પુનરપિ/જીવનનો સોમવાર

Revision as of 05:21, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જીવનનો સોમવાર

મને સૌથી મીઠાં સ્મરણો સવારનાં,
જીવન સોમવારનાં,
પૌરુષના પ્રભાતનાં,
ઉપરછલ્લી ભાતનાં.

તળિયા કૂવા તણા શું મનડું ગભીર-ધીર
ઊંચે ઝળૂંબે મથાળ;
જાણે શૈશવની પાળ.
એ છીછરી સપાટીનાં સોણલાં રહી ગયાં.
ઝરણાં સુખદુ:ખનાં કોતરી ગયાં
જેની નીચે આ એક ઊંડો ખાડો,
વ્યક્તિત્વ કેરો વાડો.

જ્યારે સપાટ હતું મન,
સ્લેટ સાફ માપતી ગગન;
ચિત્રો સહુ હજી હતાં અઘન —
ત્યારે જોતો તરણાંમાં હું વન;
પોપટના ખર્યા એક પીંછમાં,
મદારીના નથડેલ રીંછમાં,
હું જોતો બ્રહ્માંડ!

કણેકણે કાંડ!
કલ્પના હતી કુમારી: આજ એ ગંગાસ્વરૂપ
(સ્વર્ગવાસી મિસ્ટર તરંગની)
ખૂણે બેઠી ચૂપ!

15-8-’57