૂમિકાએ શબ્દ સાધનરૂપે – ઉપાદાનરૂપે પ્રતીત થાય છે. બીજી ભૂમિકાએ શબ્દ સાધ્યરૂપે – ઉપાદેયરૂપે પ્રતીત થાય છે અને વળી ત્રીજી એક એવી ભૂમિકા પણ – અલબત્ત, વિરલ ક્ષણે – આવે છે જ્યારે “કવિજીવન અરેરે શું ઉપ-જીવન ?” (‘અભિજ્ઞા’, પૃ. ૧૭) એવો પ્રશ્ન કરાવતી શબ્દના અસ્તિત્વની, શબ્દની સાધનાની જ સાર્થકતા વિશે પ્રશ્ન પ્રેરતી સ્થિતિનું દર્શન થાય છે. કદાચ કલાજીવન – કવિજીવનની વધુમાં વધુ ઉન્નતતા અને ગહનતા દાખવતી એ ભૂમિકા છે ! ઉમાશંકરને શબ્દની સાર્થકતાનો પ્રશ્ન પણ ખાસ મૂંઝવનાર બન્યો નથી. કવિતાને આત્માની માતૃભાષા માનનાર આ કવિએ પોતાની અંદર અને બહાર શબ્દની ખોજ ચલાવી છે – એવા શબ્દની ખોજ, જે વધુમાં વધુ શ્રેયસ્કર રીતે પોતાને અભિવ્યક્ત કરી શકે. ‘ગીતગંગોત્રી’માં ગીતને પોતાની માડીની ખોજ કરતું કલ્પ્યું છે. આ ગીતને ઝરણી, સરિત, સાગર જેવાં પ્રકૃતિસત્ત્વો તેના ઉદ્ભવસ્થાનની ભાળ આપવા પ્રયત્ન કરે છે. સવાર, બપોર, સાંજ અને રાતના વાતાવરણમાં જે રીતે ગીતને ઉત્તર મળે છે તેમાંથી કવિતાના રસ-રહસ્યનો અણસાર પણ મળી રહે છે. કવિએ એમની કાવ્યખોજ વૈશ્વિક સંદર્ભમાં ચલાવી છે એ અહીં સ્પષ્ટ છે. નરસિંહરાવની ગીતશૈલીનું સ્મરણ કરાવતી આ ગીતરચનામાં કવિએ છેલ્લે ગીતને સનાતન સુંદર મૌનના શબ્દ રૂપે વર્ણવી તેની વ્યાપકતા – અનંતાનું સૂચન કર્યું છે. કવિતાની ભાષા આત્માની માતૃભાષા હોઈ તેની વ્યાપક ગ્રહણક્ષમતા ને સનાતનતા સ્વાભાવિક જ ધ્યાનમાં આવે છે. કવિસંવિત તો માઈલોના માઈલો જેની અંદરથી પસાર થઈ જાય એવું હોય છે. એ તો અવકાશ-તરસ્યું હોય છે. એ તો ચરાચર સૃષ્ટિની જાતભાતની વસ્તુઓથી પોતાને ભરી દઈ શકે છે. એ તો ઉનાળુ લૂ અને વસંતલ પરિમલ બેયને ગટગટાવી શકે એવું હોય છે. વિશ્વોનાં વિશ્વોને પોતાની અંદરથી પસાર થવા દઈ, પોતાનું અનંતતા – અસીમતા – અમૃતમયતાનું જે અંતરતમ સંવિધાન તેનું દર્શન કરી-કરાવીને રહે છે.૧ એની સર્જકતાની – એના સર્જનાત્મક શબ્દની સાર્થકતા એવા દર્શનમાં જ સિદ્ધ થતી વરતાય છે.

