ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહમ્મદ માંકડ/તપ

Revision as of 08:50, 25 September 2021 by MeghaBhavsar (talk | contribs)
તપ

મોહમ્મદ માંકડ

પ્રતાપગઢની સીમમાં ભરવાડ અને કોળી વચ્ચે ધીંગાણું થયું અને બે ભરવાડની લાશો ઢળી ગઈ ત્યારે દિવાળીને ગયે હજી માંડ માંડ પાંચ-સાત દિવસ થયા હતા. હુંસાતુંસી ઘણા વખતથી ચાલતી હતી. પણ બંને પક્ષો આમ ઓચિંતા જ સામસામા આવી જશે અને ફટાફટી થઈ જશે એમ કોઈએ માન્યું નહોતું. ગામમાં સમાચાર આવ્યા ત્યારે માણસોને આંચકો લાગી ગયો, શું કહો છો!

પણ એથીય મોટો આંચકો તો એ મારામારીનો કેસ ચાલ્યો અને મોહનને જનમટીપની સજા પડી ત્યારે ઘણાંને લાગ્યો. મોહન જુવાનજોધ હતો અને એની વહુ લાખુ હજી હમણાં જ આણું વાળીને આવી હતી અને ધીંગાણામાં મોહન કાંઈ એકલો નહોતો. સાત ભરવાડ હતા અને આઠ કોળી હતા, પણ કોર્ટમાં બધા નિર્દોષ છૂટી ગયા હતા, ફક્ત બે જણાને સજા પડી હતી. રવલાને પાંચ વરસની પડી હતી અને મોહનને જનમટીપ પડી હતી. પ્રતાપગઢ ગામમાં રવલાને પાંચ વરસની સજા પડી એમાં કોઈને નવાઈ લાગી નહોતી, પણ મોહનને જનમટીપ કઈ રીતે પડી એ માણસોને સમજાતું નહોતું. આ તો ઓળિયોઘોળિયો જાણે એના એકલા ઉપર જ આવી ગયો.

અને એય ઠીક, પણ હવે?

આમ તો હવે વાત પૂરી થઈ હતી, પણ પ્રતાપગઢમાં કોળીની વસ્તી વધારે હતી અને એમને મન તો હવે જ વાત શરૂ થતી હતી – લાખુનું શું! ઊંચી, પાતળી, નકોર લાકડામાંથી કંડારીને ઘડી હોય એવી મરોડદાર લાખુનું શું! મોહનો જનમટીપ ભોગવીને પાછો આવ્યો ત્યાં સુધી લાખુ –

ના રે ના, માણસો માથું ધુણાવતા. જનમટીપ ભોગવીને મોહનો પાછો આવે ત્યાં સુધી ભગવાનનું નામ લ્યો! અને કોળીની નાતમાં નાતરાની ક્યાં નવાઈ હતી! અને આમાં લાખુનો કાંઈ વાંક પણ કાઢી ન શકાય. લાખુ સવળોટી હતી. સહેજ કાળી હતી પણ કચકડા જેવી હતી અને હજી નછોરવી હતી અને મોહનના કુટુંબમાં, પાછળ એક ઘરડી મા સિવાય બીજું કોઈ નહોતું. લાખુનો મારગ મોકળો હતો. પ્રતાપગઢના માણસો, માછલા ઉપર બગલો ટાંપીને બેસે એમ લાખુની વાત ઉપર ટાંપીને બેઠા હતા – આજ જાય કે કાલ જાય.

– પણ જાય તો ક્યાં જાય? કોને જાય? અવનવી અટકળો ગામમાં થતી હતી.

લાખુનો મારગ સાચે જ મોકળો હતો. ઘરમાં એક ઘરડી સાસુ હતી. એને રોકી રાખે, દખલ કરે, નાતજાતમાં મુશ્કેલી ઊભી કરે એવું કોઈ નહોતું. પિયરમાં પણ એક ભાઈ હતો. સાવ સીધી પાટી હતી. પણ લાખુ જાણે મોકળા મારગે જવા માગતી નહોતી. સહેજ ઊંધી ખોપરીની હતી. છ મહિના, આઠ મહિના, એક પૂરું વરસ વીતી ગયું. એટલે માણસોને ખાતરી થઈ કે લાખુ થોડીક ઊંધી ખોપરીની હતી.

