મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૮)
Revision as of 07:03, 23 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૮)|નરસિંહ મહેતા}} <poem> પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત...")
પદ (૫૮)
નરસિંહ મહેતા
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.
પ્રેમરસ
પ્રેમની વાત પરિક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજીને રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્યે કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિને માર્ગે સૂધો દેખાડ્યો.
પ્રેમરસ
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.
પ્રેમરસ
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદ, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લ્હાણનાં વહાણ જેમ દ્વર છૂટે.
પ્રેમરસ
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;
નરસૈંયો મહામતિ ગાય છે ગુણ કથી, જતિસતિને તો સપને ન આવે.
પ્રેમરસ