ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધરમાભાઈ શ્રીમાળી/દાજવું તે...

Revision as of 05:57, 28 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દાજવું તે...

ધરમાભાઈ શ્રીમાળી

જેમ જેમ ડેલી નજીક આવતી ગઈ. એના કાનમાં ઢોલ પડઘાવા લાગ્યો…

લખુભાના પરબતની જાન નીકળવાની તૈયારી થઈ ચૂકી હતી. ડેલીમાં રોશની ઝળહળી રહી હતી. એક પા પડેલી પેટ્રોમેક્ષ પાસે એ સૌ ઊભાં રહ્યાં.

‘ચેટલાં જણ સો લ્યા?’

‘અમે ચાર જણાં સીએ. મું, બબલી, બબલીની મા અનઅ આ મેઠીવઉ…’

‘હારું, લ્યો ઉપાડો ઝટ.’

એક પછી એક સૌએ ટપોટપ ઝળાં ઝળાં પેટ્રોમેક્ષ ઊંચકીને માથે મૂકી. સાચવીને પગ માંડતાં આગળ-પાછળ થઈ ગયાં.

બેન્ડવાજાં એક સાથે તાલ મેળવવા લાગ્યાં. શરણાઈના સૂર રેલાવા માંડ્યા. ને ઢોલ પડઘાવા લાગ્યો.

‘બબલી, તું ડાભે નઅ મેઠીવઉ જમણે ર’ઈન્ મોર થો. નઅ તારી મા બચમઅ રે. બતી બીજી લગાડઅ કરઅ તો મું સું હંગાથ.’ બબલીના બાપે સૂચના આપતાં કહ્યું.

ડેલીમાંથી નીકળેલી જાન, દારૂખાનું ફૂટતાં થોડીવાર ઊભી રહી.

‘પિટ્યા, ભાળતાય નથી, માંથઅ બતી સઅ તોય પાંહઅ જ્ ટેટા સોડી સી…’ કરતાં બબલીએ એક પા ઊભા રહીને જોયું તો લખુભાનો પરબત ઘોડી પર બેઠો બેઠો પાન ચાવી રહ્યો હતો. માથે સાફો, સાફામાં લબઝબ થતી કલગી, ખભે મખમલી મ્યાનવાળા તલવાર, પેટ્રોમેક્ષના અજવાળામાં ઝળાંઝળાં થતો એનો ડ્રેસ, પગમાં મોજડી…

દારૂખાનું ફૂટી રહ્યું કે, જાન આગળ ચાલી.

બબલીય જાનથી આગળ આગળ… માથે પેટ્રોમેક્ષ, પેટ્રોમેક્ષની આસપાસ ઘૂમતાં જીવડાં અને ગામનું લોક…

તલવારની પટ્ટાબાજી બરાબરની જામી. બેન્ડવાજાંવાળાય ઘડી થંભી ગયા. શરણાઈ તો લગભગ ચૂપચાપ થઈ ગઈ હતી. ઢોલ એકલો જ વાગતો હતો.

બબલીએ મેઠી સામે જોયું. મેઠી અડધી લાજ કાઢીને માથા પરથી પેટ્રોમેક્ષ સાચવતી ઊભી રહી.

પાછળ રામો રાત સલોકા કહેવા માંડ્યો. એના હાથમાં પકડેલી મશાલની જ્યોત જાંખી પડે કે તરત જ મશાલ પર તેલ રેડતો. એનો મોટો છોકરો સલોકામાં સાદ પુરાવતાં, ‘ભલો…’ કહેવા માંડ્યો.

‘ભાના દિયોર… આંય કણઅ ચેવા સીધા દોર થેઈન્ ભલો… કરી ર’યાસી? વાહમઅ બોલાબ્બા આવી તાણઅ તો જાંણઅ… ચીડિયો ચડતી હોય ઈમ સેટે ર’યા ર’યા હકંમ્ કરસી. દરબારનાય બાપ હોય ઈમ.’