લાખુને એના ધણી ઉપર ખૂબ ઊંડી માયા હતી. મોહનને જનમટીપ પડી ત્યારે થોડા દિવસે એણે ખૂબ રોઈ લીધું. પછી ઘરમાં અને કામમાં જીવ પરોવી દીધો. વહેલી સવારે એ ઊઠતી અને આખો દિવસ પંડ પછાડીને કામ કર્યા કરતી. ઘરડી સાસુ એ જોયા કરતી. એના દીકરાની વહુ ભલી હતી, હેતાળ હતી, કામઢી હતી, પણ એ જુવાન હતી. વહેલી કે મોડી હવે આ ઘરમાંથી એ જવાની હતી. એ ગમે એટલું હેત રાખે, ગમે એટલું કામ કરે, પણ પરિણામ દીવા જેવું ચોખ્ખું હતું. આ ઘરમાં હવે વોડકીને બાંધી રાખે એવો કોઈ ખીલો નહોતો અને એટલે લાખુ ઉપર માયા રાખવી નકામી હતી.

પણ લાખુને એની ઘરડી સાસુ સાથે અપાર માયા હતી.

ઉનાળામાં લાખુએ એના ભાઈને પોતાની જમીન ખેડવા બોલાવ્યો. એનો ભાઈ કાનજી સમજદાર હતો. બહેનનું મન જાણવા એણે વાત છેડી, ‘તું આ જમીંની ટંટળ નકામી રાખ છ.’

લાખુ કાંઈ બોલી નહિ.

‘બાપાએ પુછાવ્યું છે કે, હવે તું ક્યારે આવીશ!’

લાખુ ભાઈના પ્રશ્નનો મર્મ સમજતી હતી છતાં કાંઈ સમજતી ન હોય એ રીતે બોલી, ‘ડોશી બાપડાં પૂરું ભાળતાંય નથી.’

‘એમ નહિ –’ કાનજી બોલ્યો અને બાકીનું મૌનથી સમજાયું.

લાખુએ એના જવાબમાં ભાઈ સામે ફક્ત નજર માંડીને જોયું અને બોલ્યા વિના જાણે જવાબ આપી દીધો.

ચોમાસામાં જમીન વાવવા માટે કાનજી ફરીવાર આવ્યો. ફરીથી એણે વાત કાઢી, ‘તારી ભાભી બઉ યાદ કરે સે.’

‘મારેય આવવું સે, પણ ડોશી, બાપડાં પૂરું ભાળતાં નથી. એમને એકલાં મૂકીને આવું તો –’

‘મેં તો બાપાને કીધું,’ કાનજી બોલ્યો. ‘લાખુને ડોશીની બઉં વળગણ સે. ડોશી જીવે સે ન્યાં લગી –’

‘એવુંય નથી,’ લાખુ વચ્ચે બોલી.

‘તો, આ ઘરને અને જમીનને તું શું કામ બથ ભરીને પડી સો! અને… આ પછેડી જેટલી જમીનમાં પાકશેય શું!’

‘મારે ક્યાં કળશી કુટુંબ સે, ભાઈ!’ અને ભાઈને ખોટું ન લાગે એવી રીતે ટકોર પણ કરી દીધી, ‘તમને બે ગામ વચ્ચે આંટાફેરામાં બઉ હેરાનગતિ તો નથી થાતી ને!’

‘એવી વાત શું કર છ ગાંડી!’ કાનજી ગળગળો થઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે એની બહેન કાંઈક જુદી રીતે વિચારતી હતી.

લાખુને મા નહોતી. એનો બાપ સુખો મોટી ઉંમરનો હતો. લાખુ ઉપર એને બહુ હેત હતું. એક વાર એણેય આવીને લાખુ સાથે બે વાત કરી જોઈ, ‘લાખુ આમ ને આમ તો, બટા –’

પણ લાખુ, કોણ જાણે આમ ને આમ જ જીવવા માગતી હતી.