ઉમાશંકરને ક્યાંય ક્યાંયથી ભાષાઓને વળોટતી આવતી કવિતાનો પાકો અંદાજ છે.૨ સંભવત: આ કવિતાના પ્રભાવે તડકો કવિને વધુ તડકીલો લાગતો હોય તો નવાઈ નથી. અગાઉ નિર્દેશ્યું તેમ, કવિ-શબ્દ-ધબકથી જ ઈશ્વર અદકેરો ઈશ્વર હોવાનુંયે કવિને અનુભવવા મળે છે.

__________________________________

૧.‘સમગ્ર કવિતા’, પ્ર. આ., ૨૧-૭-૧૯૮૧, પૃ. ૭૩૩.

૨.એજન, પૃ. ૭૩૨.

૩.એજન, પૃ. ૭૯૫.

આ ઉમાશંકર ‘સપ્તપદી’માં છિન્નભિન્નતાની તેમ દુરિતની અનુભૂતિની વાત કરતાં કરતાં છેવટે તો તળિયાની જે વિશ્વસમસ્ત સાથેની પોતાની સંવાદિતા છે તેના સમ પર આવીને રહે છે; ને એ સમ પર આવતાં કવિતાનોયે જે કોઈ કોલાહલ હોય તો તેનુંયે અમૃતમય મૌનમાં પરિશમન થતું અનુભવાય છે. એ મૌનમાં અહંનું, પોતાની નામઠામબદ્ધ સંકુચિતતાનુંયે વિગલન થતું વરતાય છે. ઉમાશંકરની સપ્તપદીનો છેવટનો નિષ્કર્ષ આ જ છે : ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.

ઉમાશંકરે ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ (ઑક્ટોબર, ૧૯૨૮) લખ્યું તે અનુભવને પ્રકૃતિ દ્વારા મળેલ કાવ્યદીક્ષારૂપે ઘટાવ્યો છે તે આપણે જાણીએ છીએ. તેમણે મંગલ શબ્દનો – મંત્રનો આદર ‘વિશ્વશાંતિ’ના આરંભે જ કર્યો છે અને તે પછીની એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિ મંગલ શબ્દના વિસ્તાર-વિકાસરૂપ રહી છે.S પ્રકૃતિએ અને મનુષ્યે એમના આંતરસત્ત્વને સમૃદ્ધ કરી એમના શબ્દને વધુ બળવાન બનાવ્યો છે. તેમનો શબ્દ તેથી સંસ્કાર-સંસ્કૃતિના વિવિધ ઉન્મેષોને – સ્ફુરણોને આત્મસાત્ કરવામાં સતત સક્રિય રહ્યો છે. સ્વાતંત્ર્યસંઘર્ષવેળાએ કવિધર્મ અદા કરવા માટેની આંતરિક સજ્જતા વધારવાની અભીપ્સા કવિએ પ્રગટ કરી, એ માટેના શિવસંકલ્પો જાહેર કર્યા; કંઈક સ્થૂલ રીતે કવિ માટેની સમયની માગને બુલંદ કરી. ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાં કવિ સંઘર્ષમાંથી સંવાદની દિશામાં વધુ સૂક્ષ્મ રીતે ને વધુ અસરકારક રીતે ગતિ કરે છે. પ્રણયજીવન ને નગરજીવનના અનુભવોએ એમની ચેતનાને યથાર્થના ફલદાયી પરિચયથી વધુ વિકસાવી. અમદાવાદ અને મુંબઈએ એમના ચિત્ત પર ‘કોઈ સમસ્યારૂપ ભૂરખી’૨૧ – નાખ્યાનું એમણે જણાવ્યું છે. ‘વિશ્વશાંતિ’માં બુલંદતાથી “ગજાવીએ સૌ જગઉંબરે ઊભી : | ‘માનવી, પ્રકૃતિ, સૌને वसुधैव कुटुम्बकम् !’ ” કહેનાર કવિ ‘આત્માનાં ખંડેર’ સુધી પહોંચ્યો એની ‘વિશ્વશાંતિ’-વિષયક ભાવનાની સચ્ચાઈને કારણે, એની સ્નેહ-સંવાદિતા વિશેની અડગ શ્રદ્ધાને કારણે. યથાર્થના સાચા પરિચય વિના યથાર્થને ઉપયોગી થવાનું ઝાઝું ભાગ્યે જ બની શકે. વિશ્વશાંતિસાધક આત્મશાંતિના પ્રશ્નો ન જાણે તો કેમ ચાલે ? જે તરુણને વિશ્વશાંતિમાં રસ પડ્યો તે આત્માનાં ખંડેર સુધી જઈ શક્યો એ નોંધપાત્ર ઘટના છે, એમની કવિતા અને સાથે કવિને પણ સમજવાની દૃષ્ટિએ. આ ઉમાશંકરે આતિથ્યમાં ‘કવિ’ (પૃ. ૬૫-૭૩) કાવ્યમાં કવિના વ્યક્તિત્વના બે અંશો स: અને

