પરકીયા/દૂરદૂરની સુવાસ

Revision as of 05:12, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દૂરદૂરની સુવાસ

સુરેશ જોષી

પડ્યો હોઉં બંને આંખો બીડીને હું હેમન્તની હૂંફાળી કો સાંજે
માણતો સુવાસ તારાં પીન ને ઉત્તપ્ત સ્તનતણી,
જોઉં ત્યારે પુલકિત પુલિન વિશાળ,
એકધારા વરસતા સૂર્યતણા પ્રકાશે પ્રોજ્જ્વલ.

આલસ્યસભર દ્વીપ,
રસાળાં ફળો ને વૃક્ષો વિરલ જ્યાં બક્ષે છે નિસર્ગ;
પુરુષો જ્યાં કૃશતનુ ને સશક્ત,
નારીનાં નયન વળી પારદર્શી ને પ્રગલ્ભ.
તારી સુવાસનો દોર્યો પ્હોંચી જાઉં એવા સ્થળે
ભૂરકી નાંખે ત્યાં હવા;

જોઉં કો બંદર –
શઢ અને કૂવાથંભતણું શું જંગલ!
ખારાં એનાં મોજાં હજી ચચરે છે આંખે.
અહીંની હવામાં વહે લીલી આમલીની વાસ,
નાવિકોનાં ગીત ભળી જતાં એની સાથ
વ્યાકુળ વ્યાકુળ મારા પ્રાણ!