લાખુની સાસુને પણ દિનરાત એ જ પ્રશ્ન મૂંઝવતો હતો. આ જુવાન, નછોરવી વહુ આમ ને આમ…? એને કાંઈ સમજાતું નહોતું.

લાખુ એના પિયર જતી નહોતી. કાનજી અવારનવાર આવતો. ક્યારેક એનો બાપ પણ આવતો. ડોશી મનમાં સતત ડર્યા કરતી, નક્કી કાંઈક વેતરણ ચાલતી લાગે છે! એક વાર તો સામેથી આગ્રહ કરીને એણે સુખાને કહ્યું પણ ખરું, ‘લાખુને તેડી જાવ.’

પણ સુખાએ જવાબ દીધો, ‘લાખુનો જીવ તમારી હારે મળી ગયો સે. તમને મૂકીને આવવાની ના પાડે સે.’

ડોશીને બહુ નવાઈ લાગી. આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. મનમાં ઊંડે ઊંડે થયું, આમ બને નહિ. ક્યારેય, કોઈ કાળે બને નહિ.

પણ, એમ જ બનતું હતું. લાખુ ઘર છોડીને જતી નહોતી. બે વરસ વીતી ગયાં. ત્રણ વરસ પૂરાં થયાં. એક દિવસ ડોશી બીમાર પડી અને લાખુ પાસે બહુ ચાકરી કરાવ્યા વિના જ ગુજરી ગઈ. લાખુ હેબત ખાઈ ગઈ – હવે?!

એક વંટોળ ઊભો થયો. લાખુ આંખો બંધ કરીને, બે પગ વચ્ચે માથું છુપાવીને, જાણે બેસી ગઈ. વંટોળે થોડા દિવસ ઘૂમરીઓ લીધી અને પછી હળવે હળવે વીંખાઈ ગયો. લાખુ ફરીથી જીવવા લાગી. ભાઈ સાથે થોડી રકઝક કરીને, થોડુંક રોઈને, એના બાપ સુખાને પોતાની સાથે રહેવા એ લઈ આવી. પ્રતાપગઢમાં માણસોને વાતની ખબર પડી એટલે એકબીજાને કહેવા લાગ્યાં, માળી આ તો ભગતાણી થઈ ગઈ!

લાખુ ભગતાણી તો નહોતી, પણ ત્રણ વરસમાં એના ચહેરા ઉપરથી તોફાન જાણે નીતરી ગયું હતું અને શરીર સુકાવા લાગ્યું હતું. જુવાની હતી, પણ એમાં ઉછાળો નહોતો. નદીની સેર, આછી-પાતળી વહેતી હતી. એના ઉપરથી સૂકા ભઠ દિવસો પસાર થતા હતા. આજ સુધી સાસુ ઉપર જિંદગી ટેકવીને એ જીવતી હતી. હવે એના બાપ ઉપર વળગણ લગાડી હતી. જીવન જીવવા માટે એક ખીંટીની જરૂર હતી – નાનકડા ટેકાની જરૂર હતી. બાપાનો ટેકો એણે શોધી કાઢ્યો હતો. હવે જિંદગીને વળગણી ઉપર એ લટકાવી શકી હતી. ધીમું ધીમું જિવાતું હતું, પણ જીવતા રહી શકાતું હતું. ક્યારેક એને થતું, ઘરડા બાપની ચાકરી કરવાનો આવો મોકો મળ્યો – એય સારું થયું ને!

જિંદગીથી સંતોષ નહોતો, પણ બહુ અબળખાય નહોતી અને આશા ઊંડે ઊંડે સળગતી હતી, લાલમલાલ સોનેરી જ્યોત… કેટલાં વરસ! ત્રણ તો વીતી પણ ગયાં!

