દેવોની ઘાટી/કુડલ સંગમદેવ

Revision as of 04:57, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુડલ સંગમદેવ

ભોળાભાઈ પટેલ

ચામુંડેશ્વરી આદિરંગમ્
કુડલ સંગમદેવ
ગોમટેશ્વરની પાવનકારી નગ્નતા
દેહોત્સવનું કાવ્ય કિષ્કિન્ધાકાંડ
હમ્પીનાં ખંડેરોમાં
મૈસૂર – હૉસ્પેટ

પ્રિય,

ચામુંડી વસ્તીગૃહ બહુ સારી હોટલ તો નથી, પણ મૈસૂરના બસ-સ્ટેશનથી એટલી નજીક છે કે શારદાપ્રસાદનો આગ્રહ રહ્યો કે અમારે મૈસૂર આવી એમાં ઊતરવું. એમણે ત્રિવેન્દ્રમ્‌થી જ હોટલના સંચાલકને પત્ર લખી દીધો હતો. શારદાપ્રસાદ પોતે મૈસૂરના એટલે બધાને ઓળખે તો ખરા ને! એ પોતે મદુરાઈ થઈને આવવા નીકળી ગયેલા. મને લાગે છે કે એમને ચામુંડી નામ સાથે અતિ ભક્તિભાવ છે. ચામુંડી નામ સાથે જે જોડાયેલું હોય તે સારું જ હોય એવો એમનો ભાવ હોય છે – નહિતર આજે અમને અતિ આગ્રહપૂર્વક ચામુંડી હિલ પર આમ ખેંચી ગયા હોત?

પણ એ વાત પછી લખું. તને થશે કે ગાડીમાંથી એકદમ ચામુંડી વસ્તીગૃહમાં કેવી રીતે પહોંચી ગયા? આઇલૅન્ડ એક્સપ્રેસની ગતિ સાથે ઇષત્ વક્ર અક્ષરોમાં લખેલો પત્ર મળ્યો હશે. રાત્રે મને ઊંઘવા કરતાં બારી પાસે બેસી રહેવાનું બહુ ગમ્યું હતું. આ વખતે કવિ ઉમાશંકરની લીટીઓ આપણને યાદ આવે :

માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે
દોડતી ગાડીમાં હું સ્થિર અચલ.

એ વાત કરી લઉં કે રાત્રિના અંધકારમાં કશું બહાર દેખાય નહિ, પણ મનમાં તો બધું છલકાયા કરે. મનોચક્ષુને પ્રકાશની ક્યાં જરૂર પડે છે? અને અંધકાર પણ ક્યાં એક દૃશ્ય નથી? કેરલની રમ્યભૂમિથી વછૂટા પડ્યાનું દર્દ તો હતું, પણ તું કહીશ કે પ્રવાસી આમ જ્યાં જાય ત્યાં પ્રીત કરી બેસે તે ઠીક નહિ. કોઇમ્બતુર સ્ટેશને ગાડી ઊભી હતી, તે યાદ છે. એટલે કે તામિલનાડુમાં પ્રવેશ થયો હતો. નકશો ખોલવાનું કહીશ તો તું ચિડાઈશ, પણ તું નજર તો કર કે ગાડીની ગતિ કયા કયા પ્રદેશોને પાર કરતી રહી!

પછી થોડું ઊંઘી જવાયું હશે એમ લાગે છે. અનંતપુર સ્ટેશન આવ્યું ત્યારે બારીના કાચ ખોલી જોયેલું. અચ્છા, તો આંધ્રપ્રદેશમાં આવી ગયા – મનોમન વિચારી રહ્યો. અમારી કાર્યશાળામાં અનંતપુરના બે યુવાન તેલુગુભાષી અધ્યાપકો હતા. ચંદ્રશેખર રેડ્ડી અને શેષ શાસ્ત્રી. એ બંનેનો ઘણો આગ્રહ હતો કે અમારે અનંતપુર ઊતરી બે દિવસ રહી પછી આગળ વધવું. પણ અમે રહી શકીએ એમ નહોતું. પણ એમનું સ્મરણ કરી નીચે આછી અવરજવરવાળા પ્લૅટફૉર્મ પર ઊતરી એક કૅન્ટીન પરથી જલદી જલદી ચા પી ડબ્બામાં આવી ગયો. ફરી થોડી વાર બારી. હવે કર્ણાટકપ્રવેશ ક્યારે થશે?

અમદાવાદથી ત્રિવેન્દ્રમ્ જતાં કોચીન એક્સપ્રેસની બારી પાસે બેસી દિવસ દરમિયાન કર્ણાટકની લાલભૂમિ જોઈ હતી. પહાડી ભૂમિ કે પથરાળ પાત્રમાંથી વહી જતી નદીઓ જોઈ હતી. દિવાળીનો દિવસ હતો, પણ અહીં એ વખતે આકાશમાં આછાં વાદળ હતાં. જમીન તાજા વરસાદથી ભીની હતી. પણ આંખમાં હજારો એકરના વિસ્તારમાં વાવેલાં સૂરજમુખીનો પીળો રંગ રહી ગયો છે, તે રાતના અંધારામાં યાદ આવતો હતો.

પહાડીઓ અને પીળા રંગના સ્મરણમાં ઊંઘી જવાયું હશે. સવારે જાગી જવાયું ત્યારે બૅંગ્લોર આવવામાં હતું. અમારી પાસે પ્રવાસીઓને જોઈએ તે કરતાં થોડો સામાન વધી ગયો હતો. બૅંગ્લોર ઊતરી અમે તરત મૈસૂર જવાનું નક્કી કર્યું હતું.

બૅંગ્લોર સ્ટેશને કુલીનો અમને સારો અનુભવ ન થયો. સામાન્ય રીતે મારા પ્રવાસમાં એક સૂટકેસ અને એક શોલ્ડર બૅગ હોય. કુલીની જરૂર ન પડે. અમારે અમારો સામાન સ્ટેશન બહાર રિક્ષા-સ્ટૅન્ડ સુધી પહોંચાડવાના જ ઠીક ઠીક પૈસા આપવા પડ્યા. રિક્ષા-સ્ટેન્ડથી રિક્ષાવાળાઓનો પણ એવો જ અનુભવ. પ્રવાસીઓએ સામાન સાથે હારબંધ ઊભા રહેવાનું. એક પછી રિક્ષા આવે. પણ અમારે બસસ્ટૅન્ડે જવાનું તે કોઈ જલદી તૈયાર ન થાય. બસ-સ્ટૅન્ડ બે ખેતરવા છેટું. તને થશે આ ‘બે ખેતરવા’ શબ્દ ક્યાંથી આવી ગયા? ગમે તેમ તોય ખેડુપુત્ર. છેવટે એક રિક્ષાવાળો તૈયાર થયો. ત્યાં ફરી પાછી રિક્ષા-સ્ટૅન્ડથી બસ સુધી કુલીની જફા.

પણ પછી કહેવું પડે. બૅંગ્લોરથી મૈસૂર માટે બસોની સુંદર વ્યવસ્થા છે. બસ ભરાય કે ઊપડે. ડાયરેક્ટ બસ. વચ્ચે ચા-પાણી માટે એક વખત ઊભી રહેલી; પરંતુ કહું – સવાર સવારના આ પ્રાચીન ઐતિહાસિક ભૂમિનાં દર્શન આનંદપ્રદ બની ગયેલાં. કાવેરીના બે પ્રવાહ વટાવી અમે મૈસૂરમાં પ્રવેશ કર્યો. બૅંગ્લોર-મૈસૂર આપણે એકશ્વાસે બોલીએ છીએ પણ લગભગ એકસો ચાલીસ કિલોમીટર છેટે છે બૅંગ્લોરથી મૈસૂર.

બસ-સ્ટેશનથી આ વખતે અમે કુલીને સીધા ચામુંડી વસ્તીગૃહ જવા કહ્યું. અને થોડી વારમાં તો ત્યાં. અહીં અમારે માટે વ્યવસ્થા થઈ ગઈ હતી; પણ અમારી પાસે રાત થોડી અને વેશ ઝાઝા એવી સ્થિતિ છે. જેટલું જોઈ લેવાય એટલું જોવું. કર્ણાટકની યાત્રા તો ફરી નિરાંતે કરવાની જ છે.

થોડી વારમાં શારદાપ્રસાદ આવી ગયેલા. એમણે કહ્યું કે તમે મૈસૂર નગરમાં જગમોહન પૅલેસની આર્ટ ગૅલરી જુઓ, પછી મહારાજાનો મહેલ જુઓ અને સાંજે આપણે ચામુંડી હિલ સાથે જઈશું. અમે કહ્યું કે આજે સાંજે અમારે વૃંદાવન ગાર્ડન્સ જોવા જવું છે. તો કહે, ના આપણે ચામુંડેશ્વરીનાં દર્શને પ્રથમ જઈશું.

મૈસૂર આપણને ગમી જાય એવું શહેર છે. શહેર છે પણ શહેરની ધમાલ ન લાગી. પણ એક વખતની રાજધાની એટલે બધે એનો સંસ્પર્શ છે. ઇમારતો, માર્ગો, બજાર. મૈસૂર એટલે મહેલોનું નગર. પણ સાચું કહું, આ આધુનિક મહેલો જોવાનું મને બહુ ગમતું નથી. રાજસ્થાનના મહારાજાઓના મહેલો જોતાં પણ એવો પ્રતિભાવ થાય છે. પરંતુ જગમોહન મહેલની આર્ટ ગૅલરી તો જોવી જ રહી. આર્ટ ગૅલરીમાં જોયેલાં ચિત્રોની વાત લખવી ગમે, પણ વાત કદાચ લાંબી થઈ જશે. રાજામહારાજાઓના સચવાયેલા વૈભવની ચાડી ખાતી ચીજો વિષે તો શું લખું? અહીંની આર્ટ ગૅલરીમાં પણ રાજા રવિ વર્માનાં ચિત્રો છે.

કર્ણાટક-મૈસૂર એટલે રેશમની ભૂમિ, ચંદનની ભૂમિ. આપણી પ્રાચીન કવિતામાં ચંદનવન અને એની ડાળે લટકતા સર્પની વાત આવે જ છે! અહીં વિપુલ પ્રમાણમાં મળે છે રેશમની સાડીઓ અને ચંદનની કારીગરીની મૂર્તિઓ અને ચીજવસ્તુઓ, પણ એમાં મન ન રમ્યું.

પછી તો અમે રાજમહેલ જોવા ચાલ્યાં. આવ્યાં છીએ તો જોઈ લઈએ. અહોહો, કેટલા બધા પ્રવાસીઓ! દેશી-વિદેશી! ધાડાંનાં ધાડાં. થોડુંઘણું મન હતું તેય વિરમી ગયું. લાઇનમાં ઊભાં ઊભાં આગળ વધતાં વધતાં મહેલમાં વૈભવી દૃશ્યો જોતાં જવાનું. સાચું કહું – બહુ મઝા ના પડી. એટલે છેવટે એક હરિયાળી પર નિરાંતે બેઠાં, ત્યાં તો દોડતી એક બાઈ આવી કહે, ત્યાં નહિ બેસવાનું.

સાંજે શારદાપ્રસાદની સાથે ચામુંડી હિલ. બસમાં જવા નીકળ્યાં. પગે ચાલતા પણ જવાય છે. ઘણાં પગથિયાં ચઢવાં પડે. બસમાં છેક ઉપર પહોંચી ગયાં, પણ જેવા બસમાંથી અમે ઊતર્યાં કે ચારેકોરથી અંધકાર પણ ઊતરવા લાગ્યો. સૂરજ ડૂબી ગયેલો અને આકાશમાં કેસરી લાલ રંગ પથરાયેલો… જોકે ફોટો લઈ શકાય એવું હતું, પણ મારે ઝટઝટ અંધારું થાય તે પહેલાં આ ટેકરી પર આવેલો વિરાટ નંદી જોવા પહોંચી જવું હતું. પછી ચામુંડેશ્વરીનાં દર્શન. એ માટે પહાડીનો ત્રીજો ભાગ તમારે નીચે પગથિયાં ઊતરવાં પડે. અંધારું વધતું ગયું. અવશ્ય નીચે ઝગમગતા નગરનું અદ્ભુત દૃશ્ય પથરાયું હતું.

અંધારામાં નંદી પાસે પહોંચ્યાં. વિરાટ નંદી, અંધારામાં ભળી જવામાં હતો. ધીમે ધીમે એના વળાંકો સ્પષ્ટ થતા ગયા. જીવંત લાગે. એક વાળેલો પગ ઊઠવાની મુદ્રામાં. હમણાં જાણે ઊઠશે. સ્થિતિગતિનું ભવ્ય શિલ્પ.

અહીં ઊભા રહી નીચે પથરાયેલ મૈસૂર પરીઓના દેશ જેવો લાગે છે – એવી ઉપમા વાપરું તો તે તને નહિ ગમે. પરીઓનો દેશ આપણે ક્યાં જોયો છે? પણ આવું કશું અદ્ભુત લાગે તેવું જોઈએ એટલે એવી ઉપમા વાપરી બેસીએ. અંધારામાં પગથિયાં ચઢતાં ચઢતાં ચામુંડેશ્વરીના મંદિર ભણી. ગોપુર સાથેનું આ મંદિર બહુ જૂનું નથી, પણ દેવીનું થાનક અતિ પ્રાચીન મનાય છે. સાયં દર્શન વખતે બહુ મોટી ભીડ હતી. લાંબી લાઇન. પણ શારદાપ્રસાદ તો પરમ દેવીભક્ત. રોજ સવારે આ પહાડીએ ચામુંડેશ્વરીનાં દર્શને આવે. સૌ પડાંઓ, પ્રહરીઓ એમને ઓળખે. પાછલે બારણેથી અમને લઈ ગયા, તે છેક દેવીનાં ચરણોમાં. ત્યાં તો આપણે ભાગ્યે જ જઈ શકીએ. ધૂપદીપથી મંદિરની વિશિષ્ટ ગંધ અનુભવાતી હતી. બહાર દૂર સુધી ભક્તોની ભીડ હતી. શારદાપ્રસાદની ભક્તિપ્રવણતા જોતો રહ્યો.

સમય આમ તો બહુ થયો નહોતો, પણ અંધારું વહેલું થઈ ગયેલું એટલે મોડું મોડું લાગે. પછી તો મંદિર બહાર ઊભું કરેલું મહિષાસુરનું હાથમાં ખડગ લઈને ઊભેલું પૂતળું જોયું. કશીય કલાત્મકતા ન મળે; પણ ખુલ્લામાં ઊભેલા એ પૂતળાને ભૂલી શકાતું નથી.

બસમાં જ અમે પાછા નગરમાં આવી ગયાં, અને પછી અમારા આ ચામુંડી વસ્તીગૃહમાં. સૂતાં પહેલાં થયું લાવ, થોડી લીટીઓ તને લખી દઉં.