______________________________________

૪. સમગ્ર કવિતા, પ્ર. આ., પૃ. ૮૨૪.

S શ્રી હીરાબહેન પાઠકે ઉમાશંકરના આ મંગલ શબ્દને ઊંચકી લઈને ગાંધીયુગના સંદર્ભમાં વાપરવામાં ઊંડી ઇતિહાસસૂઝ દાખવી છે એમ કહેવું જોઈએ. જુઓ ‘ગુજરાતદર્શન (સાહિત્ય)’.

अहम् વચ્ચે વસંતતિલકામાં સંવાદ યોજ્યો છે. વ્યક્તિની સંઘટનામાં વ્યષ્ટિ અને સમષ્ટિના અંશોનો મહત્ત્વનો ફાળો છે જ. એ અંશોને અનુક્રમે આમ स: અને अहम् રૂપે જુદાં તારવી, એમની વચ્ચે સંવાદ કરાવવાનું સૂઝ્યું એ જ એમની સર્જકતાનો મહત્ત્વનો ઉન્મેષ છે. આ સંવાદ કવિના વ્યષ્ટિ-સમષ્ટિનિષ્ઠ દ્વિદલ છતાં અખંડ એવા વ્યક્તિત્વની વિભાવના સૂચિત કરે છે. આ કવિનો સતત પ્રયત્ન अहम् અને स:ની અન્યોન્યપૂરકતા ઉપસાવી ઉભયનિષ્ઠ સંવાદનો સાક્ષાત્કાર કરવાનો છે. આ સંવાદ કવિના અંતરંગનું ઍક્સ-રે-ચિત્ર આપે છે. કવિની શબ્દ-સાધના એ પ્રકારની છે કે તે છેવટે તો એમની વ્યાપક જીવનસાધનાના એક અનિવાર્ય આવિષ્કારરૂપે પ્રતીત થાય છે, અને એ રીતે એમની જીવનસાધના એકંદરે શબ્દસાધનાનો ઉત્કર્ષ કરીને રહે છે.