પ્રતાપગઢમાં બીજો એક ભારે વજનદાર બનાવ બની ગયો. આખું પ્રતાપગઢ ગામ, બે ઘડી હાલકડોલક થઈ ગયું. ચકુ ભગાનો નાનુ મોટરસાઇકલ ઉપર ગોરૈયા જતો હતો. રાતનો વખત હતો. માણસો કહેતા હતા કે, લાંબી મુસાફરી હોય ત્યારે નાનકો બરાબર પીને મોટરસાઇકલ ફેંકે છે. ગમે તે બન્યું, નાનુએ પીધો હોય કે કેરિયરના ડ્રાઇવરે પીધો હોય, કાંઈક ગરબડ થઈ ગઈ. મોટરસાઇકલ જયપુરના એક પબ્લિક કેરિયર સાથે અથડાઈ ગઈ અને નાનુની ખોપરી ફાટી ગઈ. કેરિયર ઊથલી પડ્યું. અરેરાટી થઈ જાય એવો અકસ્માત થઈ ગયો. પ્રતાપગઢમાં જેણે જેણે સાંભળ્યું એનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. નાનુની વહુ કાશી હજી નાની ઉંમરની હતી અને એને બે નાનાં છોકરાં હતાં. આસમાન જાણે ચિરાઈને ફાટી પડ્યું. કાળો કકળાટ થઈ ગયો.

પણ એ કકળાટ, અરેરાટી, હલચલ, બધું ધીમે ધીમે શમી ગયું. ત્રણ મહિના વીત્યા, ચાર મહિના વીત્યા, છ મહિના વીત્યા, કાશીએ બીજું ઘર કર્યું. મેરકા ઘાયલના ઘરમાં જઈને એ બેઠી. બધું થર પડી ગયું. પ્રતાપગઢમાં, સુખ હોય કે દુઃખ, આમ જ બધું થર પડી જતું હતું.

માત્ર, એક લાખુ, હજી થર પડતી નહોતી. માણસોનાં મનમાં હજી એ સળવળતી હતી. કાશી બે નાનાં છોકરાં લઈને, મેરકા ઘાયલના ઘરમાં બેઠી એટલે લાખુ માણસોના મનમાંથી બહાર નીકળીને ફરી એક વાર એમની વાતોમાં સળવળવા લાગી.

‘મારી બેટી લાખુડી, વાણિયા-બામણનેય ટપી જાય એવી નીકળી!’

‘ઠીક હવે, મારા ભાઈ.’

‘ઠીક કેમ!’

‘ત્યારે શું!’

‘ના, હોં મારી બેટી છે ટંખણખાર જેવી. એની કોઈ વાત આપણે સાંભળી નથી.’

‘પણ હવે એનામાં રહ્યું છેય શું!’

‘હા, સુકાઈ ગઈ છે. સુકાઈને કોચલું વળી ગઈ છે. પણ… તોય…’

સાચું ભાઈ, ગમે તેવી સુકાઈને કોચલું વળી ગઈ હોય તોય જુવાન બૈરી!

– પણ, હવે લાખુની જુવાનીય કેટલાં વરસ! આમ ને આમ સુકાતી જાય – સુકાતી જાય તો…

લાખુના ભાઈ કાનજીને પણ આટલા વખત પછી ફરી મનમાં કંઈક ઊગ્યું હશે એટલે લાખુ પાસે એણે વાત કાઢી, ‘કે’સે કે કાશી બે છોકરાં લઈને મેરકા ઘાયલના ઘરમાં બેઠી!’

લાખુએ ભાઈ સામે જોયું. હોઠ ઉપર આંગળી રાખીને, સહેજ માથું હલાવીને કહ્યું, ‘હા!’

અને પછી કાંઈક ખંખેરતી હોય એમ હોઠ ઉપરથી હાથ લઈને ખંખેરી નાખ્યો… કાનજીને લાગ્યું કે, એની બહેન એને કહેતી હતી, મારો ધણી ક્યાં હજી મરી ગયો છે – અને મારે ક્યાં નાનાં છોકરાં મોટાં કરવાની ફિકર છે!

વાત એણે છેડી એવી જ દાટી દીધી.

પણ લાખુ સુકાતી જતી હતી. કાળી પડતી જતી હતી અને માથામાં કાનજીની નજર પડી ગઈ… લાખુના માથામાં ધોળા વાળ દેખાતા હતા. કાનજી નજર ફેરવી ગયો. એનું હૈયું ભરાઈ આવ્યું લાખુ, આવું શા માટે! આમ સુકાઈ મરવાનો અર્થ શો! પણ લાખુને સીધેસીધું કાંઈ પૂછતાં એની જીભ ઊપડતી નહોતી.

