પરકીયા/વિયોગ

Revision as of 07:10, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)


વિયોગ

સુરેશ જોષી

ઉમ્બર પરે ઊભો રહી એ નજર નાંખે છે ભીતર,
ના પિછાની રે શકે આ જ એનું ઘર!
ચાલી ગઈ એ, પાંખ ફફડાવી ઊડી;
– ચારે તરફ શી ધ્વંસની પગલી પડી!

સૌ ઓરડાઓમાં અરાજકતા નરી –
અશ્રુઓ ને ફાટતાં લમણાં
જોવા ન દે એને
પૂર્ણ મૂતિર્ વિનષ્ટિની.

કાનમાં ઘુઘવાટને એ સાંભળે સવારથી,
જાગે છે એ? કે સ્વપ્ન છે આ?
શાને છબિ સાગર તણી
દ્વાર ઠેલે ચિત્તનાં રે ફરી ફરી?

સુવિશાળ સૃષ્ટિ બહારની
ઢાંકી દિયે ધુમ્મસછવાઈ બારીઓ
દુ:ખની અગતિકતા
સમુદ્ર-મરુ શી વિસ્તરે પ્રસરે કશી!

અંગ ને પ્રત્યંગમાં
એ એવી તો એની નિકટ
જેવો નિકટ તટ
સમુદ્રને, તરંગે તરંગે.

ઝંઝા પછી સાગરતરંગો
પ્લાવિત કરી દે વેતવન
તેમ એના હૃદયમાં
એની છબિ છે પ્લાવિતા.

આવ્યો સમય કપરો તિતિક્ષાનો
જીવન સુધ્ધાં રે અચિન્ત્ય –
ત્યારે જુવાળે નિયતિના
સાગરતળેથી આવી એ ધોવાઈ એની પાસે.

અન્તરાયો તો અસંખ્ય
તો ય છોળે ભરતીની ઠેલાઈને
અપઘાતથી બચી માંડમાંડ
એ આવી’તી કાંઠે.

ને હવે ચાલી ગઈ એ,
અનિચ્છાએ રે કદાચિત –
ભરખી જશે વિચ્છેદ નક્કી એમને
હાડ સુધ્ધાં કોરી ખાશે યાતના.

ચોપાસ એ નાખે નજર:
જાતી વેળા
એ કરી ગઈ છે બધું ઊંધું છતું
ચીંથરેચીંથરાં કરી ફેંક્યું બધું.

સાંજ સુધી એ મથ્યો
એકઠું કીધું બધું ને ગોઠવ્યું:
ઝીણી ઝીણી ચીંથરડી
ને ભાત વેતરવા તણી.

સીવતાં અધૂરાં મૂકેલાં વસ્ત્રમાંથી સોય
ભોંકાઈ એની આંગળીએ,
નજર સામે એ થઈ સાક્ષાત્ એકાએક
અશ્રુઓ સરતાં અનર્ગળ ને નીરવ.