પ્રિય,

કાવેરીની વાત લખતાં રોમાંચ જાગે છે. આખા દેશની મુખ્ય નદીઓને ગૂંથી લેતા ગંગા-યમુનાવાળા પેલા પ્રસિદ્ધ શ્લોકમાં ‘કાવેરી સરયૂ મહેન્દ્રતનયા’થી શરૂ થતું ચરણ તને યાદ હશે જ. આ નદીઓ માત્ર નવદમ્પતિનું જ નહિ, સમગ્ર દેશનું કલ્યાણ કરનારી લોકમાતાઓ છે. જે વિપ્રે આ શ્લોક રચ્યો છે, તેની નજરને હું પ્રણામ કરું છું. એ નજરમાં દેશ આખાની નદીઓ વહી રહી છે. આપણને પણ વહેતી દેખાય જો એ શ્લોકની સાથે સાથે એ બધી લોકમાતાઓ આપણી કલ્પનામાં ઊભરતી જાય.

ગંગાને તો આપણે અનેક રૂપમાં જોઈએ છીએ. ગોમુખ આગળ એના ઉગમસ્થાને, દેવપ્રયાગ આગળ, હૃષીકેશ અને હરિદ્વારમાં અને કાવેરીનું પણ તને સ્મરણ હોય તો ત્રિચિનોપલ્લીના શ્રીરંગમ્‌ના દર્શન વખતે. આપણે ત્યાં સ્નાન કર્યું હતું. એ જ કાવેરી, અહીં મૈસૂરની નજીક થઈને વહી જાય છે અને બંધાય છે. કાવેરી કર્ણાટકના સૌંદર્યધામ ગણાતા કુર્ગવિસ્તારના બ્રહ્મગિરિમાંથી નીકળે છે. અને પછી કર્ણાટક વીંધી તામિલનાડુમાં પ્રવેશ કરી ૭૦૦-૮૦૦ કિલોમીટરની ભૂમિયાત્રાને અંતે બંગાળના ઉપસાગરમાં ભળી જાય છે. આવું ભૌગોલિક વર્ણન તો શુષ્ક લાગવાનું. તું નકશો ખોલીને જો, કેવી રીતે આ નદીની ધારા દક્ષિણ ભારતમાં વહી રહી છે.

આ કાવેરીની એક વિશિષ્ટતા છે. એના આ સમગ્ર પ્રવાસ દરમિયાન ત્રણ સ્થળે ટાપુઓ રચાયા છે. એની જ ધારા વિભક્ત થાય અને ટાપુ રચાય. પછી એ ધારાઓ આગળ મળી જાય. આવા ત્રણ જે ટાપુઓ કાવેરીએ રચ્યા છે, ત્યાં ત્યાં નદીપૂજક આ દેશના ભાવિકોએ શ્રી રંગપ્રભુની – વિષ્ણુમંદિરોની સ્થાપના કરી છે. એ છે આદિ રંગમ્, મધ્યરંગમ્ અને અનંતરંગમ્. પ્રચલિત રીતે આદિ, મધ્ય અને અંત એમ નહિ, પણ આદિ, મધ્ય અને અનંત. ભર્તૃહરિએ જેમ એવી ઇચ્છા કરેલી કે ક્યારે હું ગંગાતટે શિવનું નામ લેતાં લેતાં વારાણસીમાં નિમેષની જેમ દિવસો પસાર કરીશ, એમ આચાર્ય રામાનુજે એવી ઇચ્છા કરેલી કે ક્યારે હું કાવેરીતટે રંગનગરમાં મધુસૂદન નારાયણ હરિની ઉપાસના કરતો કરતો દિવસો વ્યતીત કરીશ—

કદાહં કાવેરી તટ પરિસરે રંગનગરે…

પણ આજે અહીં મૈસૂરના પ્રાન્તિકે આદિરંગમ્ ટાપુ પર કાવેરીનાં જળને માથે ચઢાવી મન પ્રસન્ન છે. બૅંગ્લોરથી મૈસૂર બસમાં આવતાં એક વાર કાવેરી નામ વાંચ્યા પછી, વળી બીજી વાર કાવેરી નામ વાંચી આશ્ચર્ય થયેલું. બે વાર કાવેરી ક્રૉસ કરી? હા, એ કાવેરીની બે ધારાઓ. આ બે ધારાઓ વચ્ચેનો જે ટાપુ બન્યો છે, ત્યાં જે નગર વસેલું તે શ્રીરંગપટ્ટનમ્. તેનું નામ બદલાઈને બની ગયું છે સેરિંગપટમ્. પુરુષોત્તમનું પશલો બની જાય એ કેવું લાગે? પણ એવું થાય છે. અહીં શ્રીરંગજીનું મંદિર છે.

પણ શ્રીરંગપટ્ટનમ્ કહીએ એટલે રંગજીના સ્મરણ કરતાં આપણને ઇતિહાસનાં પૃષ્ઠોમાંથી ઊભી થતી ‘મૈસૂરનો વાઘ’ કહેવાતા સુલતાન ટીપુની પ્રભાવી મૂર્તિનું સ્મરણ થવાનો સંભવ છે. ટીપુના વખતે શ્રીરંગપટ્ટનમ્‌ની જાહોજલાલી હતી. હૈદરઅલી અને ટીપુનાં નામ કોણ જાણતું નથી? પણ આજે એની રાજધાનીના ભગ્નાવશો જોઈ નિસાસો નીકળી જાય છે. લડતાં લડતાં ટીપુ જ્યાં માર્યો ગયો હતો, તે સ્થળે તકતી મૂકવામાં આવી છે. કેવી ભેંકાર ઉજ્જડ જગ્યા લાગે છે! ‘ભૂત રૂવે ભેંકાર’વાળી મેઘાણીની કથાની ખબર છે?

અમે મૈસૂરથી બસમાં શ્રીરંગપટ્ટનમ્ પહોંચી ગયાં. પણ આ ટાપુ અથવા કહો કે જળદુર્ગ આજે તો રાજમાર્ગની બંને બાજુએ છે. એક છેડે શ્રીરંગપ્રભુ છે અને બીજે છેડે હૈદરઅલી અને ટીપુનાં સમાધિસ્થળ – અર્થાત્ ગુંબજ છે. અમે બસમાંથી ઊતર્યાં એટલે એક્કાવાળા, પગરિક્ષાવાળા, ઑટોરિક્ષાવાળા ઘેરી વળ્યા. કોઈ એક વાહનનો આધાર તો લેવો જ પડે. બસમાં અમારી સાથે બે બહેનો આગળની સીટ પર બેઠી હતી. આ સ્થળની માહિતી મેળવવા તેમની સાથે વાર્તાલાપ થયેલો. તેઓની મદદથી અમે એક ઑટોરિક્ષા કરી. તેમને પણ ગુંબજની દિશામાં જવું હતું. ત્યાં તેમની હાથકારીગરીની ચીજોની દુકાન હતી અને ઘર પણ હતું. રિક્ષામાં અમારી સાથે બે બહેનો પણ બેસી ગઈ. બંનેનાં નામ પૂછયાં. નામ ભૂલી ગયો છું. મુસલમાન બહેનો હતી. ‘અંકલ, અંકલ’ કહી વાત કરે. ‘અમારે ઘેર ચાલો’ એવો આગ્રહ પણ કર્યો. દુકાને આવવાનો ખાસ આગ્રહ પણ કર્યો. એક બહેન એમનું ઘર આવતાં ઊતરી ગઈ, બીજી બહેન એમની દુકાન આવતાં ઊતરી ગઈ અને અમારી રિક્ષા આગળ ચાલી. થોડી વાર પછી ગીચ વૃક્ષઘટા આવી. અમે ઊતરી ગયાં.

થોડુંક ચાલ્યાં ત્યાં તો કાવેરીનો પ્રવાહ દેખાયો. થોડુંક વધારે ચાલ્યાં તો કાવેરીનો બીજો પ્રવાહ દેખાયો. પછી અમે જઈને જ્યાં ઊભાં ત્યાં બન્ને પ્રવાહનું સંગમસ્થળ. આખો પરિવેશ એકદમ મનોહર. સવારની વેળા હતી અને તડકો હજી કોમળ હતો. નદીના પ્રવાહમાંથી આછું ધુમ્મસ પ્રસરતું હતું. એકદમ એકાંત સ્થળ. જાણે કંઈ પ્રાચીન સમયમાં પહોંચી ગયાનો બોધ થાય. ખડકાળ માર્ગમાં વહેતી એક બાજુની ધારા અને ઝાડી વચ્ચેથી વહી આવતી બીજી ધારાનો સંગમ કવિતા બની જતો હતો. સંગમસ્થળ સુધી પહોંચવાનાં પગથિયાં હતાં. પગથિયાં ઊતરી જળ સુધી પહોંચ્યાં. નીચા વળી કાવેરીનાં જળ માથે ચઢાવ્યાં અને પછી જળમાં ચરણ મૂક્યાં. શો શીતલ સ્પર્શ! આ માત્ર કોઈ જળનો પ્રવાહ નહોતો – કાવેરીનો પ્રવાહ હતો – કાવેરી! રામાનુજે વિમલસલિલ કાવેરીને કાંઠે ઊભા રહેવાની આકાંક્ષા એ જ ‘રંગનાથસ્તોત્ર’માં કરી છે. જે કાવેરીને કાંઠે અત્યારે અમે ઊભાં, તે વિમલસલિલ હતી.

ઘાટ ઉપર નાની નાની ગોળ હોડીઓ હતી. સહેલાણીઓ માટે જ હોવી જોઈએ; પણ હોડીના ખેવૈયા હોય તો થોડા પ્રવાહમાં આગળ જવાય ને? આ સંગમસ્થળે ઊભવાનું બહુ ગમ્યું. એ સાથે પિકનિક કરનારાઓએ ઘાટને મલિન બનાવી દીધો છે. એનો રંજ થયા વિના ના રહ્યો.

ફરી પગથિયાં ચઢી પાછા આવી રિક્ષામાં બેસી ગયાં. ગુંબજ વિષે વિગતે લખું તો આખો બીજો પત્ર ભરાય. આખો વિસ્તાર ઉદ્યાનથી રમ્ય છે. અહીં હૈદરઅલી અને ટીપુની કબરો છે, પણ આ મકબરાનું સ્થાપત્ય મૃત્યુનું મહાત્મ્ય વધારે છે. કાળા આરસના સ્તંભો પર ક્રીમ રંગનો ગુમ્બજ છે. મકબરાનાં બારણાં હાથીદાંતના સૂક્ષ્મ જડતરવાળાં છે. બાજુમાં જ મસ્જિદ છે. આ સ્થળ વિષે મસ્જિદના મુલ્લાજી જોડે અમે વાત કરી. જેવા અમે રિક્ષામાં બેસવા આવ્યો કે પેલી મુસ્લિમ બહેન દુકાનની બહાર આવી અને કહે ‘અંકલ, થોડી દેર કે લિયે આઈયે?’ એણે પોતાની દુકાનની વસ્તુઓ બતાવી. ચા પીવાનો આગ્રહ પણ કર્યો. યાદગીરી માટે બે કંઠીઓ અને થોડી કી-ચેઈનો લીધી. અમારે હવે સમય સાથે હોડ હતી. રિક્ષા આગળ ચાલી અને અમે પહોંચ્યાં વિશાળ દરિયાદોલત બાગ. તને કહું? સમય હોત તો રિક્ષાવાળાને વિદાય કરી આખો દિવસ આ કાવેરી સંગમ, આ ગુંબજ અને આ દરિયાદોલત બાગના વિસ્તારમાં આથડ્યા કર્યું હોત.

આ દરિયાદોલત એટલે ટીપુનો ગ્રીષ્મમહલ. વિશાળ ઉદ્યાનો વચ્ચે લીલા રંગની ઇમારતમાં પ્રવેશ કરો એટલે એનાં ચિત્રો, શિલ્પ આદિથી જિતાઈ જવાય. અંગ્રેજોને પણ ધન્ય છે કે તેમણે પોતાના શત્રુની આ ઇમારતનો નાશ ન કર્યો, તેમાં પોતાનું નિવાસસ્થાન બનાવેલું અને પછી બધું ટીપુના વખતનું જાળવ્યું પણ ખરું. કદાચ અંગ્રેજોની આ વિશેષતા છે.

અહીં હૈદર અને ટીપુનાં જીવન અને સંગ્રામનાં ચિત્રો છે. ટીપુના પુત્રોનો પેલો પ્રસિદ્ધ સ્કેચ પણ અહીં છે. દીવાલો પર વૈભવી દરબારનાં અનેક દૃશ્યો ચિત્રકારો પાસે અંકિત કરાવવામાં આવ્યાં છે. ચિત્રિત દરિયાદોલત જોવાનો સમય ઓછો પડ્યો.

રિક્ષા પછી રાજમાર્ગ ઓળંગી શ્રીરંગપટ્ટનમ્‌ના બીજે છેડે દોડવા લાગી. આ ટીપુનું અસલી કિલ્લેબંધી નગર. એક બાજુ કાવેરીને કાંઠે કાંઠે દુર્ગની જીર્ણ દીવાલો તડકામાં અળખામણી લાગતી હતી. રિક્ષાચાલક થોડું ગાઇડનું પણ કામ કરતો. ટીપુ લડતાં લડતાં માર્યો ગયેલો એ સ્થળે એણે ચાલુ રિક્ષા ઊભી રાખેલી, પછી એ લઈ ગયો ‘ડંજિયૉન’ પાસે. ‘ડંજિયૉન’ અંગ્રેજી શબ્દ છે. આ એક જાતનું ભયંકર જેલખાનું છે. ત્યાં ટીપુએ ભોંયરામાં અંગ્રેજી અફસરોને પૂરી રાખ્યા હોવાનું કહેવાય છે. અહીં કિલ્લાની જૂની રાંગ પર ચઢીને જોયું તો બાજુમાં અલ્પતોયા કાવેરી વહી જતી હતી.

અમે પ્રભુ શ્રીરંગનાથનાં દર્શન માટે અધીર બન્યાં હતાં. રિક્ષા વિશાળ ગોપુરવાળા મંદિરને દરવાજે આવીને ઊભી, તો દ્વાર બંધ. બાર વાગી ગયા હતા. બાર વાગ્યે મંદિર બંધ થઈ જાય છે. અમને ખબર જ નહિ. મારા સાથીએ રિક્ષાવાળાને લઈ નાખ્યો, ‘તને ખબર હતી કે બાર વાગ્યે મંદિર બંધ થાય છે તો તારે પહેલાં અમને અહીં લાવવાં જોઈએ.’ કદાચ રિક્ષાવાળાને મોટું મંદિર બતાવવાનો સમય ન બગાડવો પડે એવી ચાલ પણ હોય. પેલી મુસલમાન બહેનોએ પહેલાં રિક્ષાને ગુંબજની દિશામાં લેવાનું કહ્યું એનો પણ અમે અફસોસ કરી લીધો. ગમે તેમ આદિરંગમાં પણ રંગનાથ પ્રભુનાં દર્શન ન થયાં. દરવાજે પ્રણામ કરી પાછા બસ-સ્ટેશન ભણી. રસ્તે ટીપુએ બાંધેલી પ્રસિદ્ધ મસ્જિદ હતી, પણ ત્યાં ઊતર્યા વિના સ્ટેશને પહોંચી ગયાં.

