સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/સંગમ

Revision as of 06:45, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ૧ સખી, આપણો તે કેવો સહજ સંગમ! ઊડતાં ઊડતાં વડલા-ડાળે, આવી મળે જેમ કો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સખી, આપણો તે કેવો સહજ સંગમ!
ઊડતાં ઊડતાં વડલા-ડાળે,
આવી મળે જેમ કોઈ વિહંગમ-
એમ મળ્યાં ઉર બે અણજાણ;
વાર ન લાગી વહાલને જાગતાં :
જુગજુગની જાણે પૂરવપિછાણ!
પાંખને ગૂંથી પાંખમાં ભેળી,
રાગની પ્યાલી રાગમાં રેડી,
આપણે ગીતની બંસરી છેડી.
રોજ પ્રભાતે ઊડતાં આઘાં,
સાંજરે વીણી વળતાં પાછાં :
તરણાં, પીછાં, રેશમી ધાગા;
શોધી ઘટાળી ઊંચેરી ડાળો,
મશરૂથી યે સાવ સુંવાળો
આપણે જતને રચિયો માળો.
એકમેકમાં જેમ ગૂંથાઈ
વડલાની વડવાઈ, રૂપાળી
તેજ-અંધારની રચતી જાળી,
રોજિંદી ઘટમાળમાં તેવાં
હૂંફભર્યા સહવાસથી કેવાં
આપણાં યે સખી, દોય ગૂંથાયાં!
અંતર પ્રેમને તંત બંધાયાં!
ઋતુઋતુના વાયરા જોયા,
ભવના જોયા તડકા-છાંયા;
ભાગ્યને ચાકડે ઘૂમતાં ઘૂમતાં
જિંદગીના કેવા ઘાટ ઘડાયા!
આપણે એમાં સાવ નિરંજન,
સુખને, દુખને ભોગવે કાયા;
જે જે, સખી, દીનાનાથે દીધું,
આપણે તે સંતોષથી પીધું;
સંગ માણી ભગવાનની માયા!

જોને, સખી, જગવડલા હેઠે
ઋણસંબંધે આવી ચડેલો
કેવો મળ્યો ભાતભાતનો મેળો!
કોક ખૂણે સંસારિયાં ઋણી :
કોક ખૂણે અવધૂતની ધૂણી!
કોક પસંદ કરે સથવારો :
કોક વળી નિ :સંગ જનારો!
ભોર ભઈ તોય ઘોરતો ગાફલ :
કોક સચેત અખંડ જ જાગે!
કોક ઉતારી બોજની ભારી,
ખાઈ પોરો પલ ચાલવા લાગે!
અમલકસૂંબા ઘોળતી પેલી
જામતી રાતે જામતી ડેલી;
કરમી, ધરમી, મરમી વચ્ચે
ગ્યાનની કેવી ગોઠ મચેલી!
ઢળતી ઘેઘૂર છાંયડી હેઠી
ભજનિકોની મંડળી બેઠી;
ઉરને સૂરના સ્નેહથી ઊંજે,
ઘેરો ઘેરો રામસાગર ગુંજે!

વગડાના સૂનકારને માથે
તડકો કેવો ઝાપટાં ઝીંકે!
આવી જાણે પ્રલ્લેકાળની વેળા :
જીવ ચરાચર કંપતા બીકે!
તો ય જોને પેલું ધણ રે ધ્યાની :
નિજાનંદે જાણે ડોલતો જ્ઞાની!
હોલા ભગતને ધૂન શી લાગી!
તૂહી તૂહી કેવો ગાય વેરાગી!
ચોખૂણિયા પેલી ચોતરી વચ્ચે
કોક અનામી સતીમાની દેરી;
પાસે ઊભો પેલો પાળિયો ખંડિત
શૌર્યકથાઓનાં ફૂલડાં વેરી.
એક કોરે પેલી પરબવાળી
તરસ્યા કંઠની આરત જાણી,
કોરી માટીની મટકી માંહી
સંચકી બેઠી શીતલ પાણી.
મટકીનું પીને ઘૂંટડો પાણી,
ભવનો મેળો ભાવથી માણી,
આપણે યે વિશરામ કરી ઘડી
ઊડશું મારગ કાપતાં આગે;
થોભશું ક્યાંક જરી પથમાં વળી
પાંખને થાક જ્યહીં, સખી, લાગે.
આંખ ભરી ફરી નીરખી લેશું,
આપણે સંગ જે યાતરા ખેડી;
પાંખમાં વેગ ભરી નવલા, ફરી
કાપશું કોટિક તેજની કેડી…
તેજની કેડી… તેજની કેડી…