ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉત્પલ ભાયાણી/બંધન અને મુક્તિ
ઉત્પલ ભાયાણી
પ્રકૃતિએ ભલે તેમની વચ્ચે સમાનતાની કોઈ શક્યતા રહેવા દીધી ન હોય, સંસ્કૃતિએભલે તેમને ‘માનવ’ અને ‘ફળ’ એવી તદ્દન જુદી જુદી જાતિમાં વર્ગીકરણ કરી પહેલાને ‘ભોક્તા’ અને બીજાને ‘ભક્ષ્ય’ના વિરોધાભાસી વર્ગમાં મૂક્યા હોય, પણ પરિસ્થિતિએ તો હમણાં, આ કિસ્સામાં તેમની વચ્ચે નોંધપાત્ર સામ્ય લાવી દીધું હતું. અલબત્ત, વાત અહીં જેની પાછળ સ્મશાનનો થોડોક ભાગ પડે છે, તેવા વિશાળ રાનડે માર્ગના ત્રીજા ઉપમાર્ગ અર્થાત્ હનુમાન ગલીના નાકે એક જ રેંકડી પર ગોઠવાયેલા ભૈયા બદરીપ્રસાદ અને કેળાંના ઢગલાની થાય છે.
દેખીતી રીતે જ આ ગળે ઊતરે તેવી વાત નથી, પણ આ કળિયુગમાં ગમે ત્યારે ગમે તે, ગમે તેટલા સમયમાં થઈ શકે છે તે વાત કોણ નથી જાણતું? એવું જ અહીં પણ બદરીને કશુંક અચાનક થવા લાગ્યું. મૂળે બદરીપ્રસાદ જડ કહી શકાય તેવી ગંભીર પ્રકૃતિનો ઠરેલ આદમી. એ બેઠો હોય તો બસ બેસી જ રહે. હાલવા—ચાલવાનું નામ નહીં, ટાઢ—તડકાની પરવા નહીં. જે ગામમાંથી બદરી આવેલો તે ગામમાં એવી એક માન્યતા હતી કે બદરી જેટલી જંગલે જવામાં વાર કોઈને ન લાગે. અલબત્ત, બદરીનું ગામ સાવ ખોબા જેવડું હતું, છતાં પણ… અને એવું પણ નહોતું કે બદરીને કોઈ પેટની તકલીફ હોય. આ તો એમ કે જંગલે ગયા હોઈએ ને બેસાય તે બેસાય પછી ઊઠવાનું યાદ ન રહે. તેમાં પણ ઉભડક બેસી, બંને ગોઠણો પર હાથ ટેકવી અને વચ્ચે માથું નીચું નાખીને બદરી બેઠો હોય તો ભાગ્યે જ કોઈ કહી શકે કે તે જીવતો છે કે નહીં. અરે, માણસ છે કે નહીં તે કહેવું પણ કઠિન!
હનુમાન ગલીની રેંકડી પર પણ આમ જ થયું. બદરી તો એ જ પોતાની અસલ સ્થિતિમાં સમાધિ લગાવી બેસી ગયો. રેંકડીનો એક પંચમાંશ ભાગ તે રોકતો હતો. પછી થોડીક જગ્યા હતી અને બાકી બધે કેળાંઓ જ કેળાંઓ. વ્યવસ્થિત રીતે ખીચોખીચ ગોઠવાયા હોવાથી આ આખો સામૂહિક જથ્થો એક જ એકમ હોય તેમ ભાસતું હતું.
અંગ્રેજી અક્ષર ‘સી’ આકારના, પણ પોતાના તરફ બંને છેડા રાખતા કેળાંના ઢગલાને ચૂંચી આંખે પણ એકીટશે નીરખતા બદરીને આ ઢગલામાં પોતાનું સૂક્ષ્મ તેમ જ વિરાટ પ્રતિબિંબ દેખાયું. પહેલાં એમ વિચાર આવ્યો કે આ ઉભડક પગે બેસવાની પોતાની સ્થિતિ પણ કેળાં જેવી જ છે. અને પછી એમ આવ્યો કે હું પણ કેળા જેવો જ છું. અને છેવટે એવા તારણ પર પહોંચ્યો કે કેળાં તો મારા કરતાં મહાન છે. કેળાં તેનું સર્વસ્વ છે, સુખ—દુ:ખના સાથી છે, કોઈ પણ સમયે સાથે રહેનાર પરમ મિત્ર છે, એવી અને એવી જ બધી લાગણીઓ બદરીને થવા માંડી. સંસ્કૃત તો શું કંઈ પણ બદરીને આવડતું નહોતું — બાકી ‘ત્વમેવ માતા’નો શ્લોક બદરીના અંતરની શ્રેષ્ઠ અભિવ્યક્તિ બની શકે તેમ હતો.