પત્ર તો ઘણો લાંબો થઈ ગયો. મારે તને મૈસૂર યુનિવર્સિટી વિસ્તારની એટલે કે માનસ-ગંગોત્રીની અને તેમાંય ‘ધ્વન્યાલોક’ સંસ્થાની વાત લખવી હતી. આવાં સ્થળોએ સામાન્ય પ્રવાસીઓ શાના જાય? આપણને તો વધારે રસ તેમાં પડે. તું પૂછીશ – અને વૃન્દાવન ગાર્ડન્સ વિશે? પણ એ વિશે પૂછીશ મા. છેક આટલે આવ્યાં અને વૃંદાવન ગાર્ડન્સ જઈ શકાયું નહિ. ‘કેવા અરસિક!’ અમને કહી શકે છે, પણ આવું ઘણી વાર બની જાય છે. કદાચ વૃંદાવન ગાર્ડન્સ ફરી મૈસૂર ખેંચી લાવશે અને ત્યાં તું સાથે હોય એવું કેમ ન બને?


પ્રિય,

ઉળ્‌ળવરુ શિવાલયવ માડુવરુ
નાનેનુ માડુવે? બનવનય્યા.
ઐન્નકાલેકમ્ભ, દેહવે દેગુલ
સિર હોન્ન કળસવય્યા
કુડલ સંગમદેવ, કેળય્યા :
સ્થાવર ક્કળિવુંડુ
જંગમ ક્કળિવિલ્લા!

આ લીટીઓ વાંચતાં તને મુશ્કેલી પડી હશે. હું પણ એ બરાબર ઉચ્ચારી શકું છું એવું નથી, પરંતુ કર્ણાટકની ભૂમિ પર, એનાં ભૂતકાળનાં ભવ્ય ખંડેરોમાં, એનાં કલાત્મક મંદિરોમાં, એના વૈભવી મહેલોમાં ફરતાં ફરતાં આ લીટીઓ હું ગણગણ્યા કરું છું.

ત્રિવેન્દ્રમ્‌ની અનુવાદ-કાર્યશાલામાં અનુવાદકળાની ચર્ચા કરતાં કરતાં કન્નડા કથાલેખક શાંતિનાથ દેસાઈએ આ કન્નડકવિતા અને એના અંગ્રેજી અનુવાદનો દાખલો આપેલો. અંગ્રેજી અનુવાદ એ. કે. રામાનુજમે કરેલો છે અને પેન્ગ્વિને બહાર પાડેલો છે. અંગ્રેજી અનુવાદની ચોપડીનું નામ છે – ‘સ્પિકિંગ ઑફ શિવ.’

અંગ્રેજીમાં આ ચોપડી તો મેં ક્યારનીય વસાવેલી, એમાંથી થોડા અનુવાદ વાંચેલા, પણ બહુ ધ્યાનમાં નહિ રહેલા. પણ આ વખતે જ્યારથી આ પંક્તિઓ અને એના અંગ્રેજી અનુવાદ સાંભળ્યા છે, ત્યારથી મારી ડાયરીમાં ઉતારી વારંવાર બોલું છું – ‘કેળય્યા કુડલ સંગમદેવ’ – કહે કહે કુડલ સંગમદેવ!

કદાચ અંગ્રેજી અને મૂળ કન્નડાને લક્ષ્યમાં રાખીને કરેલો આ ગુજરાતી અનુવાદ તને ગમે. અનુવાદ બરાબર થયો છે કે નહિ, તેની પરીક્ષા અટાણે કરવા પાછી ન બેસતી :

ધનિકો બાંધશે શિવાલયો,
હું શું બંધાવું? ગરીબ માણસ,
પગ મારા સ્તંભો છે,
દેહ મારા દેવળ છે.
માથું મંદિરનો કળશ છે.
કુડલ સંગમદેવ, સાંભળો :
સ્થાવરનો નાશ થશે,
જંગમ તો અક્ષય રહેશે.

આ ગુજરાતી અનુવાદ બરાબર તો થયો નથી, પણ એ તો પછી હું ફરી રંધો ફેરવીશ. અત્યારે એને કામચલાઉ ગણજે. હાં, તો આ લીટીઓ કર્ણાટકના પ્રસિદ્ધ સંતકવિ બસવેશ્વરની છે. બસવેશ્વર છેક ૧૨મી સદીમાં થઈ ગયા. કર્ણાટકમાં સૌ આદરથી કહે છે બસવણ્ણા. અણ્ણા એટલે મોટાભાઈ. બસવેશ્વર શૈવકવિ છે. નહિ, વીર શૈવકવિ છે. મધ્યકાળમાં કર્ણાટકમાં શૈવ, વૈષ્ણવો અને જૈનો વચ્ચે પ્રચંડ સંઘર્ષ ચાલતો હતો. એની વાત ક્યારેક કરીશ; પણ આ શૈવોનો એક સંપ્રદાય તે વીરશૈવ. એમાં જે સંતો થયા તે બધા એક પ્રકારે વિદ્રોહી હતા. પૂજા-અર્ચના બાહ્યાડંબરના કબીરની જેમ વિરોધી. એમાં જે મોટા મોટા સંતકવિઓ થયા તેમાં બસવણ્ણા ઉપરાંત દેવર દાસીમય્યા, મહાદેવી અક્કા, અલ્લમ્ પ્રભુ આદિ છે. બસવેશ્વરે સોળ વર્ષની વયે જ નક્કી કરી લીધેલું કે પોતાનું જીવન શિવની ઉપાસનામાં વ્યતીત કરીશ. એ જાતિજ્ઞાતિના પ્રચંડ વિરોધી. કર્મકાંડના વિરોધી. શિવ માટેની ભક્તિને કર્મકાંડ સાથે શી લેવાદેવા? એમ કહી એમણે જનોઈના ત્રાગડાને તોડી નાખ્યો, ઘરની છાયા ત્યજી દીધી, સગાંવહાલાં પણ. કોઈને પણ કહ્યા વિના પૂર્વભણી પ્રભુપ્રેમમાં મત્ત બની ચાલી નીકળ્યા, અને જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે તે કપ્પડીસંગમ પહોંચ્યા. ત્યાં જે દેવતા હતા, તે તેમના ઇષ્ટ દેવતા બન્યા – કુડલ સંગમદેવ – ‘લૉર્ડ ઑફ ધ મિટિંગ રિવર્સ.’

અરે, અંગ્રેજી અનુવાદની લીટી આવી. ગઈ. આખો અનુવાદ આપી દઉં એ. કે. રામાનુજમ્‌નો? તને સરખાવવાનું ઠીક પડશે. બને તો તું પણ એક સ્વતંત્ર અનુવાદ કરજે. અંગ્રેજી અનુવાદમાં કેવી મુશ્કેલી પડે છે તે પણ તને સમજાશે. એમાં તું ‘સ્થાવર’, ‘જંગમ’ અને ‘કુડલ સંગમદેવ’નો અનુવાદ જરા વિચારી જજે. અંગ્રેજી અનુવાદનું શીર્ષક છે – ‘ધ ટેમ્પલ ઍન્ડ ધ બૉડી.’

The rich
will
make temples for Shiva.
What shall I
a poor man,
do?
My legs are pillers,
the body the shrine,
the head a cupola
of Gold.
Listen,
O Lord of the meeting rivers,
things standing shall fall,
but the moving
ever shall stay.

કેવી અદ્ભુત લીટીઓ છે આ! ઈંટ-ચૂનાની દીવાલો કે સુવર્ણકલશના મંદિરની જરૂર શી? દેહ એ જ દેવળ. અદ્ભુત! તું જાણે છે ખરી કે આ દેવળની કલ્પના પણ આપણા દેહ પરથી ઉદ્ભવી છે? જાણકારો તો કહે છે, દેવળમંદિરની પરિભાષાના શબ્દો અને દેહના અવયવોના શબ્દો એક જ છે. કેટલા ગર્વથી કહે છે બસવણ્ણા કે મારે તો દેહ એ જ દેવળ, અને એ દેવળ તો જંગમ છે. હાલતુંચાલતું છે. પણ તને અહીં ટૂંકમાં કહું કે ‘જંગમ’ અને ‘સ્થાવર’ શબ્દોની પાછળ તો વીરશૈવોનું આખું દર્શન પડેલું છે. બસવણ્ણાના શિવ કુડલ સંગમદેવ ત્રણ નદીઓના સંગમસ્થળે આવેલા દેવતા છે – ‘લૉર્ડ ઑફ ધ મિટિંગ રિવર્સ’ — અંગ્રેજી બરાબર કહેવાય?

અને આ વીરશૈવ સંપ્રદાયની કવયિત્રી છે મહાદેવી અક્કા – અથવા અક્કા મહાદેવી. અક્કા એટલે મોટીબહેન. અદ્દલ કન્નડાની મીરાંબાઈ. એનાં પણ લગ્ન એની ઇચ્છા વિરુદ્ધ એક રાજવી સાથે થયેલાં. પણ એ તો મનથી વરેલી હતી મલ્લિકાર્જુન – શિવને. એના વચનની (આ બધા સંતોની વાણીને ‘વચન’ કહેવામાં આવે છે) પ્રત્યેક કડીમાં મલ્લિકાર્જુનનું નામ આવે, જેમ બસવણ્ણામાં ‘કુડલ સંગમદેવ’ આવે. અલ્લમ પ્રભુમાં ‘ગુહેશ્વર’ – ‘લૉર્ડ ઑફ કેવ્ઝ’ આવે, પણ અક્કા મહાદેવી ‘મલ્લિકાર્જુન’ના નામ આગળ ‘ચેન્ન’ વિશેષણ જોડે છે. ‘ચેન્ન મલ્લિકાર્જુન’. ચેન્ન એટલે સુંદર, મીરાંબાઈના ‘સુંદરવર શામળિયા’ જેમ. અંગ્રેજી જાણવું છે? ‘લૉર્ડ, વ્હાઇટ ઍઝ જસ્મિન’. અક્કા મહાદેવી પણ મીરાંની જેમ ઘર, પતિ બધું છોડી ચાલી નીકળેલાં. મીરાંએ સાડીને બદલે કાળો કામળો ઓઢેલો કે ભગવો વેષ પહેરેલો એવી વાત આવે છે. અક્કાએ તો કપડાંનો જ ત્યાગ કરેલો. અક્કાના વાળ એટલા લાંબા અને એટલા ઘટ્ટ હતા કે એ કેશ એ જ એનાં વસ્ત્ર બની રહેતાં!

પણ આ બધા શૈવોની વાતે હું કેમ ચઢી ગયો આ પત્રમાં? મારે વાત તો કરવાની હતી પહેલાં ગોમ્મટેશ્વરની. પેલી વિરાટ મૂર્તિની. જૈન શાસનની. પણ હવે પછીના પત્રમાં એ વિષે લખીશ. કર્ણાટકને જાણવા આ શૈવ-જૈન-વૈષ્ણવ ધરીને જાણવી પડે. વૈષ્ણવ કવિ પુરંદરદાસની વાત પણ કરવાની છે, પણ આ એ. કે. રામાનુજમ્‌વાળી અંગ્રેજી ચોપડી ઘરે છે, તે અવશ્ય જોજે. મેં તો આ સંત-કવિઓને એમની મૂળ વાણીમાં પામવાનો નિર્ણય કર્યો છે! આટલા મોટા આપણા જ દેશના સંત-કવિઓને આપણે જાણતા જ ન હોઈએ, તે કેવું! હું એમને પણ ગુજરાતીમાં ઉતારીશ. ઓહ! લાઇફ ઇઝ શોર્ટ. આપણી જિન્દગાની કેટલી ટૂંકી છે – આ કલાઓના સંદર્ભે?

કર્ણાટકમાં પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે પ્રજા અને સરકાર સભાન છે. એની સરખામણીમાં આપણી ગુજરાતી પ્રજા અને સરકાર તો આ બાબતે નઘરોળ કહેવાય. અહીં એક યુનિવર્સિટીનું નામ એમના એક પ્રિય કવિ, જે હજી જીવતાજાગતા છે – કે. વી. પુટપ્પા (આપણા કવિ ઉમાશંકર જોશીની સાથે જેમને જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળેલો)ના નામ પરથી કે. વી. પુટપ્પા યુનિવર્સિટી છે.

મૈસૂરમાં યુનિવર્સિટી કૅમ્પસને ‘માનસ ગંગોત્રી’ જેવું સુંદર સાર્થક નામ આપવામાં આવ્યું છે. અમારે એ વિસ્તારમાં જવું હતું તે રિક્ષા કરીને પહોંચી ગયાં. યુનિવર્સિટીની અંદરની રાજનીતિની તો અમને ખબર નથી, પણ આખો વિસ્તાર આપણને ગમે. આ જ વિસ્તારમાં ભારતીય ભાષાસંસ્થાન છે. પહેલાં અમે ત્યાં ગયાં. એના નિર્દેશક ડી. પી. પટ્ટનાયક હાજર નહિ. અમે ઘેર ફોન કર્યો. એમણે તરત જ સંસ્થાની ગાડીમાં અમને ઘેર બોલાવ્યા, એટલું જ નહિ, પછી નિરાંતે આખી સંસ્થા બતાવવાની વ્યવસ્થા કરી.

પરંતુ જે સ્થળ અમને તીર્થરૂપ લાગ્યું તે તો ‘ધ્વન્યાલોક’. ધ્વન્યાલોક એટલે આચાર્ય આનંદવર્ધનના ગ્રંથનું નામ, પણ અહીં ડૉ. નરસિંહવૈય્યાએ એ નામની સંસ્થા શરૂ કરી છે. એમનું ઘર અને સંસ્થા, જે ગણો તે આ ધ્વન્યાલોક. અહીં સુંદર ગ્રંથાલય છે, અભ્યાસીઓને રહેવાના ઓરડા છે, અભ્યાસીઓને ભોજનની વ્યવસ્થા પણ થાય અને તે સ્વયં નરસિંહવૈય્યાના ઘરે. આ અંગ્રેજીના અધ્યાપકે અંગ્રેજી અને ભારતીય સાહિત્ય માટે ઘણું કામ કરેલું છે. એમનો દીકરો સંજય પણ એમાં જોડાયેલો; પણ આ સંસ્થા હજી પૂરી થવામાં હતી કે પ્રોફેસર સંજયનું અવસાન થયું. આ વાત તો ત્યાં ગયા પછી જાણી. બન્યું એવું કે ‘ધ્વન્યાલોક’ અમે પહોંચ્યાં ત્યારે નરસિંહવૈય્યાને ઠીક નહિ હોવાથી આરામમાં હતા. એક યુવતીએ આવી ક્ષમાયાચનાપૂર્વક વાત કરી. એ એમનાં પુત્રવધૂ હતાં. વાતવાતમાં એમણે પોતાના દિવંગત પતિનો નિર્દેશ કર્યો અને આખી કરુણ વાત અમને સમજાઈ ગઈ. નરસિંહવૈય્યાનાં પુત્રવધૂએ હવે ‘ધ્વન્યાલોક’ સંસ્થાની પ્રવૃત્તિઓમાં પોતાને જોડી દીધી છે!

