વિદિશા/નિવેદન

Revision as of 06:09, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિવેદન

ભોળાભાઈ પટેલ

શ્રી નિરંજન ભગતે ‘સાહિત્ય’ ત્રૈમાસિક માટે નિબંધ લખવાનું મારે માટે અનિવાર્ય ન બનાવ્યું હોત તો કદાચ આ પુસ્તક હયાતીમાં ન આવ્યું હોત.

પહેલો નિબંધ ‘વિદિશા’ સાંભળી જઈ શ્રી નિરંજન ભગતની સાથે જ શ્રી ચંદ્રકાન્ત શેઠે આનંદ વ્યક્ત કર્યો, ‘સાહિત્ય’માં છપાયા પછી અનેક મિત્રોએ. સ્વાતિબહેનના પરીક્ષણમાંથી પણ એ ઉત્તીર્ણ થયો. શ્રી રઘુવીરે એક આખી શ્રેણી રચવા સૂચન કર્યુ.

‘સાહિત્ય’માં જેમજેમ આ નિબંધો છપાતા ગયા, તેમતેમ અનેક સાહિત્યકાર મિત્રોએ અને જીવનનાં અન્ય વિવિધ ક્ષેત્રોમાં રહેલા મિત્રો અને મુરબ્બીઓએ પત્ર દ્વારા કે ક્વચિત્ વાતચીતમાં પોતાની પ્રસન્નતા (ક્વચિત્ કોઈ નિબંધ પરત્વે અપ્રસન્નતાય) વ્યક્ત કરી છે.

શ્રી ઉમાશંકર જોશી અને શ્રી હરિવલ્લભ ભાયાણીએ નિબંધોની રચનારીતિને પ્રભાવિત કરી છે. શ્રી ભગતભાઈ શેઠે ‘સાહિત્ય’ના ચાર અંક પ્રગટ થયા કે તરત આ નિબંધો પુસ્તક રૂપે પ્રકટ કરવાની તત્પરતા દાખવી. અન્ય બે સંસ્થાઓએ પણ એવી તત્પરતા બતાવેલી.

આ નિબંધોમાં મુખ્ય સંવેદના ભ્રમણની છે. એ ભ્રમણ કરવામાં ક્યારેક એકાકી હતો, ક્યારેક મિત્રવૃન્દ સહ. આ નિબંધોમાં એ સહપ્રવાસી સાથીઓનુંય કર્તુત્વ છે.

નતમસ્તકે સૌના ઋણનો સ્વીકાર કરું છું.

‘ચિલિકા’ નિબંધ સંસ્કૃતિમાં છપાયો હતો. ‘કાશી’ અને ‘તેષાં દિક્ષું:’ સિવાયના બાકીના આઠ ‘સાહિત્ય’ના આઠ અંકોમાં છપાયેલા છે. નિબંધોમાં અહીં ક્યાંક થોડો ફેરફાર કર્યો છે.

એ પણ એક સુયોગ છે કે ‘વિદિશા’ના અંગત ઋણસ્વીકારની આ પંક્તિઓ ‘ચરથ ભિકખવે’–નો આદેશ જે ભૂમિ પરથી ગૌતમ બુદ્ધે આપ્યો હતો, તે સારનાથની પવિત્ર ભૂમિ પર લખવાની ઇચ્છા થઈ આવી. ભોળાભાઈ પટેલ
મૃગદાવસારનાથ-વારાણસી૨૬-૧-૧૯૮૦