૧૯૨૮માં પ્રકૃતિ પાસેથી ધન્ય કવિતામંત્ર સાંભળનાર ઉમાશંકર ૧૯૫૯માં ‘ક્યાં છે કવિતા ?’ એમ પ્રશ્ન કરે છે ! કવિમાં એવું શું બન્યું કે ત્રણ દાયકે આવો બુનિયાદી પ્રશ્ન સ્ફુર્યો – થયો ? ‘શબ્દ છે ! છે છંદ પણ ! ક્યાં છે તો કવિતા ?’ – એવું કેમ લાગ્યું ? ‘શોધ’માં શોધ કવિતા માટેની તો છે જ, કવિ પોતે કવિતામાં પોતાને શોધે છે તેનો પણ એમાં નિર્દેશ છે. કવિનો જ અવાજ જ્યારે ખરેખર ખૂલે છે ત્યારે છંદ, ભાષા, કલ્પન આદિમાં કેવો નૂતન રસ પ્રેરે છે તેનું આ કાવ્ય સુંદર ઉદાહરણ છે. કવિની કવિતાની ખોજ ‘અભિજ્ઞા’ સુધીમાં તો વધુ સૂક્ષ્મ, વધુ ઊંડી બની બાહ્ય જગતને મુકાબલે વધુ આંતર જગતમાં – પોતાનામાં ચાલે છે. આ કાવ્ય એ રીતે કવિની ઉત્ક્રાન્તિનું – આંતરક્રાંતિનું નિર્દેશક છે. કવિ શબ્દને ખોલીને જોવા પ્રયત્ન કરે છે.S (‘અભિજ્ઞા’, પૃ. ૩૫) કવિનો શબ્દ સાથેનો સંબંધ આકસ્મિક કે ઔપચારિક મટી વધુ ગાઢ રીતે આત્મીય – આંતરિક બને છે. એ સંબંધની અભિવ્યક્તિ કવિની આત્માભિવ્યક્તિ જ છે. તેઓ કહે છે :

‘શબ્દ, ગર્ભદશા મહીં કર્મ,
ક્યારે તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.’

(‘શબ્દ’, અભિજ્ઞા, પૃ. ૩૫)

__________________________________________________

  • ‘અભિજ્ઞા’નાં શોધ, ‘શિશુ’, ‘ચહેરો’, ‘રાજસ્થાનમાં પસાર થતાં’, ‘હેમન્તનો શેડકઢો –’ જેવી રચનાઓ છતાં ચંદ્રકાન્ત ટોપીવાળાને ‘અભિજ્ઞા’ની કવિતા પ્રતિશબ્દની કવિતા લાગી છે એ એક આશ્ચર્યની વાત છે. શબ્દને ખોલવાની વાત કરનાર ને એમ કરવા પ્રયત્ન કરનાર ઉમાશંકર ઉચ્છાદક (‘એક્સ્પ્લોરર’) નહિ ? પન્ના નાયકે તો ઉમાશંકરના કવિકર્મની ઉત્ક્રાંત અવસ્થા અભિજ્ઞામાં જોઈ છે ! વળી ચંદ્રકાન્તે પ્રતિશબ્દનો ખ્યાલ પણ વિશદતાથી આપવો જોઈએ.
‘શબ્દ’ કાવ્યમાં આ ઉત્કર્ષબિન્દુએ પહોંચ્યા પછી ‘શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ’ કહેવાની જરૂર ખરી ? કવિની કવિતાની ખોજ કહો કે આત્મખોજ, નિષ્ઠાપૂર્વકની હોય છે ત્યારે કેવાં પરિણામો જન્માવી શકે છે તે ‘શોધ’, ‘પ્રકભુવિ’ વગેરે કાવ્યો વાંચતાં તુરત સમજાય છે. ‘શોધ’માં કવિ આરંભે જ પુષ્પોની સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં તેથી અફસોસ કરે છે. એ પુષ્પો કવિની આંખે જોવાયેલાં પુષ્પો છે. એ પુષ્પો તો કવિની કવિતાના તાજ-બ-તાજ શબ્દોરૂપે પ્રતીત થાય છે ! કવિની કવિતામાં જે સિદ્ધ કરવાની મથામણ છે તેનો અણસાર આ પંક્તિઓમાંથી આવી શકે છે :

‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચ્હેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એક કાવ્ય ચમકતું તમે
જોયું છે ?

