કાંચનજંઘા/બારી ખોલી નાખીએ

Revision as of 05:42, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બારી ખોલી નાખીએ

ભોળાભાઈ પટેલ

આવો જરા બારી ઉઘાડી નાખીએ. સામે ફેલાયેલું છે આકાશ. કદાચ આજુબાજુ નાનાંમોટાં, રંગબેરંગી ભાતભાતીલાં મકાનો ઊગી આવ્યાં છે. કદાચ આજુબાજુ ખુલ્લાં ખેતરો તાજાં ખેડાયેલાં પડ્યાં છે અને ફેલાયેલા આકાશમાં જલભર્યા મેઘખંડો તરી રહ્યા છે… પવનની ગતિ સાથે સરકી રહ્યા છે… ધરતી માથે, પેલા ખેડેલાં ખેતરો પર, પેલાં રંગબેરંગી મકાનો પર એ મેઘખંડો ઝળૂંબી રહ્યા છે.

ક્યારેક આપણે જોયું હતું વૈશાખી આભ. તડકામાં એની નીલિમામાંથીય આગ ઝરતી હતી. જેને માત્ર જીરવી રહ્યા હતા કોઈ ગુલમહોર કે ગરમાળો. પણ અત્યારે આકાશમાં સૂર્યદેવની આણ પ્રવર્તતી નથી. આકાશમાં મેઘોનું સામ્રાજ્ય છે.

જળભર્યા મેઘ અને એટલે નમ્ર, નીચા પણ કેવી તેમની ગતિશીલતા છે. મેઘ જીવનદાતા છે. જીવન એટલે પાણી અને પાણી એટલે જીવન. મેઘ એ રીતે જીવનના વિધાયક છે. કાલિદાસના યક્ષે આષાઢના પહેલા દિવસે મેઘને જોયો હતો અને એ બિચારા વિરહીને કૈક કૈક થઈ ગયું હતું… મેઘ સાથે એને પોતાની વિરહિણી પ્રિયાને ઉત્તરે અલકાપુરીમાં સંદેશો કહેવડાવ્યો હતો.. કહે છે કે, મેઘ સંદેશો લઈ ગયેલો અને યક્ષને શાપમાંથી મુક્તિ મળી હતી. આજે આપણે મેઘને સંદેશવાહક બનાવીશું… ના, સંદેશપ્રેરક ગણીશું. આપણે અનેક કુંઠાઓના શાપથી ગ્રસ્ત છીએ, કૃપણતાના શાપથી ગ્રસ્ત છીએ.

મેઘની ઉદાર રમતિયાળ લીલા જુઓ. કેવાં વિવિધ રૂપે અને રંગે અજસ્રપણે વિહરે છે. ક્યારેક હાથીની જેમ ડોલતી ચાલે છે, ક્યારેક હરણી જેમ કૂદકા ભરે છે. ક્યારેક પહાડની જેમ અચલ દીસે છે, ક્યારેક પતંગિયાની જેમ ચંચલ દીસે છે…. અને રંગોની પણ કેવી મોહક લીલા? નીલ આકાશની પશ્ચાત્‌ભૂમિમાં ક્યારેક ભળી જતી ગુલાબી ઝાંય, ક્યારેક લોહીનીંગળતા ચર્મનો રક્તરંગ, ક્યારેક શિવના ભસ્માવલેપન સમો આછો રાખોડી રંગ.

અને એ મેઘ જ્યારે સુક્કી ધરતી પર અનરાધાર વરસી પડે છે ત્યારે ધરતીને મળે છે જીવન. મેઘ વરસતા જાય છે. ગ્રામ પર, નગર પર, પહાડ પર, નદી પર.. ખેડેલાં ખેતરનાં ચાસચાસમાં… એક કવિ કહે છે, તેમ મોતી પેરતાં જાય છે.

ધરતીમાંથી સંતૃપ્તિની જાણે સોડમ પ્રસરી જાય છે. મેઘ અને ધરતીની કેવી તો ગોઠડી… અને એમાંથી મહોરે છે માનવજીવન, સમસ્ત જીવન.

જળ ભર્યા ભર્યા મેઘ, કેવા તો નમ્ર, ઉપકારપ્રવણ હતા? મેઘ વરસી ગયા, હળવા બની ગયા, કશીય કૃપણતા તેમની પાસે નથી, દૂર ચાલી જતાં જતાં, વરસતાં વરસતાં રિક્ત બની ગયા… બની ગયા પછી શરદના મેઘ! શ્વેત શ્વેત. અપાર હેત દર્શાવતા શ્વેત અભ્રખંડો નીલગગનમાં તરતાં તરતાં અર્પણની સાર્થકતાનું ગાન ગાય છે.

આવો, જરા બારી ખોલી નાખીએ… મુક્ત થઈએ… ઉદાર બનીએ અને આ મેઘની પાંખે ચઢી ગગનચારી બનીએ.

૧૯૭પ