પણ નરસિંહવૈય્યા અમને મળ્યા. ગ્રંથાલયમાં બેસી ખૂબ પ્રેમપૂર્વક વાતો કરી. અમારી સાથે ફોટા પડાવ્યા. અનિલાબહેને ફોટા લીધા. મને થયું કે એક અધ્યાપક પોતાના જીવનકાર્ય સાથે પોતાને કેવી રીતે એકરૂપ કરી દે છે! કેટલાં નવાં નવાં પુસ્તકો બતાવ્યાં! સૌથી મોટી વાત તો એમણે ભારતીય સાહિત્યના આદાનપ્રદાન અને મૂલ્યાંકનની કરી. સંજયની વાત આવતાં ગળગળા બની ગયા! થોડી વાર કોઈ કશું બોલ્યું નહિ, પણ પછી પોતાની વાતને એમણે વાળી લીધી.

એ વખતે બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ‘થોડી વાર બેસો’ – એમણે કહ્યું. વરસાદ હળવો થતાં અમે નીકળ્યાં. અંતરથી પણ ભીંજાઈ તો ગયાં હતાં – છેક ઝાંપે સુધી આવ્યાં. ત્યાં ઊભાં ઊભાં વળી પાછી વાતો કરતા રહ્યા!

તું ગોમ્મટેશ્વરની વાત સાંભળવા ઉત્સુક હોઈશ. હવે પછીના પત્રમાં એ વિષે લખવા ધારું છું; પણ એ પહેલાં કર્ણાટકની સાહિત્યિક, સાંસ્કૃતિક અને વિદ્યાકીય ઝાંખી કરાવવાનું મન થઈ ગયેલું તે જતાં જતાં લાંબો થઈ ગયેલો આ પત્ર.


પ્રિય,

ક્યાંથી શરૂ કરું? ગોમ્મટેશ્વરની અદ્ભુત પાવનકારી કથા પહેલાં કહું કે પછી એમની વિરાટ મૂર્તિનાં દર્શનથી હજુ ન શમેલા પાવનકારી રોમાંચ વિષે કહું? આમ તો તેં એમની કથા પણ સાંભળી હશે અને એમની વિરાટ મૂર્તિની તસવીર તો ક્યાંક ને ક્યાંક જોઈ હશે. કાકાસાહેબે એ વિષે લખ્યું છે અને કવિ સુન્દરમે પણ લખ્યું છે. જૈન ધર્મની આખ્યાયિકાઓમાં પણ એ વિષે વાંચ્યું હોય. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ જેવી રચનાઓ પણ ગુજરાતી ભાષામાં છે.

એક સાંજે અમે ત્રિવેન્દ્રમ્ એટલે કે તિરુવનન્તપુરમ્‌ની બાર્ટન હિલના અમારા નિવાસના ગલિયારામાં વાતો કરતાં ઊભાં હતાં. કર્ણાટકનાં દર્શનીય સ્થળોની વાત નીકળતાં ગોમ્મટેશ્વરનો નિર્દેશ થયો કે તાંબુલથી જેમના ઓષ્ઠ લાલ થયેલા એવા શેષશાસ્ત્રી એકદમ મંત્રોચ્ચાર કરતા હોય એમ બોલી ઊઠ્યા ‘શ્રી ગોમ્મટજિનનં નરનાગામરદિતિજ ખચરપતિ પૂજિતનમ્ યોગાગ્નિહત સ્મરનં.’ અને એ બોલતા ગયા. પછી કહે – તમે ગોમ્મટેશ્વર જાઓ તો પ્રવેશદ્વારે જ કવિ બોપાણ્ણાએ રચેલો અભિલેખ છે તેમાં આખી કથા છે, ગોમ્મટેશ્વરની. પછી તો ઘણી વાત નીકળી કર્ણાટકના જૈન રાજાઓની અને જૈન ધર્મની.

એટલે તો મૈસૂર આવી એક સવારે જ અમે એક મેટાડોરમાં નીકળી પડ્યાં. અદ્રષ્ટપૂર્વ ભૂમિને જોવાનો કેટલો તો આનંદ હોય છે! નયનોત્સવ. ચેતનામાં કશુંક અજ્ઞાતપૂર્વ ફુરણ થયા કરે. આ ‘અદ્રષ્ટપૂર્વ’ કે ‘અજ્ઞાતપૂર્વ’ શબ્દો કેવા આવી ગયા! પણ રઝળપાટની આ જ તો પ્રાપ્તિ છે. એમાં ભળેલો હોય થોડો ઇતિહાસબોધ. સૌંદર્યબોધ અને ઇતિહાસબોધ ભેગા થતાં જે થાય તે થાય – એની કેવી રીતે વાત કરું? ઉત્સાહથી કે ક્વચિત્ ઉન્માદથી કોઈના ઉપર વહાલ વરસાવી દેવાનું મન થાય.

એમ તો તું કહીશ કે આપણા દેશનો એવો કયો ભૂભાગ છે, જેની સાથે અતીતનો ભવ્ય ઇતિહાસ ન જોડાયો હોય? અને સૌંદર્યબોધ એ તો જેટલી બહારની વાત છે, એટલી અંદરની પણ છે. વેરાનમાં પણ સુંદર એટલે તો દેખાય છે. પણ કર્ણાટકની આ વેરાનભૂમિના કણકણમાં ઇતિહાસ હશે એવું લાગ્યા કરે.

મૈસૂરથી ખાસ્સું અંતર છે શ્રવણ બેળગોળ સુધીનું. વચ્ચે વચ્ચે ગોમ્મટેશ્વરની કથાનું સ્મરણ થાય. નાનપણમાં કાશીફોઈ પાસેથી જૈન ધર્મની અનેક કથાઓ સાંભળેલી. એમાં ભરત અને બાહુબલિ – એ બે ભાઈઓના યુદ્ધની અને બાહુબલિના વૈરાગ્યની આછી રેખાઓ સ્મરણમાં. કાકાસાહેબે લખેલી વાત પણ આછી આછી યાદ હતી. પણ યાત્રામાં અનિલાબહેને વિગતે વાત કરી, ‘વીરા મારા ગજ થકી ઊતરો’ એ લીટી ભારપૂર્વક એમણે કહી. ભયંકર તપ કરતા બાહુબલિને એમની બહેનોએ આવું કહેલું. પહેલાં તો બાહુબલિ સમજ્યા નહિ, પછી સમજી ગયા – અભિમાનના ગજ થકી ઊતરો – તપનું પણ અભિમાન હોય? તપસ્વી ભાઈને બહેનોએ કેવો પ્રબોધ આપી દીધેલો! જૈન ધર્મના આદિ તીર્થંકર ઋષભદેવ. એમના જ પુત્રો ભરત અને બાહુબલિ. ઋષભદેવ વિરાગી બની ગયા પછી ભરત રાજા થયો અને બાહુબલિ યુવરાજ. ભરતને પોતાના શસ્ત્રાગારમાં ચક્રરત્ન દેખાયું. આવું ચક્રરત્ન દેખાય એટલે એ રાજા ચક્રવર્તી બને એવો સંકેત. ભરત પછી તો સેના લઈને નીકળી પડ્યો અને દશે દિશાઓ જીતી રાજધાનીમાં પાછો આવ્યો. પણ ચક્રરત્ન નગરને દરવાજે જ અટકી ગયું. પૂજારીઓએ કહ્યું કે, હજી તમારો કોઈ પ્રતિદ્વન્દ્વી શરણે થવાનો બાકી છે. ખબર પડી કે એ તો એના ભાઈઓ જ છે. ભરતે ભાઈઓ સામે લડવાનું નક્કી કર્યું. બીજા ભાઈઓ તો મોટાભાઈના વર્તનથી વૈરાગી બની ગયા, પણ બાહુબલિએ આહ્વાન આપ્યું. બંનેનાં લશ્કરો લડે એના કરતાં નક્કી કર્યું કે બંને ભાઈઓ જ દ્વન્દ્વયુદ્ધ કરે અને એમાં જે જીતે તે જીત્યો ગણાશે. દૃષ્ટિયુદ્ધ, જલયુદ્ધ અને મલ્લયુદ્ધ ત્રણેમાં બાહુબલિ જીત્યા. ગુસ્સે થયેલા ભરતે ચક્રરત્નનો બાહુબલિ પર પ્રયોગ કર્યો. પણ એ તો બાહુબલિની ત્રણ વાર પ્રદક્ષિણા કરી બાજુમાં ઊભું રહી ગયું. બાહુબલિ જીતી ગયા; પણ ભરતને માથું નમાવી ઊભેલો જોઈ બાહુબલિને એકદમ વૈરાગ્ય આવી ગયો અને બધું છોડી તપ કરવા ચાલ્યા ગયા.

તપ તો શરૂ કર્યું, પણ જ્ઞાનપ્રાપ્તિ ન થઈ. એમને થયું, હું ભરતની ભૂમિ પર ઊભો છું. પછી ભરતે આવી, બધું એમને ચરણે ધરી કહ્યું કે, આ રાજ્ય તમારું જ છે. ભરતના એ વર્તનથી બાહુબલિમાં જ્ઞાનોદય થયો, કેમ કે વિશાળ ક્ષમાભાવ પેદા થયો હતો.

આ વાત સાથે બાહુબલિની બહેનોની વાત પણ આવી જાય. પછી તો બાહુબલિનું એક જ રૂપ આપણી સામે રહ્યું અને તે તપસ્યાનિરત બાહુબલિનું. એવું ઘોર તપ કે ચારે બાજુ સાપના રાફડા હોય કે વેલીઓ શરીર પર ચઢી જાય.

સપાટ ભૂમિ પર દૂર એક ઊંચી ટેકરી દેખાવા લાગી હતી. એ જ શ્રવણ બેળગોળ. આંખો ઉત્સુક બની ગઈ. દૂરથી ગોમ્મટેશ્વરની મૂર્તિ દેખાય છે એવું સાંભળ્યું હતું. વિરાટ મૂર્તિ છે ગોમ્મટેશ્વરની. તને કહું? ઇલોરાના કૈલાસ મંદિરની કલ્પના કરનાર સ્થપતિ શિલ્પીનું અને આ ઇન્દ્રગિરિ પહાડી પર ગોમ્મટેશ્વરની પ્રતિમાની કલ્પના કરનાર સ્થપતિ શિલ્પીનું નામ આપણે જાણતા નથી; પણ દુનિયાના મહાન કલ્પનાશીલ કલાકારોમાં એ આગળની પંક્તિમાં હોઈ શકે. કૈલાસમંદિરના સ્થપતિએ પહાડીમાં મંદિર જોઈ લીધું અને પછી ઉપરથી કોરતાં કોરતાં વધારાનો ભાગ હટાવી દીધો. ગોમ્મટેશ્વરના સ્થપતિએ પણ. પણ ગોમ્મટેશ્વરમાં મંદિરની દીવાલો નથી – અહીં દિશાઓ એ જ દીવાલો અને આકાશ એ જ છત. છે ને અદ્ભુત કલ્પના!

તડકામાં ઇન્દ્રગિરિનો આકાર સ્પષ્ટ થતો ગયો, ગોમ્પટેશ્વરની પ્રતિમાનો આકાર ઊપસતો ગયો, ત્યાં મેટાડોર વળાંક લઈ એક ગામની વસ્તીમાં જઈ ઊભું. અમને એટલી બધી ઉત્સુકતા હતી કે ચા પીધી ન પીધી ત્યાં ટેકરીની તળેટીએ જઈ ઊભાં. આ ટેકરી એ જ ઇન્દ્રગિરિ. જોતાં જ મનમાં વસી ગઈ. એક પણ વૃક્ષ નહિ, અધિષ્ઠાતા ગોમ્મટેશ્વર જેવી જ અનાવૃત્ત. લાગ્યું કે કોઈ અતિ પ્રાચીનકાળની ભૂમિ પર આવીને ઊભાં છીએ. જૈન પુરાણોએ એને અતિ પ્રાચીન બનાવી દીધી છે. એટલી પ્રાચીન કે કાલગણનાના સંવતો કામ ન લાગે. પહાડી પર નજર કરી તો પગથિયાંની હાર. ગિરનાર શેત્રુંજયની જેમ બાંધેલાં પગથિયાં નહિ, કોરેલાં પગથિયાં. ઇન્દ્રગિરિ આખી અખંડ એક પહાડી છે. પગથિયાં ચઢવાનું શરૂ કર્યું, ત્યાં તો સામે કેટલાય યાત્રિકો ઊતરી રહ્યા હતા. ત્યાં અમારી નજર નીચેના એક ગોપુર પર પડી. એક સુંદર તળાવ. ચંદ્ર પુષ્કરિણી – એનું એ પ્રવેશદ્વાર. અહીંથી એ દર્પણ જેવું લાગતું હતું.

કોઈ પણ તીર્થનાં પગથિયાં ચઢવાં એટલે ઊર્ધ્વ પ્રતિ આરોહણ. એક ભગવત્ ભાવ મનમાં ઉદિત થતો જાય. એમાં આ સ્થળનો ઇતિહાસ, એની કથા ઉમેરો કરે. ચંદ્રગુપ્ત મૌર્ય અહીં આવેલો. એણે દીક્ષા લીધેલી. ચંદ્રગુપ્ત તો પ્રભુ મહાવીરનાં બહુ થોડાં વર્ષો પછી થયેલા. ચંદ્રગિરિ નામ એ પરથી કદાચ હશે.

માર્ગમાં થોડાં મંદિરો આવતાં હતાં, પણ અમારી ગતિ તો ગોમ્મટેશ્વર ભણી હતી. ગોમ્મટેશ્વર? એવું કેમ નામ હશે? ઇતિહાસ કહે છે કે ગંગરાજ રાજમલ સત્યવાક્‌ના મંત્રી ચામુંડરાયે ઈસુની અગિયારમી સદીમાં આ વિરાટ મૂર્તિની રચના કરાવી હતી. ચામુંડરાયનું બીજું નામ ગોમ્મટ; એટલે એમણે સ્થાપિત કરેલા દેવ કહેવાયા ગોમ્મટેશ્વર. થોડીક દીવાલોનાં દ્વાર વટાવતાં અમે ઉપર પહોંચ્યાં – પેલો બોપ્પણાનો શિલાલેખ જોયો અને અધીરતાથી પગ ઉપાડતાં પહોંચી ગયાં.

વિરાટ મૂર્તિ! અવાક્!