(‘શોધ’, અભિજ્ઞા, પૃ. ૧૫)

આ પ્રશ્નનો ઉત્તર આ પ્રશ્નમાં જ છે ! આવો પ્રશ્ન થવો એ જ કવિતાની ઘટના છે. ‘એને જાંબુ આવ્યાં, ને મને આંસુ,’ – આ પ્રકારે જાંબુ આવવાની ઘટનાની પડછે આંસુ આવવાની ઘટનાને વર્ણવવામાં, ‘હું વધ્યો ફાંસુ’ની ‘ફાંસુ’ શબ્દથી વર્ણવેલી નિજી પરિસ્થિતિમાં, વૃક્ષનાં થડ રંગતા પ્રભુને પકડવાની ક્રિયામાં, શિશુઓના હાસ્યમાં કવિતાનો શુભ્ર છંદ વરતાવાની ક્રિયામાં, ક્ષણાર્ધ માટે વૃક્ષ-રચના-મય રૂપાંતર પામવામાં, કન્યાઓની આશા કવિતાની નસોના રુધિરરૂપે અનુભવવામાં ક્યાં છે કવિતાના પ્રશ્નનો ઉત્તર છે, ને છતાં ‘ક્યાં છે કવિતા ?’ – એવું પ્રશ્નરૂપ પણ આસ્વાદ્ય રહે છે. કવિએ સ્વાનુભવના વર્ણનનો જે ઉપક્રમ યોજ્યો છે, જે નિજી ભાષાનો પ્રયોગ કર્યો છે તેની તાજપ આહ્લાદક છે. કવિની અનુભૂતિનું ઊંડાણ, એનો વ્યાપ, એની ઉત્કટતા ને કૌતુકપૂર્ણ ગતિશીલતા – આ બધું એકાકાર થઈ શબ્દપિંડે પ્રગટ થઈ રસાસ્વાદ માટેની ભૂમિકા પૂરી પાડે છે. તર્ક, કલ્પના, ઊર્મિ આદિના સંચલનથી, ભાવગત વિશ્લેષણ અને સંશ્લેષણની ક્રિયાના અપૂર્વ સંયોજનથી કવિ અનુભૂતિને એના ગત્યાત્મક રૂપમાં પ્રયોજે છે; દા. ત.,

“જીવન તો તે, જે કૈં થયું આત્મસાત્ આત્મરૂપ.
આ આંખો જે જુએ છે એટલું જ શું એ જુએ છે ?
તો તો તે કશું જ નથી જોતી. આંખો આંધળી છે.
પેલાં વૃક્ષો, છુટ્ટાં, લીલાં, પલ્લવે ઘેઘૂર ડોલે,
કેવાં છે મજાનાં ! ગમી જાય એવાં છે ! પરંતુ
એક વેળા અહીં આ એક સ્થળેથી જોવાઈ જતાં
એ બધાં અનોખી કોઈ એક-રચનામાં ગોઠવાઈ ગયાં.
વૃક્ષો ન રહ્યાં, વૃક્ષમય કશુંક લોકોત્તર સત્ત્વ,
માત્ર ત્યાં ફેલાઈ રહ્યું – એ જ તો સૌન્દર્ય. –
આંખ, તેં એ જોયું ? આજ સુધી કાં ન જોયું તેં એ ?
આંખ દ્વારા કોઈ કે એ જોયું.
આંખમાં એ કોઈક હતું અને તે આ પળે બ્હાર
કૂદી શું રેલાઈ રહ્યું ?
એ ક્ષણાર્ધ તો હું નર્યો વૃક્ષ રચના મય હતો.”

(અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૮૧)

– અહીં કવિની સૌન્દર્યાનુભૂતિની ક્રિયા પ્રત્યક્ષ થતી, શબ્દપિંડ બાંધતી, કવિનું તો ખરું જ, કવિની ભાષાનું પણ આ કાવ્યક્ષણે રૂપાંતર સિદ્ધ કરી બતાવે છે. ‘વૃક્ષ-રચના-મય’-તા કવિના સૌન્દર્યનુભવની જ નહિ, કવિતાની ભાષાની – કવિતાની પણ સિદ્ધિ છે.