મનોમન ગબડતી બબલીની આંખ પાસે ઝાપટ મારતું એક જીવડું ઊડી ગયું. પેટ્રોમેક્ષ થોડીક હલી. પણ તરત જ બે હાથે પકડીને એણે સંભાળી લીધી. આજુબાજુથી હસવાનો અવાજ આવ્યો. ‘એઈ… સિ…સ…’ જેવો સિસકારો થયો.

બબલીએ ફરી એકવાર પરબત તરફ નજર નાંખી. એને લાગ્યું, પરબત એના સામે જ તીરછી નજરે જોઈ મલકી રહ્યો છે.

‘પિટ્યો… નશરમો! પૈણવા હેંડ્યો તોય… આટલા બઈલે જ મું ના પાડતી’તી. પણ બાપો માંન્યા નઈ. બળ્યું આ બધું… દેખવું નઅ…’

પેટ ચૂંથાતું હોય એવું હળવું દર્દ અનુભવાતાં એણે એક હાથે પેટ પસવાર્યું. પણ એમ કરવા જતાં ઓઢણાનો છેડો સહેજ અધ્ધર થઈ ગયો. ફરી ટોળામાંથી સીટી વાગી હોય એવો સિસકારો થયો. એ ઝડપથી ઓઢણું સરખું કરવા ગઈ. પણ પેટ્રોમેક્ષના ગોળા પર હાથનાં ટેરવાં અડકી ગયાં. હાથ પાછો ખેંચી લીધો. ટેરવે દાહ ઊપડ્યો ને જાન આગળ ચાલી.

‘બબલી, જરા હળવી હેંડ બુન.’ કરતો એનો બાપ દોડતો પાસે આવીને ઊભો રહ્યો ત્યારે જ ખબર પડી કે, ટેરવાંની બળતરામાં ને બળતરામાં એ ખાસી આગળ નીકળી ગઈ હતી!

‘ઘોડીની બાજુમઅ જ, વરરાજાનઅ અંધારું ના પડઅ ઈમ… પાંહઅ પાંહઅ હેંડવાનું.’

બબલીને એના બાપ પર ચીડ ચઢી. એ કશુંક બબડવા ગઈ, પણ છાતી દાઝતી હોય એવું લાગતાં ઓઢણાનો છેડો છાતીએ દબાવતી એક પા ચૂપચાપ ઊભી રહી.

‘ઘોડી નચાડવાની સઅ… હઉવ એક પા રો’લ્યા…’

ટોળું પાછું હઠ્યું, ચોરા વચ્ચે સૌ ઘોડી ફરતે, પહોળા કુંડાળે ઊભાં રહ્યાં. પરબતે ઘોડીની લગામ સંભાળી. થોડી થોડીક હલી. ધ્રૂજી, માથું ઊંચું-નીચું કર્યું ને માલિકના ઇશારે આગળ-પાછળના પગ વારા ફરતી અધ્ધર કરીને નાચવા લાગી.

બબલી ઝડપથી એક પા ના થઈ હોત તો ઘોડી પર બેઠેલા પરબતની મોજડીની ચાંચ એના પડખામાં જ લાગત.

‘પિટ્યો, ચોરા વચીય… હખણો રે’તો નથી.’ એ કટાણું મોં કરતાં મનોમન બબડી.

લખુભાના પરબતની જાન જોવા ટોળાંટોળાં ઊમટવા લાગ્યાં. વરઘોડાની ફરતે વસ્તી વીંટળાઈ વળી ને બબલીના મનને વીંટળાયેલું, નારિયેળની જાત જેવું કંઈક… ધીમે ધીમે ઊખડવા માંડ્યું.

‘બબલી, તું અમારું ગરાક્. અમારા સેતરમાં તારું મન કે’ ઈમ હરવા ફરવાની છૂટ હાં.’

‘ઓહો… ચ્યમ્ ચ્યમ્ કાંચ એટલું બધું?’

