પરકીયા/ચહેરા વિનાનો માણસ

Revision as of 07:23, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)


ચહેરા વિનાનો માણસ

સુરેશ જોષી

આ છે ઘવાયેલો માણસ, જે ઝપાઝપીમાં ઘવાયો નથી, પણ ભેટવામાં ઘવાયો છે; લડાઈથી ઘવાયો નથી પણ શાન્તિને કારણે ઘવાયો છે. એણે એનો ચહેરો પ્રેમમાં ખોયો છે, દ્વેષમાં નહિ; જીવનના સામાન્ય ક્રમમાં ખોયો છે, અકસ્માતમાં નહિ; સ્વાભાવિક રીતરસમને અનુસરતાં ખોયો છે, મનુષ્યોની અરાજકતાને કારણે નહિ. 1914ના દારૂગોળાથી કર્નલ પિકોટનો ચહેરો ખવાઈ ગયો છે. પણ મને પરિચિત આ ઘવાયેલા માણસનો ચહેરો શાશ્વત અને અનાદિકાળની આબોહવાથી ખવાઈ ગયો છે.

જીવતા ધડ પર મરેલો ચહેરો. જીવતા માથા સાથે ખીલા ઠોકીને જડી દીધેલો જડ ચહેરો, એ ચહેરો ખોપરીનો પાછલો ભાગ, ખોપરીની ખોપરી, થઈને અટકી જાય છે. મેં એક વાર મને જોઈને પીઠ કરનાર વૃક્ષને જોયું, ને વળી એક વાર મને જોઈને મોઢું ફેરવનાર રસ્તાને જોયો. તમને પીઠ કરનાર વૃક્ષ, જે જગ્યાએ કોઈ જન્મ્યું નથી કે મર્યું નથી ત્યાં જ ઊગે છે. તમારાથી મોઢું ફેરવી લેનાર રસ્તો, જ્યાં કેવળ મરણ જ છે ને જન્મ છે જ નહીં, એવી જગ્યાએથી જ પસાર થતો હોય છે. શાન્તિ અને પ્રેમથી ઘવાયેલો માણસ, આલંગિન અને વ્યવસ્થાને કારણે ઘવાયેલો માણસ, જીવતા ધડ પર મરેલા ચહેરા સાથે, પીઠ કરનાર વૃક્ષની છાયામાં જન્મ્યો છે ને એની જંદિગી મોઢું ફેરવી દેનાર રસ્તા પર થઈને પસાર થાય છે.

એનો ચહેરો કઠણ અને મરેલો હોવાથી, એની લાગણીઓ ને એના હાવભાવ, બહાર પ્રકટ થવા માટે, એની વાળવાળી ખોપરીમાં, છાતીમાં ને છેડાઓમાં આશ્રય લે છે. એના ગહનમાં ગહન જીવનની વૃત્તિઓ, પ્રકટ થતી વેળાએ એના ચહેરા પરથી પાછી વળી જાય છે, અને એનો શ્વાસોચ્છ્વાસ, એની દૃષ્ટિ, એનું શ્રવણ, એની ઘ્રાણેન્દ્રિય, એના શબ્દો, એના જીવનની માનવીય આભા, એના વાળ, પાંસળી, હાથ, પગ અને પંજામાં થઈને છાતી દ્વારા સંચાર પામે છે.

ચહેરો ખવાઈ ગયો છે, સંતાઈ ગયો છે, બંધ થઈ ગયો છે, છતાં એ માણસ આખો છે, એનામાં કશું ખૂટતું નથી. એને આંખો નથી ને એ જુએ છે ને આંસુ સારે છે. એને નાક નથી ને એ સૂંઘે છે ને શ્વાસ લે છે, એને કાન નથી ને એ સાંભળે છે, એને મોઢું નથી ને એ બોલે છે ને હસે છે. એને ચિબુક નથી ને એ ચાહે છે ને ટકી રહે છે. જેને આંખ હતી ને જોતો ન હતો, કાન હતા ને સાંભળતો ન હતો એવા અપંગની ઇસુને ખબર હતી. હું એવા અપંગ ઇન્દ્રિયોવાળા માણસને ઓળખું છું જે આંખ વિના જુએ છે ને કાન વિના સાંભળે છે.