ઉમાશંકરને મન કવિતા ‘એસ્કેપ ફ્રૉમ લાઇફ’ નથી, પણ ‘ઇન્વૉલ્વમેન્ટ ઇન લાઇફ’ છે. ઉશનસ્ સૂચવે છે તેમ, એમની કવિતા ‘બૅક ટુ મેનકાઇન્ડ’-ની છે.૨૨ “સંસારનું નામ બીજું : ‘સહેવું’ ” (‘આતિથ્ય’, પૃ. ૧૦૧) એમ તેઓ કહે છે. જેને કારણે સહેવું પડે છે એ સંઘર્ષોથી – ઘમસાણલીલાથી ભર્યો ભર્યો અષાઢ જીવનમાં અખંડ રહે એમ તો તેઓ ઇચ્છે છે. સંઘર્ષ-યુદ્ધ આદિની ભૂમિકા ઉમાશંકર સ્વીકારે છે, પણ એ ભૂમિકાથી ઉપર ઊઠવામાં જે ‘દિવ્ય મનુષ્યતા’ કે ‘માનુષ દિવ્યતા’૨૩ છે તેનો ઉમાશંકર આદર કરે છે. વિશ્વની રંગભૂમિ પર જે કંઈ અવનવી ઘટનાઓ ગુજરે છે એમાં જે કંઈ ચિરંજીવ તત્ત્વ છે તેને કવિઓ ગ્રહી લેતા હોય છે :

“રાષ્ટ્રો જન્મી, લડે, ખડે, સમયનાં ખંડેર ભેળાં ભળે
ને સૃષ્ટિ-ધુતિ-ધ્વંસમોજ ઊછળે વિશ્વે વિકાસક્રમે;
કિંતુ એ ઇતિહાસમોજ સઘળા પ્રોતું, છૂપંતું, મૃદુ
કલ્યાણાર્થી, સદાનું, કૈંક લસતું સૌ હાથમાં ના’વતું –
આંધી વીંધત જ્યોત, એ જ કવિતા, માનવ્યગાથા ઊંડી.
ઉત્ક્રાન્તિના ઉછાળા પલકપલક પલ્ટાઈ પ્રોત્કર્ષઘેલા
આવે, જાવે; પરંતુ મહીંથી કવિ ગ્રહંતો ચિરંજીવ તંતુ.”

(ગંગોત્રી, પૃ. ૧૨૩)