‘એ તો…’ કરતાં ઊભેલા પરબતે બીજું કંઈ ના સૂઝતાં, ‘બલી હાચું કઉં?’

‘શ્યું?’

‘આખા ગામમાં એક તું જ…’

‘હેંડ હેંડ અવઅ…’

‘મારા હમ, બસ.’

‘જુઠ્ઠા.’

‘તારા હમ, તાણે લે…’ કરતાં પરબતે આજુબાજુ જોઈ બબલીને આંતરી. બબલી દોડવા ગઈ ને શેઢા પરથી પગ લપસ્યો. એ ઢીંચણ છોલાય એમ પડી. પરબતના પગ નીચે ઓઢણાનો છેડો દબાયો. ઓઢણું એમ ન રહેવા દઈને એ આડા ખેતરે દોડેલી…

‘એ… ઘોડી ભડચી લ્યા!’

‘હેં!’ કરતાં બબલી બે ડગલાં પાછળ હટી ગઈ.

પરબતે મહાપ્રયત્ને ઘોડી પર કાબૂ મેળવ્યો. થોડીક હળવાશ જેવું થયું. થોડી હળવે હળવે ચોરા વચ્ચે ખુલ્લી થયેલી જગ્યામાં ચક્કર મારતી નાચવા લાગી.

પચ્ચ્ દઈને બબલીના પગ પાસે પીચકારી પડી.

‘પિટ્યો, કપાતર… ઈનું કાળું થાય ઈનું. પિટ્યાની ઠાઠડી બંધાય…’

‘બબલી હેંડકીન્, ઊભી ચ્યમ્ રી’સી?’

કાળઝાળ રણમાં પગ માંડતી હોય એમ એ ચાલવા માંડી.

બૅન્ડવાજાં, શરણાઈ અને ઢોલ એક સાથે વાગવા માંડ્યાં. જાતભાતનું દારૂખાનું ફટાફટ ફૂટવા માંડ્યું. ચોફેર અવાજ વિસ્તરવા માંડ્યા. ઝબકારા કરતું દારૂખાનું ધુમાડાના ગોટ બની હવામાં ઓગળવા માંડ્યું. બબલીને કાનમાં આંગળી ખોસવાની ઇચ્છા થઈ. પણ પેલી પેટ્રોમેક્ષ… એણે આંગળીનાં ટેરવાં પર બીજી આંગળી વતી સ્પર્શ કર્યો. ઘડી પહેલાં ટેરવે ઊપડેલો દાહ ખાસો ફૂલીને ફોલ્લા જેવો થતો હતો. દાહ પર સ્પર્શ કરતાં જ એણે ટચલી આંગળીના વેઢા ગણવા માંડ્યા.

‘પંનર દા’ડા અંધારિયાના, નઅ પંનર અજવાળિયાના, એક મઈનો. નઅ… ઈના ચેડી બીજી અમાહ્ જઈ. નઅ આજી તો બલી અજવાળી બીજ!’

એના પગમાં ધ્રુજારી છૂટતી હોય એવું થયું.

ઓઢણાનો છેડો ખસે એ પહેલાં સરખો કર્યો. ચોફેર નજર નંખાઈ ગઈ. પગમાં ઊપડેલી ધ્રુજારીથી સરખું ઊભું રહેવામાં તકલીફ પડતી હતી ને પાછું માથા ઉપરની પેટ્રોમેક્ષ. એ પોતાની જાત પર ગુસ્સે થવા લાગી.

‘મૂઈ, આ બતિયો ઉપાડવાની વેઠ!’ આદમીઓન્ તો ઠીક. બૈરાં નઅ જ ઉપાદિ…’

ટોળે વળેલી વસ્તી પર નફરત થઈ આવી, ‘રાતી રાતી જેમેલો ચટકતી હોય ઈમ પીટ્યાંની આંશ્યો…’ એ મનોમન બબડવા લાગી.

‘ફટકો સઅ… ફટકો!’ ટોળામાંથી અવાજ આવ્યો.