એક નજરમાં તો જાણે માય નહિ. ઉત્તર દિશામાં નજર છે, અથવા ઉત્તર દિશામાં નિમીલિત નેત્રે તપસ્યારત છે? તને આ વિરાટનું વર્ણન કેવી રીતે લખું! અઠ્ઠાવન ફૂટ ઊંચા વિરાટ પુરુષની તું કલ્પના કર. પાંચ ફૂટ લાંબા પગ કે સાત ફૂટ લાંબા હાથ કે છવ્વીસ ફૂટ પહોળી છાતી કે પોણા ત્રણ ફૂટ લાંબી ટચલી આંગળી એવાં માપ લખી આ વિરાટને માપમાં બાંધી શકાય નહિ.

નગ્નતાનું સૌંદર્ય જોયું છે. ડસી જતું સૌંદર્ય, કલાકૃતિઓનું પણ, જેનું રૂંવે રૂંવે ‘ઝેર’ ચડે. પણ બાહુબલિની નગ્નતા? આ વિરાટ નગ્નતા પાવનત્વનો જ બોધ કરાવી રહે છે પ્રતિપળે. એનાં ચરણ પાસે જઈ ઊભાં રહીએ, એમના નખ જેવડાં લાગીએ. બાહુબલિનાં ચરણની જ પૂજા થાય છે. બાર વર્ષે જ સર્વાંગ અભિષેક તો થાય.

આ મૂર્તિની સ્થાપના ચામુંડરાયે જ્યારે કરી અને સૌપ્રથમ જ્યારે એનો અભિષેક મહોત્સવ ઊજવાયો ત્યારે વિચિત્ર ઘટના બનેલી. કહે છે કે મધુપર્કના ઘડાઓ રેડવામાં આવે પણ ધારા મૂર્તિની નીચે સુધી પહોંચે જ નહિ. ચામુંડરાયને અભિમાન થયેલું. ત્યાં એક ભરવાડણ જતી હતી. ગોમ્મટ પ્રભુની ભક્ત. કોઈ કહે છે દેવીએ ભરવાડણનું રૂપ લીધેલું. એણે પૂછ્યું – ‘દેવ! અભિષેક નથી સ્વીકારતા? ઊભા રહો.’ એમ કહી એણે નાળિયેરની એક કાચલી પોતાની છાતીમાંથી વહાવેલા દૂધથી ભરી આપી અને કહ્યું કે એ દૂધથી દેવનો સૌપ્રથમ અભિષેક કરો. દેવે એ અભિષેક સ્વીકાર્યો. ધારા શિરથી ચરણ સુધી પહોંચી. ચામુંડરાયનું અભિમાન ઊતરી ગયું. પછી એમના અભિષેકો દેવે સ્વીકાર્યા… કેવી રોમાંચક કથા છે!

અમે ઊભાં ઊભાં શિખનખ દર્શન કરવા લાગ્યાં. વિરાટ મસ્તકે આછા વાંકડિયા કેશ, લાંબા ખભે અડવા જતા કર્ણ, અર્ધ નિમીલિત આંખો, પ્રમાણથી જરા જાડી ડોક – પણ એનું જાડ્ય કઠે નહિ. વિરાટ છાતી અને આજાનુદીર્ઘ ભુજ. એ ભુજ પર લતાઓ વીંટળાયેલી છે, એ લતાઓ નીચે બંને ચરણથી ઉપર ચડેલી છે. હજારો વર્ષોના તપનું સૂચન એથી કલાકારે સૂચવી દીધું છે. ઉદર પર એક રેખા છે, બંને ચરણ તો જાણે વિરાટ સ્તંભ. જાંઘ પર પેલી લતા વીંટળાયેલી છે. કલાકારે ધાર્યું હોત તો નગ્નતાને ઢાંકી દીધી હોત – પણ ના, આ દિવ્ય નગ્નતાનાં તો એ દર્શન કરાવવા માગે છે. મને માઇકૅલ ઍન્જિલોએ કરેલાં નગ્નચિત્રો – શિલ્પો યાદ આવ્યાં. પણ ગ્રીક કે રોમન નગ્નતાનું શિલ્પાંકન અને આ નગ્નતાનું શિલ્પાંકન બંને જુદી દૃષ્ટિઓની નીપજ છે. અહીં હૂબહૂ સ્નાયવિક નગ્નતા નથી. કલામાં પરિણત નગ્નતા છે. આ વિરાટ મૂર્તિ એવી કંડારાયેલી છે કે મૃદુતા અને મુલાયમતાનો પણ બોધ થાય. ચહેરા સામું જોયા કરો. હોઠ પર કોઈ વીતરાગીનું ઉદાર આછું સ્મિત છે શું?

આ મૂર્તિ કોઈ વિરાટ પ્રસ્તરખંડમાં ઘડીને પછી સ્થાપિત નથી કરી. ઇન્દ્રગિરિ પહાડીનો જ એક ભાગ છે. આસપાસથી શિલ્પીએ પથ્થર હટાવી લીધો. કોઈ શિલ્પીએ કહ્યું કે – કદાચ ઍન્જેલોએ – કે હું પથ્થરમાં પહેલાં મૂર્તિ જોઈ લઉં છું અને પછી મારું કામ વધારાનો પથ્થર કોરી દૂર કરવાનું રહે છે. ગોમ્મટેશ્વર આ પહાડીનું જ જાણે શીર્ષ છે!

શિલ્પીને નમન તો એટલે કરવાનાં રહે છે કે એણે પછી દીવાલો અને છતનું મંદિર ન રચ્યું. આ વિરાટ દેવતાને પછી તો દિશાઓ જ દીવાલો. ઉપર આકાશનું છત્ર. મેં ઊંચે ઉપર જોયું – નીલ આકાશમાં થોડાં ભૂરાં વાદળ અને ચારે બાજુએ ઢળતી ક્ષિતિજ. વિશ્વના વિરાટ મંદિરમાં ગોમ્મટેશ્વર. એમની બંને બાજુએ ચામરધારિણીની સુંદર નાની મૂર્તિઓ છે. કોઈ કહે છે કે પેલી ભરવાડણની છે, જેની છાતીમાંથી વહાવેલા દૂધથી સૌપ્રથમ અભિષેક દેવે સ્વીકારેલો.

થોડી વાર મૂર્તિ સામે ચૂપ ઊભાં રહ્યાં. પછી થોડી તસવીરો લીધી છે, તે તને જોવી ગમશે. પણ મારા મનમાં જે તસવીર ઝિલાઈ છે, તેની વાત અહીં કરવા મથ્યો છું. આછીયે ઝાંખી કરાવી શક્યો હોઉં તોય સફળતા માનીશ.

હવે આ યાત્રાને છેડે છીએ.


પ્રિય,

આજે તું સાથે હોત!

એટલે કે તો આ લખવું ન પડ્યું હોત. જે રૂપરાશિ આજે જોયો છે તેને આ પત્રલતામાં કેવી રીતે વીંટાળી શકું એમ છું? એ તો જાણે બરાબર, પણ મૂળ વાત એ છે કે આવું બધું જોતાં કવિ કાલિદાસની અભિવ્યક્તિનો આશ્રય લઈને કહું તો સુખી ચિત્તની પણ અન્યથાવૃત્તિ થઈ જાય છે. એ અભાગિયું પછી તારા સાથે ન હોવાનો જીવ બાળ્યા કરે.

મેં આજે હળબીડ અને બેલુરનાં મંદિર જોયાં છે એટલું સાદું વાક્ય લખીશ તો તું કદાચ શીતળતાના વર્તુળમાં ઘેરાયેલી રહે. આપણે મંદિરો જોવાની ક્યાં નવાઈ છે? પણ અરે, આ કળાસૃષ્ટિ કમાલની છે! ગોમ્મટેશ્વરના પાવનકારી નગ્ન સૌંદર્યની વાત ગયા પત્રમાં લખી છે; આ પત્રમાં બેલુરની મદનિકાઓના સંમોહનકારી સૌંદર્યની વાત લખવા બેઠો છું. ના, ના. હું તને ભારતીય વાસ્તુશિલ્પે સિદ્ધ કરેલી ઊંચાઈઓ વિષે લખવાનો છું. ઉચ્ચતમ ઊંચાઈની એક એવી ક્ષણ, જ્યાંથી એ કળાના અવક્ષયના આરંભની ક્ષણ પણ હોય. એક બરાબર પક્વ ફળ. એની પક્વતાની ગંધથી વ્યાકુળતા અનુભવાય. સહેજ વધારે પડતા પાકેલા ફળને નાક સુધી લઈ જો, અથવા નાક સુધી લેવાની પણ ક્યાં જરૂર હોય છે!

બેલુર હળબીડની કળા આવી છે, એ તો ઠીક; એ રચનાવિધાનની દૃષ્ટિએ જરા જુદી છે. ખજુરાહોનાં શિખરબંધી નગરશૈલીનાં મંદિરો અને ચિદમ્બરમ્ કે મીનાક્ષીનાં અનેક આડા મજલા ધરાવતા ગોપુરમંડિત દ્રવિડ શૈલીનાં મંદિરોથી આ હોયસળ શૈલીનાં મંદિર જુદાં છે. હોયસળ રાજવીઓએ ૧૧મીથી ૧૩મી સદીમાં આ બંધાવેલાં એટલે હોયસળ અથવા બેસર શૈલીનાં આ મંદિર કહેવાય છે. એને ઊંચે ઊંચે કળશમંડિત શિખરો નથી, આ તારકાકૃતિ બેઠા ઘાટનાં મંદિરો છે.

પણ વાસ્તુશિલ્પની આ બધી શાસ્ત્રીય વિગતો મંદિર સંમુખ થતાં સ્મરણમાં રહેતી નથી. બપોરની વેળા થવા આવી હતી ત્યારે કર્ણાટકના હાસન જિલ્લાની ઇતિહાસપ્રસિદ્ધ ભૂમિ ખૂલતી જતી હતી. આઠસો વર્ષ પહેલાં અહીં મોટાં નગરો હતાં, એની કલ્પના કરવાનું પણ અઘરું પડે. આપણે પાટણ જઈએ ત્યારે એવું નથી થતું? એ વખતે આપણી જેમ કર્ણાટકમાં પણ શૈવ, વૈષ્ણવ અને જૈન ધર્મ ક્યારેક સમભાવથી, ક્યારેક સ્પર્ધાથી સહઅસ્તિત્વ ધરાવતા હતા.

તને એ જાણીને આશ્ચર્ય થશે કે જે વિષ્ણુવર્ધન રાજાએ બેલુરનું ચેન્નકેશવનું વૈષ્ણવમંદિર બંધાવ્યું, એ રાજાએ હોયસળેશ્વરનું મંદિર બંધાવેલું – એ કદાચ અધૂરું રહ્યું છે. આ રાજાની પ્રેરણામૂર્તિ હતી એની રાણી શાંતલા. એ પટ્ટમહાદેવી શાંતલા તરીકે ઓળખાય છે. દક્ષિણના ઇતિહાસનાં ઘણાં પ્રસિદ્ધ પરાક્રમી પાત્રો આપણે ક્યાં જાણીએ છીએ? બાકી આ પટ્ટમહાદેવી શાંતલા કર્ણાટકના શિલાલેખોમાં ‘લાવણ્યસિંધુ’, ‘સંગીતવિદ્યાસરસ્વતી’, ‘મૃદુમધુરવચનપ્રસન્ના’ કે ગીતવાદ્યનૃત્યસૂત્રધારા’ તરીકે ઉલ્લેખ પામી છે. રાજાને બદલે ખરું રાજ્ય તો એ ચલાવતી અને એ પોતે જૈન હતી, અને છતાં શૈવ-વૈષ્ણવ મંદિરોના નિર્માણમાં એ પ્રેરક હતી. સંગીત અને નૃત્યથી એ સ્વયં દેવતાઓનું આરાધન કરતી.

એ લડાઈઓનો જમાનો હતો. ક્યારે નથી હોતો? પણ ત્યારે એક બાજુ લડાઈઓ ચાલતી હોય અને બીજી બાજુ મંદિરો બનતાં હોય. મંદિરોના નિર્માણ દ્વારા દેવતાની સહાય લેવાની ભાવના હશે. આજે એ હોયસળ રાજવીઓનાં નગર કે મહેલ ક્યાં છે? હા, હોયસળેશ્વર છે, હળેબીડમાં. મેટાડોરમાંથી ઊતર્યાં કે સામે મંદિર હતું. પ્રવાસન વિભાગે આ સ્થળની જાળવણીનો અને પ્રવાસીઓની સુવિધાઓનો સારો પ્રબંધ કર્યો છે.

ખરું કહું, અમારી પાસે સમય મર્યાદિત હતો. આટલે આવ્યા પછી મૂળ વાતે તો ઉતાવળ ન જ કરવી જોઈએ, પણ આવું જ થાય. એટલે મંદિરના પ્રાંગણમાં જ ગાઇડ મળ્યો. અમે એની મદદ લીધી, તે સારું કર્યું. ઇતિહાસ-ભૂગોળ બધું ટૂંકમાં જાણવા મળે. અમારા ગાઇડ શ્રી ભાસ્કરને વાસ્તુશિલ્પ આદિની ખૂબીઓની પણ ખબર હતી.

પહેલી વાત તેણે જે કહી તે એ કે, ધીરે ધીરે કરતાં બસો વર્ષ લાગવા છતાં આ મંદિર અપૂર્ણ રહી ગયું છે, મલેક કાફુર અને અલ્લાઉદ્દીનના હુમલાઓને કારણે. કન્નડા હળેબીડ, હળેબીડનો અર્થ છે ‘ડિસ્ટ્રોઇડ સિટી.’ પણ એ પણ ક્યાં છે? આ મંદિર દ્વિકુટાચલ છે, એટલે કે એકમાં બે મંદિર છે.

પછી કહે – જે પથ્થરમાંથી આ મંદિરનાં શિલ્પો કંડારવામાં આવ્યાં છે, એને જ્યારે જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે ત્યારે એ ‘ગ્રીન સૉફ્ટસ્ટોન’ હોય છે – ‘સૉફ્ટ લાઇક બટર.’ એટલે કંડારવાનું સહેલું પડે. પણ પછી એ પથ્થર ધીમે ધીમે ગ્રૅનાઇટ જેવો હાર્ડ બની જાય છે.

ઊભાં ઊભાં પહેલાં તો એ વાત કરતો હતો, પણ મારી લાલચુ નજર તો ઇંચ ઇંચ કંડારાયેલી દીવાલો ભણી હતી. હાય, આટલા થોડા સમયમાં આ બધું કેમ કરી જોવાશે? વળી પાછું પેલું આશ્વાસન – ફરી આવીશું ત્યારે નિરાંતે જોઈશું – પણ ફરી જવાય છે?