અને લાખુને એણે પૂછ્યું હોત તો એનો જવાબ કદાચ લાખુ પાસે પણ નહોતો. શા માટે એ આમ સુકાઈ મરતી હતી! એને કોણ રોકે એવું હતું!

– કોઈ રોકે એવું નહોતું, એટલે જ કદાચ એ રોકાઈ રહી હતી. માણસ એક અજબ પૂતળું છે. એને જીવવા કરતાંય ક્યારેક મરવું વધારે ગમતું હોય છે. લાખુ ઉપર કોઈનો દાબ નહોતો, એનો રસ્તો સરળ હતો, પણ સરળ રસ્તે એને જવું નહોતું અને હવે, અઘરા અને અટપટા રસ્તા ઉપર એ ઘણી આગળ નીકળી ગઈ હતી. જિંદગીના ભાર નીચે પિસાતી, કચડાતી, ઘસડાતી, સમયના પ્રવાહમાં એ આગળ ધકેલાતી હતી.

એક વાર કાનજીને લાખુએ ખાસ સંદેશો મોકલીને બોલાવ્યો. બહેનને એવું તે શું કામ હશે, એ કાનજી સમજી શક્યો નહિ. એના મનમાં અનેક વિચારો ઘૂંટાઈ ગયા.

લાખુએ બહુ જ સંકોચથી ભાઈને કહ્યું, ‘જેલમાંથી… અમુક વરસે ઘરે આવવા દે સે, ઈ વાત સાચી!’

કાનજી બહેન સામે તાકી રહ્યો. એનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. વાત તો એણે પણ સાંભળી હતી. છાતીમાં ગૂંગળામણ થઈ આવી. તપાસ કરવી જોઈએ, પણ આ વાત… આજ સુધી કેમ ન કરી! આજ સુધી, આટલાં વરસ, આટલા મહિના, આટલા દિવસ, આટલી ઘડી પળ લાખુના મનમાં આ એક જ વાત ઘોળાતી હશે! શરીર કંપી ગયું.

લાખુ વધારે બોલ્યા વિના, ભાઈ સામે જોઈને બેસી રહી.

કાનજીએ થોડી વાર રહીને કહ્યું, ‘હું તપાસ કરી જોઉં. વાત મેંય સાંભળી છે. ઠેઠ અમદાવાદ જઈને તપાસ કરી આવું.’

લાખુ જાણે ખુશ થઈ ગઈ. એના ચહેરાની ચામડી નીચે થોડી વાર એ ખુશી ઊભરાઈ ગઈ.

કાનજી તપાસ કરવા અમદાવાદ ગયો પણ તપાસ કર્યા પછી એનો જવાબ આપવા જલદી લાખુ પાસે ન આવ્યો. પૂરું એક અઠવાડિયું પસાર થઈ ગયું. લાખુ રોજ ભાઈની રાહ જોતી રહી.

એક અઠવાડિયા પછી એ આવ્યો, પણ લાખુ સામે બેસીને વાત કરવાની હિંમત એનામાં નહોતી. લાખુ કરતાંય એ ઢીલો હતો. માંડ માંડ એણે બહેનને વાત કરી. મોહને જેલમાં તોફાન કર્યું હતું, કોઈકને માર્યો હતો. સજા વધારે કડક થઈ હતી. ઘેર આવવાની એને છૂટ મળે એમ નહોતી.

ભાઈની વાત સાંભળીને લાખુએ પોતાનું મોં ફેરવી લીધું. દાબી રાખવા ખૂબ મહેનત કરી, છતાં ડૂસકું આવી ગયું.