આ ‘ચિરંજીવ તંતુ’ને કારણે જ કવિતા તુચ્છ વિષયની હોય તોયે વૈશ્વિક પ્રભાવની ક્ષમતા ધરાવી શકે છે. કવિતા ધરા પરની અમૃતસરિતા૨૪ બને છે તે આ ચિરંજીવ તંતુને કારણે. આ તંતુ સાથે કવિતા દ્વારા સહૃદયોના ચિત્તનું અનુસંધાન થાય તેમાં કવિની ધન્યતા છે. ઉમાશંકરે પ્રકૃતિ પાસેથી કાવ્યદીક્ષા પામતાં જે પ્રથમ કાવ્ય લખ્યું તેમાં જે ‘મંત્ર’ પોતાને મળ્યો તે સૌન્દર્ય પીવાનો આદેશ કરે છે તે આપણે જોયું છે. જીવનમાં સૌન્દર્યની ખોજ કરતાં જન્મજાત કવિને તો કવિતા માટેની જ સામગ્રી – કવિતાની સમૃદ્ધિ મળી જ રહેવાની. આ સૌન્દર્યની ખોજ કવિના નિજી અસ્તિત્વની જ ખોજ છે અને તે જ તેમને સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ ઇત્યાદિ તરફ પ્રેરી જાય છે. ‘વિશ્વશાંતિ’માં કવિએ આ ત્રણેય તત્ત્વો માટેની અભીપ્સા વ્યક્ત કરી, જોકે ત્યાંય બંધુત્વ પર તેમનો ભાર વિશેષ રહ્યો. આમેય બંધુત્વનો આદર્શ વાસ્તવિક ભૂમિકા પર તો જ ઊતરી શકે, જો સ્વાતંત્ર્ય ને સમત્વ પ્રવર્તતાં હોય. ઉમાશંકરે ફ્રાન્સ અને રશિયાની ક્રાંતિઓને સ્વતંત્રતા તથા સમાનતાનાં મૂલ્યોના સંદર્ભમાં યાદ કરી અને પ્રથમ વિશ્વયુદ્ધે જે ખાનાખરાબી કરી તેનો આછો નિર્દેશ માત્ર કરી, વિશ્વબંધુત્વની ભાવનાને આ કાવ્યમાં પ્રસ્તુત કરી. આ કાવ્ય ભલે શીર્ષકે ‘વિશ્વશાંતિ’નું હોય પરંતુ તેના આંતરસત્ત્વે તો વિશ્વપ્રેમનું – વિશ્વબંધુત્વનું, રામપ્રસાદ શુક્લે વાપરેલો શબ્દ ઉપયોજીને કહીએ તો, ‘વિશ્વમાંગલ્ય’૨૫નું કાવ્ય છે. વિશ્વપ્રેમ જ ઉપાય છે વિશ્વયુદ્ધો ટાળવાનો. વિશ્વયુદ્ધો અથવા કોઈ પણ પ્રકારનાં યુદ્ધો, કલહો જેવી ઘટનાઓ તો જ ટળે, જો વિશ્વપ્રેમની પરિસ્થિતિ સર્જાય. ઉમાશંકરે કૃષ્ણના ચક્રથી ગાંધીજીના ચક્ર (ચરખા) સુધીમાં વિશિષ્ટ અર્થમાં શસ્ત્રવિકાસને અવલોક્યો છે. શસ્ત્ર હિંસક મટીને અહિંસક બન્યું એ જ એનો વિકાસ ! નખે, દાંતે લડનારાઓ અગ્નિ-અસ્ત્રો સુધી વળ્યા એ પણ શસ્ત્રવિકાસ; પણ તે રૂઢ અર્થમાં, કવિના – કવિતાના અર્થમાં નહીં.૨૬ ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વ – આ ત્રણેય મૂલ્યોનો સજીવ સંબંધ વ્યાવહારિક ભૂમિકાએ પ્રતિષ્ઠિત થતો જોયો. પતિતપાવન અથવા દીનાનાથ એવા નારાયણને પતિત અને દરિદ્રજનમાં વિશિષ્ટ રીતે જોવાનો – એમને દરિદ્રનારાયણ રૂપે ઓળખવા – ઓળખાવવાનો જે દાર્શનિક ઉપક્રમ ગાંધીજીએ સ્વીકાર્યો તેમાં એક શાંત પણ ધરખમ ધાર્મિક-આધ્યાત્મિક ક્રાંતિનું – મૂલ્યક્રાંતિનું બીજ રહેલું હતું જ. જીવનકળાના મહાન પ્રયોગકાર – જીવનના કલાધર ગાંધીજી પ્રત્યેનો કવિનો મુગ્ધભાવ આદર્શપ્રીતિનો દ્યોતક છે. ગાંધીજી પ્રત્યેનો એમનો સદ્ભાવ ઠીક ઠીક મુખર છે. ‘શું ઊતરી મૂર્તિમતી અહિંસા ?’૨૭ જેવા અનેક ઉદ્ગારોમાં એ સ્પષ્ટ છે. આમ છતાં જે ઉત્સાહ-ઉલ્લાસથી કવિ ગાંધીજીને બિરદાવે છે એમાં વસ્તુત: વિશ્વબંધુત્વની ભાવનાનો ઉમળકાભર્યો પુરસ્કાર છે. તેથી તો કાકાસાહેબે ‘આમંત્રણ’ – એ પુરોવચનમાં સ્પષ્ટ જણાવ્યું કે ‘પ્રસ્તુત કવિતા ગાંધીયુગની છે, પણ ગાંધીજીનું માહાત્મ્ય વર્ણવવા માટે લખેલી નથી’ કાકાસાહેબે ગાંધીયુગને એની પહેલાંનાં યુગથી આદર્શભેદે કંઈક જુદો માન્યો છે. ઉમાશંકર પણ ગાંધીયુગને કંઈક વિશિષ્ટ માનતા જણાય છે. રવીન્દ્રનાથ-વિષયક એક કાવ્ય (‘રવીન્દ્રનાથ’, અભિજ્ઞા, પૃ. ૪૯–૫૦)માં તેમણે રવીન્દ્રનાથના યુગને ‘વિશ્વમાનવ’ના યુગ તરીકે ઓળખાવ્યો છે. વિશ્વમાનવી – બનવાની યુગમાનવી બનવાની – પોતાના સમય સાથે સાચી નિસબત ધરાવતા માનવી બનવાની – વિશ્વતોમુખી થવાની અભીપ્સા ઉમાશંકરને આ વાતાવરણમાં થાય એ સ્વાભાવિક છે. વધારામાં ગાંધીજી જેવા વિશ્વમાનવનો આદર્શ જીવવા સતત પુરુષાર્થી એવા મહાપુરુષના યજ્ઞકાર્યમાં સક્રિય થવાનો અવકાશ પણ તેમને મળ્યો. તેથી વિશ્વમાનવની ચાહનાનો માર્ગ એમને ગમી જાય અને તેની વાત કરવામાં રસ પડે એવું સ્વાભાવિક રીતે જ બને. ‘વિશ્વશાંતિ’માં કવિના ઉદ્ગારો મુગ્ધતાની ભૂમિકાના લાગે, પણ તે ભાવનાપરાયણ તરુણ ચિત્તની સચ્ચાઈના ઉદ્ગારો પણ લાગશે. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ના વિષયને કાવ્ય માટે પસંદ કરી યુગ સાથેના તેમના સચ્ચાઈભર્યા સ્નેહસંબંધને સ્પષ્ટ રીતે પ્રકટ કર્યો છે.

