સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/ચમેલીને ઠપકો

Revision as of 06:46, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ચટકીલી મોરી ચમેલડી રે, લૂમે લૂમે લટક્યાં ફૂલ, ’લી ચમેલડી! ઝાઝાં ઉ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ચટકીલી મોરી ચમેલડી રે,
લૂમે લૂમે લટક્યાં ફૂલ, ’લી ચમેલડી!
ઝાઝાં ઉછાંછળાં ના થૈએ જી રે.
ચટકીલી મોરી ચમેલડી રે,
માનભર્યાં મોઘમમાં રૈએ ’લી ચમેલડી!
ગોપવીએ ગોઠડીને હૈયે જી રે.
ખીલે સરવર પોયણી, રમે ચન્દ્ર-શું રેન :
પરોઢનો પગરવ થતાં, લાજે બીડે નેન.
ચટકીલી મોરી ચમેલડી રે,
ઝાઝાં ના ગંધ ઢોળી દૈએ, ’લી ચમેલડી!
જોબનને ધૂપ ના દૈએ જી રે.
ચટકીલી મોરી ચમેલડી રે,
વાયરાના વાદ ના લૈએ, ’લી ચમેલડી!
ઘેર ઘેર કે’વા ના જૈએ જી રે.
સ્વાતિમાં સીપોણીએ જલબિન્દુ ઝિલાય :
વિશ્વ ભેદ જાણે નહીં, મોતી અમૂલખ થાય!
ચટકીલી મોરી ચમેલડી રે,
ભમરાની શી ભૂલ, ’લી ચમેલડી!
પોતે જો ઢંગે ના રૈએ જી રે?
ચટકીલી મોરી ચમેલડી રે,
રૂપનાં રખોપાં શીખી લૈએ, ’લી ચમેલડી!
દૂજાંને દોષ ના દૈએ જી રે.