દિવસો, મહિનાઓ, વરસો વીતતાં હતાં. ખેતરમાં એકલ-દોકલ ચાડિયો ઊભો હોય એમ લાખુ સમયના સુક્કા મેદાનમાં ઊભી હતી. ઠંડી, ગરમી, વરસાદ, ઋતુઓ બદલાતાં હતાં. ચાડિયો ઊભો હતો. ધરતીના રંગ બદલાતા હતા, આસમાનના રંગ બદલાતા હતા, ચાડિયાના રંગ બદલતા નહોતા – રંગ ધીમે ધીમે ઊડતા જતા હતા. તડકાના તપારાથી, હવાની થપાટોથી, ક્લેવર ઘસાતું જતું હતું. ફાટી-તૂટીને, રદ્દી થતું જતું હતું.

એક વાર ભાઈ સાથે અમદાવાદ, જેલમાં જઈને લાખુ, મોહનને મળી આવી પછી તો બીજી વાર ગઈ, ત્રીજી વાર ગઈ. જ્યારે છૂટ મળતી ત્યારે ભાઈને લઈને અમદાવાદ જઈ આવતી.

જિંદગી હળવે હળવે વીતતી હતી – પણ વીતતી જતી હતી.

પ્રતાપગઢમાં, ધીમે ધીમે લાખુ ભૂંસાતી ગઈ. જુવાનિયાઓના દિલમાંથી આધેડ આદમીઓના દિલમાં થઈને એ છેક જાણે ગામ બહાર નીકળી ગઈ. એના નામમાં હવે કોઈ જાદુ નહોતું. એની વાતમાં હવે કોઈ રંગ નહોતો. એનું નામ લેતી વખતે કોઈ ઊંડો શ્વાસ લેતું નહોતું, કોઈની આંખો ફરકી જતી નહોતી, દિલમાં કોઈને ગલીપચી થતી નહોતી. લુમઝુમ લચી ગયેલા છોડનાં ફૂલ હવે ખરી ગયાં હતાં. પાન પણ ખરી ગયાં હતાં. ડાળીઓ સુકાતી જતી હતી. કોઈની નજર એના ઉપર પડે કે ન પડે બધું સરખું હતું.

માણસો ક્યારેક, વાતચીતમાં લાખુને સંભારતા, પણ એય એકબીજાને શિખામણ આપવા માટે જ. આ લાખુ… (લાખુડી નહીં)… અરે, તમને શું ખબર હોય, પંદર-સોળ વરસથી બેઠી છે.

લાખુ જીવતી સ્ત્રી મટીને જાણે એક લોકવાયકા બની ગઈ હતી.

એમ ને એમ, સત્તર વરસ વીતી ગયાં. લાખુના બાપ સુખાને હવે બરાબર સૂઝતું નહોતું, આંખે મોતિયો આવ્યો હતો. લાકડીના ટેકા વિના હવે એ ડગલુંય ભરી શકતો નહોતો. એંશીની ઉંમરે પહોંચવા આવ્યો હતો. અરે, લાખુ પોતે હવે ચાલીસે પહોંચવા આવી હતી.

સત્તર વરસ – મોહનને જનમટીપ પડી એને સત્તર વરસ વીતી ગયાં હતાં. પ્રતાપગઢમાં પેઢીઓ બદલી ગઈ હતી, માણસો બદલી ગયા હતા. જીવનની કરણી બદલી ગઈ હતી. ગામની સિકલ ફરી ગઈ હતી. જિંદગીની ભાત બદલી ગઈ હતી.

અને, પૂરાં સત્તર વરસ પછી એક દિવસ મોહન જેલમાંથી છૂટીને ઘેર આવ્યો.

મોહન જેલમાંથી છૂટીને આવ્યો તે દિવસે કાનજી બહેનના ઘેર હતો. બનેવીને મળવા એ આવ્યો હતો અને ખાસ તો એના બાપ સુખાને તેડવા આવ્યો હતો. હવે સુખો, એક દિવસ પણ દીકરીના ઘરે રહેવા માગતો નહોતો.

રાત્રે કાનજી અને મોહન ફળિયામાં ખાટલા નાખીને સૂતા, અને લાખુ ઓરડામાં સૂતી, પણ આખી રાત, સવારોસવાર એ જાગતી રહી. કાનજી અને મોહન મોડી રાત સુધી વાતો કરતા રહ્યા, બીડીઓ પીતા રહ્યા, લાખુ એમની વાતો સાંભળતી રહી. મોહન બહુ બોલતો નહોતોપણ જે બોલતો એ લાખુ પોતાના કાનમાં સંઘરી લેતી અને પછી એકલી સાંભળ્યા કરતી. બીજે દિવસે કાનજી અને સુખો જતા રહ્યા.

