સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/લીમડી

Revision as of 06:40, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મારે આંગણિયે લીલુડી લીમડી; લચે લિંબોળીની લૂમ : લીમડી લૂમેઝૂમે ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મારે આંગણિયે લીલુડી લીમડી;
લચે લિંબોળીની લૂમ :
લીમડી લૂમેઝૂમે રે.
વાયા વૈશાખના વાયરા,
એણે ધાવ્યાં ધરતીનાં દૂધ :
લીમડી લૂમેઝૂમે રે.
લીલીપીળી ઓઢી ઓઢણી,
માંય ચાંદાસૂરજનાં ફૂલ :
લીમડી લૂમેઝૂમે રે.
ભલે ઊગે તું મારે આંગણે,
તારાં શાં શાં મૂલવું મૂલ?
લીમડી લૂમેઝૂમે રે.
કાળે ઉનાળે તું કોળતી,
તારી ટાઢકભીની છાંય :
લીમડી લૂમેઝૂમે રે.
બળ્યાંજળ્યાંનું તું બેસણું,
થાક્યાંની ઠારે કાય :
લીમડી લૂમેઝૂમે રે.