મંદિરને પહેલાં બહારથી જોઈ લેવાનું હતું. પશ્ચિમ ભાગથી શરૂ કર્યું. દીવાલની મધ્યભાગે કંડારાયેલ શિલ્પો પર નજર જાય તે પહેલાં ભાસ્કરે કહ્યું – નીચેથી એક પછી એક પટ્ટીઓ ઉપર તરફ કંદોરાની જેમ છે. સૌથી નીચે હાથી કંડારેલા છે, તે ગજથર, હાથી એ સ્થિરતાનું પ્રતીક છે. તેની પર સિંહ છે – વ્યાલથર. બળનું પ્રતીક. તેની ઉપર પત્રલતા કોરેલી છે, (આ પત્રના આરંભમાં પત્રલતા શબ્દ આવી ગયો છે, તે અહીંથી) લતાથર. તેની ઉપર અશ્વોની હાર છે; એ બધા અશ્વરોહીઓ છે. કદાચ અશ્વથર. ગતિનું પ્રતીક. ફરી લતાથર. પછી છે નરથર. મનુષ્યોનું વિશ્વ, એની ઉપર છે મકરથર. મકર એટલે કામદેવતાનું વાહન. એની ઉપર હંસથર. મંદિરની નીચેની દીવાલો પર આ થર એવી તો ભાત રચે છે!

વચ્ચેના ભાગે કંડારાયેલા છે મહાભારત, રામાયણ, ભાગવતના પ્રસંગો. બીજાં દેવદેવીઓનાં શિલ્પો પણ છે. થોડાં શિલ્પપ્રસંગોનાં નામ આપું? સમુદ્રમંથન, કિરાત-અર્જુન, વાલી-સુગ્રીવ યુદ્ધ, અભિમન્યુ વધ, સુવર્ણમૃગ, શરશય્યા પર સૂતેલા ભીષ્મપિતામહ; ગજાસુરમર્દન, ગોવર્ધન ગિરધારી, ત્રિવિક્રમ નરસિંહ અવતાર, શિવપાર્વતી (પાર્વતી શિવના ખોળામાં બેઠેલાં છે)… આખું પથ્થરનું મંદિર ગત્યાત્મક શિલ્પોથી જીવંત થઈ ઊઠ્યું છે.

સમુદ્રમંથનના શિલ્પમાં એક બાજુ દેવો બીજી બાજુ દાનવો ને વચ્ચે કમઠ પર રવૈયાને સ્થાને મંદાર પર્વત પર વાસુકીનું પ્રદીર્ઘ નેતરું. અભિમન્યુ વધના દૃશ્યમાં ચક્રવ્યૂહ પણ કંડારાયો છે અને દોડતા અશ્વથી જોડાયેલા રથમાં શરસંધાન કરતો અભિમન્યુ છે. વાલી-સુગ્રીવ યુદ્ધમાં વીંધાયેલ સાત તાલને છેડે વાલી-સુગ્રીવ લડે છે. બીજે છેડે છે રાઘવ અને શરશય્યા પર પડેલા ભીષ્મની શય્યાનાં તીર તો ગણી શકાય.

હંસારૂઢ બ્રહ્માનું શિલ્પ ભાગ્યે જ ધ્યાન બહાર રહે – અને ગજાસુરમર્દનમાં ચીરી નાખેલા ગજાસુરની લોહીનીંગળતી ચામડીની ખોળના અંતરાલમાં નૃત્ય કરતા શિવનું શિલ્પ ભવ્યતા અને ભયનો એકીસાથે સંચાર કરે છે. કવિ કાલિદાસે મેઘદૂતમાં ‘આર્દ્ર નાગજિનેચ્છામ્‌’વાળા પેલા શ્લોકમાં ગજાસુર વધ કરી એનું ચામડું ઓઢી નૃત્ય કરતા શિવનો સંદર્ભ આપ્યો છે. સંધ્યા વખતે લાલ રંગ ધારણ કરતા મેઘને રક્તાક્ત નાગાજિનનું સ્થાન લેવા યક્ષ વિનંતી કરે છે. નૃત્ય કરતા શિવનાં તો કેટલાં બધાં શિલ્પ છે! બધાં શિલ્પમાં અલંકરણની પ્રવૃત્તિ ભારે છે. બહુ બધા અલંકાર. કદાચ અવક્ષયની એ નિશાની છે. હોયસળ કળાની એ લાક્ષણિકતા છે, પણ અલંકારની કોરણીની પ્રશંસા કર્યા વિના રહેવાય નહિ. આ તો હું તને છૂટું પાડીને લખું છું, બાકી જોતી વખતે તો ‘મને જો મને જો’ કરતી સમગ્ર શિલ્પસૃષ્ટિ આપણી આંખચેતના પર છવાઈ જાય છે. કૈલાસ હલાવતા રાવણનું શિલ્પ મધ્યકાલીન શિલ્પીઓનો એક પ્રિય વિષય છે. ઇલોરાના કૈલાસ મંદિરમાં આવું એક શિલ્પ આપણે જોયેલું છે. અને અહીંની ગણેશમૂર્તિઓની વાત તો હું ભૂલી જાઉં છું. પહેલાં જ એમને સમરવા જોઈએ ને? નૃત્ય કરતા જમણી બાજુએ સૂંઢવાળા ગણપતિ! કેટલા અલંકાર? પાટણની રાણીવાવ હજી અડધી બહાર નીકળેલી અને એમાં આવી ગણપતિની નાચતી મૂર્તિ જોઈ અમારા મિત્ર યોગેન્દ્ર વ્યાસ નાચી ઊઠેલા. એ વખતે ડૉ. ભાયાણી અને અમે સૌ નૃત્યાંગનાઓનાં શિલ્પોમાં ગરકાવ હતા!

અને મંદિરના વરાહ! વિદિશાના વરાહ યાદ આવ્યા હતા. એમની પડછે યાદ આવે છે ગોવર્ધન ગિરધારી અને વેણુગોપાલનાં નયનરંજક શિલ્પ. કેટલી બધી વાત લખું તોયે તને ખ્યાલ નહિ આપી શકું. એવું કરીશું – હું ત્યાં આવી જાઉં, પછી આપણે આપણા પ્રસિદ્ધ તસવીરકાર જગન મહેતાને ત્યાં જઈશું. એમણે અસંખ્ય તસવીરો લીધી છે હળેબીડ – બેલુરની. કેટલીક તો એમણે એન્લાર્જ કરી મિત્રોને ભેટ આપી છે. હા, અમે પણ થોડાક ફોટા લીધા છે, પણ જગન મહેતાની વાત જુદી.

ત્રિવિક્રમ શિલ્પમાં બલિના મસ્તકે પગ મૂકવા ઊંચકેલો વામનમાંથી વિરાટ બનેલા વિષ્ણુનો પગ – એ ઊંચે થતો જોઈ શકાય. આ બધાં શિલ્પોમાં સ્થિતિ અને ગતિ વચ્ચેની ક્ષણો પકડે છે શિલ્પીઓ; એટલે શિલ્પ ગતિવંત બની જાય છે. અહીંના ઘણાં શિલ્પીઓએ પોતાનાં નામ પોતે કરેલાં શિલ્પ નીચે કંડાર્યા છે, એ નવાઈ છે. બાકી અદ્ભુત કલાકૃતિ સર્જી જનાર ભારતવર્ષના હજારો શિલ્પીઓ અનામ રહી આપણે માટે સૌંદર્યનો વારસો મૂકી ગયા છે. આ કલાકારોમાં મલ્લિતમ્મ શિલ્પી હળેબીડના શિલ્પીઓનો નાયક કે મુખ્ય સ્થપતિ ગણાય છે.

હું તને અલગ અલગ શિલ્પોની વાત લખું છું પણ આ બધાં મળી એક ‘ઑર્ગેનિક હોલ’ — એક સામગ્રિક અવયવ સંસ્થાન બને છે આ મંદિર. ખરેખર તો આ વાસ્તુશિલ્પો છે. વૃક્ષોની ગણતરીમાં અરણ્ય ખોવાઈ ન જાય. પ્રભાવ તો સમગ્ર મંદિરનો પડે છે, અને એ પ્રભાવ તો મંદિરમાં પ્રવેશ કરવા પછી અનુભવાયો. આ દ્વિકુટ મંદિરમાં બે મંદિર છે. દરેકમાં નવરંગ મંડપ છે, જે અલંકૃત સ્તંભો પર અવસ્થિત છે. મંદિરની એક બાજુએ જાળીદાર દીવાલ છે, જેમાંથી અજવાળું પ્રવેશે છે. એક રીતે અંદરથી અંધારિયું ક્લોઝ મંદિર લાગે. બે મંદિરોમાં એકમાં તો અપૂજ શિવલિંગ છે, બીજું પૂજાય છે. અને હા, હોયસળ રાજમુદ્રાની વાત કરવાનું તો રહી ગયું. વાઘને તલવારથી હણતો રાજવી – એ મુદ્રા છે. કહે છે ‘હોયસળ’ એવા શબ્દો મુનિએ રાજવીને કહ્યા પછી એણે વાઘ પર પ્રહાર કરેલો. એ પ્રસંગનું આલેખન અહીં મંદિરમાં અનેક સ્થળે છે. રાજાનો એ વંશ ઇતિહાસપ્રસિદ્ધ હોયસળ વંશ.

હું તને ક્યાંથી ક્યાં લઈ જાઉં હવે? ચાલ, બેલુરની વાત કરું એ પહેલાં આ મંદિરના નંદીઓની વાત કરું. મંદિરના આગળના ભાગમાં બે વિરાટ નંદીઓ છે. ભાસ્કરે ભારતનાં મંદિરોમાં જે સાત વિરાટ નંદી ગણાવ્યા, તેમાં હળેબીડના આ નંદીઓ છઠ્ઠે અને સાતમે ક્રમે આવે છે.

મંદિરમાંથી બહાર આવ્યા પછી એવું લાગ્યું કે મારું કંઈક ખોવાઈ ગયું છે. એવું કેમ થયું હશે? કેટલું પામ્યો છું! મંદિરના પ્રાંગણમાં ભગ્ન મૂર્તિઓનું સંગ્રહસ્થાન છે. બાજુમાં પાણીનો નળ. ખોબો ધરી પાણી પીધું, અનિલાબહેન એમના પર્સમાંથી પ્યાલો કાઢીને આપે તે પહેલાં.

તું કહીશ પત્રના આરંભમાં તમે મદનિકાઓની વાત લખી છે. અને એની તો વાત ન આવી. હળેબીડની પણ એવી કેટલીક મદનિકાઓની વાત પણ રહી ગઈ. પણ ચાલ, હવે તને બેલુર લઈ જાઉં છું. અહીંથી બહુ દૂર નથી. વચ્ચે બેલુરની ભાગોળમાં એક હોટલમાં થોડુંક ખાઈ લીધું તે.

બેલુર એટલે ચેન્નકેશવ. ચેન્ન એટલે સુંદર. અગાઉ લખી ગયો છું. આ મંદિરને ગોપુર છે, પણ એ પછીની સદીઓમાં બંધાયેલું. બેલુરના પ્રવેશદ્વારે ગરુડ. એનાં ‘દર્શન’ કર્યા પછી અમે મદનિકાઓની મૂર્તિમાં ખોવાઈ ગયાં. આમ તો એમને ‘બ્રૅકેટ ફિગર્સ’ કહે છે, પણ એ જ મંદિરનો પ્રાણ છે. માધવ આચવલે તેમના મરાઠી ‘કિમયા’ પુસ્તકમાં આવી એક મદનિકા પર આખો લેખ લખ્યો છે. અહીંની એક એક મૂર્તિ વિશે લેખ થઈ શકે. ગાઇડ અમારો રામાનુજના પ્રભાવથી વિષ્ણુવર્ધન વૈષ્ણવ બનેલો તેની વાત કરી પટ્ટમહાદેવી શાન્તલા અને રાજાના દરબારની વાત કરી આ મદનિકાઓના વર્ણનમાં ખોવાઈ ગયો. પણ એનું વર્ણન વધારાનું હતું – અમે જોઈ શકતાં હતાં એ લયાન્વિત મૂર્તિઓની વિભિન્ન મુદ્રાઓમાંથી નીતરતું સૌંદર્ય.

તું કહીશ, તમે ખરા રોમાન્ટિક થઈ ગયા. પણ થયા સિવાય ચાલે નહિ અહીં. અથવા તો આપણામાંના રોમાન્ટિકને બહાર લાવે છે આ મદનિકાઓની અદ્ભુત મૂર્તિઓ. કળાનું એ જ તો કામ છે. એને દર્પણસુંદરી કહું કે મોહિની? કે પછી પેલી ચિરપરિચિતા શાલભંજિકા! આહ, શોભાનો પણ ભાર હોય છે. પોતાની શોભાના ભારથી નમી પડી છે આ નાયિકાઓ, તેમાં વળી ભારે અલંકરણ. મંદિરની બહારની દીવાલે આ નાયિકાઓ એક પછી એક જોઈ પેલા વૈષ્ણવ કવિ જેવી મૂંઝવણ થાય. ‘કુમારી જુવતિ દુઈ કારે રાખે કારે ખુઈ’ – બંને કુમારિકાઓ છે, કોને રાખું ને કોને ખોઉં? અહીં તો અનેક છે. પોપટ સાથે વાત કરતી સુંદરી કે દર્પણમાં જોતી સુંદરી (અને એમને જોતાં અમે?) આ બધી નારીઓ કદાચ પુરુષના મનની ઝંખનાઓ છે! એ પવનની જેમ દુષ્પ્રાય છે. (વૈદિક કવિએ ઉર્વશીને મુખે આવું કહેવડાવ્યું છે!) રવિ ઠાકુરે એટલે ઉર્વશીને ‘વિશ્વેર પ્રેયસી’ કહી છે, જેને માટે ઝંખી ઝંખીને મરી જવાનું પણ એ તો મળે નહિ. આ ‘પ્રેયસીઓ’ – (આવો બહુવચનનો પ્રયોગ આ સંજ્ઞા માટે કરી શકાય) વિષે ગાઇડ બોલ્યે જતો હતો.

ભરતનાટ્યમ્‌ની મુદ્રાઓમાં નૃત્યરતાઓની વાત કરતો હતો. આ મૂર્તિઓ જોતાં, એક શૃંગારચેતનાનો – ઇરોટિક બોધ જાગે. એટલે વિષકન્યાનો ઉલ્લેખ પણ કરવો પડે. હળેબીડમાં એવી વિષકન્યા હતી, અહીં પણ, જેનું ચુંબનમાત્ર પ્રાણ હરી લે. ગાઇડ તો પછી બતાવતો ગયો કુટિલકુંતલા, શકુનશારદા, શિવકેશી, વાનરસુંદરી (?), ગાનમંજરી, શિલાબાલિકા. વચ્ચે એક સ્થળે કંડારાયેલા એક વૃક્ષના પરિપક્વ ફળ પર બેઠેલી નાની માખી પણ બતાવી. એણે કહ્યું: આવી ૪૪ મૂર્તિઓ છે. ‘કારે રાખે કારે ખુઈ’ – કોને રાખું, કોને ખોઉં?

