રવીન્દ્રપર્વ/૨૭. વિલય
Revision as of 08:52, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. વિલય| }} <poem> જાણે બે લોચન એનાં નવનીલ ભાસે પ્રકટી ઊઠ્યાં છે...")
૨૭. વિલય
જાણે બે લોચન એનાં નવનીલ ભાસે
પ્રકટી ઊઠ્યાં છે આજે અસીમ આકાશે.
વૃષ્ટિધૌત પ્રભાતના આલોકહિલ્લોલે
અશ્રુભીનું હાસ્ય એનું વિકસતું દીસે.
એ જ એની સ્નેહલીલા સહસ્ર આકારે
ચારે દિશાએથી આવી ઘેરી વળે મને.
વર્ષાતણી નદી પરે છલછલ આભા
દૂર તીરે કાનનની ઘનનીલ છાયા,
દિગન્તના શ્યામપ્રાન્તે શ્રાન્ત મેઘરાજિ —
એનું મુખ જાણે આવાં શતરૂપે સોહે.
આંખો એની કહે જાણે મારા ભણી જોઈ;
‘આજ પ્રાતે ગાઈ ઊઠ્યાં બધાં પંખી વને
માત્ર મારો કણ્ઠસ્વર આ પ્રભાતાનિલે.
લુપ્ત થયો અનન્ત આ વિશ્વના વિસ્તારે.’
(ચૈતાલિ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