સત્તર વરસ પછી તે દિવસે મોહને લાખુને બરાબર ધારી ધારીને જોઈ, અને દિવસે ન જોઈ એટલી રાતે ધારી ધારીને જોઈ. ઘાસલેટના દીવાના અજવાળે બેઠી બેઠી લાખુ ઓઢણાને થીંગડું દેતી હતી. મોહન બીડી પીતો હતો. સત્તર વરસ પહેલાં લાખુ કેવી લાગતી હતી – જેલમાં મળવા આવતી ત્યારે કેવી લાગતી – એની કોઈ છાપ મોહનના મનમાં નહોતી, પણ હવે સત્તર વરસ પછી લાખુ એની નજર સામે નિરાંતે બેઠી હતી. ઓઢણાને થીંગડું દેતી હતી. હળવા દબાયેલા અવાજે વાતો કરતી હતી.

‘નળિયાં ક્યારે ચળાવ્યાં સે!’ મોહન પૂછતો હતો.

‘જેઠ મહિનામાં.’

‘હીરા રણછોડનું પાણી હજી આપડા ફળિયામાં આવે સે!’

‘હીરા રણછોડવાળા હવે કોઈ રે’તા જ નથી. ઈમણે ઘર વેસી નાખ્યાં. ગામ છોડીને ભાગી ગયા.’

‘મગન ઓધાનો રતિયો શું કરે સે! ગામમાં સે કે બા’ર ગામ!’

‘તમે ઈને જોજો તો ખરા. ઈની તો ફાંદ વધી ગઈ સે. મોટો શેઠ થઈ ગ્યો સે.’ લાખુ હસી પડી.

મોહન પત્ની સામે જોઈ રહ્યો. લાખુના ઉપરના દાંત સહેજ આગળ આવી ગયા હતા અને નીચલો એક દાંત પડી ગયો હતો. આમ તો ગઈ કાલે એ ઘરે આવ્યો હતો, પણ આ તો અત્યારે જ જોયું! અને પડી ગયેલા દાંતની બખોલમાં નજર પડી એટલે ઘડીક તો નજર ત્યાં જ અટવાઈ ગઈ. માંડ માંડ બહાર નીકળી શકી. ભીંસાઈ ગયેલું કૂતરું છૂટીને ભાગે એમ ભાગીને એ નજર પાછી આવી અને મનના ઊંડાણમાં જઈને સંતાઈ ગઈ – ઉંવા ઉંવા કરતી લપાઈ ગઈ.

સત્તર વરસ –

સત્તર વરસથી અવાવરું પડેલી ભોં. ખાડાટેકરા, જાળાંઝાંખરાં, ખેદાનમેદાન… મોહન જોતો રહ્યો. લાખુ સાથે વાતો કરતો રહ્યો ને લાખુને જોતો રહ્યો.

એક દિવસ, બે દિવસ, ધીરજ રાખીને નજર માંડીને, રોજેરોજ લાખુને એણે જોયા કરી. રોટલા ઉપર બરાબર ભાત પડી છે કે નહિ એની ખાતરી કરવા, રાંધનારી રોટલાને ઉથલાવી ઊથલાવીને જુએ એમ લાખુને એણે ફેરવી ફેરવીને જોઈ – ભમરા પડી ગયા હતા.

બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના લાખુને જોતાં જોતાં એણે બીડીઓ પીધા કરી અને ચાર મહિના પછી એક દિવસ એણે લાખુનું લખણું કરી દીધું. અને થોડા દિવસ પછી, ગોરૈયાના જેલમ ગાંડાની અઢાર વરસની છોકરી તેજુને એણે ઘરમાં બેસાડી. તેજુ લીલીછમ હતી.

જેલમાં સત્તર વરસનું તપ કરીને આવ્યો હતો – પાકું ટબોરા જેવું ફળ મળ્યું હોય એમ એ હરખાતો હતો.