અને મંદિરની અંદરના નવમંડપ! એના અદ્ભુત કંડારાયેલા સ્તંભ! જાળીઓને લીધે બરાબર દેખાય નહિ, તે ખાસ ફી ભરી ફ્લડલાઇટ કરાવી જોયા, અને પછી ચેન્ન કેશવ-સુંદર માધવનાં દર્શન! પણ માધવન્‌માં દર્શનનો પ્રભાવ પડ્યો નહિ, પ્રભાવ રહી ગયો છે પેલી મદનિકાઓનો. જળપ્રવાહ જેવી લયાન્વિત દેહભંગીઓનો! શું સુર કે શું સુંદરી-શિલ્પીઓ દેહોત્સવનું મહાકાવ્ય અહીં રચી ગયા છે!


પ્રિય,

એક હનુમાન-કૂદકો લગાવીને હમ્પીથી પત્ર લખું છું. કહું કે કિષ્કિન્ધાથી પત્ર લખું છું. હનુમાન સાથે કિષ્કિન્ધાનો સંબંધ છે, એ તો તું જાણે છે. પણ આ કંઈક બાદરાયણ-સંબંધ નથી. સાચે જ કિષ્કિન્ધાથી આ પત્ર છે. હમણાં તું ટી.વી. પર રામાયણ-શ્રેણી જોતી હોઈશ. રામાનંદ સાગરે કિષ્કિન્ધાની ઘટનાઓને વધારે જગ્યા આપી છે, એ તો તારા વિવેકે તને કહ્યું હશે. આમેય તું તર્કપ્રવણ તો છે. આજે જ ઋષ્યશૃંગ પર્વત, અંજનેય પર્વત, મતંગ પર્વત, હેમકૂટ અને માલ્યવાન પર્વત અને પમ્માનો વિસ્તાર ખૂંદી અભિભૂત થઈ લખવા બેઠો છું. ‘ખૂંદી’ શબ્દ મેં વધારે પડતો વાપર્યો. મેં માત્ર દૂરથી દર્શન કર્યાં એમ કહું તો બરાબર થશે, પણ સમગ્ર વિસ્તાર તો કિષ્કિન્ધાનો.

અહીંના લોકો એવું કહે છે કે, આ વિસ્તારમાં જાનકીની શોધમાં નીકળેલા રામ-લક્ષ્મણ હનુમાન-સુગ્રીવને મળ્યા હતા. અહીંથી અનતિદૂરે પંપા સરોવરનો વિસ્તાર છે. પુરાતત્ત્વવિદો રામાયણનાં ઘટનાસ્થળો વિષે ભલે સંશોધન કરે, પણ લોકચેતનામાં રૂઢ થયેલાં આ ઘટનાસ્થળોએ પહોંચી એક પ્રકારનો રોમાંચ અનુભવ્યા વિના રહી શકાય નહિ. પણ મારે તને કિષ્કિન્ધાનાં ઘટનાસ્થળો વિષે લખવું નથી – એ લખવાનું મન થાય એવું તો છે.

પણ અત્યારે હમ્પી વિષે લખવા માગું છું. એક વિધ્વસ્ત નગરનાં માઈલોમાં વિસ્તરેલાં ખંડેરો જોયા પછી મનમાં જે એક ઉદ્વેગ-ઍગોની જાગી છે, એની વાત કેવી રીતે કરું? તું કદાચ કહીશ કે એ ‘રોમૅન્ટિક અૅગોની’ હશે. પણ જરા વિચાર કર. એક સમયનું ભવ્ય અને ભરપૂર નગર આમ વેરણછેરણ થઈને કેવું તો પડ્યું છે! દક્ષિણ ભારતના ઇતિહાસનું એક અતિ ઉજ્જ્વળ પ્રકરણ, કેવું તો અંધકાર-આવિષ્ટ થઈ ગયું છે! ફરી એક વાર એની ઉજ્જ્વળતાનો અંશ ઉદ્ભાસિત કરવાના પુરાતત્ત્વ ખાતા દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. કર્ણાટક સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે પણ એ ઉદ્ભાસ ખંડેરોની ભગ્ન દીવાલો અને ઢગલો થઈ પડેલાં મહાલયો અને મંદિરો તથા મૂર્તિઓમાંથી જ પામવાનો રહે છે. બાજુમાં વહી જાય છે ખડકાળ પાત્રમાં તુંગભદ્રા. હજી વહે છે. રામના સમયમાં વહેતી હતી, ભવ્ય વિજયનગરના સામ્રાજ્યકાળે વહેતી હતી, વિજયનગરને જ્યારે મહિનાઓ સુધી લૂંટવામાં, તોડવામાં, બાળવામાં આવી રહ્યું હતું, ત્યારે પણ વહેતી હતી તુંગભદ્રા.

આજે વહે છે તુંગભદ્રા. જેવી મેં એક પહાડી પરથી જોઈ કે દોટ મૂકી હતી એના પ્રવાહ સુધી પહોંચવા – એટલી અધીરતા આવી ગઈ હતી એને જોતાં. જ્યાં ઊભીને એનાં જળને માથે ચઢાવી એના પ્રવાહમાં ઊભો, ત્યાં મધ્યકાળના પ્રસિદ્ધ સંત પુરંદરદાસનું થાનક છે. અહીં તુંગભદ્રામાં સ્નાન કરી એ હવે અવશેષોમાં ફેરવાઈ ગયેલા વિઠ્ઠલ મંદિરે જતા.

તને થશે કે આ પત્રને કોઈ મોંમાથું નથી, કેમ શરૂ થઈ કઈ દિશામાં જાય છે એની ગતાગમ પડતી નથી. હમ્પી કેવી રીતે પહોંચી ગયા? હમ્પી અમારી આ દક્ષિણયાત્રાનો અંતિમ મુકામ છે. આખી રાત બસમાં મુસાફરી કરી મૈસૂરથી હોસ્પેટ – હમ્પી.

ઇતિહાસમાં આપણે વિજયનગર હિન્દુ રાજ્ય વિષે ભણી ગયાં છીએ. કદાચ તું ભૂલી પણ ગઈ હોય. વિજયનગરનું સામ્રાજ્ય ચૌદમી સદીથી લગભગ બે સૈકાથીય વધારે સમય સુધી એ હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાનું કેન્દ્ર બની ગયું. વિદ્યાચરણ સ્વામી જેવાની પ્રેરણાથી તે સંગીત, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યની પ્રવૃત્તિઓ અને બીજી બાજુ સંસ્કૃત વિદ્યા અને દર્શનની પ્રવૃત્તિઓથી ગાજતું રહ્યું. વિજયનગરના આ રાજવીઓએ માત્ર લડાઈની જ નહિ, ખેતીવાડી અને સિંચાઈની પણ નવી શોધો કરી હતી. આ વિજયનગરમાં કૃષ્ણ, વિઠ્ઠલ અને રામની પૂજા પણ થતી; પણ સૌથી મુખ્ય તો તે વિરૂપાક્ષ શિવની, એમની ભાષામાં તિરુવંગનાથ અર્થાત્ વેંકટેશ્વર.

વિજયનગર જોતજોતામાં પંચરંગી પ્રજાથી ઊભરાતું એક ધનાઢ્ય નગર બની ગયું. દેવરાય, કૃષ્ણદેવરાય વગેરે પ્રસિદ્ધ રાજવીઓએ એને સમૃદ્ધિનાં શિખરોએ પહોંચાડ્યું. પણ દક્ષિણનાં હિન્દુ રાજ્યો અંદર અંદર લડતાં રહેતાં. તું કહીશ કે આ જ તો ભારતવર્ષના ઇતિહાસની કહાણી છે. નહીં, પણ એનું જ પુનરાવર્તન.

આ હિન્દુ રાજ્ય સામે દક્ષિણનાં મુસ્લિમ રાજ્યોએ ભેગાં મળી યુદ્ધ આદર્યું અને ૧૫૬પની ઇતિહાસપ્રસિદ્ધ લડાઈમાં વિજયનગરને હરાવ્યું. હારેલો રાજા દક્ષિણ તરફ ભાગી ગયો અને પછી તો વિજેતા મુસ્લિમ રાજ્યોએ છ મહિના સુધી નૃશંસ રીતે આ નગરને બાળ્યું, લૂંટ્યું, તોડ્યું.

વિજયનગર ફરી બેઠું થયું નહિ. આજે ઓળખાય છે હમ્પીનાં ખંડેરો રૂપે. આ પણ કિષ્કિન્ધા કાંડ. મધ્યકાલીન ઇતિહાસની કરુણ દાસ્તાં.

ખંડેરોનું પણ એક અનિર્વચનીય ખેંચાણ હોય છે. ક્યારેક તો એ આપણને હિપ્નોટાઇઝ કરી દે – એની દુનિયામાં ખોવાઈ જવાય. એવું આજે બન્યું છે. હમ્પીનાં દર્શન પછી ખાધું છે, પીધું છે, પણ લાગે કે એની એ દુનિયામાં નથી. ‘મોહમુગ્ધ’ છું.

હમ્પીની નજીકનું શહેર છે હોસ્પેટ. સવારે સાડા પાંચ વાગ્યે બસ ઊભી રહી. હું જાગીને ફરી સૂઈ જવા જતો હતો (આખી સીટ ખાલી પડેલી) ત્યાં કંડક્ટર કહે કે આવી ગયું હોસ્પેટ. હજુ તો ભળભાંખળું હતું. કંડક્ટરને જ પૂછ્યું – અહીં સારી ઊતરવાલાયક જગ્યા? એણે કહ્યું, રસ્તાની સામે પાર છે ‘વિશ્વા’. સારી હોટલ છે વિશ્વા. આ પત્ર પણ ત્યાંથી જ લખું છું – આખા દિવસના ભ્રમણ પછી. હમ્પીનાં ખંડેરો માઈલોમાં વિસ્તરેલાં હોવાથી પગે ચાલીને ભમવા લાગીએ તો દિવસો વીતી જાય એટલે અમે પ્રવાસન વિભાગ તરફથી ઊપડતી મીની બસમાં ટિકિટ લીધી. ઓછામાં ઓછા પાંચ યાત્રીઓ થાય તો બસ ઊપડે. ચાર થયા. પાંચમાના વધારાના પૈસા અમે આપવા સ્વીકાર્યું, એટલે બસ ઊપડી, પણ ઊપડતાં એક પાંચમો યાત્રિક – વિદેશી એમાં જોડાઈ ગયો.

હમ્પી વિષે થોડુંક વાંચ્યું હતું. ડૉ. ભાયાણીએ માત્ર એક જ વિશેષણ વાપરી એને વિષે કહ્યું હતું – ‘જબ્બર.’ ખંડેરોની કંઈ કેટલીય કલ્પનાઓ કરેલી. એ વિષે આપણા કવિ ઉમાશંકર જોશીની એક કવિતા પણ વાંચેલી – ‘હમ્પીનાં ખંડેરોમાં.’ એમણે ટપ્પામાં મુસાફરી કરેલી. એ તો કવિ. એમાં વળી સાંજ ટાણે પાછા વળતાં પૂનમનો ચંદ્રઉદય પામતો જોયો આ ખંડેરો પર. એટલે એમણે તો કવિતા લખી નાખી. ચૌદ લીટીનું એક સુંદર સૉનેટ. પણ હું તો કવિ છું નહિ, એટલે કેટલી બધી લીટીઓ લખવી પડે છે! તોયે વાત તો અધૂરી જ રહે છે. હા, તો અમારી મીનીબસ પાંચ યાત્રીઓને લઈ હોસ્પેટ જેવા શાંત નગરના માર્ગેથી હમ્પીનાં ખંડેરો તરફ ઊપડી. રસ્તાની બંને બાજુ જૂનાં મંદિર આવ્યાં – પણ પછી ગામ અને શેરડીનાં ખેતરો. થોડી વાર પછી તો ખડકાળ પહાડીઓનો વિસ્તાર શરૂ થયો. આ પહાડીઓ આજે પણ શરૂઆતમાં કહ્યું તેમ માલ્યવાન કે ઋષ્યશૃંગ કે મતંગ પર્વતો તરીકે ઓળખાય છે.

ખંડેરોના ઢગલા શરૂ થયા. કમાનો, અર્ધકમાનો, ભગ્ન ઇમારતો અને એની દીવાલો – છતો પર ઊગી ગયેલું ઘાસ, વેરાયેલાં પથ્થરોનાં અસ્થિ – એ બધાંમાંથી એક સમૃદ્ધ નગર કલ્પનામાં ઊભું કરવાનો હું પ્રયત્ન કરતો હતો. આવાં ધ્વસ્ત નગરોનાં ખંડેર અનેક જોયાં છે – આપણું પાટણ તો છે જ; પછી મધ્યપ્રદેશનું માંડુ. એ તો મેં જોયું જ છે. પેલી કાલિદાસવાળી વિદિશા પણ. પણ પાટણ કે વિદિશા તો આજે અન્ય રૂપે છે – પણ માંડુ કે આ વિજયનગર માત્ર ધ્વંસાવશેષ.

મને તો બસમાંથી ઊતરીને પગે ચાલવાનું મન થઈ આવ્યું હતું. બસ હવે રઝળ્યા કરું આ ખંડેરોમાં. પણ બસ ખંડેરો વચ્ચેથી પસાર થતી રહી. ત્યાં દૂરથી એક ઊંચું ગોપુર દેખાયું અને મંદિર પણ. હવે ચારેકોર ઊંચી ઊંચી પહાડીઓ દેખાતી હતી. માલ્યવાન, પેલો ઋષ્યશૃંગ, પેલો મતંગ પર્વત. અહીંથી પેલે પાર પંપા છે.

વિચાર કર, એક બાજુ પુરાણ, એક બાજુ ઇતિહાસ – અને આ ક્ષણોનો વર્તમાન. પણ મન ઇતિહાસમાં રમી રહ્યું. પથ્થરોની ભગ્ન ઇમારતોની હારને ઠીકઠાક કરી કેટલાક લોકોએ વાસો કર્યો હતો. બસ વિરૂપાક્ષના ગોપુર આગળ ઊભી રહી. વિજયનગરના આ અધિષ્ઠાતા દેવ હતા. તેમનાં દર્શન પછી હમ્પી જોવાની શરૂઆત કરવાની હતી. મને આશ્ચર્ય થયું કે આ ખંડેરો વચ્ચે આ મંદિર કેવી રીતે સાબૂત ઊભું રહી ગયું છે? વિધર્મીઓના ઘણના પ્રહારોથી કેવી રીતે બચી ગયું છે?

આખા દિવસના રઝળપાટ અને ઉત્તેજનાથી થાકેલું મન હવે આગળ. લખવા જતાં રોકે છે. સવારે ઊઠી બાકીનો પત્ર લખીશ. પણ આ લખું છું ત્યારની મનઃસ્થિતિ જુદી છે. સવારની કદાચ જુદી હોય. એટલે કાલે સવારે લખાયેલો પત્ર જુદો જ હશે, ભલે આ પત્રના અનુસંધાનમાં હોય. તો આ પત્રને છેડે મનોમન તને કહું છું – ‘ગુડ નાઇટ!’