એણે આંખો મીંચી દીધી. કાયા સંકોરતી હોય એમ એક પા ઢીલી ઢફ થઈને ઊભી રહી.

‘પેટમઅ ચ્યમ્ ઝેંણું ઝેણું…?’ બળ્યું, જીવ ગભરાતો હોય ઈમ…’

એણે મોઢામાં મોળ છૂટતાં એક બાજુ ધીમેથી થૂંક્યું.

બૅન્ડવાજાંનો એક સરખો ઘોંઘાટ, ઢોલનો ભારેખમ અવાજ અને હમણાં ફૂટેલા દારૂખાનાની ગંધ એના જીવને બેચેન કરવા લાગ્યાં. એણે મેઠી સામે જોયું. મેઠી એની રીતે જ ચૂપચાપ મોં ઢોંકીને પેટ્રોમેક્ષ સંભાળતી ચાલી રહી હતી. એને મેઠી પાસે દોડી જઈ કંઈક કહેવાનું મન થયું. પણ સામી બાજુ ઊભેલી મેઠી પાસે જવું મુશ્કેલ હતું. પાછળ જોયું. વરઘોડાની વચ્ચે થોડીક અલગ રહીને ચાલતી એની મા દેખાતી નહોતી ને બાપ તો પેટ્રોમેક્ષનું અજવાળું બરોબર થાય છે કે નહીં? –નું ધ્યાન રાખવામાં, આમ-તેમ જોયા કરતો હતો.

ડાબા પગના તળિયે કાંકરો કૂચ્યો. આછા સિસકારા સાથે પગ સહેજ અધ્ધર કર્યો ને એના મોંએ દબાતા અવાજમાં શબ્દો સરી પડ્યાઃ

‘મૂઈ હૂળ, રાંડની… નડી જી. જેઠુ પાડીન્ રી’…’

‘બબલી, બતી હંભાળ… બતી!’

ગામના ઝાંપા-તોરણે જાન આવીને ઊભી રહી. એણે પરબતની ઘોડી સામે જોયું. ઘોડી નાચી નાચીને હાંફી રહી હતી. એનો માલિક બૂચકારો કરી પંપાળી રહ્યો હતો ને પરબત તો ખુશખુશાલ ચહેરે આમ-તેમ નજર નાખતો બેઠો હતો. એના બોઠ પાનની પિચકારીો મારીને લાલલાલ થઈ ગયા હતા.

બબલીને બધું લાલમ્ લાલ દેખાવા માંડ્યું. પેટ્રોમેક્ષ સાથે જકડાયેલી હાથની પક્કડ તંગ બનવા લાગી. મોંઢામાં ભરાયેલ મોળ… અંદરને અંદર ડચુરાવા લાગ્યું. પેટનો ચૂંથારો અધ્ધર થવા લાગ્યો. છાતીમાં ગભરામણ મચી ગઈ. ચહેરો રેબઝેબ થવા માંડ્યો. પગ ધ્રૂજતા રહ્યા. એણે આસપાસ નજર નાંખી. પછી નીચે જોયું. એક હાથે ઓઢણાના છેડાનો ડૂચો કરી, મોંઢા આડે કરવા ગઈ. પણ આલહ-વેલહ થયેલો જીવ કાબૂમાં ન રહ્યો. મોળ ભરેલું મોં ઓ…ઓ…ઓ… કરતું ખૂલી ગયું. બીજાહાથે જરા જોર દઈને પેટ્રોમેક્ષની પક્કડ જાળવવા ગઈ ને ટેરવાં પર ઊપસેલો દાહ દબાયો. ધગ્‌ધગતા અંગારા જેવી કાળી બળતરાને લીધે પક્કડ ઢીલી પડી ગઈ. હાલકડોલક પેટ્રોમેક્ષનું મેન્ટર લાલ થયું, ઝાંખું થયું અને પછી ભફ્ ભફ્ થતી પેટ્રોમેક્ષ એકધારી ભડકે ચઢી… (‘સાંકળ’માંથી)