અપાર કૃતજ્ઞતાથી બદરી કેળાંના ઢગલાને તાકી રહ્યો. આ ઉમદા, કદી કશું ન ઇચ્છતા કે માગતા અને માત્ર સમભાવથી જ નીરખી રહેતા સાથીનો સાથ તેવી જ ઉમદા રીતે નિભાવવા બદરી કૃતનિશ્ચયી બન્યો.
માખીઓના અસ્તિત્વનો ખ્યાલ, એમાંની એક નાક પર બેઠી ત્યારે આવ્યો. એક તેના નાક પર અને બીજી તેની ટાલ પર ફરતી હતી. બાકીની ત્રણ—ચાર કેળાંઓ પર હતી. માથું હલાવવાનો વિચાર બદરીને આવ્યો, પણ કેળાંના ઢગલાની નિશ્ચલતા જોઈ તેણે પણ માંડી વાળ્યો. માખીઓ બંને પર ફરતી રહી. તો બદરી પરથી કેળાંના ઢગલા પર અને કેળાંના ઢગલા પરથી બદરી પર સ્થળાંતર પણ કર્યું. પરંતુ માખીઓને ખબર તો ન જ પડી કે બદરી કયો અને કેળાંનો ઢગલો કયો? બદરી સ્વજન માટે કંઈક કરી છૂટ્યાનીલાગણી અનુભવી રહ્યો.
ત્યાં ખનનન્ કરતો એક મોટો સિક્કો બદરી અને કેળાંના ઢગલા વચ્ચેની જગ્યામાં પડ્યો.
સિક્કાના રણકવાથી, સિક્કાના ચળકાટથી, સિક્કાની ચંચળ ગતિથી બદરીની ચૂંચી આંખો થઈ શકે એટલી મોટી થઈ. સિક્કાને તે નીરખી રહ્યો. સિક્કાનો અર્થ તેના મસ્તિષ્કમાં ગયો, ત્યાં સુધી બદરી તેને નીરખી રહ્યો. વિષની જેમ સિક્કાની અસર સમગ્ર દેહમાં ધીરે ધીરે પ્રસરવા માંડી અને બદરીના દેહમાં ચેતન આવ્યું. કેળાંના ઢગલા સાથેની, કુદરત સાથેની તદ્રૂપતા તૂટી.
ઉભડક બેસવાની સ્થિતિ છૂટી ગઈ. બદરી માણસ બની ગયો, કેળાં ફળ બની ગયાં અને ફળ વેચનાર વેપારી ફળ સાથે જે વ્યવહાર કરે તેવો વ્યવહાર બદરી અને કેળાં વચ્ચે થઈ ગયો.
થોડી વાર પછી બદરીએ ફરી ઉભડક બેસવાનો પ્રયાસ કર્યો પણ ફાવ્યું નહિ, મજા ન આવી. તે રેંકડી પર ચપટ બેસી ગયો. સિક્કો આંગળીઓ વચ્ચે રમતો હતો. અચાનક કેળાંના સમૂહ પર બદરીની નજર પડી. દૃષ્ટિ ઝૂકી પડી. વ્યભિચાર કરતાં પકડાઈ ગયેલા પતિની સમક્ષ પત્ની ઝૂકી પડે તેમ. સિક્કો હાથમાંથી છૂટી ગયો. ફરી સિક્કાનો અવાજ થયો. એક કંપારી શરીરમાં છૂટી ગઈ.
બદરીએ ગૂણિયા નીચેથી એક બીડી કાઢી. ઊંડો કશ ખેંચી, ધુમાડો બહાર કાઢતાં ફરી કેળાં પર દૃષ્ટિ પડી. ધુમાડો કેળાં પર થઈને જતો રહ્યો. ઉચ્ચાસને બેઠેલો સત્તાધીશ રંક પ્રજાને જોતો હોય તેમ બદરી કેળાંના સમૂહને જોઈ રહ્યો. બીડી પૂરી થઈ ત્યાં સુધી જોઈ રહ્યો.
હવે બધું ઓસરી ગયું હતું. ઉશ્કેરાટ શમી ગયો હતો. કેળાંના ઢગલાનો અને પોતાનો સંબંધ બદરીને સાંભરી આવ્યો. ઉભડક બેસી જવાયું, હાથ ગોઠણ પર ટેકવાઈ ગયા, માથું નીચે નમી ગયું, આંખો ચૂંચી થઈ ગઈ, બદરી નિશ્ચલ થઈ ગયો અને માખીઓ આવી ગઈ.
પણ આમ કેટલો વખત ચાલે?
સિક્કો રણક્યો, બદરી ચમક્યો. કેળાંના સમૂહ પર દૃષ્ટિ અટકી, પરંતુ બીડી પીવાની અદમ્ય ઇચ્છાને કારણે, બીડી પીવાની લતને કારણે બદરીએ ફરી હલનચલન શરૂ કર્યું.