પ્રિય,

ગઈ કાલે રાત્રે અધૂરા રહેલા પત્રનું આ અનુસંધાન છે; પણ કાલે રાત્રે પત્ર લખતી વખતે જે મનઃસ્થિતિ હતી, બરાબર એવી જ આજે સવારે નથી. માઈલો સુધી વેરાયેલાં હમ્પીનાં ખંડેરોએ કાલે ચિત્તમાં જે ઉદ્વેલન જગાવ્યું હતું, અત્યારે પ્રમાણમાં શમ્યું છે. પણ તે બધાં ખંડેરો અને એ બધો ઇતિહાસ મારી અશાંત ઊંઘની આસપાસ ચક્રમણ કરતાં રહ્યાં. આવું ઘણી વાર બને છે.

કાલનો પત્ર હમ્પીના વિરૂપાક્ષ મંદિરના ગોપુર આગળ અટક્યો હતો. મેં લખેલું કે આ ખંડેરોની વચ્ચે આ મંદિર કેવી રીતે સાબૂત રહ્યું હશે? વિધર્મીઓની અસહિષ્ણુ નજરમાંથી બાકાત રહી ગયેલું આ મંદિર હમ્પીના વિનિષ્ટ વૈભવની ઝાંકી કરાવી જાય છે; પરંતુ મને એક બીજી વાત પણ યાદ આવી જાય છે. તિરુવનન્તપુરમ્‌ની અમારી અનુવાદની વર્કશોપમાં કર્ણાટકના શેષશાસ્ત્રી કરીને એક મધ્યકાલીન કન્નડા અને તેલુગુ સાહિત્ય તથા મધ્યકાલીન અભિલેખોના અભ્યાસી મિત્રે કહેલું કે હમ્પીના વિનાશમાં જેટલો વિધર્મીઓનો ફાળો છે, એનાથી ઓછો સ્વધર્મીઓનો પણ નથી. શૈવો, વૈષ્ણવો અને જૈનો વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરતો. તમે જોશો કે ઘણાંખરાં શિવમંદિરો બચી ગયાં છે, જ્યારે વૈષ્ણવ કે જૈન મંદિરોના ધ્વંસાવશેષ છે. એ શૈવોનાં પણ પરાક્રમ હોઈ શકે.

હમ્પી બજાર પાસે અમારી મીનીબસ ઊભી રહી. અત્યારે તો થોડી પથ્થરનિર્મિત દુકાનો છે, જેમાં એક વખત હીરા-માણેક-મોતીનો ધીકતો ધંધો ચાલતો. દેશપરદેશના શાહ-સોદાગરો આવતા. ગોપુરના પ્રવેશદ્વારથી અમે અંદર દાખલ થયાં. વિરૂપાક્ષ શિવને પમ્પાપતિ પણ કહે છે. પંપા અહીંની સ્થાનિક દેવી, જે નજીકમાં વહી જતી તુંગભદ્રાનું જ બીજું રૂપ ગણાય છે. પંપા પંથ અહીં પ્રચલિત હશે એક જમાનામાં.

આ એક જ મંદિર એવું છે, જેમાં હજી પૂજા ચાલુ છે – બાકીનાં બધાં દેવસ્થાનો પુરાતત્ત્વ ખાતાની રક્ષિત ઇમારતોમાત્ર રહી ગઈ છે. મંદિરનું ગોપુર ઈ.સ. ૧૫૧૨માં વિજયનગરના રાજવી કૃષ્ણદેવરાયે વિસ્તૃત કરાવ્યું હતું. મીનીબસમાં સરકાર તરફથી એક ગાઇડ હોય છે. અમારી સાથે એ હતો એની અમને છેક અહીં આવ્યા પછી ખબર પડી. એને અંગ્રેજી આવડતું નહોતું અને હિન્દી કેટલાંક વાક્યો મોઢે કરેલાં તેટલા પૂરતું સીમિત લાગ્યું. કન્નડા આવડતી, પણ અમારે શા કામની? એ વચ્ચે વચ્ચે થોડી વાત કરે એમાંથી આપણે બાકી અંકોડા મેળવી લેવાના. એક વાત હતી કે તે જોવા જેવી વસ્તુઓ તરફ અમારું ધ્યાન દોરતો. પછી ખબર પડી કે તે કોઈ અધિકૃત ગાઇડ નહોતો.

અમે મંદિરમાં પ્રવેશ કર્યો. ગાઇડ કહે, અહીં શિવનું ઉદ્ભવ-લિંગ છે – આપણે જેને કહીએ છીએ સ્વયંભૂ-લિંગ. ઈ. સ. ૧૩૧૩માં આ મંદિરની સ્થાપના થયેલી. રાજા પ્રૌઢદેવરાયે બાજુમાં વહેતી તુંગભદ્રામાં સ્નાન કરતી વખતે આ લિંગ જોયું અને પછી પંડિતોના કહેવાથી અહીં મંદિર બાંધ્યું. ગાઇડની વાતમાં વિદ્યારણ્ય સ્વામીનું નામ વારંવાર આવ્યું. વિજયનગર રાજ્યની સ્થાપનામાં એ પ્રેરણામૂર્તિ હતા.

મંદિરની આગળના મંડપની છતમાં શિવપુરાણનાં ચિત્રો છે. ચિત્રોના રંગ ઊપટવા લાગ્યા છે. મંડપના સ્તંભ કોતરણીયુક્ત છે. વિરૂપાક્ષનાં દર્શન પછી તો અમે ખંડિત મૂર્તિઓ – ખંડેરોની વચ્ચે ભમતાં રહ્યાં. ચારેકોર પથ્થરો વેરાયેલા. તેમાં પહાડીઓના ખડકો પણ આવી જાય. અહીંની પહાડીઓ અને પથ્થરો ઇડરિયા ગઢની યાદ આપે. એવી બોડિયા ટેકરીઓ અને એવા મોટા મોટા પ્રદર્શનમાં ગોઠવી શકાય એવા વિચિત્ર આકારના અને વિચિત્ર રીતે અવસ્થિત પથ્થરો. કહે છે કે જાપાનમાં એક રૉક ગાર્ડન છે. આ બધી પહાડીઓ રૉક ગાર્ડનનું પ્રકૃત રૂપ લાગે, પણ વચ્ચે વેરાયેલાં ખંડેરોનું શું?

રસ્તે ગણેશની એક વિરાટ મૂર્તિ જોઈ, પણ અપૂજ. મૂર્તિ ખંડિત કરીને છોડી દીધેલી. મૂર્તિ એક વાર ખંડિત થયા પછી પૂજાપાત્ર રહેતી નથી. વિધર્મીઓને પૂરી મૂર્તિ તોડવાનો સમય ન હોય ત્યારે મૂર્તિનું એકાદ અંગ તોડી નાખી આગળ વધી જાય. આપણાં ઘણાં કલાસંગ્રહસ્થાનોમાં આવી ભગ્ન મૂર્તિઓ જોઈએ છીએ. ગણેશદર્શન પછી અમે મતંગ પહાડી પર ચઢ્યાં. વાલીના કોપમાંથી સુગ્રીવને બચાવનાર ઋષિના નામ પરથી આ પહાડીનું નામ છે. અહીં વીરભદ્રનું મંદિર છે.

આ ભગ્ન મંદિરોમાં જે તરત ધ્યાનમાં રહે છે, તે રામચંદ્રનું મંદિર છે. અહીં ‘હજારા રામ’ તરીકે તે ઓળખાય છે. મંદિરની આસપાસના વિસ્તારમાં અનેક ઇમારતોના ઢગલા પડ્યા છે. ગાઇડનું કહેવું હતું કે આ બધો વિસ્તાર રાજપરિવારોના નિવાસનો હતો. આ મંદિર પણ રાજમંદિર હતું. મંદિરની દીવાલો પર ત્રણ હારમાં રામાયણની મુખ્ય ઘટનાઓને કોતરવામાં આવી છે. ત્રણ વાર પ્રદક્ષિણા કરો એટલે આખી રામાયણ આવી જાય. અનેક પ્રસંગોનું કોતરકામ આપણને આકૃષ્ટ કરે. મંદિરનો શીર્ષ ભાગ તૂટેલો છે, ત્યાં ટેરાકોટાની ખંડિત મૂર્તિઓ જડેલી છે.

કૃષ્ણ-મંદિરોનું પણ એક સંકુલ ભગ્ન હાલતમાં છે. કૃષ્ણદેવરાયે ૧૫૧૩માં તેનું નિર્માણ કરેલું, રામચંદ્રના મંદિર પાસે જે જે અવશેષો પડેલા છે, તે બધાને પુરાતત્ત્વવિદોએ ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. રામચંદ્રના મંદિર પાસેનો વિસ્તાર ‘જનાના’ તરીકે ઓળખાય છે. રાજાની રાણીઓ ત્યાં રહેતી હશે. આ કદાચ રાજાના સેનાપતિનો પણ નિવાસ હોય એમ પણ કહેવાય છે. આ વિસ્તારમાં કેટલીક ઇમારતો ઇસ્લામી સ્થાપત્ય ધરાવે છે. એ બધી બચી ગઈ છે. ગાઇડ કહે – મુસલમાનોએ ઇસ્લામી સ્થાપત્ય હોવાથી એ તોડી નથી, ‘બાકી સબ કો માર દિયા.’ ઇમારતોને તોડી નાખી એને હિન્દીમાં ‘એ માર દિયા’ જ કહેતો.

રાણીઓનાં હમામખાનાં પુરાણા વૈભવની ચાડી ખાતાં ઊભાં છે. અને બાજુમાં સાબૂત ઊભેલો ‘કમલ મહલ’ છે. ‘લોટસ મહલ’ના નામથી ઓળખાય છે. આ બધી વિશાળ ખુલ્લી જગ્યાઓ છે. કર્ણાટક સરકારે અહીં વધુ પ્રવાસીઓને આકર્ષવા દીવાઓની ગોઠવણ કરી છે. વિજયાદશમીએ ખાસ કાર્યક્રમો ગોઠવાય છે. આજે પણ વિજયનગર-હમ્પીના અવશેષોનું ઉત્ખનન વેગથી ચાલે છે. વિજયનગરને કર્ણાટકની અસ્મિતાનું પ્રતીક બનાવવાની સરકારની નેમ છે.

કાલે રાત્રે સૂતી વેળાએ અહીંના બુક-સ્ટૉલ પરથી ખરીદેલી એક ચોપડીનાં પાનાં ઉથલાવ્યાં હતાં. ચોપડીનું નામ છે – ‘હમ્પી રૂઇન્સ.’ વર્ષો પહેલાં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાના એક બ્રિટિશ અધિકારી લૉન્ગ હર્સ્ટે લખેલી એ ચોપડી છે. અનેક ચિત્રો એમાં છે. એથી આજે લખતી વખતે ક્યાંક એની વાત પણ આવી જાય છે. એણે અહીંની સિંચાઈ પદ્ધતિની અને જળવહનની પદ્ધતિની વાત કરેલી છે. ગાઇડે પથ્થરની કોતરેલી નહેરોની જે વાત કરેલી, તેનો તાળો મળી ગયો. ખૂબીની વાત એ છે કે હજી કેટલીક નહેરો જીવંત છે. અને આજુબાજુનાં શેરડીનાં ખેતરોમાં તુંગભદ્રાનું પાણી સિંચે છે.

બપોર તો થઈ ગઈ હતી. એક કૅન્ટીનમાં નાસ્તો કરી અમે તુંગભદ્રાની દિશામાં પ્રયાસ કર્યો. વાહન વિના આ બધા દૂર દૂરના વિસ્તારો એક દિવસમાં જોઈ ન શકાય.

એ માર્ગે શેરડીનાં ખેતરોની પૃષ્ઠભૂમિમાં એક નાનકડો ભૂમિખંડ છે. ત્યાં ઊતરીને જોયું તો એક મોટા પથ્થરમાંથી કોતરેલી નરસિંહની વિરાટ પણ ભગ્ન મૂર્તિના પુનરુદ્ધારનું કાર્ય ચાલે છે. પુરાતત્ત્વ ખાતાના નિષ્ણાતોએ તાજેતરમાં શોધ કરી છે કે એ યોગલક્ષ્મી નરસિંહની મૂર્તિ છે. લક્ષ્મીનો એક હાથ આ મૂર્તિ સાથે જડાયેલો છે. લક્ષ્મીની મૂર્તિનો કેટલોક અંશ બાજુમાંથી મળી આવ્યો છે, અને હવે એ મૂર્તિને ફરી મૂળને અનુરૂપ કરી આખી યોગલક્ષ્મી – નરસિંહની મૂર્તિને અસલના રૂપમાં લાવવાનો પ્રયત્ન છે.

આ જ રસ્તે જતાં વિઠ્ઠલ મંદિર આવે છે. હમ્પીની બચેલી ઇમારતોમાં સૌથી ભવ્ય, સુંદર – ભલે ભગ્ન. પણ તે પહેલાં સામે દેખાતી તુંગભદ્રા તરફ અમે ધસ્યાં. ડ્રાઇવરે કહ્યું : ‘માલ્યવાન પર મેઘ ઝૂક્યા છે, વરસાદ પડશે.’ એની એ ચેતવણી મને એકદમ રામાયણના એ પ્રસંગમાં લઈ ગઈ, જ્યાં કિષ્કિન્ધામાં વિરહી રામે આ રીતે માલ્યવાન પર મેઘને જોઈ કલ્પાંત કર્યું હતું.

અમે તુંગભદ્રાનાં જળ સુધી પહોંચી ગયાં. ત્યાં સુધીમાં મેઘનાં જળનો અભિષેક અમારા પર થયો, પણ એનો તો આનંદ જ હતો.

પછી વિઠ્ઠલ મંદિર. એ વિષે તો એક અલગ પત્ર જ લખવો પડે. મંદિરમાં દેવતા નથી, પણ એક કાળે એ ભવ્ય મંદિર હશે. પુરંદરદાસ તુંગભદ્રામાં સ્નાન કરી વિઠ્ઠલને મંદિરે આવતા એ સાંભળી મને રોમાંચ થઈ આવ્યો. અહીં પથ્થરનો રથ છે.

ફરતાં ફરતાં સાંજ પડવા આવી – અને અમારી બસ અમને હોસ્પેટ લાવી, થોડો જમવાનો સમય આપી, તુંગભદ્રા ડેમ પર લઈ ગયા. દક્ષિણ ભારતના બંધોમાં આ કદાચ સૌથી મોટો ડૅમ. વિશાળ સરોવર. એનું નામ આપ્યું છે – પંપાદર્શન.

ત્યાંથી છેક ઊંચાઈની પહાડી પર અમે પહોંચ્યાં. બધું રમ્ય લાગતું હતું, પણ મારા મનમાં તો હમ્પીનાં ખંડેરો રમમાણ હતાં.

હમણાં હોસ્પેટથી નીકળવાનું છે એટલે પત્રનો ઉત્તરાંશ ઉતાવળમાં પૂરો કર્યો છે. હવે તો મળીશું એટલે નિરાંતે માંડીને વાત.