વળી ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં ગાંધીજીની ‘મુક્તિ-મીઠું’ ઉપાડવા માટેની દાંડીકૂચ, સ્વદેશીની ચળવળ, દારૂનાં પીઠાંનું પિકેટિંગ – આવા બધા કાર્યક્રમોને વિશ્વશાંતિના સંદર્ભમાં મૂકી એમાં રહેલું વૈશ્વિક – માનવીય પરિમાણ ઉપસાવી આપ્યું છે. અહિંસા અને સત્ય, પ્રેમ અને સમત્વ – આ બધાં મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિ અને સમષ્ટિજીવનની પાયાની ક્રાંતિ-ઉત્ક્રાન્તિ અનિવાર્ય થઈ પડી અને ગાંધીજીએ તે યુગકાર્યનો ભાર આત્મબળે ઉપાડ્યો. ‘વિશ્વશાંતિ’ કાવ્ય તેથી ગાંધીનું, ગાંધીયુગનું, ગાંધીયુગીની ભાવનાઓનું કાવ્ય બને છે; વર્તમાન યુગનું કાવ્ય બને છે; પણ તેની ખરી ખૂબી એની આવતા યુગનું કાવ્ય બનવાની જે વસ્તુગત ક્ષમતા છે એમાં છે. ઉમાશંકરે આ કાવ્યમાં દીનદલિતો પ્રત્યેની પોતાની હમદર્દીને તેમ સામ્રાજ્યશાહી જેવાં પરિબળો સામેની પોતાની નારાજગીને સ્વાભાવિક ક્રમમાં વ્યક્ત થવા દીધી છે. કેટલેક સ્થાને તેઓ ભરપૂર આત્મવિશ્વાસથી ને તેથી જ કેટલીક વાર મુગ્ધતાથી પોતાના અભિપ્રાયો આપે છે :